શીતસમાધિ (Hibernation) : શિયાળામાં ઠંડીની વિપરીત અસરને ટાળવા પ્રાણીઓ વડે અપનાવવામાં આવતી સુપ્તાવસ્થા (dormancy). ખાસ કરીને અસ્થિર તાપમાનવાળાં (poikilo thermic) પ્રાણીઓ પર્યાવરણમાં ઠંડીનું પ્રમાણ વધતાં શરીરનું તાપમાન જાળવવામાં મુશ્કેલી અનુભવતાં હોય છે. તેની વિપરીત અસર દેહધાર્મિક પ્રક્રિયા પર થાય છે. આવાં કેટલાંક પ્રાણીઓ પથ્થર જેવાની નીચે દર ખોદીને અથવા પોતાના શરીરને જમીનમાં દટાયેલું રાખીને ઠંડીને લીધે થતી વિપરીત અસર ટાળવા મથે છે. તાપમાન સહન કરી શકે તેટલો સુધારો થતાં તેઓ ફરીથી ક્રિયાશીલ બને છે. જોકે સુપ્તાવસ્થામાં આ પ્રાણીઓ શરીરમાં સંઘરેલી ચરબી કે કાર્બોદિતના વિઘટનથી કાર્યશક્તિ મેળવી બને તેટલું શરીરનું તાપમાન ગરમ રાખતાં હોય છે.

અતિશીત પ્રદેશમાં વસતાં ગોકળગાય જેવાં અપૃષ્ઠવંશી પ્રાણીઓ મહિનાઓ સુધી પોતાનું જીવન સુપ્તાવસ્થામાં પસાર કરતાં હોય છે. આવાં કેટલાંક પ્રાણીઓની ફરતે આવેલ શરીર બાહ્ય પાણીથી થીજી પણ જતું હોય છે; પરંતુ તેની ખાસ અસર શરીરની પેશીઓમાં આવેલ પાણી પર થતી નથી, તેથી આ સજીવો શિયાળામાં પોતાનું જીવન ટકાવી રાખી શકે છે.

અસ્થિર તાપમાનવાળી કેટલીક માછલીઓ, દેડકાં, સાલામાંડર કે કાચબા જેવાં પ્રાણીઓ શિયાળામાં શીતનિદ્રા અનુભવે છે. તેમાંનાં જલજીવી અને અર્ધજલજીવી (semi aquatic) પ્રાણીઓ કિનારાના પ્રદેશના કાદવમાં દટાઈને અથવા તો દર ખોદીને, જીવવા પૂરતું તાપમાન વધે નહિ ત્યાં સુધી પોતાનું જીવન સુપ્તાવસ્થામાં પસાર કરતાં હોય છે.

શીતનિદ્રામગ્ન પ્રાણીઓ

સ્થિર તાપમાનવાળાં (homeo-thermic) ગુંજન પક્ષી (humming birds), શેળો (hedge hog), ચામાચીડિયાં અને ખિસકોલી જેવાં પ્રાણીઓ પણ ઠંડીનું પ્રમાણ વધતાં શીતનિદ્રાગ્રસ્ત બને છે. ખિસકોલી જેવાં પ્રાણીઓ ઝાડની બખોલ જેવા સુરક્ષિત સ્થળે ખોરાકને સંઘરી શીતસમાધિસ્થ બને છે. જોકે તેઓ અવારનવાર જાગીને ખોરાકનું પ્રાશન કરી, ફરીથી પોઢી જાય છે. રીંછ જેવાં મોટાં કદનાં પ્રાણીઓની શીતસમાધિ ઊંઘના ઘેન (drowsyness) પૂરતી મર્યાદિત હોય છે.

મ. શિ. દુબળે