શીખ ધર્મ : શીખ એટલે શિષ્ય. ‘સિક્ખ’ શબ્દ સંસ્કૃત ‘શિષ્ય’ ઉપરથી ઊતરી આવેલો છે. કેટલાક માને છે કે પાલિ ‘સિખ’ (પસંદ કરેલા) પરથી એ બન્યો છે. – ઈશ્વરે પસંદ કરેલો, ભગવાનનો પોતાનો, ગુરુ ગોવિંદસિંહે ‘ખાલસા’ નામ આપ્યું – તેનો પણ આવો જ અર્થ ઘટાવી શકાય. ‘ખાલસા’ શબ્દ મૂળ ફારસી ‘ખાલીસહ’ – ‘પાદશાહની પોતાની માલિકીનું’ પરથી બનેલો છે. પરમ તત્વની ઓળખાણ ‘ગુરુ’ દ્વારા થાય છે માટે કોઈ નિષ્ઠાવાન ગુરુ પાસેથી શિસ્તમય જીવનની દીક્ષા લઈ સદાચારી અને સત્યનિષ્ઠ જીવન વિતાવવું એ આ ધર્મનો મધ્યવર્તી વિચાર છે.

શીખ ધર્મનું પ્રતીક

શીખ ધર્મની સ્થાપના ઈ. સ.ના 16મા સૈકામાં ભારતમાં ગુરુ નાનકે (1469-1539) કરી. તેમાં હિંદુ-ઇસ્લામ ધર્મોનાં શુભ તત્વોનો સમન્વય થયેલો જણાય છે. એકેશ્વરવાદ, ભ્રાતૃત્વ, ઐક્યની ભાવના, મૂર્તિપૂજા કે વ્રત-ઉપવાસ આદિ ક્રિયાકાંડ કરતાં આચારની શુદ્ધિનો ઉપદેશ અને ‘એક સત્’ નામ ઈશ્વરના નામનો જપ કરવો એ આ ધર્મનાં વિશિષ્ટ લક્ષણ છે. પંજાબમાં રાજકીય જુલમ, અજ્ઞાન, અસત્ય, વહેમ ફેલાયેલાં હતાં. એવા સમયમાં ગુરુ નાનકદેવનો જન્મ થયો હતો. તેમણે સમભાવપૂર્વક હિંદુ-મુસ્લિમ સૌને માર્ગદર્શન આપ્યું અને પ્રેમ અને નિર્ભયતાથી સૌના પ્રેમ અને આદરના પાત્ર બન્યા. ‘ગુરુ નાનક શાહ ફકીર, હિંદુ કા ગુરુ, મુસલમાન કા ફકીર’, ‘બાબા નાનક સબકા સાંઝા (સખા)’ જેવાં સૂત્રો પ્રચલિત થયાં. ગુરુ નાનકનો આ ઉપદેશ તેમની પછીના ગુરુઓએ પ્રજામાં ફેલાવ્યો. ગુરુ અર્જુનસિંહની શહીદી પછી એ નિર્ભય – નિર્વૈર પંથ બન્યો, અને ગુરુ ગોવિંદસિંહે સ્થાપેલા ખાલસા પંથ સાથે એનો વિકાસ પરિપૂર્ણ થયો કહેવાય. પુરુષો ‘સિંહ’ બન્યા અને સ્ત્રીઓ ‘કૌર’ (સિંહણ અથવા રાણી) બની. શીખે પાંચ ‘ક’ રાખવાના – કેશ, કચ્છ, કડું, કંઘા (કાંસકો) અને કિરપાણ. કોઈ નાનુંમોટું નહિ, સૌ સમાન.

શીખ ધર્મોના 10 ગુરુ છે. ગુરુ ગોવિંદસિંહ પછી ગુરુ-પરંપરાનો અંત આવ્યો અને ‘ગુરુ ગ્રંથસાહેબ’ને જ એ સ્થાન મળ્યું.

ગુરુ નાનક

(1) ગુરુ નાનક : તેમનો જન્મ તલવંડી ગામમાં (હાલ પાકિસ્તાનમાં લાહોર પાસેના નાનકાના સાહેબમાં) થયો હતો. પિતા કાલુરામ સજ્જન અને સરળ હતા. તેઓ એક મુસ્લિમ જાગીરદારના તલાટી હતા. નાનક બાલ્યકાળથી જ બુદ્ધિશાળી, દયાળુ, દાનશીલ સ્વભાવના હતા; પણ તેમને રોજી મેળવી આપનારી વિદ્યામાં રુચિ નહોતી. પિતાએ પાંચ વર્ષની ઉંમરે નિશાળે મૂક્યા, પણ થોડું સંસ્કૃત અને થોડું ફારસી શીખીને અભ્યાસ છોડી દીધો. ખેતી કે વેપારમાં પણ તેમનો જીવ ચોંટ્યો નહિ. એક દિવસ નદીમાં સ્નાન કરતાં કરતાં તેમને પ્રભુનો સાક્ષાત્કાર થયો. ત્રણ દિવસ ધ્યાનમાં લીન રહી ભક્તિ અને જ્ઞાનથી તરબોળ થઈ તેઓ પાછા આવ્યા અને ઈશ્વર-સ્મરણ કરવાનો અને બીજાઓને કરાવવાનો આદેશ તેમણે ઝીલ્યો અને પાળ્યો. તેમને મન ‘ન કોઈ હિંદુ, ન કોઈ મુસલમાન, માત્ર મનુષ્ય’. 27 વર્ષની વયે નાનક નામસ્મરણનો મહિમા કરતા, સત્યનિષ્ઠા સાથે અસત્ય દૂર કરવાનો માર્ગ બતાવવા નીકળી પડ્યા અને દૂર દૂર સુધી લોકકલ્યાણાર્થે, સૌને સમાન ગણી તેમણે ધર્મતત્વનો ઉપદેશ આપ્યો. તેઓ કુટુંબના ભાટ ભાઈ મરદાનાને સાથે લઈને ફરતા હતા. તેમના મુખમાંથી

