શીતલ, સોહનસિંગ (. 1909) : પંજાબી નવલકથાકાર. તેમને તેમની નવલકથા ‘જુગ બદલ ગયા’ (1972) માટે 1974ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો. તેમણે બાળપણથી કાવ્યો રચવાનું શરૂ કરેલું. 1947માં તેમણે તેમની પ્રથમ નવલકથા લખી. પંજાબી સાહિત્યમાં તેમણે અત્યાર સુધીમાં 11,000 પૃષ્ઠ જેટલું સાહિત્યિક પ્રદાન કર્યું. તેમના ઘણા ગ્રંથોના હિંદી તથા અંગ્રેજીમાં અનુવાદ થયા છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘જુગ બદલ ગયા’ (‘ધ ચેન્જ્ડ ટાઇમ’) એક ધનવાન કિસાન લાખાસિંગ વિશેની નવલકથા છે. તે તેના અનુસૂચિત જાતિના નોકરની યુવાન પત્ની તેજોને તેની પત્ની તરીકે રાખે છે અને તેનાથી તેને જમિલ નામનો પુત્ર સાંપડે છે. આઝાદી પ્રાપ્ત થતાં પંજાબની વસ્તી બે ભાગમાં વહેંચાઈ ગઈ. પરિણામે લાખાસિંગે પાકિસ્તાની પંજાબમાં ગુમાવેલ જમીનના વળતર રૂપે જમીનફાળવણી માટે અરજી કરવી પડે છે. જાલંધરના પુનર્વસવાટ ખાતામાં આવી ફાઇલ ક્લાર્ક જર્નેલસિંગ સંભાળે છે. તે લાખાસિંગ જ્યાં સુધી તેજોને તેની કાયદેસરની પત્ની અને જમિલને તેના કાયદેસર પુત્ર તરીકે સ્વીકારે નહિ ત્યાં સુધી ફાઇલ છુપાવી રાખે છે. આ વાર્તાનું નિરૂપણ પ્રબળ યથાર્થવાદી અસરની પ્રતીતિ કરાવે છે.

આમ, આ પુરસ્કૃત કૃતિ ‘જુગ બદલ ગયા’ તેના અભિનવ યથાર્થવાદ અને ઉચ્ચ સામાજિક ઉદ્દેશ માટે તત્કાલીન પંજાબી સાહિત્યમાં ઊંચું સ્થાન ધરાવે છે.

બળદેવભાઈ કનીજિયા