શીખવિગ્રહો : પંજાબના મહારાજા રણજિતસિંહના અવસાન (1839) પછી અંગ્રેજોએ શીખો સામે કરેલા બે વિગ્રહો. રણજિતસિંહના અવસાન પછી છ વર્ષ સુધી પંજાબમાં અરાજકતા વ્યાપી. રણજિતસિંહ પછી તેનો પુત્ર ખડગસિંહ ગાદીએ બેઠો. રણજિતસિંહના બીજા પુત્ર શેરસિંહે ખડગસિંહનો વિરોધ કરી, ગાદી વાસ્તે પોતાનો દાવો રજૂ કર્યો. ખડગસિંહના પુત્ર નાઓ નિહાલસિંહે તેને ટેકો આપ્યો. તેઓએ અંગ્રેજોની મદદ માગી હતી.
મહારાજા ખડગસિંહનું નવેમ્બર 1840માં અવસાન થયું. પિતાના અગ્નિસંસ્કાર કરીને પાછા ફરતાં નાઓ નિહાલસિંહ પર લાહોરના કિલ્લાના દરવાજાનો ભાગ તૂટી પડતાં તે મરણ પામ્યો. તેથી એમ નક્કી કરવામાં આવ્યું કે નાઓ નિહાલસિંહની વિધવા પુત્રને જન્મ આપે ત્યાં સુધી તેની માતા ચાંદ કૌર વહીવટ ચલાવે; પરંતુ શેરસિંહે લશ્કરની મદદથી સત્તા હસ્તગત કરી. તે પછી શેરસિંહ, તેના પુત્ર પ્રતાપસિંહ અને મુખ્યમંત્રી ગ્યાનસિંહની હત્યા થઈ. તેથી ભૂતપૂર્વ રાણી જિન્દાનનો પુત્ર દલીપસિંહ મહારાજા બન્યો. તે પછી લાહોર દરબારમાં કાવતરાંઓની પરંપરા સર્જાઈ. તેના ગુપ્ત સમાચારો મેળવવા અંગ્રેજ સરકારે પંજાબમાં કેટલાંક મથકો સ્થાપ્યાં હતાં. ત્યાંથી લખાયેલા પત્રોમાં ત્યાંની ગંભીર અને પલટાતી સ્થિતિનું ચિત્ર આલેખવામાં આવ્યું છે. આ દરમિયાન, પગાર ન મળવાથી લશ્કરે લૂંટ ચલાવી. રાજ્યના અન્ય પ્રદેશોમાં પણ લૂંટફાટ શરૂ થઈ. 1845ના અંતમાં દલીપસિંહ, જિન્દાન અને મુખ્યમંત્રી લાલસિંહની રાહબરી હેઠળ પંજાબનું શીખ રાજ્ય તેના સૌથી ખરાબ તબક્કામાં પહોંચી ગયું. અંગ્રેજોએ આ પરિસ્થિતિનો લાભ ઉઠાવ્યો.
પ્રથમ શીખવિગ્રહ (184546) : રણજિતસિંહના અવસાન પછી તુરત જ અંગ્રેજોએ પંજાબ જીતી લેવાની યોજના ઘડવા માંડી હતી; તેનો પુરાવો શ્રીમતી હેન્રી લૉરેન્સના પત્રમાંથી મળે છે. બીજા એક પત્રમાં તેમણે પંજાબ પર આક્રમણ કરનારા બ્રિટિશ લશ્કર અને તેના ત્રણ એકમોના સેનાપતિઓનાં નામ જણાવ્યાં છે. તેથી પુરવાર થાય છે કે અંગ્રેજોએ પંજાબ પર આક્રમણ કરવાનું નક્કી કરી લીધું હતું. પંજાબ સરકારના ઉચ્ચ અધિકારીઓને લાંચ આપી પોતાના પક્ષે લેવાના સફળ પ્રયાસો અંગ્રેજોએ કર્યા. શીખ લશ્કરના વડા તથા બીજા સરદારો જે મદદ કરે તેને યોગ્ય બદલો આપવાનું નક્કી કર્યું હતું. તેઓમાં ગુલાબસિંહ, લાલસિંહ, તેજસિંહ વગેરે મુખ્ય હતા. ગુલાબસિંહને જમ્મુ અને કાશ્મીરનું રાજ્ય આપવાની લાલચ અંગ્રેજ સરકારે આપી હતી.
