શિહોર : ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 21° 42´ ઉ. અ. અને 71° 72´ પૂ. રે.ની આજુબાજુનો 721 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે જિલ્લામથક ભાવનગરથી પશ્ચિમ તરફ 21 કિમી.ને અંતરે તથા ખોડિયાર મંદિર અને રાજપરા ગામથી 5 કિમી.ને અંતરે આવેલું છે. શિહોરમાં 1570-1600 દરમિયાન ગોહિલ વંશના વિસાજી રાજ કરતા હતા. આ જ વંશમાં 1703માં ભાવસિંહજી ગાદીએ આવ્યા. તેમણે ખંભાતના અખાત પાસે આવેલા વડવા ગામ નજીક 1723માં ભાવનગરની વસાહત સ્થાપી અને રાજધાની શિહોરથી ભાવનગર ખસેડી. 1723માં થયેલ ભાવનગરના નામકરણ પૂર્વે શિહોર રાજ્યનું મુખ્ય શહેર હતું.
શિહોરની ત્રણ બાજુએ 210થી 330 મીટર ઊંચી ટેકરીઓ આવેલી છે. આ ટેકરીઓ બેસાલ્ટ ખડકોથી બનેલી છે. શિહોરી માતાના મંદિરવાળો ડુંગર, શિખર પર કોઠો ધરાવતો ડુંગર, રાણિયો ડુંગર વગેરે આશરે 300 મીટરની ઊંચાઈવાળા છે. આ ડુંગરમાળા પશ્ચિમે સોનગઢના તથા રાણા જવાના રસ્તા તરફ વિસ્તરેલી છે. અહીંની જમીનો કાળી તેમજ પથરાળ બે પ્રકારની છે. અહીં રેતીખડકો, ચૂનાખડકો, ચિરોડી વગેરે પણ મળે છે. બેસાલ્ટ અને રેતીખડકો ગ્રિટ, કપચી તેમજ બાંધકામમાં વપરાય છે. ગૌતમેશ્વર કુંડના ઉપરવાસમાં આવેલા ડુંગરના ખડકો થોડીક ખનિજસંપત્તિ પણ ધરાવે છે. ગૌતમી નદી ગૌતમેશ્વર તળાવના ઉપરવાસમાંથી નીકળી ધાધલી પાસે થઈને આગળ જતાં સમાઈ જાય છે.
શિહોર નજીક આઝાદી પૂર્વે કાંટ નામથી ઓળખાતું જંગલ અસ્તિત્વ ધરાવતું હતું. પરંતુ શિહોર-ભાવનગર માર્ગ પર બંને બાજુ સોસાયટીઓ વિકસવાથી તે કપાતું ગયું છે. કાંટની બારીથી ખોડિયાર મંદિર જતાં માર્ગ પર બાવળ, બોરડી, ગાંડો બાવળ, ગોરડ, આવળ, જેવાં વૃક્ષોની સંખ્યા ઘટી ગઈ છે. ડુંગરોમાં ઊગતું ઘાસ ઢોરના ચારા તરીકે ઉપયોગમાં લેવાય છે. અહીં આ જંગલમાં ઔષધિઓ આપતાં વૃક્ષો પણ હતાં. લાકડામાંથી કોલસો પાડવાના ઉદ્યોગે પણ ઘણાં વૃક્ષોનો ભોગ લીધો છે.
શિહોર તાલુકામાં ઉનાળા-શિયાળાનાં સરેરાશ મહત્તમ અને લઘુતમ દૈનિક તાપમાન અનુક્રમે 41° સે. અને 27° સે. તથા 30° સે. અને 12° સે. જેટલાં રહે છે. અહીં સરેરાશ વાર્ષિક વરસાદ 550-600 મિમી. જેટલો પડે છે.
આ વિસ્તારમાં જ્યારે જંગલો હતાં ત્યારે દીપડા, વરુ, નાર, જરખ જેવાં વન્ય પ્રાણીઓ જોવા મળતાં હતાં. ભાવનગરના મહારાજા શિકાર અર્થે અહીં આવતા. પરંતુ હવે તે બધાં અન્યત્ર ખસી ગયાં છે. અહીં ગીર ઓલાદની ગાય તથા જાફરાબાદી ભેંસ, ઘેટાં-બકરાં જેવાં પાલતુ પશુઓ જોવા મળે છે.
આ તાલુકામાં બાજરી, જુવાર, મગફળી, મરચાં, શાકભાજી અને જમરૂખ જેવા પાક થાય છે. અહીંના મોટાભાગના લોકો ખેતી અને પશુપાલનમાં તથા બાકીના ખાણકામ, વેપાર, બાંધકામ અને ગૃહઉદ્યોગોમાં રોકાયેલા છે.
શિહોર તાલુકાની કુલ વસ્તી 2001 મુજબ 1,92,763 છે. તે પૈકી પુરુષો અને સ્ત્રીઓની સંખ્યા અનુક્રમે 51 % અને 49 % જેટલી છે; તથા શહેરી અને ગ્રામીણ વસ્તીનું પ્રમાણ 24 % અને 76 % જેટલું છે.
