શુકદેવ
January, 2006
શુકદેવ : ‘મહાભારત’ તથા ‘ભાગવત’ મહાપુરાણનું એક અમર પાત્ર. તેમના વિશેની માહિતી ‘મહાભારત’, ‘ભાગવત’, ‘દેવીભાગવત’, ‘મત્સ્યપુરાણ’, ‘હરિવંશ’ આદિ પ્રતિષ્ઠિત ગ્રન્થો પૂરી પાડે છે. તે એક વિશિષ્ટ પ્રકારનું પાત્ર છેવટ સુધી રહ્યા છે.
જન્મ : આ અંગે ત્રણ અનુશ્રુતિઓ મળે છે : (1) વડોદરાના મ. સ. વિશ્વવિદ્યાલયના પ્રાચ્યવિદ્યા મન્દિર દ્વારા ગાયકવાડ્ઝ ઑરિયેન્ટલ સિરીઝમાં 1997માં પ્રકાશિત ‘વિશ્વામિત્રી-માહાત્મ્ય’માંના વ્યાસેશ્વર-માહાત્મ્ય અનુસાર વડોદરા નજીક વિશ્વામિત્રી તટે એક સ્થળને મહર્ષિ વિશ્વામિત્રે સિદ્ધક્ષેત્ર ગણાવતાં મહર્ષિ વેદવ્યાસે ત્યાં શિવલિંગ સ્થાપી તપ કરવા માંડ્યું. પ્રસન્ન થયેલ શિવજીએ વરદાન માગવા કહેતાં વ્યાસજીએ યોગી અને બ્રહ્મવિત્તમ સુપુત્ર માગ્યો. શિવજીની કૃપાથી પ્રાપ્ત આ પુત્ર તે શુકદેવ. (2) ઘૃતાચી નામની અપ્સરા શુકી(= પોપટી)ના રૂપમાં ભૂમિ ઉપર વિહરતી હતી. એક વખત તેણે પોતાનું અસલ સુન્દર રૂપ ધારણ કરેલું. તે સમયે અચાનક મહર્ષિ વ્યાસની નજર તેના ઉપર પડી. તેથી તેમનું વીર્ય તેના ઉપર સરી પડ્યું, તેમાંથી પુત્રનો જન્મ થયો. શુકીનો પુત્ર હોવાથી તેનું નામ ‘શુક’ પાડવામાં આવ્યું. મહર્ષિ વ્યાસ અને પુત્ર શુકના શરીરના વર્ણમાંનો તફાવત આ અનુશ્રુતિથી સમજી શકાય. (3) વ્યાસજીનું વીર્ય અરણીના કાષ્ઠ ઉપર પડતાં તેમાંથી શુકદેવ જન્મેલા એવી ત્રીજી અનુશ્રુતિ જોવા મળે છે. આમ મહર્ષિ કૃષ્ણદ્વૈપાયન વેદવ્યાસ અને ઘૃતાચી અપ્સરા શુકદેવજીનાં માતાપિતા હતાં અને તેમનો જન્મ ભગવાન શંકરની કૃપાથી થયેલો.
મહર્ષિ શુકદેવ પોતાના જ્ઞાન તેમજ નૈષ્ઠિક બ્રહ્મચર્ય આદિને કારણે પ્રાચીન કાળમાં એક વિરલ પ્રાત:સ્મરણીય વિભૂતિ ગણાતા હતા. આથી ભારતીય પુરાણોમાં ‘મહાતપ’, ‘મહાયોગી’ તથા ‘યોગશાસ્ત્રના પ્રણેતા’ જેવાં વિશેષણો વડે આ મહાપુરુષને નવાજવામાં આવ્યા છે.