ગવર્નર-જનરલ એલનબરોએ ભારતમાં આવી, પંજાબ પર આક્રમણ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. આ દરમિયાન લાહોર દરબારમાં ખટપટો અને કાવતરાં ચાલુ હતાં.
શીખ લશ્કરે 13 ડિસેમ્બર 1845ના રોજ સતલજ નદી ઓળંગી ફિરોઝપુર પાસે પડાવ નાખ્યો, તેથી વિગ્રહ શરૂ કરવાની જવાબદારી શીખો પર નાંખવામાં આવી. વાસ્તવમાં અંગ્રેજોએ પંજાબ પર આક્રમણ કરવાની તૈયારીઓ તે અગાઉ કરી દીધી હતી, અને આક્રમણનો સમય નક્કી કરી નાખ્યો હતો. શીખ લશ્કરે પોતાની છાવણી શીખ સરકારની હકૂમતવાળા પ્રદેશમાં જ નાખી હતી અને અંગ્રેજોના પ્રદેશ પર આક્રમણ કર્યું ન હતું; તેમ છતાં તત્કાલીન ગવર્નર-જનરલ લૉર્ડ હાર્ડિજને શીખ સૈન્યની હેરફેરની માહિતી મળી એટલે તેણે શીખો સામે વિગ્રહ જાહેર કરતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું. શીખવિગ્રહની શરૂઆત કરવા વાસ્તે શીખો જવાબદાર ન હતા. પ્રથમ શીખવિગ્રહ માટે અંગ્રેજો જ જવાબદાર હતા.
પ્રથમ શીખવિગ્રહમાં મહત્વની લડાઈઓ મુડકી, ફિરોઝપુર (ફિરોઝશહર), અલીવાલ તથા સોબ્રાંઓ ખાતે થઈ. મુડકી ગામે થયેલી લડાઈમાં શીખ સૈનિકો વીરતા અને ઝનૂનથી લડ્યા. શીખ લશ્કર જીતવાની અણી પર હતું ત્યારે પૂર્વ-યોજના પ્રમાણે સેનાપતિ લાલસિંહ રણમેદાન છોડી નાસી ગયો. છેવટે શીખોની હાર થઈ.
ફિરોઝપુર મુકામે થયેલી બીજી લડાઈના લશ્કરનું નેતૃત્વ અંગ્રેજો સાથે મળી ગયેલા લાલસિંહ તથા તેજસિંહે લીધું. તેમાં શીખ સૈનિકોએ અપૂર્વ બહાદુરી દાખવી તેથી બ્રિટિશ લશ્કરમાં ખળભળાટ ફેલાયો, ત્યારે લાલસિંહ અને તેજસિંહે દગો કરવાથી પરિસ્થિતિ પલટાઈ ગઈ. લાલસિંહ તેના સૈનિકો અને તોપખાના સાથે ત્યાંથી છટકી ગયો. તેથી શીખ લશ્કરને પરાજય મળ્યો.
એવી રીતે સેનાપતિઓની દગાખોરીથી સોબ્રાંઓની લડાઈમાં શીખો હાર્યા. તે પછી લાહોર સંધિ કરવામાં આવી. તેનાથી પંજાબના સ્વતંત્ર રાજ્યનો લોપ થયો. જલંધર દોઆબ (સતલજ-બિયાસ નદી વચ્ચેનો પ્રદેશ) અંગ્રેજોએ ખાલસા કર્યો. વિગ્રહના ખર્ચના એક ભાગ તરીકે બિયાસ અને સિંધુ વચ્ચેનો પર્વતાળ પ્રદેશ લઈ લીધો અને તે ગુલાબસિંહને આપવામાં આવ્યો. વિગ્રહના વળતર તરીકે અંગ્રેજોને પચાસ લાખ રૂપિયા આપવાનું નક્કી થયું. શીખ લશ્કર ઘટાડવામાં આવ્યું. તેમની 250 તોપો અંગ્રેજોએ લઈ લીધી. શીખ સરકાર અંગ્રેજોની રજા વગર અંગ્રેજો સિવાય અન્ય લોકોને નોકરીમાં રાખી શકે નહિ.
