શુઇકો (. . . 554, યામાતો, જાપાન; . 15 એપ્રિલ 628, યામાતો) : નોંધાયેલા ઇતિહાસમાં જાપાનની પ્રથમ સમ્રાજ્ઞી; સમ્રાટ બિદાત્સુ(શાસનકાળ 572-585)ની પત્ની અને સમ્રાટ કિમીની પુત્રી. તેનું આખું નામ ‘શુઇકો તેનો’ હતું. બિદાત્સુના અવસાન પછી સમ્રાટ યોમી ગાદીએ બેઠો; પરંતુ થોડા સમય રાજ્ય કર્યા પછી તે મૃત્યુ પામ્યો ત્યારે શક્તિશાળી સોગા કુળ તથા મોનોનોબ અને નાકાતોમી કુટુંબો વચ્ચે વારસા માટે કલહ થયો. તેમાં સોગા કુળનો વિજય થયો અને સમ્રાટ શુશુન, તેની માતા સોગા કુળની હોવાથી ગાદીએ આવ્યો. શુશુન ઘણો સ્વતંત્ર મિજાજનો હતો. તેથી સોગા કુટુંબના વડા સોગા ઉમાકોએ ઈ. સ. 592માં તેનું ખૂન કરાવ્યું. તેના પછી ઉમાકોની પોતાની ભત્રીજી અને શુશુનની નાની બહેન શુઇકોને સમ્રાજ્ઞી બનાવવામાં આવી.

શુઇકોના શાસન દરમિયાન પરંપરાઓનો ભંગ કરવામાં આવ્યો. દંતકથાઓ મુજબ, જાપાનમાં મહિલાઓએ રાજ્ય કર્યું હતું; છતાં કેટલીક સદીઓથી પુરુષો જ શાસન ચલાવતા હતા. વળી બિદાત્સુને કેટલાક પુત્રો હતા. તેઓમાંથી ગાદી માટે પસંદગી કરી શકાઈ હોત; છતાં શુઇકો સમ્રાજ્ઞી બની તે પરંપરાનો ભંગ હતો. સોગા કુટુંબ ચુસ્ત બૌદ્ધધર્મી હતું, તેથી જાપાનમાં શુઇકોના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મનો પ્રચાર વધ્યો. ચીનની સભ્યતાની બીજી અનેક બાબતો પણ તે સમયે દાખલ કરવામાં આવી. ચીન અને કોરિયાથી કારીગરોને જાપાન લાવવામાં આવ્યા. ચીનનું કૅલેન્ડર દાખલ કરવામાં આવ્યું. વારસાગત હોદ્દા આપવાની જૂની જાપાની પદ્ધતિને દૂર કરીને તેને બદલે ચીનની અમલદારી પદ્ધતિ દાખલ કરવામાં આવી. વળી સમ્રાટ(કે સમ્રાજ્ઞી)ની સર્વોપરિતા પણ માન્ય રાખવામાં આવી.

જયકુમાર ર. શુક્લ