વિદ્યાધ્યયન : શુકદેવના લૌકિક ગુરુ બૃહસ્પતિ હતા. પોતાના પિતાના આદેશ અનુસાર તેમણે પોતાના આ ગુરુવર્ય પાસેથી મોક્ષતત્વનો ઉપદેશ પ્રાપ્ત કરેલો. તેમના ઉપનયન-સંસ્કાર સ્વયં ભગવાન શિવે કરેલા. આ સંસ્કાર-સમયે ઇન્દ્રે તેમને કમંડળ તથા કષાય વસ્ત્ર આપેલાં. બૃહસ્પતિએ વેદાદિનું જ્ઞાન આપ્યું. વ્યાસજીએ પોતે ઉપનિષદ, વેદસંગ્રહ, ઇતિહાસ, રાજનીતિ તથા મોક્ષાદિ ધર્મ વગેરે શીખવ્યાં. પછીથી પિતાની સૂચના મુજબ બ્રહ્મજ્ઞાન-પ્રાપ્તિ અર્થે બહુલાશ્વ જનક રાજા પાસે ગયા. જનકે ત્યાં તેમને સ્ત્રીજાળમાં ફસાવવાનો પ્રયત્ન કર્યો પણ તેમને આ વિરક્ત શિષ્યે મચક આપી નહિ અને એ રીતે શુકદેવ તેમની કસોટીમાં ઉત્તીર્ણ થઈ ગયા.
વિરક્તિ : તેઓ પ્રથમથી જ અત્યન્ત વિરક્ત રહ્યા હતા. પરિણામે તેમણે ઉપનયન-સંસ્કાર થાય તે પહેલાં જ જીવનની સમસ્ત ભોગવસ્તુઓનો ત્યાગ કરી દીધેલો હતો. તે નગ્નાવસ્થામાં જ રહેતા હતા, વિચરતા હતા. તેમને પોતાના જ્ઞાનનો ઘમંડ થયો છે તેવું જોતાં જ તે દૂર કરવાના હેતુથી જ તેમના પિતાશ્રીએ તેમને આજ્ઞા કરી કે પહેલાં જનક રાજાને મળવા જા, પછી તારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે. આજ્ઞાનુસાર તે બહુલાશ્વ જનક પાસે ગયા અને તુરત જ તેમનો ઘમંડ ઊતરી ગયો અને નિર્મળ બનીને પિતા પાસે પાછા આવ્યા. કુરુ જાંગલ તેમજ મિથિલાનો આ પ્રવાસ પણ તેમણે નગ્નાવસ્થામાં જ કર્યો હતો. તેમને નિરભિમાન થયેલા જોઈને વ્યાસજીને આનન્દ થયો. શુકદેવ પરીક્ષિત રાજાને મળવા પણ નગ્નાવસ્થામાં જ ગયા હતા.
શુકદેવજી નગ્નાવસ્થામાં સરોવરે સ્નાનાર્થે જતા ત્યારે ત્યાં ઉપસ્થિત લોકો તેમને જોઈ લજ્જિત થતા ન હતા; પરન્તુ વ્યાસજીને નગ્નાવસ્થામાં જતા જોતાં જ લોકો લજ્જિત બની જતા. આ બેઉ વચ્ચેનો તફાવત સરળતાથી સમજી શકાય એવો જ છે. શુકદેવજી સ્ત્રી-પુરુષ-ભેદથી અતીત અવસ્થામાં પહોંચી ગયેલા હતા, જ્યારે વ્યાસજી તે કક્ષાને હજી પામી શક્યા ન હતા..