શહેર : ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાનું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 21° 42´ ઉ. અ. અને 71° 58´ પૂ. રે. પર ભાવનગર-રાજકોટના ધોરી માર્ગ પર આવેલું છે. તે વરતેજથી તળાજા તરફનાં ગામો સાથે રેલમાર્ગની સમાંતર જતા માર્ગ દ્વારા જોડાયેલું છે. તે પાલિતાણા, સોનગઢ, ધોળા, ઢસા, તળાજા અને મહુવા સાથે રાજ્ય-પરિવહનની બસો દ્વારા જોડાયેલું છે. શિહોર ભાવનગર-સુરેન્દ્રનગર-વિરમગામ મીટરગેજ રેલમાર્ગનું મથક છે. શિહોર જૈનોના તીર્થધામ પાલિતાણા સાથે મીટરગેજ રેલમાર્ગથી પણ જોડાયેલું છે.
2001 મુજબ શિહોરની વસ્તી 46,943 છે. તે પૈકી સ્ત્રી-પુરુષોની વસ્તી લગભગ સરખી છે. શિહોરની મુખ્ય વસ્તી કંસારા, મૂળરાજના વખતમાં આવેલા ઔદીચ્ય બ્રાહ્મણો અને ગોહિલ રાજાઓ-રજપૂતોના પુરોહિત મોઢચાતુર્વેદી રાજગોર જૂથના બ્રાહ્મણો, ગરાસિયા, કોળી, કારીગર વર્ગ, ખત્રી, પછાતવર્ગ વગેરેની છે. અહીં ધંધુકાથી આવીને કપોળ વણિકો વસ્યા છે. તેમણે શિહોર તથા મુંબઈ ખાતે ઘણી સખાવતો કરેલી છે.
અગાઉના વખતમાં અહીંના ખત્રીઓ બાંધણીઓ તથા અન્ય કાપડ રંગવાનું કામ કરતા હતા, નદીમાં પડેલા ખાડાઓ આ બાબતની સાક્ષી પૂરે છે. અહીં કંસારા-ઉદ્યોગ સારા પ્રમાણમાં વિકસેલો છે. તેઓ તાંબા-પિત્તળનાં વાસણો ઘડે છે. તાંબા-પિતળના ભંગારમાંથી પતરાં બનાવવાનું કારખાનું પણ આવેલું છે. તમાકુનો પ્રક્રમણ-ઉદ્યોગ પણ અહીં વર્ષોથી વિકસેલો છે. અહીં છીંકણી તથા પાનમાં ખાવાની તમાકુના એકમો વિકસ્યા છે. અલંગના જહાજ ભાંગવાના ઉદ્યોગમાંથી અહીં આવતા ભંગારમાંથી સળિયા બનાવાય છે. આ ઉપરાંત અહીં રિ-રોલિંગ મિલો તથા કૃષિસાધનો બનાવતાં તથા સમારકામ કરતાં કારખાનાં પણ આવેલાં છે. અહીંના પેંડા (શિહોરી પેંડા) ગુજરાતભરમાં વખણાય છે.
શિહોરમાં વાણિજ્ય તેમજ સહકારી બૅંકોની શાખાઓ આવેલી છે. શહેરમાં તાર-ટપાલ-ટેલિફોન, પ્રાથમિકથી કૉલેજ-શિક્ષણ સુધીની શિક્ષણવ્યવસ્થા પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત અહીં પુસ્તકાલય, કુટુંબકલ્યાણ-કેન્દ્ર, દવાખાનું, પ્રસૂતિગૃહ વગેરેની સગવડો પણ છે.