ઈશ્વરી પ્રેરણાથી કાવ્ય સ્ફુરતું અને મરદાના રબાબ(-એક પ્રકારની સારંગી-)નો બજવૈયો હોઈ તેને સંગીતમાં બેસાડતો. નાનક આ રીતે 30 વર્ષ સુધી આસામ, લંકા, તિબેટ, દ્વારકા, મક્કા, બગદાદ વગેરે સ્થળો સુધી લોકોને વહેમોમાંથી મુક્ત થઈ સત્ય અકાલ પુરુષ (અવિનાશી પુરુષ) પરમાત્માની આરાધના કરવા પ્રેરણા આપતા ફરતા રહ્યા. નાનકના સમયમાં બાબરે હિંદુસ્તાન પર ત્રણ ચઢાઈઓ કરી અને જુલમનો દોર ચલાવ્યો. નાનકને પણ પકડેલા, પણ તેમનાથી પ્રભાવિત થઈને સન્માનપૂર્વક છોડી મૂક્યા. બગદાદમાં સૂફીસંત પીર શાહ બહલોલ તેમના શિષ્ય બની ગયા. નાનકે ‘સતનામ’ અને ‘સત-કરતાર’ – એ નામો પ્રચલિત કર્યાં. જેનું પાછળથી ‘સત શ્રી અકાલ’માં રૂપાંતર થયું. તેમનો ઉપદેશ હતો કે ‘વાહિ ગુરુ’ (વિસ્મયકારી પરમાત્મા) એ નામ માત્ર જીભથી રટવાનું નથી, પણ મનુષ્યે તેની સર્વજ્ઞતા, સર્વશક્તિમત્તાને ધ્યાનમાં રાખીને ભક્તિભાવપૂર્વક હૃદયમાં ધારણ કરવાનું છે અને કશું પણ ખોટું કરતાં ડરવાનું છે.

નાનકે અંતિમ દિવસો રાવી તટે કરતારપુરમાં ગાળ્યા. તેઓ એક સીધાસાદા ખેડૂતનું જીવન જીવતા ને શીખોને પુરુષાર્થ, સદાચાર અને ભક્તિથી ઓતપ્રોત ગૃહસ્થ તરીકેનું જીવન વિતાવવાનો ઉપદેશ આપતા. પોતાના પુત્ર શ્રીચંદને બાજુએ રાખીને શિષ્યોની સંભાળ લેવા માટે પોતાની પાછળ વહેણા નામના શિષ્યને તેની નિષ્ઠા જોઈ ‘અંગદ’ (અંગે ખુદ, તું તો મારું અંગ છે.) એવું નામ આપીને ગુરુગાદીએ બેસાડ્યો. નાનક પ્રજામાં એટલા પ્રિય થઈ પડ્યા હતા કે તેમના મૃતદેહને અગ્નિદાહ દેવો કે દફનાવવો તે માટે તેમના હિંદુ-મુસ્લિમ શિષ્યોમાં ચડસાચડસી થઈ.

(2) ગુરુ અંગદ (1504-1552) : તેમણે ગુરુમુખી લિપિ પ્રચલિત કરી અને ગુરુ નાનકનું ચરિત્ર લખાવ્યું. નાનકે ચાલુ કરેલી ‘ગુરુ કા લંગર’ની પ્રથા (વગર મૂલ્યે જમાડવાની પ્રથા) વ્યવસ્થિત કરી, શિષ્યોને બહાદુર થવાની તાલીમ આપી અને નાનકની જેમ પોતાના પુત્રને ગાદીએ ન બેસાડતાં વયોવૃદ્ધ શિષ્ય અમરદાસને ગાદી આપી.

