શીલ્સ, એડ્વર્ડ
January, 2006
શીલ્સ, એડ્વર્ડ (જ. 1910; અ. 1995) : રાજ્યશાસ્ત્ર, કાયદા અને સમાજશાસ્ત્રનાં ક્ષેત્રોના વીસમી સદીના બૌદ્ધિક. ‘શિક્ષણના સમર્થ જીવ’ (Energizer Bunny of Education) તરીકે તેમની ઓળખ શિકાગો યુનિવર્સિટીના વર્તુળમાં સ્થાયી થઈ હતી. તેમના પિતા સિગારેટના ઉત્પાદક હતા અને રશિયામાંથી આવીને અમેરિકામાં સ્થિર થયા હતા. 1933માં વ્હાર્ટન ખાતે તેમણે વિદ્યાર્થી તરીકે નોંધણી કરાવી ત્યારે અમેરિકામાં મહામંદી પ્રવર્તતી હતી. અભ્યાસ સાથે રેકર્ડ્ઝ વેચવાની કામગીરીનો આરંભ કર્યો તો ખરો પણ તેઓ તેનાથી થાકી, કંટાળી પાછા પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાં ગયા. ત્યાં વધુ અભ્યાસ કરી રાજ્યશાસ્ત્ર વિષયમાં અનુસ્નાતક અને પીએચ.ડી.ની પદવીઓ મેળવી. ત્યારપછી તેમણે આર્થિક સલાહકાર તરીકેની લાંબી કારકિર્દીની શરૂઆત કરી.
બીજા વિશ્વયુદ્ધ (1939-45) દરમિયાન અમેરિકાના લશ્કરમાં સેવાઓ આપી અને પછી ટેમ્પલ યુનિવર્સિટીમાં અધ્યાપનકાર્ય કર્યું. ત્યાંથી પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાં પાછા ફરી તેમણે ઔદ્યોગિક સંબંધોનો વિષય શીખવ્યો અને મૅનેજમેન્ટ વિભાગના અધ્યક્ષ બન્યા. 1973માં વ્હાર્ટન ખાતે તેમણે સોલ સી. સ્નડર એન્ત્રપ્રેનેરિયલ સેન્ટરની સ્થાપના કરી, જે સમગ્ર વિશ્વમાં આ પ્રકારનું સૌપ્રથમ કેન્દ્ર હતું અને 1986 સુધી તેમાં ડિરેક્ટર તરીકે સેવાઓ આપી. અનુભવે તેમણે કહ્યું કે વિશાળકાય કૉર્પોરેશનોમાં નોકરશાહીનાં બીજ પડેલાં હોય છે.
1980માં યુનિવર્સિટી પ્રાધ્યાપકો માટેનો નિવૃત્તિનો કાયદો પાછો ખેંચી લેવાયો ત્યારે શીલ્સ વિચારતા થયા કે નિવૃત્તિ પછી શું કરીશું ? કારણ તેમને નિવૃત્ત વ્યક્તિ તરીકે ઓળખાવું પસંદ નહોતું. આથી જીવનના ચાર દાયકા સુધી અધ્યયન-અધ્યાપન કર્યા બાદ 68ની વયે તેઓ પેન્સિલવેનિયા યુનિવર્સિટીના કાયદાની વિદ્યાશાખામાં વિદ્યાર્થી તરીકે પ્રવેશ્યા.
