શીતઘન પરિચ્છેદ (frozen section) : શસ્ત્રક્રિયાથી બહાર કઢાયેલી પેશીને તરત અતિશય ઠંડકની મદદથી ઘનસ્વરૂપમાં ફેરવીને તેનાં પાતળાં પડ કાપીને, તેમને અભિરંજિત કરીને સૂક્ષ્મદર્શક વડે તપાસવી તે. તેમાં સર્જ્યન (શસ્ત્રક્રિયાવિદ) અને રુગ્ણવિદ (pathologist) વચ્ચે સંપર્ક અને આયોજન હોય છે, જેથી કરીને ચાલુ શસ્ત્રક્રિયામાં શંકાસ્પદ પેશીનું ઝડપી નિદાન કરીને શસ્ત્રક્રિયામાં આગળ કેવી રીતે વધવું તેનો નિર્ણય સર્જ્યન કરી શકે. સામાન્ય રીતે આ પ્રક્રિયા 4 સ્થિતિઓમાં કરાય છે – (અ) નિદાનને નિશ્ચિત કરવું અથવા રોગના ફેલાવાને જાણવો, જેથી ચાલુ શસ્ત્રક્રિયામાં કેટલું દૂર કરવાનું છે કે કેવી શસ્ત્રક્રિયા કરવાની છે તેનો નિર્ણય કરી શકાય; (આ) શસ્ત્રક્રિયાથી દૂર કરાયેલો ભાગ પૂરતો છે તથા તેની આસપાસ પૂરતી પહોળાઈની સામાન્ય પેશીની કિનારી રખાઈ છે કે નહિ કે હજુ વધુ શસ્ત્રક્રિયા કરી વધુ ભાગને દૂર કરવો જરૂરી છે તે નક્કી કરવું, (ઇ) શંકાસ્પદ ભાગમાં કૅન્સર છે કે નહિ તે નિશ્ચિત કરવું તથા દૂર કરાયેલી પેશીમાંથી સૂક્ષ્મજૈવ નિદાનશાળા (microbiology laboratory), વહન-કોષમાપન (flow cytometry) દ્વારા પ્રતિરક્ષાગત રૂપપ્રકારલક્ષી વિશ્લેષણ (immunophenotype analysis) તથા જનીનીય અને આણ્વિક જીવવિજ્ઞાનની કસોટી કરવા માટે પેશીના નમૂનાનું યોગ્ય વિભાગીકરણ કરવું અને (ઈ) શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરાયેલા પેશીનમૂનામાં પૂરતા પ્રમાણમાં અને યોગ્ય કક્ષા ધરાવતો દોષવિસ્તાર (lesion) નીકળ્યો છે કે નહિ તેની ખાતરી કરવી.

કૅન્સરની સારવારમાં શીતઘન પરિચ્છેદ(પાતળા પડ કાપવા)ની પદ્ધતિ ખૂબ ઉપયોગી નિદાનલક્ષી પગલું છે; પરંતુ તેનો ઉપયોગ યોગ્ય રીતે કરવો જરૂરી છે. તેથી જ્યાં ઉપર જણાવેલા 4માંથી એક પણ ઉદ્દેશ ન હોય, જ્યાં પેશીનો ટુકડો અલગથી કાપવાથી પાછળથી કરાતું પૂરા નમૂનાનું નિદાન મુશ્કેલ બને તેમ હોય કે ઘણા મોટા નમૂનામાં કોઈ નાનો ભાગ અસરગ્રસ્ત છે કે નહિ તે જાણવા માટે જિજ્ઞાસા થયેલી હોય, તો આ પ્રક્રિયા કરવી સલાહભરી નથી.

આ પદ્ધતિની કેટલીક મર્યાદાઓ છે; જેમ કે તેમાં તપાસ કરવામાં આવી રહેલા નમૂનામાંની પેશી અને કોષોની સંપૂર્ણ ઝીણવટભરી સંરચના જળવાયેલી હોતી નથી. વળી ચરબી, હાડકું કે બાહ્ય પદાર્થને કારણે પેશી છૂટી પડી જાય છે તથા બરફના સ્ફટિકો બનવાને કારણે પેશીમાં વિકૃતિ આવી જાય છે; તેથી ઘણી વખતે કોષ તથા પેશીની ઓળખ બરાબર થઈ શકતી નથી તથા પેશીની સંરચના છૂટી પડી હોવાથી તથા કોષોની રૂપરચના (morphology) વિકૃત થતી હોવાથી નિદાનમાં પણ અચોક્કસતા ઉદ્ભવે છે. વળી શીતઘન પરિચ્છેદ પ્રક્રિયામાં નિદાન માટે રુગ્ણવિદ્ને ઘણો ઓછો સમય મળતો હોય છે. તેથી તેણે ઉતાવળથી નિદાન આપવું પડે છે. તેથી મોટા નમૂનાની તપાસ કરતાં નાના નમૂનાની તપાસ થઈ શકતી હોય એવી પરિસ્થિતિમાં નિદાનની ચોક્કસતા વધુ રહે છે; દા.ત., મોટા આંતરડાના મસામાં કૅન્સર છે કે નહિ, ગલગ્રંથિ(thyroid gland)માં તેના આવરણની બહાર કૅન્સર ફેલાયેલું છે કે નહિ, કપોલીય લાળગ્રંથિ(parotid gland)માં કૅન્સર ઉદ્ભવ્યું છે કે નહિ જેવી બાબતોમાં તે ઘણી ઉપયોગી માહિતી આપે છે. આ કિસ્સાઓમાં એક કે બે સ્થળેથી શીતઘન પરિચ્છેદ લઈને નિર્ણય કરી શકાતો હોય છે.

યોગ્ય રીતે કરાયેલું પરીક્ષણ 97 % કિસ્સામાં ચોક્કસ નિદાન આપે છે. નૈદાનિક ચોક્કસતા મોટા નિર્ણયોમાં ખાસ મદદરૂપ છે; જેમ કે, કૅન્સર છે કે નહિ, કૅન્સર છે કે ચેપજન્ય શોથ (inflammation) છે, વગેરે; પરંતુ ગાંઠના વિગતવાર વર્ગીકરણ માટે ઘણી વખત મુશ્કેલી પડે છે. જો કે રુગ્ણવિદ્ને જેટલી વધુ માહિતી અપાઈ હોય તેટલી વધુ નૈદાનિક ચોક્કસતા ઉદભવે છે.

શિલીન નં. શુક્લ