(3) ગુરુ અમરદાસ (1479-1574) : તેમણે નાનકના ધર્મસંદેશને પંથનું વ્યવસ્થિત રૂપ આપ્યું. ધર્મના પ્રચાર અર્થે 22 મંજી (ગુરુનું આસન) સ્થાપી અને 146 મસંદ (ધર્મપ્રચારક) નીમ્યા, જેમાં 52 સ્ત્રીઓ પણ હતી. ‘ગુરુ કા લંગર’ ખૂબ વિસ્તાર્યું. પડદા અને સતીના રિવાજનો નિષેધ કર્યો. નાનકની, અંગદની, પોતાની અને બીજા ભક્તકવિઓની રચનાઓનો સંગ્રહ તૈયાર કર્યો, જે ‘ગુરુ ગ્રંથસાહેબ’ની રચના માટે મુખ્ય સ્રોત બની ગયો. પોતાની પાછળ શિષ્ય અને જમાઈ એવા રામદાસને ગાદી આપી.

સુવર્ણમંદિર, અમૃતસર

(4) ગુરુ રામદાસ (1534-1581) : તેમણે ગુરુ અમરદાસની આજ્ઞા અનુસાર નવું ગામ વસાવ્યું જે હવે અમૃતસર તરીકે જાણીતું છે. રામદાસે પોતાના સૌથી નાના દીકરા અર્જુનદેવને ગાદી આપી.

(5) ગુરુ અર્જુનદેવ (1563-1606) : ગુરુ અર્જુનદેવ ઉચ્ચકક્ષાના કવિ, ભક્ત, જ્ઞાની અને સંગઠનકાર હતા. તેમણે અમૃતસરમાં હરિમંદિર, જે હવે સુવર્ણમંદિર તરીકે જાણીતું છે, તે બંધાવ્યું. તેમણે ‘ગુરુ ગ્રંથસાહેબ’ અથવા ‘આદિગ્રંથ’નું સંકલન કર્યું, જેમાં પોતાની કેટલીક રચનાઓનો પણ સમાવેશ કર્યો. આમ, આ શીખ પંથને પોતાની લિપિ, પોતાનું મંદિર, પોતાનો શાસ્ત્રગ્રંથ વગેરે વ્યવસ્થિત રીતે મળતાં તેને એક અલગ ધર્મનો દરજ્જો મળતો હોય એવું લાગવા માંડ્યું. જહાંગીરનો બળવાખોર પુત્ર ખુસરો આશ્રયે આવ્યો ત્યારે તેને મદદ કરી. એ વાત જાણતાં જહાંગીરે હુકમ કર્યો કે આદિગ્રંથમાં ઇસ્લામી માન્યતાઓ સાથે વિસંવાદ લાગે એવી સર્વ પંક્તિઓ રદ કરો. અર્જુનદેવ કબૂલ્યા નહિ. તેથી કલ્પી ન શકાય તેવો અત્યાચાર ગુરુ અર્જુનદેવ પર કર્યો અને મરણતોલ હાલત થતાં તેમને રાવી નદીમાં ફેંકાવી દીધા. આથી અર્જુનદેવ ‘શહીદોના સિરતાજ’ તરીકે ઓળખાયા.

(6) ગુરુ હરગોવિંદ (1595-1644) : અર્જુનદેવની પછી તેમના અગિયાર વર્ષના પુત્ર હરગોવિંદ ગુરુ થયા. તેમને લાગ્યું કે કેવળ જપમાળાથી ધર્મની રક્ષા નહિ થાય; આથી સેલી(ગુરુઓ ધારણ કરતા તે ઊનની માળા)ને બાજુએ રાખી અને ઐહિક અને પારલૌકિક ગુરુ હોવાના નિશાન તરીકે બે તલવાર રાખવા લાગ્યા અને ‘મીરી પીરીના માલિક’ તરીકે ઓળખાયા. ઊંચું ‘અકાલ તખ્ત’ બાંધ્યું. અશ્ર્વો અને શસ્ત્ર-અસ્ત્રની ભેટ ધરવા શિષ્યોને આજ્ઞા કરી. કેટલોક વખત જહાંગીરે તેમને કેદમાં રાખ્યા, પણ તેમની નિર્ભયતા જોઈને તેણે તેમને છોડી મૂક્યા અને મૈત્રી કરી. શાહજહાં સાથે કેટલીક લડાઈઓ થઈ, જેમાં શીખો જીત્યા. જેથી જનતામાં તેમની પ્રતિષ્ઠા થઈ અને લોકોને વિશ્વાસ બેઠો કે તેમણે બતાવેલો માર્ગ સાચો છે. તેમણે છેલ્લાં દસ વર્ષ હિમાલયની તળેટીમાં કિરતપુરમાં ગાળ્યાં અને અવસાન સમયે શોક ન કરતાં પ્રભુના નામથી જીવન ભરી દેવાનું કહીને દેહ છોડ્યો. તેમના પ્રત્યે લોકોને અનન્ય શ્રદ્ધા અને પ્રેમ હતાં. તેથી તેમની પાછળ ચિતામાં પડવા ઘણા તૈયાર થયાં અને બે શીખો તો ચિતામાં પડ્યા જ.

