શીતિકંઠ આચાર્ય (13મી સદી) : કાશ્મીરી ભાષાના જાણીતા પ્રથમ કવિ. તેમના જીવન અને પરિવાર વિશે કોઈ જ માહિતી ઉપલબ્ધ નથી; પરંતુ તેમનો જન્મ લલ દદ (લલ્લેશ્વરી) પહેલાં – 100 વર્ષ પર એટલે 13મી સદીનાં શરૂઆતનાં વર્ષોમાં થયાનું જાણવા મળે છે.

તેઓ કાશ્મીર શૈવધર્મના પ્રકાંડ વિદ્વાન જયરથના શિષ્ય હતા. તેમના ગુરુની માફક શીતિકંઠ પણ શૈવ ફિલસૂફીના અનુયાયી હતા. 11મી કે 12મી સદીના ચુમ્મા સંપ્રદાયના કેટલાક અજ્ઞાત સંતોએ કાશ્મીરી કાવ્યમાં ‘ચુમ્માપાડા’ જેવા સ્વરૂપની રચના કરી હતી, જ્યારે શીતિકંઠનો ગ્રંથ ‘મહાનયપ્રકાશ’ કાશ્મીરીમાં લખાયેલ પ્રથમ નોંધપાત્ર કાવ્યકૃતિ ગણાય છે.

આ ગ્રંથની ભાષા પ્રાચીન કાશ્મીરીનું પ્રાકૃત સ્વરૂપ કહી શકાય એવી કાલગ્રસ્ત એટલે 700 વર્ષ જૂની છે. આ ગ્રંથ પરથી ફલિત થાય છે કે તેઓ શૈવધર્મની ‘ત્રિક’ ફિલસૂફીના પ્રકાંડ પંડિત હતા અને તેનાં વિવિધ પાસાં અને સ્વરૂપોની ચર્ચા કરવા સમર્થ હતા. તે કૃતિનું મુખ્ય વિષયવસ્તુ તાંત્રિક પૂજાનું છે અને તે યોગની અત્યંત નિકટવર્તી છે. તે કૃતિમાં 94 ‘વાક’ (વચનો) છે. તેમાં ભારોભાર સંસ્કૃત તત્સમ અને તદભવ શબ્દોના પ્રયોગો અને પારિભાષિક શબ્દોનો પ્રયોગ પણ થયો છે; જે દર્શાવે છે કે તે કાલમાં કાશ્મીરમાં સંસ્કૃતનું પ્રભુત્વ હતું. કવિના કહેવા પ્રમાણે તેમણે લોકભાષા જેવી પ્રચલિત ‘દેશભાષા’માં આ ગ્રંથની રચના કરી છે. આમ, આ કૃતિનું ભાષાકીય મહત્વ જોતાં તે કાશ્મીરી ભાષા અને સાહિત્યમાં અનોખું સીમાચિહ્ન ગણાય છે.

આ ગ્રંથનું સંપાદન મુકુન્દ્રમ શાસ્ત્રીએ કર્યું હતું અને 1918માં કાશ્મીર સરકારના સંશોધન વિભાગ દ્વારા તે દેવનાગરીમાં પ્રગટ કરાયું હતું. આ ગ્રંથની મૂળ હસ્તપ્રત ‘શારદા’ લિપિમાં છે અને ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સેન્ટ્રલ એશિયન સ્ટડીઝ, કાશ્મીર યુનિવર્સિટી, શ્રીનગરની લાઇબ્રેરીમાં તેની જાળવણી કરવામાં આવી છે. શીતિકંઠે આમ આ કૃતિ દ્વારા કાશ્મીરીને તત્વજ્ઞાન-વિષયક અભિવ્યક્તિનું સાધન બનાવીને પ્રસ્થાપિત કર્યું છે કે કાશ્મીરી 13મી સદીની રાજભાષા હતી.

બળદેવભાઈ કનીજિયા