શીતળા (small pox) : અતિશય ફેલાતો, તાવ, ફોલ્લા અને પૂયફોલ્લા (pustules) કરતો અને મટ્યા પછી ચામડી પર ખાડા જેવાં ક્ષતચિહ્નો (scars) કરતો પણ હાલ વિશ્વભરમાંથી નાબૂદ કરાયેલો વિષાણુજન્ય રોગ. તેને શાસ્ત્રીય રીતે ગુરુક્ષતાંકતા (variola major) પણ કહેવાય. તે પૂયસ્ફોટી વિષાણુ(poxvirus)થી થતો રોગ છે. પૂયસ્ફોટી વિષાણુઓ 200થી 300 મિલી. માઇડ્રોન કદના (અન્ય વિષાણુઓના સંદર્ભે સહેજ મોટા) વિષાણુથી થાય છે. તેઓ ઈંટ જેવા આકારના હોય છે અને તેમાં ડિઑક્સિરિબોન્યૂક્લિઇક ઍસિડ (DNA) હોય છે. તેઓમાં એક સામાન્ય પ્રતિજન (antigen) હોય છે. તે ચામડીમાં વિકાર સર્જે છે. કેટલાક પૂયસ્ફોટી વિષાણુઓ; દા.ત., શ્લેષ્માર્બુદ (myxoma) કરતો વિષાણુ ફક્ત પ્રાણીઓમાં રોગ કરે છે; પરંતુ શીતળા તથા આ જૂથના વિષાણુઓથી થતા 3 અન્ય પ્રકારના રોગો માણસમાં થાય છે. શીતળા કરતા વિષાણુનો અલ્પવિષમતાકારી (less virulent) પ્રકાર હળવા પ્રકારનો શીતળા જેવો વિકાર કરે છે. માટે તેને લઘુક્ષતાંકતા (variola minor) અથવા લઘુશીતળા (alastrim) કહે છે, જેમાં ખૂજલી અને છૂટાછવાયા સ્ફોટ થાય છે. તેને તૃણશીતળા (grasspox), દુગ્ધશીતળા (milkpox) અથવા ક્યૂબન ખૂજલી પણ કહે છે. શીતળા થતો અટકાવવા માટે અપાતી રસીથી ક્યારેક વિકાર થઈ આવે છે; તેને રસીશીતળા (vaccinia) કહે છે. ગાયોના દૂધ વડે માણસમાં થતો એક અન્ય પ્રકારનો રોગ, ગાયશીતળા (cowpox) પણ આ જૂથના વિષાણુઓથી થતો રોગ છે. હાલ શીતળાની વિશ્વભરમાંથી નાબૂદી (irradication) થયેલી છે.

સામાન્ય રીતે વિષાણુ શ્વસનમાર્ગે પ્રવેશીને મોટેભાગે લસિકાગ્રંથિઓ (lymphnodes) અને યકૃત(liver)માં સંખ્યાવૃદ્ધિ પામે છે. થોડાક દિવસ ચેપનાં લક્ષણો ઉદ્ભવતાં નથી, પરંતુ તે પછી લોહીમાં ભ્રમણ કરે છે. તેને વિષાણુરુધિરતા (viremia) કહે છે. ત્યારે તે ત્વચા(dermis)માંની નસોના પોલાણના આવરણરૂપ સ્તર અંતછદ(endothelium)માં સોજો આવે છે. સાથે સાથે નસોની આસપાસ સોજો આવે છે. તેને પરિવાહિનીશોથ (perivascular inflammation) કહે છે. ત્યાં કોષોનો નાશ થાય છે અને તેમાં રુધિરરસ (serum) બહાર વહી આવે છે. તેને કારણે પ્રવાહી ભરેલી ફોલ્લીઓ ઊપસી આવે છે. ચેપગ્રસ્ત અધિચ્છદીય કોષો સૂજીને મોટા થાય છે અને તેમના કોષરસમાં અંત:દ્રવ્યો (inclusion) જોવા મળે છે. તેમને અંત:કોષરસીય અંત:દ્રવ્યો (intracytoplasmic inclusions) કહે છે. તેમની આસપાસ પર્યવકાશ (halo) બનેલો હોય છે. તેમને ગાર્નેરીની પિંડિકાઓ (Guarnieri’s bodies) કહે છે. અછબડા (chickenpox) કરતાં શીતળામાં ચામડી વધુ અસરગ્રસ્ત થયેલી હોય છે. ચહેરા પરની ત્વક્ તૈલગ્રંથિઓ(sebaceus gland)નો નાશ થવાથી ત્યાં રૂઝ પછી ખાડા (ક્ષતાંકો) પડે છે. ચામડી ઉપરાંત લસિકાગ્રંથિઓ, બરોળ અને યકૃત પણ અસરગ્રસ્ત થાય છે.