(7) ગુરુ હરિરાય (1630-1661) : ગુરુ હરગોવિંદના પૌત્ર ગુરુ હરિરાય બાલ્યકાળથી જ એટલા દયાળુ હતા કે ફૂલને પણ નુકસાન ન થાય તે માટે જામો સંકોચીને બગીચામાં ચાલતા. શાહજહાંના પુત્ર દારા શિકોહને મારી નાખવા નાનાભાઈ ઔરંગઝેબે ભોજનમાં કશુંક ખવડાવ્યું, જેથી દારા ગંભીર રીતે માંદો થયો. હકીમોએ દવા બતાવી, જે ક્યાંય ન મળતાં ગુરુ હરિરાયે બધું ભૂલી જઈને તે આપી અને વધારામાં અનુપાનમાં વાપરવા એક કીમતી મોતી આપ્યું. દારા સાજો થયો. પિતાને કેદ કરીને ઔરંગઝેબ ગાદીએ આવ્યો ત્યારે તેણે ગુરુને બોલાવ્યા. ગુરુએ મોટા પુત્ર રામરાયને મોકલ્યો, જેણે ખુશામત કરીને કૃપા મેળવી. ઔરંગઝેબે રામરાયને જાગીર આપી. જ્યાં તેણે દહેરું બાંધ્યું તેથી એ સ્થાન દહેરાદૂન તરીકે ઓળખાયું; પણ પિતા નારાજ થયા અને પોતાની પછી ગાદી પાંચ વર્ષના બાળક પુત્ર હરિકિશનને આપી.

(8) ગુરુ હરિકિશન (1656-1664) : ઔરંગઝેબે બાલગુરુ હરિકિશનને દિલ્હી બોલાવ્યા. ગુરુ જયપુરના રાજા જયસિંહને ત્યાં ઊતર્યાં અને ઔરંગઝેબની કોઈ જાળમાં ફસાયા નહિ. એ સમયમાં દિલ્હીમાં શીતળા અને કૉલેરાનો ઉપદ્રવ ફેલાયો હતો. ગુરુએ લત્તે લત્તે ફરીને પીડિતોને ઔષધો, કપડાં, ખોરાક વગેરે આપી સેવા કરી. ગુરુને ચેપ લાગ્યો અને શીતળા નીકળ્યા. અંતસમયે નારિયેળ અને પાંચ પૈસા મંગાવી ‘બાબા બકાલે’ અર્થાત્ ‘નવમા ગુરુ બકાલા ગામમાં છે’ એમ ગુરુ તેગબહાદુરનો સંકેત કર્યો.

(9) ગુરુ તેગબહાદુર (1621-1675) : તેઓ ગુરુ હરગોવિંદના સૌથી નાના પુત્ર હતા. તેમનું નામ ત્યાગમલ હતું, પણ ઈ. સ. 1634માં કરતારપુરના યુદ્ધમાં ત્યાગમલે મુઘલ લશ્કર સામે એવું પરાક્રમ બતાવ્યું કે પ્રસન્ન થઈને પિતા હરગોવિંદે તેમનું નામ ‘તેગબહાદુર’ પાડી દીધું. વળી તેમના લંગરમાં ભૂખ્યાંને ઘણું અન્ન મળતું, તેથી ‘દેગબહાદુર’ કહેવાયા. તેઓ ગરીબોને ટેકો આપનાર હતા, તેથી ‘ટેકબહાદુર’ તરીકે ઓળખાયા. એમના સમયમાં ઔરંગઝેબની ધર્માંધનીતિને લીધે ધર્મપરિવર્તનની યોજના ક્રૂરતાપૂર્વક અમલમાં મુકાવા માંડી. કોઈ આત્મબલિદાન આપે તો જ આમાંથી બચી શકાય. તેગબહાદુરે નિર્ણય કરી લીધો અને કાશ્મીરી પંડિતો દ્વારા કહેવરાવ્યું કે ‘તેગબહાદુર અમારા ગુરુ છે’, એ જો ધર્મપલટો કરશે તો અમે પણ કરીશું. ઔરંગઝેબે તેગબહાદુરને દિલ્હી બોલાવ્યા. તેમણે ધર્મપરિવર્તનની ના પાડી એટલે તેમને પાંજરામાં પૂર્યા. ઔરંગઝેબે તેમના સાથીઓની અલગ અલગ ક્રૂર રીતે હત્યા કરાવી અને ગુરુ તેગબહાદુરનો પણ શિરચ્છેદ કરાવ્યો; પરંતુ કાશ્મીરી પંડિતો અને હિંદુ-શીખ ફરજિયાત ધર્મપલટામાંથી બચી શક્યા. આમ તેમણે ધર્મની તેમજ હિંદુસ્તાનની લાજ રાખી, તેથી તેમને ‘ધર્મની ચાદર’ કે ‘હિંદની ચાદર’ એવા નામથી યાદ કરવામાં આવે છે. ગુરુ તેગબહાદુર તિલક, જનોઈ કે મૂર્તિપૂજામાં માનતા નહિ. ગુરુના અનેક મુસ્લિમ ભક્તો હતા. ગુરુ તેગબહાદુરને જે જેલમાં રાખવામાં આવ્યા હતા તેનો દારોગો સૈયદ અબ્દુલ હસન ગુરુના શિરચ્છેદ પછી આ અધમ કૃત્યના વિરોધમાં નોકરી છોડીને આનંદપુરમાં ગુરુ ગોવિંદસિંહ પાસે રહેવા ચાલી ગયો.

