શી હુઆંગ ટી (Shih huang-Ti)
January, 2006
શી હુઆંગ ટી (Shih huang-Ti) (જ. ઈ. પૂ. 259, ચીન રાજ્ય, વાયવ્ય ચીન; અ. ઈ. પૂ. 210) : ચીન દેશના ચીન વંશનો પ્રતાપી રાજા. તે આપખુદ અને સુધારક હતો. ચીન વંશના મૂળ પુરુષ ચીનનો તે પુત્ર હતો. તેનું મૂળ નામ વાંગ ચીન. સત્તાપ્રાપ્તિ પછી તેણે ‘ચીન શી હુઆંગ ટી’ (‘પ્રથમ સમ્રાટ’) નામ ધારણ કર્યું. આ વંશના નામ પરથી ચીન દેશ નામ પ્રચારમાં આવ્યું. ચીન વંશ પહેલાં ચાઉ વંશની સત્તા હતી. તેનું શાસન પરંપરાગત ધાર્મિક વિચારસરણી ઉપર આધારિત હતું. દેશ અનેક નાનાં નાનાં સ્વતંત્ર સામંતી રાજ્યો અને ઠકરાતોમાં વિભક્ત હતો. શી હુઆંગ ટીએ ઉપર્યુક્ત રાજકીય સંગઠન અને વિચારસરણી નાબૂદ કરીને રાજકીય, સામાજિક એકતા પ્રસ્થાપિત કરી. રાજ્યને કાયદાની સર્વોપરિતાની વિચારસરણી ઉપર સંગઠિત કર્યું. તેના આ કાર્યમાં તેના સહાયક, પ્રોત્સાહક અને માર્ગદર્શક પ્રધાન લી-સૂનું મહત્વનું યોગદાન હતું.
ઈ. પૂ. 246માં સત્તાપ્રાપ્તિ પછી શી હુઆંગ ટીએ ચાઉ વંશની જૂની રાજકીય પદ્ધતિ, સામંતી રાજ્યો અને જૂની રાજકીય પરંપરા નાબૂદ કર્યાં. સમગ્ર રાજ્યને પ્રાંતોમાં વહેંચી દીધું અને તેના પણ ઉપવિભાગો પાડ્યા અને પ્રત્યેકના વહીવટ માટે અધિકારીઓ અને ખજાનચીઓ નીમ્યા. બધાંની ઉપર આખરી સત્તા સમ્રાટની રાખી. કેન્દ્રીકરણની આ નીતિથી રાજકીય એકતા આવી અને તેણે આ નવીન પદ્ધતિ સામ્રાજ્યભરમાં કડકાઈથી ફરજિયાત લાગુ કરી. આખા સામ્રાજ્યમાં એકસરખાં તોલમાપ અને સિક્કા પ્રચલિત કર્યાં, પરિણામે આર્થિક એકતા આવી અને આંતર-પ્રાદેશિક વેપારમાં સરળતા થવા સાથે સામ્રાજ્યમાં સમૃદ્ધિ આવી. આખા સામ્રાજ્યમાં સમાન કાયદા લાગુ કર્યા; એકસરખી લિપિ પણ દાખલ કરી. આમ શી હુઆંગ ટીએ સંગઠનાત્મક નીતિથી કાયદાની સર્વોપરિતાને સામ્રાજ્યનો આધાર બનાવી. તે પ્રાચીન વિચારોને સમર્થિત કરતા તત્વચિંતકો, કવિઓ અને કૉન્ફ્યૂશિયનવાદનો વિરોધી હતો. પોતાની નવીન વિચારધારાથી વિરોધી વિચાર ધરાવતા સાહિત્ય અને વ્યક્તિઓનો વિનાશ કરવાના હુકમો પણ તેણે આપ્યા. પ્રાચીન વિચારોની ચર્ચા કરતા વિદ્વાનોને અટકાવ્યા. તેણે કૉન્ફ્યૂશિયનવાદ ઉપર પ્રતિબંધ મૂક્યો. એ રીતે વિરોધ કરનારાઓની અને તેમનાં સગાંઓની કતલ કરાવી યા તેમને વેઠમાં લગાડ્યાં. તેની વિચારધારાના વિરોધી સાહિત્યને બાળી નાખવા આદેશ આપ્યો. જોકે તેમ કરતાં શાહી પુસ્તકાલયને તેણે બચાવ્યું. વળી જ્યોતિષ, ઔષધવિજ્ઞાન, વૈદક, ખેતી, કાંતણવણાટને લગતા ગ્રંથોને પણ બાળવાથી મુક્ત રાખ્યા. ઉક્ત પ્રવૃત્તિ પછી નવીન વિચારધારા પ્રમાણે નવીન ગ્રંથો લખવા હુકમ કર્યો. ઇતિહાસ પણ હવે ‘શી હુઆંગ ટી’થી જ શરૂ કરવાની આજ્ઞા કરી. તે પોતાને દૈવી અને ચીનનો ‘પ્રથમ સમ્રાટ’ ગણતો. તેના અનુગામી વિદ્વાનોએ તેના ઉપર્યુક્ત એક જ કાર્યની નોંધ લીધી અને તેને ‘ગ્રંથો બાળનાર’ તરીકે રજૂ કર્યો. અથાક પ્રયત્નો છતાં પ્રાચીન વિચારધારાને સમ્રાટ સંપૂર્ણ ભૂંસી શક્યો નહિ. કેટલાકે ગ્રંથો સંતાડી દીધેલા અને કેટલાકને કંઠસ્થ હતા, જેથી તે ફરીથી લખાયા.
