શુક્રકોષપ્રસર્જન (spermatogenesis) : શુક્રકોષોનું ઉત્પાદન અને વિકાસ થવો તે. વૃક્ષણ, શુક્રપિંડ અથવા શુક્રગ્રંથિ(testis)ને બહારથી એક શ્વેત આવરણ હોય છે. તેને શ્વેતવલ્ક (tunica albuginea) કહે છે. તેમાંથી નીકળતી પટ્ટીઓ શુક્રપિંડને 200થી 300 ખંડિકાઓ(lobules)માં વિભાજે છે. આ ખંડિકાઓમાં એકથી 3 ગૂંચળું વળેલી નલિકાઓ (tubules) હોય છે. તેમને શુક્રપ્રસર્જક નલિકાઓ (seminiferous tubules) કહે છે. તેમાં શુક્રકોષોનું ઉત્પાદન થાય છે. શુક્રપ્રસર્જક નલિકાની તલપ્રદેશકલા (basement membrane) પર સૌથી અપક્વ શુક્રજનકકોષ (spermatogonium) હોય છે. આ કોષો પ્રજનનશીલ અધિચ્છદ (germinal epithelium) બનાવે છે. ત્યાંથી શરૂ કરીને નલિકાના પોલાણ સુધી વિવિધ સ્તરોમાં વિવિધ કક્ષાએ વિકસિત થયેલા કોષો જોવા મળે છે. તેઓ ક્રમશ: પ્રાથમિક પૂર્વશુક્રકોષ (primary spermatocyte), દ્વૈતીયિક પૂર્વશુક્રકોષ (secondary spermatocyte), પૂર્વશુક્રકોષિક (spermatid) અને છેલ્લે પૂર્ણવિકસિત શુક્રકોષ (sperm cell અથવા spermatozoon) હોય છે. પુખ્ત શુક્રકોષ-નલિકાના પોલાણમાં છૂટો પડે છે અને તે નલિકાની અંદર વહન કરવા માંડે છે. શુક્રપ્રસર્જક-નલિકાઓમાં વિવિધ કક્ષાએ વિકસિત થતા કોષોના સમૂહમાં આધારકોષો (sustentacular cells) હોય છે. તેઓ વિકસતા શુક્રકોષોને પોષણ આપે છે અને અવદમિત (inhibion) નામના અંત:સ્રાવનું ઉત્પાદન કરે છે. શુક્રપ્રસર્જક- નલિકાઓની બહાર, બે નલિકાઓ વચ્ચેની જગ્યામાં અંતરાલીય અંત:સ્રાવી કોષો (interstitial endocrinolocytes) હોય છે ને પુરુષોના પ્રમુખ લૈંગિક અંત:સ્રાવનું  પુંસ્રાવ(testosteron)નું ઉત્પાદન કરે છે.

દરરોજના 3,000 લાખ જેટલા શુક્રકોષો બને છે અને સ્ત્રી-પ્રજનનમાર્ગમાં પ્રવેશ્યા પછી તે આશરે 48 કલાક સુધી ચેતન ધરાવે છે અને ઝડપથી અંડકોષ પાસે પહોંચવા ગતિ કરે છે. તેને શીર્ષ, મધ્યભાગ અને પુચ્છ હોય છે. શીર્ષમાં કોષકેન્દ્રીય દ્રવ્ય અને અંડકોષને વીંધવાના ઉત્સેચકો હોય છે. મધ્યભાગમાં હલનચલન માટેની ઊર્જા (શક્તિ) આપતા કણાભસૂત્રો (mitochondria) હોય છે. પુચ્છ તેને ગતિ આપે છે. સ્ત્રી-પ્રજનનમાર્ગમાં શુક્રકોષોવાળું વીર્ય (semen) પ્રવેશે છે. દરેક વીર્યક્ષેપન (ejaculation) વખતે 2.1થી 6 મિલિ. વીર્ય બહાર નીકળે છે, જેમાં દર મિલીલિટરમાં 500થી 1,000 લાખ શુક્રકોષો હોય છે. શુક્રકોષો અને વીર્ય રોજ બનતાં હોવાથી પુરુષના શરીરમાંથી તે મૂત્રનલિકામાર્ગે બહાર નીકળે છે. ક્યારેક કોઈ યુવાન તેના મૂત્રમાં સફેદ રંગનું પ્રવાહી દ્રવ્ય જુએ ત્યારે તે પેશાબમાં ધાતુ જવાનું  વીર્ય વહી જતું હોવાનું  કે શુક્રમેહ થયો હોવાનું માને છે. ક્યારેક પૂરતી જાણકારી ન હોય તો તેનાથી માનસિક તકલીફ પણ દર્દી અનુભવે છે. તેનાથી તે વ્યક્તિને કોઈ પણ જાતનું નુકસાન થતું નથી. તેમને તે સામાન્ય દેહધાર્મિક ક્રિયા માત્ર છે એવું દર્દીને સમજાવીને તેના મનોવિકારની સારવાર કરાય છે. આવા સફેદ દ્રવ્યમાં વીર્ય ઉપરાંત કોઈ ક્ષારદ્રવ્ય પણ હોઈ શકે છે.

શિલીન નં. શુક્લ