ગુરુ ગોવિંદસિંહ

(10) ગુરુ ગોવિંદસિંહ (1666-1708) : નવ વર્ષના બાળક ગુરુ ગોવિંદે મામાની દેખભાળ નીચે શસ્ત્રો અને શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. તેઓ શારીરિક અને બૌદ્ધિક રીતે તૈયાર થઈ ગયા. તેમણે ઈ. સ. 1699ના માર્ચની 30 તારીખે એટલે કે વૈશાખીના દિવસે જુલમનો સામનો કરવાનો સંકલ્પ અમલમાં મૂક્યો. વૈશાખીના મેળામાં ભરાયેલ દરબારમાં ગુરુએ ‘ધર્મ’ માટે સર્વસ્વ ત્યાગનાર માણસના મસ્તકની માગણી કરી. પાંચ માણસો મસ્તક આપવા ગુરુ પાસે આવ્યા  (i) લાહોરનો દયારામ ક્ષત્રિય, (ii) દિલ્હીનો ધરમદાસ જાટ, (iii) દ્વારકાનો મોહકમચંદ છીળો, (iv) બિદરનો સાહિબચંદ નાઈ અને (v) જગન્નાથપુરીનો હિંમતરાય ભોઈ. આમાં દયારામ સિવાય બાકીના ચારે શૂદ્ર હતા. એ પાંચે ‘પંજ પ્યારે’ (પાંચ પ્યારા) કહેવાયા. હવે તેઓ શક્તિશાળી સિંહ બની ગયા અને એવા સેનાની બન્યા કે તેમનાથી રાજા-મહારાજા પણ ધ્રૂજી ઊઠ્યા અને ખાલસા પંથની સ્થાપના થઈ.

ગુરુએ કડાઈમાં પવિત્ર જળ ભર્યું. ગુરુનાં બ્રહ્મચારિણી ધર્મપત્ની માતા સાહિબદેવાં કે સાહિબકૌરે એમાં પતાસાં નાખ્યાં. જળને ગુરુએ ગુરુવાણીનું ઉચ્ચારણ કરતાં કરતાં ખાંડાથી વલોવી અમૃતસિદ્ધ કર્યું અને પાંચે પ્યારાઓને પાંચ પાંચ અંજલિ અમૃત પાયું, તેમના મુખ પર છાંટ્યું, કેશોમાં સીંચ્યું; તેમની આંખોમાં અનિમેષ નયને જોઈને પોતાનું તેજ તેમને આપ્યું અને છેલ્લે બચેલા અમૃતનું એ પાંચે પ્યારાઓએ કડાઈને મોઢે લગાડીને પાન કર્યું. અમૃતપાનથી વીરપુરુષ અમર-મૃત્યુંજય બની જાય. ગુરુએ પછી શિષ્ય તરીકે આ પાંચ પ્યારા પાસેથી અમૃતપાનની દીક્ષા લીધી; ગોવિંદરાયમાંથી ‘ગોવિંદસિંહ’ બન્યા. આ એક અનોખી ઘટના હતી, જેમાં ગુરુએ શિષ્યોને નમસ્કાર કરીને દીક્ષા લીધી હોય. હવે બધા શીખ નાતજાતના ભેદ તોડી ક્ષત્રિય બન્યા. આરંભમાં નોંધ્યું છે તેમ, પુરુષો ‘સિંહ’ બન્યા અને સ્ત્રીઓ બધી ‘કૌર’ (સિંહણ અથવા રાણી) બની. દરેક અમૃતપાન કરનાર શીખે પાંચ ‘ક’ રાખવાના  કેશ, કચ્છ, કડું, કંઘા (કાંસકો) અને કિરપાણ. બધા સરખા સરદાર હતા.