નિદાન : તેના 3 તબક્કા છે : પ્રથમ તબક્કો પૂર્વલક્ષણ(prodrome)નો છે, બીજો તબક્કો સ્ફોટ(rash, eruption)ની શરૂઆતનો છે, જ્યારે ત્રીજો તબક્કો જલસ્ફોટ (vesicles) અથવા પાણી ભરેલી ફોલ્લીઓ અને પૂયસ્ફોટ (pustules) અથવા પરુવાળી નાની ફોલ્લીઓનો છે. પૂર્વલક્ષણ સમયે 102°થી 106° જેટલો તાવ થાય છે. માથું અને પીઠના સ્નાયુઓ દુખે છે, પેટમાં દુખાવો અને ઊલટી થાય છે. કેટલાક કિસ્સામાં થોડાક સમય માટે ચામડીમાં રતાશરંગી સ્ફોટ થાય છે. 34 દિવસમાં તાવ શમે છે અને દર્દીની તબિયત સુધરે છે. ત્યારે કો’ક કો’ક સ્થળે સ્ફોટ નીકળી આવે છે. શરૂઆતમાં ગલોફામાં પીડાકારક ચાંદું થાય અને ચહેરા અને ઉપલા ભાગમાં ત્વક્ડાઘા (maccules) થઈ આવે છે. તે ઝડપથી કઠણ ફોલ્લી(papules)માં રૂપાંતરિત થાય છે. ફોલ્લીઓની સંખ્યા વધે છે અને તે ચહેરા, છાતી, પેટ અને હાથપગમાં બધે વિસ્તરે છે. દોષવિસ્તારો એકબીજાથી છૂટા રહે અથવા એકબીજા સાથે ભળીને મોટા દોષવિસ્તારો કરે છે. સમય જતાં લગભગ આખા શરીર પર તે વિસ્તરે છે; જોકે તે ચહેરા અને હાથપગના છેડે તથા હથેળી અને પગના તળિયે સૌથી વધુ હોય છે. 3થી 4 દિવસમાં ઘન ફોલ્લીઓમાં પ્રવાહી ભરાય છે અને જલસ્ફોટ અથવા સજળ ફોલ્લીઓ બને છે, જે સમય જતાં પરુ ભરેલી ફોલ્લીઓ અથવા પૂયસ્ફોટમાં પરિણમે છે. જળસ્ફોટના પ્રવાહીમાં પૂયકોષો (pus cells) અને વિસ્થાપિત અધિચ્છદીય કોષો ઉમેરાય છે અને તેથી તે પરુ બનાવે છે. જળસ્ફોટની આસપાસ લોહી વહે છે. શરીર પરનો બધો જ સ્ફોટ જે તે સમયે એકસરખો જ હોય છે. જ્યારે પૂયસ્ફોટનો તબક્કો શરૂ થાય ત્યારે ફરીથી તાવ આવે છે, જે રૂઝ આવે ત્યાં સુધી રહે છે. સપૂય ફોલ્લી પર નાનો ખાડો ઉદ્ભવે છે. ત્યાર પછી તે પોપડો (કુશલ્ક, crust) અને પોપડી (કચ્છુ, scab) બને છે. માંદગીની શરૂઆતથી 3 અઠવાડિયે કુશલ્ક અને કચ્છુ (પોપડા-પોપડીઓ) ખરી પડે છે. ત્યાં નાની રૂઝપેશી કે થોડો ઊંડો ખાડો (ક્ષતાંક) પડે છે. ક્યારેક આના કરતાં હળવી તો ક્યારેક વધુ તીવ્ર માંદગી થાય છે. વધુ તીવ્ર માંદગીમાં તાવ, લોહીના કોષોના ઉત્પાદનમાં ઘટાડો, ચામડી પર લોહી વહે એવા દોષવિસ્તારો, મોં અને આંતરડામાંથી રુધિરસ્રાવ, લોહીનું દબાણ ઘટવાથી થતી આઘાત(shock)ની સ્થિતિ થાય છે તથા બેભાનાવસ્થા અને મૃત્યુ પણ આવે છે. આવા કિસ્સામાં સમગ્ર લક્ષણો 3થી 4 દિવસમાં થઈ આવે છે અને મૃત્યુ નીપજે છે.

