શુક્ર શુક્રની કળાઓ : સૌરપ્રણાલીમાં સૂર્યથી બીજા ક્રમે આવતો અને પૃથ્વીની નજીકમાં નજીકનો સૌમ્ય ગ્રહ. ઉપર ઉપરથી જોતાં શુક્ર પૃથ્વીનો જોડિયો ગ્રહ હોય એવું લાગે છે.

પૃથ્વીના જોડિયા ગ્રહ જેવો લાગતો શુક્ર

108 કિલોમીટર અંતરે તે સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે. તેના ભ્રમણનો આવર્તકાળ પૃથ્વીના 243 દિવસ જેટલો છે. તેની સપાટી ખાસ કરીને સપાટ છે; પણ તેની ઉપર કેટલાક વિસ્તારો ઊંચકાયેલા છે, જે પૃથ્વીના ખંડો જેવા દેખાય છે.

શુક્ર લગભગ પૃથ્વીના જેટલું કદ ધરાવે છે. તેનું દળ પૃથ્વીના દળ કરતાં 81 %; પૃથ્વીની ઘનતા જેટલી લગભગ ઘનતા; પૃથ્વીના વ્યાસ કરતાં તેનો વ્યાસ 95 % છે. તે પ્રભાત કે સંધ્યાનો તેજસ્વી ‘તારો’ કહેવાય છે. શુક્ર સૂર્યની નજીક હોવાથી તથા તેનું વાતાવરણ અતિ પરાવર્તનશીલ હોઈને ચંદ્ર પછી બીજા ક્રમે આવતો સૌથી વધારે તેજસ્વી ગ્રહ છે. તેનો તેજસ્વિતા માનાંક – 4.ર4 છે. વળી, તે પૃથ્વીની નજીક હોઈ, ચંદ્રની જેમ, તે કળાઓ (phases) કરે છે. તે પૃથ્વીથી મહત્તમ અંતરે હોય ત્યારે પૂર્ણ કળા કરે છે. (જુઓ રંગીન આકૃતિ)

શુક્ર

જ્યારે શુક્ર A સ્થાને એટલે કે પૃથ્વીથી નજીકતમ અંતરે હોય ત્યારે નવીન (new) અને અદૃશ્ય હોય છે. તે લગભગ વર્તુળાકારે ભ્રમણ કરે છે. શુક્ર સ્થાન Aથી સ્થાન E આગળ જતાં તેનું અંતર પૃથ્વીથી વધતું જાય છે. સ્થાન E આગળ શુક્ર પૃથ્વીથી મહત્તમ અંતરે હોય છે. ત્યારબાદ Eથી A જતાં બંને વચ્ચેનું અંતર ઘટતું જાય છે. આ દરમિયાન શુક્ર કળાઓ કરે છે. સ્થાન B અને H આગળ હોય ત્યારે ચાપાકાર (બીજના ચંદ્ર જેવો) હોય છે અને તે સમયે મહત્તમ તેજસ્વિતા ધરાવે છે. E સ્થાને તેની કળા પૂર્ણ હોય છે.

શુક્ર પ્રાચીન સમયથી જાણીતો છે. પણ પહેલાં તે બીજા નામે ઓળખાતો હતો એટલે કે ‘સુબહનો તારો’ (Phosphorus) અને ‘સાંધ્યનો તારો’ (Hesperus) – એ રીતે પાછળથી તેને ગ્રહ તરીકે માન્યતા મળી. પ્રેમ અને સૌંદર્યની રોમનદેવીના નામે તે ઓળખાય છે. પ્રાચીન સમયથી આ ગ્રહ માનવજાતને કોયડા સમો છે. તેની કળાઓની શોધ ગેલિલિયોએ કરી અને તે સાદા ખગોલીય દૂરબીન વડે જોઈ શકાય છે.