શિહોર નજીક ભૂતકાળમાં સમુદ્ર અને બંદર હોવાનો એક મત પ્રવર્તે છે. તેનું જૂનું નામ સિંહપુર હતું. શિહોરનું ઐતિહાસિક મહત્વ દર્શાવતું ‘સિંહપુર માહાત્મ્ય’ લખાયેલું છે. ઈ. પૂ. 585માં લાટ દેશના રાજા સિંહબાહુએ તેના પુત્ર વિજયને તેની ગેરવર્તણૂક માટે દેશનિકાલ કરેલો, તે સિંહપુરથી સોપારા થઈને શ્રીલંકા (ભગવાન બુદ્ધ નિર્વાણ પામ્યા તે ઈ. પૂ. 543માં) પહોંચ્યો હતો. આ અંગેનો ઉલ્લેખ ‘દીપવંસ’, ‘મહાવંસ’ તથા ‘રાજવલિયા’ જેવા બૌદ્ધ ગ્રંથોમાં મળે છે. ‘પ્રભાવકચરિત’ જેવા જૈન ગ્રંથમાં સિદ્ધરાજે શિહોરી બ્રાહ્મણોને સિંહપુર દાનમાં આપી શત્રુંજયગિરિ ઉપર ગયા હોવાનું નોંધવામાં આવેલું છે. મેરુતુંગના ગ્રંથ ‘પ્રબંધચિંતામણિ’માં સિંહપુર અગ્રહરનો ઉલ્લેખ છે. તેનું બ્રાહ્મણોને દાન થયું હતું. ‘વિવિધ તીર્થકલ્પ’માં જેનું સોગણું યાત્રાફળ મળે એવાં નગરમાં આ સિંહપુરનો ઉલ્લેખ છે. 84 તીર્થોમાં સિંહપુરના વિમલનાથ અને નેમિનાથનાં દેરાસરોની ગણના કરાઈ છે. વલ્લભીના મૈત્રક રાજાઓનાં દાનપત્રોમાં પણ સિંહપુરનો ઉલ્લેખ મળે છે. ઈ. સ. 502થી 766માં તેમણે બ્રાહ્મણોને ભૂમિદાન આપ્યું હતું. સિદ્ધરાજ જયસિંહને રાણકદેવીના શાપથી કોઢ નીકળતાં સિંહપુરના કુંડમાં સ્નાન કરવાથી તેનો કોઢ દૂર થયો હતો, આથી તેણે બ્રહ્મકુંડ બંધાવ્યો હતો એમ કહેવાય છે. આ કુંડને ચારેય તરફ પગથિયાં છે, તેના ગોખમાં વિવિધ દેવ-દેવીઓની મૂર્તિઓ છે. અહીં ગૌતમ ઋષિનો આશ્રમ અને ગૌતમકુંડ છે. અહીં ખડકોમાંથી કોતરી કાઢેલું ગૌતમેશ્વર મહાદેવનું મંદિર છે. ગૌતમકુંડના ઉપરવાસમાં એક ગુફા પણ છે. 1857ના બળવા વખતે નાનાસાહેબ પેશ્વાએ અહીં ગુપ્તવાસ કરેલો. તેઓ બ્રાહ્મણોને જમાડતા અને દક્ષિણા આપતા હતા, એવી અનુશ્રુતિ છે.
અહીંના શહેરને ફરતો કિલ્લો અને દરવાજા છે. મરાઠાકાળ દરમિયાનની ‘ગરડાને ગાળે’ નામની કથામાં જૂના શિહોર શહેરના હત્યાકાંડ(અહીંના બ્રાહ્મણો વચ્ચે પડેલી તકરારમાં ગારિયાધારના ઠાકોર અને ઉમરાળાના વિસાજી ઠાકોર વચ્ચે થયેલા ધીંગાણામાં વિસાજી ઠાકોર જીતેલા અને આ શિહોર તેમણે બ્રાહ્મણોને આપી દીધેલું, પરંતુ હત્યાકાંડ થયેલી ભૂમિ લીધી નહિ)ની વાત ઝવેરચંદ મેઘાણીએ આલેખેલી છે. પેશ્વાનું સૈન્ય અહીંનો કિલ્લો જીતી ન શકતાં પાછું ફરેલું, શિહોરના ઠાકોરે ખંડણી પણ આપી ન હતી.
1723માં ભાવસિંહજી પહેલાએ વડવા નજીક ભાવનગર શહેરની સ્થાપના કરી. ત્યાં નજીકમાં જ દરિયો હતો. સૂરતના મુઘલ સૂબા સાથે કરાર કરી ભાવનગરનું બંદર વિકસાવ્યું. આમ શિહોર રાજધાની મટી જતાં તેનું મહત્વ ઘટ્યું. તેમ છતાં પરંપરાગત ઉદ્યોગને કારણે તે ટકી રહ્યું.
આતાભાઈ ઉર્ફે વખતસિંહ ઠાકોરે ચીતળ ઉપર ચડાઈ કરી ત્યારે કાઠીઓએ દીવના પોર્ટુગીઝ હાકેમની મદદથી ત્રણ તોપચીઓ કાઠીઓની સહાયમાં મોકલેલા. ગગલ રાજગોર, ડોસા દવે અને એક નાગર ગૃહસ્થે આ તોપોમાં રાત્રિના અંધકારમાં તોપચીઓ ઉપર હુમલો કરી મારી નાખી, તોપો નકામી બનાવી. શિહોરના જૂના રાજદરબારમાં તેના લડાઈમાં ભાગ લેનારા વીરોનાં અને લડાઈનાં શ્યો નિરૂપતાં ચિત્રો છે. જૂના શિહોરમાંથી વલભી કાળના સિક્કા અને અવશેષો મળે છે.
શિહોરમાં શિહોરી માતા; વૈષ્ણવ હવેલી; સુખનાથ, ભૂતનાથ તથા પ્રગટનાથનાં શિવાલયો; હનુમાન મંદિર; જૈન મંદિર અને મસ્જિદો આવેલાં છે. શિહોર ખાતે મેળો પણ ભરાય છે.
શિવપ્રસાદ રાજગોર