શીતલનાથ : જૈન ધર્મના ચોવીસ તીર્થંકરોમાં દસમા તીર્થંકર. જૈન પુરાણો અનુસાર તેમના તીર્થંકરજન્મ પહેલાંના જન્મમાં તેઓ સુસીમા નગરીમાં પદ્મોત્તર રાજા હતા. રાજારૂપે તેમણે ધર્મપૂર્વક રાજ્યનું પાલન કરી કાળક્રમે વૈરાગ્ય પ્રબળ બનતાં પ્રવ્રજ્યા ગ્રહણ કરી હતી અને તપ-આરાધના કરતાં કરતાં ‘તીર્થંકર’ નામગોત્ર પ્રાપ્ત કર્યું હતું. કાળ કરીને અર્થાત્ મૃત્યુ પછી તેઓ દેવલોકમાં અધિપતિ બન્યા, ત્યાં વીસ સાગરોપમ(એક કાળમાન)ની સ્થિતિ પૂર્ણ થતાં તેઓ ભરતક્ષેત્રમાં ભદ્દિલપુર નગરના દૃઢરથ રાજાની પટ્ટરાણી નંદાની કુક્ષિમાં ગર્ભરૂપે પ્રવેશ્યા અને માઘ માસની કૃષ્ણ પક્ષની દ્વાદશીએ પૂર્વાષાઢા નક્ષત્રમાં તેમનો જન્મ થયો.
તેઓ જ્યારે ગર્ભમાં હતા ત્યારે નંદાદેવીના સ્પર્શથી રાજાનું તપ્ત થયેલું અંગ શીતળ થયું હોવાથી તેમનું નામ ‘શીતલ’ પાડવામાં આવ્યું. યુવાનવયે માતા-પિતાની વિનંતીને માન આપીને તેમણે અનાસક્ત ભાવે લગ્ન કરી સંસાર ભોગવ્યો. 25,000 પૂર્વ(એક કાળમાન)ની વય પછી તેમણે રાજ્યભાર સંભાળ્યો. 50,000 પૂર્વ સુધી રાજ્યનું પાલન કરીને તેમનું મન વિરક્ત બન્યું. તેમનું મન જાણીને લોકાંતિક દેવતાઓએ તેમને તીર્થસંસ્થાપનની પ્રેરણા આપી. માઘ માસની કૃષ્ણ દ્વાદશીએ મહોત્સવપૂર્વક શીતલનાથે 1,000 રાજાઓ સાથે દીક્ષા લીધી. બીજા દિવસે પુનર્વસુ રાજાને ત્યાં પરમાન્નથી છઠ્ઠતપનું પારણું કર્યું. વ્રત, તપ આદિ ધારણ કરીને વિહાર કરતાં કરતાં ત્રણ માસના અંતે પોષ વદ ચૌદશ, પૂર્વાષાઢા નક્ષત્રમાં તેમને કેવળજ્ઞાન થયું. દેવોએ રચેલા સમવસરણમાં તેમણે ઉપદેશ આપ્યો.
તેમના શાસનમાં બ્રહ્મ નામક યક્ષ અને અશોકા નામક શાસનદેવી હતાં. તેમનું લાંછન (ચિહ્ન) શ્રીવત્સ છે. તેમના પરિવારમાં એક લાખ મુનિઓ અને એક લાખ છ હજાર સાધ્વીઓ હતાં. જેમાં 1,400 ચૌદ પૂર્વધારી; 7,200 અવધિજ્ઞાની; 7,500 મન:પર્યાયજ્ઞાની; 7,000 કેવલજ્ઞાની; 12,000 વૈક્રિયલબ્ધિધારી અને 5,800 વાદલબ્ધિધારી હતાં. તેમના પરિવારમાં 2,89,000 શ્રાવકો અને 4,58,000 શ્રાવિકાઓ હતાં.
25,000 પૂર્વ પર્યંત દીક્ષાપર્યાયમાં રહી, કુલ 1 લાખ પૂર્વનું આયુષ્ય ભોગવી, 1 માસના અનશનપૂર્વક વૈશાખ વદ બીજના દિવસે સમેતશિખર પર તેઓ નિર્વાણ પામ્યા એવી કથા છે.
રમણીક શાહ
સલોની જોશી