ગુલાબસિંહને નક્કી કર્યા અનુસાર 50 લાખ રૂપિયાના બદલામાં જમ્મુ અને કાશ્મીર આપવામાં આવ્યાં. તેને ત્યાંનો સ્વતંત્ર મહારાજા તરીકે સ્વીકારવામાં આવ્યો. ગુલાબસિંહની દગાબાજીની આ રીતે હાર્ડિજે કદર કરી, તેના પરથી બ્રિટિશ નીતિનો ખ્યાલ આવે છે.
શીખવિગ્રહ પછી અંગ્રેજોએ પંજાબને ખાલસા ન કર્યું તે માટે કેટલાંક કારણો હતાં; અફઘાનિસ્તાન તથા બ્રિટિશ ભારત વચ્ચે પંજાબનું શીખ રાજ્ય હોય તે કંપની સરકારના હિતમાં હતું. પંજાબ પ્રાંતનું શાસન કરવામાં ઘણું ખર્ચ થાય તેમ હોવાથી, તેને ખાલસા કરવાનું લાભદાયી ન હતું. અંગ્રેજ સત્તાના અંકુશ હેઠળ પંજાબને રાખી શકવા વિશે, હાર્ડિજને શંકા હતી. તેમ છતાં પંજાબ પરની પકડ ગુમાવવા હાર્ડિજ તૈયાર ન હતો પરંતુ શીખોની તાકાત ક્રમશ: ઘટાડવાની નીતિ તેણે અમલમાં મૂકી હતી.
અંગ્રેજ સરકાર અને લાહોર દરબાર વચ્ચે ભૈરોવાલની સંધિ કરવામાં આવી. તે મુજબ પંજાબની સરકારના દરેક વિભાગ પર નિર્દેશન તથા અંકુશ રાખવાની સત્તા સહિત, લાહોરમાં અંગ્રેજ અધિકારીની ગવર્નર-જનરલ નિમણૂક કરે. મહારાજા દલીપસિંહની સગીરાવસ્થામાં વહીવટ કરવા આઠ સભ્યોની સમિતિ નીમવામાં આવી. રાણી જિંદાનને રૂપિયા દોઢ લાખનું વર્ષાસન આપીને પંજાબના રાજકારણમાંથી દૂર કરવામાં આવી. પંજાબમાં બ્રિટિશ લશ્કરની ટુકડીઓ રાખવામાં આવી. તેની નિભાવણી તથા અન્ય ખર્ચ માટે લાહોરની સરકારે વર્ષે 22 લાખ રૂપિયા અંગ્રેજ સરકારને આપવા એમ ઠરાવ્યું. આમ પંજાબના લશ્કરી તથા મુલકી શાસનતંત્ર પર કંપની સરકારનો અંકુશ સ્થાપવામાં આવ્યો. પ્રથમ રેસિડેન્ટ તરીકે હેન્રી લૉરેન્સને નીમવામાં આવ્યો.
બીજો શીખવિગ્રહ (1848) : ગવર્નર-જનરલ તરીકે હાર્ડિજની જગ્યાએ ડેલહાઉસી આવ્યો અને લૉરેન્સ પછી રેસિડેન્ટ તરીકે પ્રખર શાહીવાદી સ્વભાવના ફ્રેડરિક ક્યુરીને નીમવામાં આવ્યો. પંજાબમાં બીજા શીખવિગ્રહની પરિસ્થિતિ માટે તે મુખ્યત્વે જવાબદાર હતો. તેણે મુલતાનના દીવાન મૂલરાજને તેની યોજનામાં સંડોવ્યો અને બીજા શીખવિગ્રહની શરૂઆત મૂલરાજના બળવાથી થઈ.
