શીતળા માતા : હિંદુ ધર્મમાં વિવિધ રૂપે વ્યાપકપણે પૂજાતી એક દેવી. તે શીતળાના રોગની અધિષ્ઠાત્રી મનાય છે. તેની પૂજા કરનારી સ્ત્રીને વૈધવ્ય આવતું નથી એવી અનુશ્રુતિ છે. ગુજરાતમાં શ્રાવણ વદ સાતમના દિવસે આ દેવીનું વ્રત કરવાનું વિધાન છે. એ દિવસને શીતળા સાતમ કહે છે. વ્રતની વિશેષતા એ છે કે એ દિવસે ચૂલો સળગાવવામાં આવતો નથી. વળી એ દિવસે જે ભોજન લેવાય છે, તે આગલા દિવસે રાંધી લીધેલું હોય છે. આગલા દિવસને રાંધણ છઠ કહે છે. તે દિવસે ઘરનો સ્ત્રીવર્ગ તળેલા મગ, મઠ, ચણાની દાળ, બાજરીનાં વડાં, પૂરી, કઢી આદિ કાળદુષ્ટ કે વાસી થઈ જવાથી અભક્ષ્ય ના બને તેવા પ્રકારની વાનગીઓ રાંધી લે છે. એવી માન્યતા છે કે આ દિવસે શીતળા માતા ભક્તોનાં ઘરોમાં તેમના ચૂલામાં આળોટવા નીકળે છે. તેમને દાહની પીડા ના થાય એ માટે ચૂલા ટાઢા રાખવા આવશ્યક મનાય છે. આ ઉપરાંત, ભાવિકો તથા બાધા આદિના બંધનવાળા લોકો એ દિવસે માતાની વિધિવત્ પૂજા કરે છે. માતાનું સ્વરૂપ લૌકિક છે : વસ્ત્રહીન, ગધેડાના વાહન ઉપર બિરાજમાન, માથે સૂપડાનો મુગટ, હાથોમાં સાવરણી અને કળશ. માતાને પાંચ પકવાન ધરાવાય છે; તેમાં દહીં, ઘી, ભાત આદિ મુખ્ય છે. સંકલ્પપૂર્વક સાત કુમારિકાઓનું પૂજન પણ કરાય છે. અષ્ટદળ કમળના આલેખન સાથે બાજઠ ઉપર માતાનું સ્થાપન કરી તેમની ષોડશોપચારે પૂજા કરવામાં આવે છે. સંપન્ન લોકો માતાની સુવર્ણમૂર્તિની પ્રતિષ્ઠા કરે છે. નૈવેદ્યમાં ફળાદિ ધરી આરતી દ્વારા પૂજા સંપન્ન કરવામાં આવે છે. બધો સમય ‘શીતલાયૈ નમ:’, ‘વંદેહં શીતલાદેવીમ્’ જેવા મંત્રોનો પાઠ કરવામાં આવે છે. બ્રાહ્મણને દાનદક્ષિણા અપાય છે.
વ્રતસંબંધી પૌરાણિક કથા આ પ્રમાણે છે : પૂર્વે હસ્તિનાપુરમાં ઇંદ્રદ્યુમ્ન નામે રાજા હતો. તેની રાણી ધર્મશીલા નામ પ્રમાણે ધર્મ અને શીલમાં પૂર્ણ હતી. તેની તેવી જ સંસ્કારી કુંવરી શુભાકારી હતી. યોગ્ય વયે તેને કૌંડિન્ય નગરના રાજાના કુંવર ગુણવાન સાથે પરણાવવામાં આવી. એક સમયે પિયર આવીને રહેલાં પુત્રી-જમાઈ જ્યારે સ્વસ્થાને જવા તૈયાર થયાં, ત્યારે તે દિવસે શીતળા સાતમ હોવાથી પિતાએ તેમને થોડો સમય રોકાઈ વ્રતપૂજા કર્યા પછી નીકળવા જણાવ્યું. રાજાની આજ્ઞાથી ગોરગોરાણી શુભાકારીને લઈને વનમાં પૂજાર્થે ગયાં. પાણી માટે નદીતળાવ જેવું સ્થાન નહિ જડતાં થાકેલાં ગોરગોરાણી વૃક્ષ તળે વિશ્રામ માટે રોકાયાં. કુંવરી આગળ નીકળી ગઈ. ત્યાં તેમને એક વૃદ્ધ સ્ત્રી મળી. તેણે તેને તળાવે લઈ જઈ શીતળા માતાની વિધિપૂર્વક પૂજા કરવામાં સહાય કરી. ભોળી રાજકુંવરીની પૂજાથી પ્રસન્ન થઈ શીતળા માતાએ તેને દર્શન આપ્યાં અને શુભ આશીર્વાદ આપ્યા.
આ બાજુ વિશ્રામ કરતા ગોરને વિષધર સાપ કરડતાં તેનું મરણ થયું. ગોરાણી વિલાપ કરવા લાગ્યાં. એવામાં તેમનું આક્રંદ સાંભળી કુંવરી શુભાકારી ત્યાં આવી અને તે પણ માતાને સ્મરતી વિલાપ કરવા લાગી. માતાએ પ્રગટ થઈ કુંવરીના પુણ્યના બદલામાં ગોરને જીવનદાન આપ્યું. આ લોકોને પાછાં ફરવામાં ભારે વિલંબ થવાથી તેમની શોધમાં નીકળેલો રાજકુમાર ગુણવાન પણ સર્પદંશનો ભોગ બન્યો. કુંવરીના વ્રતના પ્રભાવે માતાએ પ્રગટ થઈ તેને પણ સજીવન કર્યો. આમ માતાએ વ્રતકારિણીઓના સૌભાગ્યની રક્ષા કરી.
આ દેવી આ જ નામે અથવા ‘મરિયમ્મા’ આદિ ભિન્ન નામે દક્ષિણ ભારત તથા મલેશિયા જેવાં દૂરનાં સ્થળોએ પણ પૂજાય છે. તેનું સ્વરૂપ ભિન્ન છે. પુરુષનું માથું, સ્ત્રીનું શરીર, નિર્વસ્ત્ર કે અલ્પવસ્ત્ર, હાથોમાં ડમરું, છૂરિકા, ત્રિશૂળ, કમંડળ કે કપાલધારિણી, લલિતાસનમાં કે ઉચ્ચૈ:શ્રવાની પીઠ પર બેઠેલી, પંચફણા નાગના છત્રવાળી કલ્પી છે. કંકણ, નૂપુર, મેખલા આદિથી તે અલંકૃત હોય છે.
બંસીધર શુક્લ