‘શી હુઆંગ ટી’એ વારસામાં મળેલા સામ્રાજ્યને પ્રથમ સંગઠિત કર્યું અને પછી વધાર્યું. યાંગત્સે નદીથી દક્ષિણ કાંઠાવિસ્તારના પ્રાંતો ફુકીન, ક્વાંગતુંગ અને ક્વાંગસીમાં તેણે લશ્કરી કૂચ કરી. વર્તમાન તોંકિંગ સુધી તે ગયો. જૂના ચીન વિસ્તારના વસાહતીઓને સ્થળાંતર કરીને ઉક્ત વિસ્તારોમાં વસવા તેણે ફરજ પાડી. તેનો હેતુ તે દ્વારા સામાજિક એકતા લાવવાનો હતો. પશ્ચિમ ચીનના હુનાન, ક્વેઇચો અને ઝેચવાન પ્રાંતો તેના સામ્રાજ્ય અંતર્ગત હતા એટલે પહેલાં જે સત્તાનું કેન્દ્ર પીળી નદી અને વેઇના ખીણપ્રદેશમાં હતું તે ચાલુ રહ્યું હતું. કોરિયાના રાજાએ પણ તેની લશ્કરી કૂચ સામે ઉપરીપણું સ્વીકારી લીધેલું. તેની ઉત્તર અને વાયવ્ય સરહદ તરફની કૂચનો હેતુ જંગલી અને અર્ધજંગલી પ્રજાઓનાં વારંવારનાં આક્રમણો સામે સંરક્ષણનો હતો. તેઓ બિનચીની હતા. તે માટે શી હુઆંગ ટીએ જ્યાં સૌથી વધારે આક્રમણો થતાં તે સરહદે કિલ્લા બાંધ્યા, આડશો ઊભી કરી અને ‘મહાન દીવાલ’ પૂરી કરી અને મજબૂત બનાવી. ઉક્ત દીવાલ માત્ર શી હુઆંગ ટીનું જ કર્તૃત્વ નથી. તેની પહેલાંના શાસકોએ તેને બાંધવાનું શરૂ કરેલું જ હતું, પરંતુ તેને પૂર્ણ કરવામાં શી હુઆંગ ટીએ ઉત્સાહ અને જહેમત લીધાં તેથી બાંધકામ તેના નામે ચડી ગયું. દીવાલ પૂર્ણ થઈ ત્યારે આશરે 2,900 કિમી. લાંબી, 6 મીટર પહોળી અને 7 મીટર ઊંચી બની. દર સો-સો મીટરના અંતરે બનેલા કુલ દસ હજાર તો બુરજો હતા. બુરજો, પ્રત્યેકમાં રહીને સો સૈનિકો લડી શકે તેવા વિશાળ બનાવ્યા હતા. પરંપરા પ્રમાણે તો ઉક્ત દીવાલનું બાંધકામ શી હુઆંગ ટીએ દસ વર્ષ સુધી કરાવેલું અને તેમાં લાખો સૈનિકો, કેદીઓ અને વેઠિયાઓને કામે લગાડેલા. ઇજિપ્તના પિરામિડો પણ તેની આગળ તુચ્છ લાગે તેવું વિશ્વનું મહાન અને ભવ્ય સ્થાપત્ય આજે પણ ઊભું છે.
આમ શી હુઆંગ ટીએ ચાઉ વંશની રાજકીય પદ્ધતિ સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક જીવનમાં પરિવર્તન લાવીને કેન્દ્રવર્તી વિચારવાળી અને માત્ર સરકારની એક જ નીતિ દ્વારા સમર્થિત એકતા સ્થાપી. સામ્રાજ્યના પ્રવાસ દરમિયાન તેનું મૃત્યુ થયું, પછી તુરત જ તેનું સમગ્ર માળખું તૂટી પડ્યું. તેનો અયોગ્ય અને બિનઅનુભવી પુત્ર ગાદીએ આવતાં જ તેણે શી હુઆંગ ટીનું શાસન ગોઠવનાર અને ચલાવનારાઓને દૂર કર્યા યા મારી નાખ્યા. પ્રજા પણ ભારે કરવેરા અને વેઠપ્રથાથી કંટાળી ગયેલી. પ્રજાનો બળવો થયો. રાજધાની લૂંટાઈ અને સમ્રાટનો મહેલ પણ બાળી નખાયો, જેમાં શી હુઆંગ ટીએ બચાવેલા ચાઉ વંશના ગ્રંથો પણ બળી ગયા. શી હુઆંગ ટીના મૃત્યુ પછી માત્ર ચાર જ વર્ષમાં ‘ચીન વંશ’નું શાસન ખતમ થઈ ગયું અને ‘હાન વંશ’નું શાસન શરૂ થયું.
મોહન વ. મેઘાણી