ભાગવતકથા : ભાગવતકથા સાથેનો તેમનો સંબંધ એ સત્યની પ્રતીતિ કરાવે છે કે શુકદેવજીની વિરક્તિ સૂકી નહિ પણ ભીની હતી. મહર્ષિ કૃષ્ણદ્વૈપાયન વ્યાસે મહાભારત અને ભાગવત મહાપુરાણ જેવા શ્રેષ્ઠ ગ્રન્થોની રચના કરી હતી. એ બંને મહાગ્રન્થો તેમણે પોતાના જ્ઞાની અને યોગી સુપુત્ર શુકદેવને ભણાવી દીધા. આ વિરક્ત યુવાનને ભાગવતની કૃષ્ણચરિત્રાત્મક કથામાં ખૂબ રસ પડ્યો. ભાગવતના અધ્યયનમાં એ ડૂબી જ ગયા. જેમ જેમ તેનો અભ્યાસ આગળ વધ્યો તેમ તેમ શુકદેવ ભક્તિરસથી તરબોળ થવા લાગ્યા. એમનું હૃદય ભક્તિભાવથી ભરાઈ ગયું. પછીથી તેમણે આ મહાપુરાણ પાંડવોના વારસ એવા પરીક્ષિત રાજાને સંભળાવ્યું. આ રસસભર કથા સંભળાવતાં એ પોતે એવા તો તન્મય થઈ જતા કે તે તેજસ્વી, તરુણ તથા આજાનુબાહુ પ્રતીત થતા હતા એવું આલેખન ભાગવતપુરાણમાં જ કરાયું છે. આથી જ આપણા ભક્ત કવિ નરસિંહ મહેતાએ ભક્તિરસની વાત કરતાં પહેલું જ શકજીનું નામ લીધું છે :
‘‘એ રસનો સ્વાદ શંકર જાણે,
કે જાણે શુક જોગી રે;
કાંઈ એક જાણે વ્રજની રે ગોપી,
ભણે નરસૈંયો ભોગી રે.’’
શુકાનુપ્રશ્ન : ‘મહાભારત’માં ‘શુકાનુપ્રશ્ન’ નામનું ઉપાખ્યાન છે. તેમાં શુકદેવે પિતા વ્યાસ સમક્ષ અનેક પ્રશ્નો પૂછ્યા છે અને તેના સમુચિત ઉત્તરો વ્યાસજીએ આપ્યા છે.
તે ચર્ચાના મુખ્ય વિષયો આ પ્રમાણે છે :
(1) જ્ઞાનનાં સાધન અને તેમનો મહિમા, (2) યોગ વડે પરમ પદની પ્રાપ્તિ, (3) કર્મ તથા જ્ઞાન વચ્ચેનું અન્તર, (4) બ્રહ્મપ્રાપ્તિના ઉપાય, (5) જ્ઞાનોપદેશમાં જ્ઞાનનો નિર્ણય, (6) પ્રકૃતિ-પુરુષ-વિવેક, (7) બ્રહ્મવેત્તાનાં લક્ષણ અને (8) મન અને બુદ્ધિના ગુણોનું વર્ણન.
મહાનિર્વાણ : ‘મહાભારત’ના શાન્તિપર્વમાં શુકદેવના મહાનિર્વાણનું વિસ્તૃત વર્ણન આપ્યું છે, જે સત્પુરુષને પ્રાપ્ત થનાર ‘યોગગતિ’નું અપૂર્વ શબ્દકાવ્ય બની ગયું છે.
પોતાના પિતાનું અભિવાદન કરીને શુકજી કૈલાસ પર્વત પર ધ્યાનમગ્ન બની બેસી ગયા. પછી તેઓ વાયુરૂપ થયા અને ત્યાં ઉપસ્થિત લોકોની નજર સમક્ષ આકાશમાર્ગે સૂર્ય(આદિત્ય)લોકમાં પ્રવેશ્યા. તેમના પિતા વ્યાસજી ‘હે શુક !’ કહીને શોક કરવા લાગ્યા અને બાકીના બધા લોકો આ અપૂર્વ દૃશ્ય અનિમેષ નેત્રો વડે જોતા રહી ગયા !
શુકદેવજીનાં લગ્ન અને સંતાન વિશે પણ ઉલ્લેખ મળે છે ! બર્હિષદ નામના પિતૃની કન્યા પીવરી અથવા વીરિણીને તેઓ પરણેલા અને કૃષ્ણ, ગૌરપ્રભ, શંભુ, ભૂરિસુત અને જય નામે પાંચ પુત્રો તથા કૃત્વી અથવા કીર્તિમતી નામની કન્યા હતી, જેને સોમવંશી પુરુકુલના પાર અથવા વિભાજ અથવા રાજાના પુત્ર નીપ કિંવા અણુહ રાજાને પરણાવી હતી. આવી માહિતી ભાગવતપુરાણ, દેવી-ભાગવત, મત્સ્યપુરાણ તેમજ હરિવંશમાંથી પ્રાપ્ત થાય છે.
જયન્ત પ્રે. ઠાકર