મુલતાનના સૂબા સાવનમલના મૃત્યુ બાદ તેનો પુત્ર મૂલરાજ તેના સ્થાને આવ્યો. લાહોર દરબારે તેની પાસે વારસાશુલ્ક પેટે રૂપિયા 30 લાખ માગ્યા. મૂલરાજને આ માન્ય ન હોવાથી તેણે રાજીનામું આપ્યું. ફ્રેડરિક ક્યુરીએ તેનું રાજીનામું સ્વીકારી તેના સ્થાને ખાનસિંહને સૂબા તરીકે નીમ્યો. મૂલરાજે તેને સૂબા તરીકે મુલતાનનો ગઢ સોંપી દીધો. બીજે દિવસે ગઢની બહાર જતાં ખાનસિંહ સાથેના બે અંગ્રેજ અધિકારીઓ એગ્ન્યુ અને એન્ડરસન પર હુમલો કરી લોકોએ તેમને ઘાયલ કર્યા. કંપની સરકારે વિલંબનીતિ અપનાવી સમગ્ર મામલાને તંગ બનવા દીધો. પરિસ્થિતિ તંગ બનતાં લોકોએ બળવાનું નેતૃત્વ લેવા મૂલરાજ પર દબાણ કર્યું. હુમલાના નાના બનાવને આખા પંજાબ પ્રાંતના બળવાનું સ્વરૂપ આપવામાં આવ્યું. બળવાની સ્થિતિમાં કંપની સરકારે વિલંબનીતિ અપનાવી; તેમાં પરિસ્થિતિને વધુ બગડવા દેવાની વૃત્તિ રહેલી હતી. તેમ કરવાથી બળવો વ્યાપક બન્યો. મૂલરાજનો બળવો આખા શીખ રાષ્ટ્રનો હતો એવું કંપની સરકારે સ્વીકારી લીધું.
આ પરિસ્થિતિમાં બીજો શીખવિગ્રહ શરૂ થયો. શીખો સાથે થયેલી ખૂનખાર લડાઈઓમાં ચિલિયાનવાલાની લડાઈનો સમાવેશ થાય છે. તેમાં અંગ્રેજોના પક્ષે ઘણા સૈનિકો માર્યા ગયા. શીખ સૈનિકો ભારે જુસ્સાથી લડવા છતાં, તેમને પીછેહઠ કરવી પડી. ચીનાબ કાંઠા પર ગુજરાતમાં ફેબ્રુઆરી 1849માં નિર્ણાયક લડાઈ થઈ. શીખ લશ્કર હાર્યું અને શરણાગતિ સ્વીકારી. સરદારો તથા સૈનિકોએ તેમનાં હથિયારો હેઠાં મૂકી દીધાં. તે સાથે ખાલસા લશ્કરનું અસ્તિત્વ નાશ પામ્યું.
ડેલહાઉસીએ અગાઉથી જ પંજાબને ખાલસા કરવાનો નિર્ણય કર્યો હતો. શીખવિગ્રહ પછી ડેલહાઉસીએ દલીપસિંહ અને તેની સરકાર તરફ દ્વેષયુક્ત વ્યવહાર રાખ્યો હતો. વાસ્તવમાં મહારાજા દલીપસિંહ કે તેની સરકારે અંગ્રેજ સરકાર વિરુદ્ધ કંઈ કર્યું ન હતું. ડેલહાઉસીએ વિદેશમંત્રી ઇલિયટ દ્વારા રાજ્યપાલક મંડળ સમક્ષ પંજાબને ખાલસા કરવાનો પ્રસ્તાવ રજૂ કરાવ્યો. રાજ્યપાલક મંડળે એનો સ્વીકાર કર્યો અને 29 માર્ચ, 1849ના રોજ કરાર કરી, પંજાબને બ્રિટિશ પ્રદેશો સાથે જોડી દેવામાં આવ્યું.
આ કરાર મુજબ દલીપસિંહે પંજાબ ઉપરની પોતાની સત્તાનો ત્યાગ કર્યો. તેના બદલામાં અંગ્રેજ સરકારે તેને વાર્ષિક પાંચ લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું. બળવામાં ભાગ લેનાર શીખ સરદારોની જાગીરો જપ્ત કરવામાં આવી. રાજમાતા જિંદાનને વારાણસીથી ચુનારગઢ લઈ જવામાં આવી. ત્યાંથી તે નેપાળ તરફ નાસી ગઈ. દલીપસિંહનું 1893માં પૅરિસમાં અવસાન થયું.
જયકુમાર ર. શુક્લ