તત્કાલીન યુ.એસ.એસ.આર. અને યુ.એસ.ના અવકાશ-સંશોધનના ભાગ રૂપે તેમના અવકાશી અન્વેષકો(space probes)ને આધારે શુક્રની સપાટીની જાણકારી મળતી જાય છે. 1958માં રેડિયોટેલિસ્કોપની માહિતીને આધારે જાણી શકાયું છે કે શુક્રની સપાટી 600 K (~ 300° સે.) તાપમાને ઉષ્મીય ઊર્જાનું ઉત્સર્જન કરે છે. શુક્ર ઉપર મોકલેલા રડાર સંકેતોના પરાવર્તનથી જાણી શકાયું છે કે આ ગ્રહ ‘ખોટી (ઊલટી)’ દિશામાં અત્યંત ધીમે ધીમે ભ્રમણ કરે છે.

1962માં નાસા(National Aeronautics and Space Administration)ના અન્વેષક મરિનર-2એ શુક્રની આસપાસ પ્રથમ વાર ભ્રમણ કરીને ચોક્કસ કર્યું કે તેની સપાટી 600 K તાપમાને ઉષ્મીય ઊર્જાનું ઉત્સર્જન કરે છે. 1965થી 1975ના સમય દરમિયાન સોવિયેતે શુક્રની જાણકારી માટે વેનેરા (Venera) નામના 15 અન્વેષકો મોકલ્યા હતા. તેમાંના થોડાક અન્વેષકો લક્ષ્ય ચૂકી ગયા તો કેટલાક ગુમ થયા અને કેટલાક શુક્ર સાથે અથડાઈ પડ્યા. પાંચ અન્વેષકો સહીસલામત રીતે શુક્ર ઉપર ઉતરાણ કરી શક્યા.

પૅરેશૂટના ઉતરાણને સહારે શુક્રનું વાતાવરણીય તાપમાન અને દબાણની રૂપરેખા મેળવી શકાયાં. શુક્રની સપાટીનું તાપમાન આશરે 733 K (~ 460° સે.) છે. રેડિયો ખગોળવિદ્યા આધારિત તારણો કરતાં આ સપાટી વધુ ગરમ છે.

શુક્રની સપાટી આગળ વાતાવરણનું દબાણ 93 કિલોગ્રામ / સેમી.2 છે; જે પૃથ્વીના વાતાવરણના દબાણ કરતાં 90 ગણું વધારે છે. શુક્રની સપાટીથી આશરે 80 કિલોમીટર ઊંચે, સૂર્યનો લગભગ 99 ટકા પ્રકાશ તેના વાતાવરણ વડે શોષાય છે. જેટલો પ્રકાશ શુક્રની સપાટીએ પહોંચે છે તે તેના વડે શોષાય છે અને પુન: ઉત્સર્જન પામે છે; તેથી વાદળાં ગરમ થાય છે અને ‘ગ્રીન હાઉસ’ અસર પેદા કરે છે. પરિણામે વાતાવરણ અપારદર્શક બને છે. તેના વાતાવરણમાં 96.5 % કાર્બન ડાયૉક્સાઇડ, 3.4 % નાઇટ્રોજન અને 0.1 %થી ઓછા અન્ય વાયુઓ રહેલા છે. અન્ય વાયુઓમાં 0.015 % સલ્ફર ડાયૉક્સાઇડ, 0.015 % જળબાષ્પ અને 0.03 % ઑક્સિજનનો સમાવેશ થાય છે. હાઇડ્રોજન ક્લોરાઇડ (HCl) અને હાઇડ્રોજન ફ્લોરાઇડ (HF) પણ નોંધાયા છે. શુક્રના આટલા ઊંચા તાપમાને પાણીનું અસ્તિત્વ બિલકુલ ન હોય તે સ્વાભાવિક છે. વાદળાં જલદ સલ્ફ્યુરિક ઍસિડનાં નાનાં નાનાં બુંદથી રચાયેલાં છે. ગ્રહના ધોવાણ(erosion)નું આ મુખ્ય કારણ છે.

શુક્રની સપાટી આગળ પવનોનો વેગ સરેરાશ થોડાક કિમી./કલાક જેટલો છે. પણ ઘણે ઊંચે પવનોનો વેગ ઘણો વધારે છે. ગ્રહના ભ્રમણની દિશા કરતાં પવનોની ગતિ દિશા પ્રતિગામી (retrograde) હોય છે.

