શીતશસ્ત્રક્રિયા (cryosurgery) : પેશીને અતિશય ઠંડીના સંસર્ગમાં લાવીને તથા તેમાં ફરીથી સુધરી ન શકે તેવો ફેરફાર લાવીને તેનો નાશ કરવાની પદ્ધતિ. સન 1851માં જેમ્સ આર્નોટે મિડલસેક્સ હૉસ્પિટલમાં આ પદ્ધતિ વડે વિવિધ પ્રકારના સપાટી પરના કૅન્સરની સારવાર કરી હતી. તેમાં તેમણે મીઠા-બરફના  20° સે.ના મિશ્રણનો ઉપયોગ કર્યો હતો. ઓછામાં ઓછું  10° સે. જેટલું શીતન (freezing) અને ત્યારપછી ઉષ્ણન (thawing) વારંવાર કરવાથી કોષોમાં બરફના સ્ફટિકો બને છે અને તે સમગ્ર કોષને મારી નાંખે છે. તે માટેના આધુનિક ઉપકરણમાં એક પોલો નિવેશક (probe) હોય છે, જેમાં અતિશીત કરાયેલ પ્રવાહી નાઇટ્રોજન કે દબાણ આપીને ભરાયેલો નાઇટ્રસ ઑક્સાઇડ હોય છે. આ ઉપરાંત આ જ નિવેશકમાં ફરીથી ગરમ કરવાની એક યાંત્રિક યોજના (device) પણ હોય છે. તેથી તેની મદદથી પેશીને ઝડપથી ઠંડી કે ગરમ કરી શકાય છે. જે તે પેશીને નિવેશક વડે પૂરતી ઠંડી પાડવામાં આવે ત્યારે ‘પેશીનો જાણે બરફનો ગોળો’ બને છે. તે વિસ્તારને તરત ગરમ કરવામાં આવે છે. આવું 2 કે 3 વખત કરવાથી મહત્તમ પ્રમાણમાં પેશીનો નાશ કરી શકાય છે. આ પ્રક્રિયા હાલ ડોક અને માથામાં કૅન્સર ન હોય એવા નસોના દોષવિસ્તારોની સારવારમાં વપરાય છે; જેમ કે, વાહિનીઅર્બુદ (haemangiona) અને વાહિનીતંતુઅર્બુદ (angiofibroma). તેની મદદથી નાકની અંદરની શ્લેષ્મકલાની અતિવૃદ્ધિ થઈ હોય તો તે ઘટાડી શકાય છે. નાસાગ્રસની કૅન્સર(nasopharyngeal cancer)માં સખત દુખાવો થાય ત્યારે તે ઉપયોગી છે. વળી તે ખસી ગયેલા દૃષ્ટિપટલને યોગ્ય સ્થાને ચોંટાડવામાં અને અન્ય વિવિધ કાર્યો માટે આંખના રોગોની સારવારમાં વપરાય છે.

શિલીન નં. શુક્લ