લઘુક્ષતાંકતા અથવા લઘુશીતળા (alastrim) નામનો વિકાર શીતળા કરતાં મંદ પ્રકારનો છે. તેનો નિવર્ધનકાળ (incubation period) શીતળા જેટલો જ છે, પરંતુ ચામડી પરનો સ્ફોટ ઓછો તીવ્ર હોય છે અને મૃત્યુ ભાગ્યે જ થાય છે. ચેપ લાગ્યા પછી તેનાં લક્ષણો જોવા મળે તે વચ્ચેના સમયગાળાને નિવર્ધનકાળ કહે છે. તેમાં શરીરની અંદર વિષાણુની સંખ્યાવૃદ્ધિ થાય છે.

શીતળાના પરુ ભરેલા ફોલ્લામાં સ્ટેફાયલોકોકસ ઑરિયસ પ્રકારના જીવાણુઓથી ચેપ લાગે છે. જો વિષાણુનો ચેપ ગળું અને શ્વસનમાર્ગને અસરગ્રસ્ત કરતો હોય તો ફેફસામાં જીવાણુજન્ય ન્યૂમોનિયા (ફેફસીશોથ) થઈ શકે છે. આંખો લાલ થાય છે અને સાથે નેત્રકલાશોથ (conjunctivitis), સ્વચ્છાશોથ (keratitis) અને કનિનિકાપટલશોથ (iritis) થાય છે. જેમાં અનુક્રમે આંખની ફાડમાં જોવા મળતા આંખના ડોળાના આવરણમાં ચેપજન્ય પીડાકારક સોજો આવે છે, આંખના ડોળામાં કીકી પરના પારદર્શક આવરણમાં પીડાકારક સોજો આવે છે તથા કીકીના છિદ્રને નાનુંમોટું કરતા પડદામાં પીડાકારક સોજો આવે છે. પાછળના તબક્કામાં ચેપ મગજમાં વિસ્તરીને મસ્તિષ્કશોથ (encephalits) થાય છે. ક્યારેક હાડકાં અને સાંધામાં પણ ચેપ ફેલાય છે.

પૂર્વલક્ષણના તબક્કામાં શ્વેતકોષો ઘટે છે પણ સપૂય ફોલ્લીના તબક્કામાં તે વધે છે. સજલ ફોલ્લીઓના પ્રવાહીમાં ઈંટ આકારના કણો દર્શાવીને ઝડપથી નિદાન કરી શકાય છે. તે માટે વીજાણુ-સૂક્ષ્મદર્શકની જરૂર પડે છે. શીતળાના રોગને અછબડાથી અલગ પાડવો જરૂરી ગણાય છે.

સારવાર : શીતળાની કોઈ ચોક્કસ સારવાર નથી. તેથી તેમાં થતાં લક્ષણો અને આનુષંગિક તકલીફોની સારવાર કરાય છે. શીતળા નાબૂદ થયો તે પહેલાં તેને થતો અટકાવવા રસી-વ્યવસ્થા હતી.

શિલીન નં. શુક્લ