નાસાના મૅગેલન (Magellan) અન્વેષકે 1990થી 1992 સુધી આ ગ્રહની આસપાસ પૂરાં બે ચક્કર માર્યાં. તેને આધારે શુક્રનો નકશો તૈયાર કરવામાં આવ્યો. તે ઉપરથી અસંખ્ય ટક્કર-ગર્ત (impact craters) તથા જ્વાળામુખીના અસ્તિત્વની ભાળ મળી છે. આવા ગર્ત ઉલ્કાઓની ટક્કરને લીધે બન્યા હશે. ત્યાં આશરે 300 કિમી. પહોળો અને એક કિમી. ઊંચો જ્વાળામુખી પર્વત છે. કદાચ આને કારણે શુક્રના વાતાવરણમાં કાર્બન ડાયૉક્સાઇડ અને નાઇટ્રોજન અસ્તિત્વમાં આવ્યા હોય. લાંબી પર્વતમાળા અને તેના વિષુવવૃત્ત આગળ 1500 કિમી.ની ખાઈ પણ શોધાઈ છે. તે છતાં ઘણી ઓછી પ્રાપ્ત માહિતીઓને આધારે ચોક્કસ નિષ્કર્ષ ઉપર આવવું મુશ્કેલ છે. તેની માટી બૅસાલ્ટ જેટલી ઘનતા અને રાસાયણિક બંધારણ ધરાવે છે. રડારને આધારે લાવાનો પ્રવાહ પણ હોવાનું જાણવા મળ્યું છે.

શુક્ર તેની પોતાની ભ્રમણાક્ષ ઉપર અત્યંત ધીમેથી ભ્રમણ કરે છે. ઉપરાંત ઘણાખરા ગ્રહો કરતાં ઊલટી દિશામાં તે ભ્રમણ કરે છે. ધીમી ભ્રમણગતિના કારણે તેના ભ્રમણનો આવર્તકાળ ઘણો મોટો થાય છે. પરિણામે શુક્રના ચુંબકીય ક્ષેત્ર માટે આવશ્યક ડાઇનેમો-ક્રિયાવિધિને નકારી શકાય છે. તેથી શુક્રનું ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ક્ષેત્ર કરતાં હજારો ગણું ઓછું છે. શુક્રના નહિવત્ ચુંબકીય ક્ષેત્ર માટે કોઈ સ્પષ્ટ સમજૂતી ઉપલબ્ધ નથી; પણ આ ગ્રહ પૃથ્વીની જેમ અયનમંડળ (ionosphere) ધરાવે છે.

શુક્રની સખત સપાટી નીચે તેનું બંધારણ પૃથ્વીના જેવું છે. શુક્રના અભ્યાસ માટે જે પરિરૂપ (models) છે, તેને આધારે તેનો ઘટ્ટ અંતર્ભાગ (core) લોખંડ અને નિકલનો છે. આ અંતર્ભાગની ત્રિજ્યા 2,980 કિમી. છે. તેની આસપાસ પ્રાવરણ (mantle) છે. તેની સપાટી ઉપર પૃથ્વી ઉપર છે તેવા જ્વાળામુખી પર્વતોને આધારે તેનું પૃષ્ઠ પ્લેટોમાં વિભક્ત થયેલું જોવા મળે છે. આવી પ્લેટોની આંતર-અથડામણોને લીધે શુક્રકંપ (venus quakes) અને ગેડ(fold)-પર્વતો તૈયાર થાય છે.

સૌર પરિવારના અંદરના ગ્રહો (બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ) શૈલીય (rocky) છે; કારણ કે તે બધા એકસરખી રીતે અભિવર્ધિત (accrete) થયા છે. તે છતાં તેમની ઉત્ક્રાંતિ તદ્દન જુદી રીતે થતી આવી છે. કોઈ પણ ગ્રહ દળદાર (massive) હોય તો તેનું ગુરુત્વ-બળ વધારે હોવાથી વાતાવરણના કણો તેના પાશમાં રહે છે. ગ્રહનું ગુરુત્વબળ નિષ્ક્રમણ વેગ (escape velocity) નક્કી કરે છે. આ એવો વેગ છે, જેના આધારે કણ (પદાર્થ) ગ્રહને છોડી અવકાશમાં જાય છે. આ ગતિ રૉકેટ અથવા અણુ માટે સરખી જ હોય છે. શુક્રનો નિષ્ક્રમણ વેગ 10.3 કિમી./સેકન્ડ છે.