પહેલાંની જેમ જ કામમાં વ્યસ્ત રહી તેઓ 82ની વયે પહોંચ્યા છતાં કોઈ પણ કક્ષાએ અટક્યા નહોતા. તેમણે આર્થિક સલાહકાર તરીકેની તેમની કામગીરી ચાલુ રાખી તેમજ ફિલાડેલ્ફિયાના સેન્ટર સિટી શહેરમાં કાયદાની પ્રૅક્ટિસ પણ ચાલુ રાખી. તે સાથે તેમણે વ્હાર્ટન સ્કૂલના વિદ્યાર્થીઓને અધ્યાપન કરાવવાનું અને સલાહ આપવાનું કાર્ય પણ ચાલુ રાખ્યું. 82ની વયે કાયદાશાસ્ત્રમાં ડૉક્ટરેટ મેળવી પેન્સિલવેનિયા યુનિવર્સિટીની છઠ્ઠી પદવી અંકે કરી. છેલ્લા મહિનાઓમાં Mega retail discount chainsની કામગીરીનું છેલ્લાં બે વર્ષોનું પૃથક્કરણ તેમણે રજૂ કર્યું અને તેની વિવિધ સમુદાયો પર અને નાના ધંધાદારીઓ પર થયેલી હાનિકારક અસરો સ્પષ્ટ કરી. તેમના આ અંગેના વાર્તાલાપનું વિવિધ ચૅનલો પર પ્રસારણ થયા પછી આ વાતચીતનો લેખિત અહેવાલ જાહેર કરવા વ્હાર્ટન સ્કૂલને વ્યાપક ધોરણે વિનંતી થયેલી.
કામના ભારણ છતાં તેમના વિદ્યાર્થીઓ અતિશય કામની ફરિયાદ કરે ત્યારે તેઓ પોતે જ વિદ્યાર્થીઓની મદદે દોડી જતા. તેઓ જીવનભર સક્રિય રહેવાનો ઇરાદો ધરાવતા હોવાથી પેન્સિલવેનિયાની લૉ સ્કૂલમાં ભણવાનું સતત ચાલુ રાખ્યું અને કાયદા અંગેની પહેલી ત્રણ પદવીઓ તેમને ત્યાંથી પ્રાપ્ત કરી. આ વર્ષોની નોંધ લખતાં તેમણે જણાવેલું કે ‘મારા આ (નવા) વિદ્યાર્થીકાળે મને ઘણું શીખવ્યું, કમસે કમ એથી હું વધુ સારો શિક્ષક બનતાં શીખ્યો.’ તેમનાં પત્ની શીર્લે માટે તેઓ પ્રેરણાસ્રોત બન્યા અને શીર્લેનું આ પૂર્વે અધૂરું રહેલું કૉલેજ શિક્ષણ અહીં પૂરું થયું.
1985માં અધિકૃત નિવૃત્તિ બાદ તેમણે ઘણાં વર્ષો સુધી રાજ્યશાસ્ત્ર વિષય શીખવ્યો અને તે પછી તેઓ વ્યવસ્થાપન વિભાગ(manage-ment department)માં આવ્યા, જ્યાં તેમણે પ્રત્યેક સિમૅસ્ટર દીઠ એક કૉર્સ ભણાવવાનું ચાલુ રાખ્યું હતું. તેમના નવા એક્ઝિક્યુટિવ લીડરશિપ કૉર્સના પ્રથમ દિવસે વર્ગમાં 50ના બદલે 75 વિદ્યાર્થીઓ હાજર હતા. જીવનના અંતિમ વર્ષ લગી તેઓ કાર્યરત રહ્યા હતા.
સમાજશાસ્ત્રી તરીકે તેઓ વિશાળ, પંચરંગી સંસ્કૃતિ અને અનુભવોના આદમી હતા. નવી અને વિશેષ કરીને ભયજનક વિચારધારાઓના ઉદ્ભવને કારણે તેઓ જાહેર જીવન અંગે ઊંડી નિસબત ધરાવતા હતા.
તેઓ શિકાગો યુનિવર્સિટીની ‘સામાજિક વિચારો’ અંગેની સમિતિના સભ્ય હતા. પીટરહાઉસ યુનિવર્સિટીના ફેલો હતા. ‘કૉલિંગ ઑવ્ સોશિયૉલોજી’ અને ‘ધ ઇન્ટેલેક્ચુઅલ્સ ઍન્ડ ધ પાવર્સ’ તેમના ગ્રંથો હતા, જેનું પ્રકાશન યુનિવર્સિટી ઑવ્ શિકાગો દ્વારા થયું હતું.
રક્ષા મ. વ્યાસ