ગુરુ ગોવિંદસિંહના તેજથી ઔરંગઝેબ ગભરાયો, તેણે આનંદપુરને ઘેરો ઘાલ્યો. ગુરુના બે પુત્ર જોરાવરસિંહ (9 વર્ષ) અને ફતેહસિંહ (3 વર્ષ) દુશ્મનના હાથમાં પડ્યા. બંનેએ ધર્મપરિવર્તનનો ઇન્કાર કર્યો. તેથી ઔરંગઝેબે તેઓની હત્યા કરાવી. ગુરુના બે મોટા પુત્રો અજિતસિંહ અને બુઝારસિંહ ચમકોરની લડાઈ, જેમાં લગભગ 45 શીખોએ એક લાખની મુઘલ સેનાને હંફાવી હતી, તેમાં શહીદ થયા. ગુરુએ આ આઘાતજનક પ્રસંગે ચાર પુત્રો અને તેમના અવસાનના આઘાતને લીધે મરી ગયેલી માતાને  પોતાનાં ધર્મપત્નીને ગુમાવી છતાં પણ સમતા ટકાવી રાખી અને બોલ્યા, ‘પરમાત્મા ! તારી ઇચ્છા મીઠી લાગે છે.’ તેમનાં જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય, શૌર્ય આદિથી પ્રભાવિત થઈને અનેક મુસ્લિમ તેમના મિત્ર અને ભક્ત બન્યા. ઔરંગઝેબના મૃત્યુ પછી એના પુત્ર બહાદુરશાહ સાથે ગોવિંદસિંહની મૈત્રી થઈ; પણ બાદશાહની છાવણીની બાજુમાં ગુરુનો મુકામ હતો ત્યારે ગોદાવરી તટે નાંદેડમાં બે પઠાણોએ છરી હુલાવી ગુરુને મારી નાખ્યા. મરતાં પહેલાં તેમણે ‘ગુરુ ગ્રંથસાહેબ’ને ખાલસા પંથના ગુરુ તરીકે જાહેર કર્યા.

શીખ ધર્મના શાસ્ત્રગ્રંથ : શીખ ધર્મનો મુખ્ય શાસ્ત્ર-ગ્રંથ ‘ગુરુ ગ્રંથસાહેબ’ છે. ગુરુ ગોવિંદસિંહે પોતાના અવસાનસમયે ‘ગુરુ ગ્રંથસાહેબ’નો વિધિસર અભિષેક કર્યો હતો. આ ગ્રંથનું સંકલન પાંચમા ગુરુ અર્જુનદેવે ખૂબ મહેનત અને કાળજીપૂર્વક કરેલું. ગુરુ ગ્રંથસાહેબમાં છ ગુરુ, પંદર ભક્ત (જેમાંના કેટલાક મુસલમાન હતા), પંદર જેટલા ભાટ અને ચાર બીજા સંગીતકારો(જેમાંના ત્રણ મુસલમાન હતા)ની રચનાઓ છે. જગતના કોઈ પણ ધર્મસ્થાપક ગુરુઓનાં લખાણ આટલી ચોક્કસાઈથી અને અધિકૃત રીતે સચવાઈને ગ્રંથસ્થ થયેલાં મળતાં નથી. ગુરુ ગ્રંથસાહેબ આજે પણ જીવતો માર્ગદર્શક બની રહ્યો છે. ભાવુક શીખ નર-નારી આજે પણ પ્રભાતમાં ‘ગુરુ ગ્રંથસાહેબ’ પાસે કર્તવ્યની આજ્ઞા માગે છે. જે પાનું ઊઘડે તેમાં જે શબ્દ, જે વાણી વાંચવામાં આવે એ તે દિવસની આજ્ઞા બનતી.

ગુરુ ગોવિંદસિંહની રચનાઓને એમના અવસાન પછી એમના મિત્ર અને શિષ્ય મણિસિંહે ‘દશમ ગ્રંથ’ તરીકે સંપાદિત કરી. આ ગ્રંથ વ્રજ, હિન્દી, ફારસી અને પંજાબી  એમ ચાર ભાષામાં પ્રગટ કર્યો છે અને તેનું આદરપૂર્ણ સ્થાન છે. કેટલાક ભાગનો શીખોની દૈનિક પ્રાર્થનાઓમાં સમાવેશ થયેલો છે. ‘જપજી’ નામે ગ્રંથ પણ મહત્વનો છે. તેમાં સત્ નામ ઈશ્વરનો અને ગુરુનો મહિમા ખૂબ ગાયો છે.