વધુમાં, વાયુના અણુનો વેગ તાપમાન ઉપર આધારિત છે. આથી નિયત તાપમાને હલકા કણો વાતાવરણમાંથી જલદી છટકે છે. હાઇડ્રોજન હલકામાં હલકો અણુ હોઈ સૌથી પહેલાં તે છટકી જાય છે. ગ્રહનું ગુરુત્વબળ પ્રચંડ હોય તો જ હાઇડ્રોજન અણુને તે વાતાવરણમાં લાંબા સમય સુધી જકડી રાખે છે.

શુક્રનું તાપમાન ઘણું ઊંચું હોવાથી ત્યાં પાણી પ્રવાહી સ્વરૂપે સંભવી શકે જ નહિ. શુક્રના ઉપલા વાતાવરણનું તાપમાન એટલું બધું વધારે છે કે તેને કારણે જળબાષ્પને ઊંચે ચઢતાં રોકી શકાય નહિ. ત્યાં કોઈ ‘શીત અંતરાય’ (cold barrier) નથી જેને કારણે બાષ્પને રોકી શકાય અને સૂર્યના પારજાંબલી (ultraviolet) કિરણો વડે તેનું વિઘટન (dissociation) થઈ શકે. બાષ્પ અણુ(H2O)ના ફોટોવિઘટન બાદ તેનો હાઇડ્રોજન (H2) બહિર્મંડળ(exosphere)માંથી ગુમ થાય છે. ઑક્સિજન જ્યાંનો ત્યાં જ રહે છે. જ્વાળામુખી-વિસ્ફોટમાંથી છૂટા પડેલા સલ્ફર સાથે ઑક્સિજન જોડાય છે. સલ્ફર ડાયૉક્સાઇડ અને સલ્ફર ટ્રાયાક્સાઇડનું નિર્માણ થાય છે. શુક્રનાં વાદળોમાં આવા જલદ સલ્ફ્યુરિક ઍસિડની હાજરી અત્યારે જોવા મળે છે.

શુક્ર સૂર્યની નજીક હોઈ પૃથ્વી કરતાં તે બમણી ઊર્જા મેળવે છે. આપણે એવું સમજી શકીએ કે જ્યારથી શુક્રનું વાતાવરણ પૂરતું ઘટ્ટ બન્યું ત્યારથી વાતાવરણીય કાર્બન ડાયૉક્સાઇડ (CO2) વડે ઘન કાર્બોનેટ્સ રચાયા નહિ; કારણ કે વરસાદનો અભાવ હતો. કોઈ પણ કારણસર કાર્બોનેટ્સનું ગરમીને લીધે વિઘટન થતાં CO2 મુક્ત થયો; આથી આજે શુક્ર ઉપર જોવા મળતી ‘ગ્રીન’ હાઉસ અસરનું પગેરું આદિકાળમાં ધૂમકેતુઓની થયેલી અથડામણો સુધી જાય છે.

નાસાના અન્વેષક પાયોનિયરે શુક્રના વાતાવરણમાં ડ્યૂટેરિયમની નોંધ લીધી છે. ડ્યૂટેરિયમ એટલે ભારે હાઇડ્રોજન [હલકા હાઇડ્રોજનનો સમસ્થાનિક (isotope)]. પાર્થિવ સમુદ્રોમાં હલકા હાઇડ્રોજન કરતાં ભારે હાઇડ્રોજનનું પ્રમાણ 100 ગણું વધારે છે. ભારે હાઇડ્રોજન હલકા હાઇડ્રોજન કરતાં બમણો ભારે છે; માટે તે બહિર્મંડળમાંથી સહેલાઈથી છટકી શકે નહિ. આથી શુક્ર ઉપર ધીરે ધીરે તેની સઘન જમાવટ થઈ. હાલ શુક્ર પર જોવા મળતો ડ્યૂટેરિયમનો વિપુલ જથ્થો દર્શાવે છે કે દૂર ભૂતકાળમાં પાણીનો ખૂબ જથ્થો અસ્તિત્વ ધરાવતો હોવો જોઈએ.

પ્રહલાદ છ. પટેલ