શીટ, સૅમ્યુઅલ (. 1587, હેલે, નેધર્લૅન્ડ્ઝ; . 30 માર્ચ 1654, હેલે, નેધર્લૅન્ડ્ઝ) : ડચ ઑર્ગનવાદક અને સંગીતનિયોજક. ઉત્તર જર્મનીની બરોક સંગીતશૈલી પર તેનો પ્રભાવ છે.

ડચ ઑર્ગનવાદક સ્વીલિન્ક હેઠળ ઑર્ગનનો અભ્યાસ કરીને હેલે ખાતે શીટે 1609માં ઑર્ગનવાદક તરીકે કારકિર્દી શરૂ કરી. આશરે 1619માં બ્રાન્ડેન્બર્ગના માર્ગ્રેવ ઑર્કેસ્ટ્રાના કપેલમેઇસ્ટરનું પદ તેને મળ્યું. એક સંગીતશિક્ષક તરીકે તેની ખ્યાતિ પ્રસરવા માંડી. તેના શાગિર્દોમાંથી એડમ ક્રીગર પછીથી સંગીતનિયોજક તરીકે તે આગળ આવેલો. 1620માં શીટની પ્રથમ મૌલિક રચનાઓ પ્રકાશિત થઈ, જેમાં બેથી માંડીને આઠ કંઠ માટેની એક વાજિંત્રની સંગત સાથેની રચનાઓ છે. ત્યારબાદ 1624માં ઑર્ગન માટેની તેની રચનાઓ ‘ટેબુલેચુરા-નૉવા’ (Tabulaturanova) શીર્ષક હેઠળ પ્રકાશિત થઈ. ઑર્ગન માટેના સંગીતમાં આ રચનાઓ સીમાસ્તંભરૂપ ગણાઈ છે.

શીટના સંગીતની સૂરાવલિઓની આંતરગૂંથણી (counter point) ઘણી મૌલિક છે. કંઠ અને વાજિંત્રોનાં અવનવાં સંયોજનો માટે પણ તે જાણીતો છે. 1650માં પ્રકાશિત એના છેલ્લા પુસ્તક ‘ટેબ્લેચર-બુખ’- (Tablatur-Buch)માં સો ધાર્મિક ગીતો અને શ્લોકકીર્તન(Psalms)ના ગાનને વાજિંત્રોની સંગતમાં બેસાડવામાં આવેલ છે.

અમિતાભ મડિયા