તાત્વિક સિદ્ધાંતો : ગુરુઓને પરમાત્માની અનુભૂતિ હતી; તેથી ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ કરવા દલીલોની જરૂર નહોતી. જીવનું સ્વરૂપ ઉપનિષદોમાં વર્ણવ્યું છે તેવું જ શીખ ધર્મની માન્યતામાં છે – અનાદિ, સુખ-દુ:ખ આદિ દ્વંદ્વો અને પાપ-પુણ્યના સ્પર્શથી મુક્ત, પરમતત્વની પ્રતિમારૂપ; પણ અહંકારથી ગ્રસ્ત બને ત્યારે તેની દુર્દશા થાય છે. પ્રભુ એક છે, જગત્કર્તા છે, આદિ પુરુષ છે, નિર્ભય, નિર્વૈર, અવિનાશી, અયોનિ, સ્વયંભૂ છે. પ્રભુ ગુરુની કૃપા દ્વારા પ્રાપ્ત થાય છે. જીવમાં પરમાત્માનો વાસ છે. શીખ ધર્મમાં મનુષ્યયોનિને સર્વશ્રેષ્ઠ માની છે, તેથી મનુષ્ય તરીકે જન્મ મળ્યા પછી મનુષ્યે મુક્તિ માટે નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરવો જોઈએ. શીખ ધર્મ પુનર્જન્મ અને કર્મસિદ્ધાંતમાં માને છે. મનુષ્યજીવનનું લક્ષ્ય છે કે ‘અહંકારરૂપી દીર્ઘરોગમાંથી મુક્ત થવું’ અને એ માટે ગુરુના ઉપદેશ પ્રમાણે આચરણ, નામજપ, નમ્રતા, સત્સંગ સદ્ગુરુ અને પરમાત્માની કૃપાથી થઈ શકે. શીખ ધર્મમાં સદ્ગુરુનો મહિમા ઘણો છે, તેથી એ ‘ગુરુમત’ કહેવાય છે. જો સદ્ગુરુ ન મળે તો કોઈ ગમે તેટલો પ્રયત્ન કરે તોપણ તરી શકે નહિ. ગુરુ ગોવિંદસિંહે દેહદારી ગુરુના મહિમાને ખાસ ન ઉપસાવતાં કહ્યું છે, ‘જગતમાં સૌનો ગુરુ એક છે અને તે છે પરમેશ્વર. વળી પંથમાં ગુરુઓને કારણે કોઈ દંભ કે પાખંડને ક્યારેય અવકાશ ન રહે તે માટે તેમણે ગુરુનું સ્થાન ‘આદિ ગ્રંથ’ને આપી દીધું.

નૈતિક સિદ્ધાંતો : શીખ ધર્મમાં નૈતિક સિદ્ધાંતો પર ખૂબ ભાર મૂક્યો છે. પ્રામાણિકપણે મહેનત કરીને ખાવું અને એમાંથી બીજાને પોતાના હાથે આપવું એ જ ધર્મનો માર્ગ છે. શીખ ધર્મમાં તમાકુ અને નશો કરનારી વસ્તુઓના સેવનનો, પરસ્ત્રીગમનનો, પુત્રીને દૂધ પીતી કરવાનો, સતી થવાની પ્રથાનો નિષેધ છે. આવકના દશાંશનું દાન કરવું, મહેનત કરી ગુજરાન ચલાવવું, જ્ઞાતિભેદના ખ્યાલ વિના સાથે બેસીને ભોજન કરવું, સૌને માન આપવું, સ્ત્રી-પુરુષને સમાન ગણવાં, શસ્ત્ર વાપરવામાં કુશળતા પ્રાપ્ત કરવી, સત્ય-મધુર વચન બોલવું, કાર્યારંભે પ્રભુનું નામસ્મરણ કરવું વગેરે આચારનું વિધાન છે. કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર – એ પાંચ દુર્ગુણોને સદ્ગુણોનો વિકાસ કરીને હઠાવવાની સલાહ આપી છે. શીખ ધર્મ સંન્યાસીના જીવન કરતાં પવિત્ર ગૃહસ્થજીવનને વધારે મહત્વ આપે છે. જે શીખ ખાલસા પંથમાં નથી હોતા પણ ‘ગુરુ ગ્રંથસાહેબ’માં શ્રદ્ધા રાખે છે, તેઓ સહજધારી કહેવાય છે. તેઓ કેશ વધારતા નથી પણ સર્વ નૈતિક સિદ્ધાંતોમાં માને છે.

ભક્તિભાવના : તેમણે આદિગ્રંથમાં હરિનામનો મહિમા ગાયો છે અને ભક્તિનું મહત્વ બતાવ્યું છે. ગુરુ ગોવિંદસિંહ ભારપૂર્વક કહેતા કે પ્રેમ વિના ધ્યાન, તીર્થાટન, તપ કે યોગથી કશું પ્રાપ્ત ન થાય; પ્રેમ વિના પ્રભુ પ્રાપ્ત ન થાય. આદિગ્રંથ અને દશમગ્રંથમાં પરમાત્માનાં સેંકડો નામો પ્રયોજ્યાં છે – કેટલાંક હિંદુ અને ઇસ્લામી પરંપરાનાં અને બીજાં શીખ પરંપરાએ પોતે યોજેલાં આ નામોમાં ‘અધરમ’ (જેનો કોઈ ધર્મ નથી.) અને ‘અમજહબ’ (જેને કોઈ મજહબ નથી.) એ નામો નોંધપાત્ર છે. શીખોમાં પ્રભુનું ‘વાહિગુરુ’ નામ જપ અને સ્મરણ માટે પ્રચલિત છે. ‘વાહિગુરુ’નો અર્થ છે – ‘વિસ્મયકારી મહાન પરમાત્મા કે મહાન પરમાત્માને ધન્યવાદ હજો’. પ્રભુભક્તિથી શુદ્ધ ચિત્તવાળો શીખ જ્યારે પરમાત્માની લીલાની વિસ્મયકારી અનુભૂતિ કરે છે કે એના સત્ચિત્-આનંદની અનુભૂતિ કરે છે ત્યારે ધન્ય અને ચકિત થઈને બોલી ઊઠે છે : ‘વાહિગુરુ, વાહિગુરુ’. આવી આશ્ચર્યથી ચકિત કરી દેનારી ‘વિસમાદી અવસ્થા’ – ભાવસમાધિ એ શીખભક્તિની પરાકાષ્ઠા છે. એમાં બધા ભેદભાવ અદૃશ્ય થઈ જાય છે. આદિગુરુ નાનકદેવ બ્રહ્માંડની પ્રત્યેક વસ્તુમાં વિસમાદનાં દર્શન કરીને વિસ્મિત થઈ બોલી ઊઠે છે : ‘‘નાદ વિસમાદ છે, વેદ વિસમાદ છે. અસંખ્ય જીવ વિસમાદ છે. જીવોના ભેદ વિસમાદ છે. રૂપ, રંગ, જીવજંતુ, પવન, પાણી, અગ્નિ, ધરતી, ચતુર્વિધ યોનિઓ, વિવિધ કામનાઓના સ્વાદ, સંયોગ, વિયોગ, ભૂખ, સ્તુતિ, પ્રશંસા, કુમાર્ગ, સુમાર્ગ એ સર્વ વિસમાદ છે. પરમાત્મા સમીપ છે તેમજ દૂર છે અને હાજરાહજૂર રહીને બધું નિહાળે છે તે વિસમાદ છે. આ આશ્ચર્યો જોઈને હું વિસ્મિત થઈ ગયો છું. નાનક કહે છે, ‘પૂરાં ભાગ્ય હોય તો જ  આ આશ્ચર્યો સમજી શકાય છે.’ (ઉપેન્દ્રરાય જ. સાંડેસરા, શીખદર્શન, પૃ. 234-235).

શીખ ધર્મમાં ભક્તિભાવના સવાર, સાંજ, રાતની પ્રાર્થનાઓ, ગુરુ ગ્રંથસાહેબનાં દર્શન, ‘સાધુસંગત’ – શીખસમાજનો સત્સંગ, કીર્તન અને પરમાત્માનાં નામસ્મરણ દ્વારા વ્યક્ત થાય છે. આ ધર્મમાં સામાન્ય રીતે અટપટા કર્મકાંડ જેવું નથી. ગુરુ રામદાસરચિત ‘લાવાં’ના ચાર શ્લોકોના કીર્તન સાથે વરકન્યા ‘ગુરુ ગ્રંથસાહેબ’ને ચાર ફેરા ફરે એટલે લગ્નનો વિધિ પૂરો થાય. મૃત્યુ સમયે પ્રભુમાં ચિત્ત સ્થિર કરવાનો અનુરોધ છે. જન્મ અને મૃત્યુ બંને કુદરતી ઘટના છે એ દર્શાવવા મૃતદેહના અગ્નિસંસ્કાર પછી સ્મશાનમાંથી પાછા ફરેલા ડાઘુઓને ‘કડાહ પ્રસાદ’ – શીરો વહેંચવામાં આવે છે. સાધુસંગત(શીખસમાજ)ની અલગ અલગ રીતે સેવા કરવી વગેરે કાર્યોને પવિત્ર માનવામાં આવે છે.

શીખો એકબીજાને આ શબ્દોથી અભિવાદન કરે છે – ‘વાહિ ગુરુજી કા ખાલસા, વાહિ ગુરુજી કી ફતેહ’. (ખાલસા પરમાત્માના પોતાના છે, સફળતા પરમાત્માની છે.) શીખો બોલી ઊઠે છે, ‘સત્ શ્રી અકાલ’. (કાલરહિત પરમાત્મા સત્ય છે.)

વૈરાગ્યભાવના : વિષયાસક્ત ન થવાનો, અને સમૃદ્ધિ-વૈભવમાં ભાન ભૂલી ન જવાનો ખાસ અનુરોધ કર્યો છે. વૈરાગ્ય માટે વ્રત, ઉપવાસ, તપ ઉપર ભાર મૂક્યો નથી; પણ ભારપૂર્વક કહ્યું છે કે જલકમલવત્ રહીને સાંસારિક કાર્યો કરવાં, શુદ્ધ ગૃહસ્થજીવન જીવીને ભગવાનની ભક્તિ કરવી, સૌની સેવા કરવી, ઉદ્યમી થવું અને પ્રભુસ્મરણમાં લીન રહેવું એ જ સાચો ધર્મ છે. યાત્રાનો નિષેધ છે, પણ ઐતિહાસિક ગુરુદ્વારાઓની યાત્રા કરવાનો રિવાજ છે, જેથી સાધુસંગતમાં હાજરી આપી શકાય અને સત્સંગ દ્વારા આધ્યાત્મિક ઉન્નતિ સાધી શકાય.

શીખ ધર્મનું વિશિષ્ટ પ્રદાન નમ્રતા, ભક્તિ, નિર્ભયતા, બલિદાન, નિર્ભયનિર્વૈર રીતે જાલિમનો સામનો અને સેવા તથા ધર્મસંસ્થાપનનું પ્રતિપાદન છે.

એસ્તેર સોલોમન