શિહાબુદ્દીન જમાલુદ્દીન મેહમરા (તેરમું શતક)

January, 2006

શિહાબુદ્દીન જમાલુદ્દીન મેહમરા (તેરમું શતક) : પહેલા હિંદુસ્તાની ફારસી કવિ. તેઓ બદાયૂનના રહેવાસી હતા. તેમના વડવાઓ અરબસ્તાનના પવિત્ર શહેર મક્કા પાસેના મેહમરા કસ્બાથી હિજરત કરીને હિંદુસ્તાનમાં બદાયૂન શહેરમાં સ્થિર થયેલા. તે ઉચ્ચ કોટિના કવિ અને વિદ્વાન હતા. તેઓ દર્શનશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, ગણિતશાસ્ત્રના પારંગત હતા. તેમનાં કાવ્યો લોકપ્રિય બનેલાં; પરંતુ તેનો કોઈ સંગ્રહ તૈયાર થયો નથી.

તેમણે તત્કાલીન રાજવી સુલતાન રૂક્તુદ્દીન ફીરૂઝશાહ(1236)ની પ્રશંસામાં કસીદો લખ્યો. તે સિવાય અન્ય કોઈ રાજવી સાથે સંબંધ રાખ્યો ન હતો. તેમણે હમ્દ (ઈશ્વરની સ્તુતિ) તથા નઅત (પયગંબર સાહેબની પ્રશંસા) સ્વરૂપનાં કસીદા-કાવ્યો લખ્યાં. તેમાં કોઈ ને કોઈ નવીનતા જોવા મળે છે. એક કસીદામાં કોઈ પણ શબ્દમાં મૂળાક્ષર, અલિફનો ઉપયોગ સદંતર કર્યો નથી. તેનું અનુકરણ કરી અમીર ખુસરો તથા અમીદુદ્દીન સુન્નામીએ પણ હમ્દ અને નઅત સ્વરૂપનાં કસીદા-કાવ્યો રચ્યાં.

મેહમરાનાં કાવ્યોમાં બોધ અને અધ્યાત્મનું પ્રભુત્વ જોવા મળે છે, જ્યારે તેમના કસીદામાં પ્રશંસા સિવાયના વિષયો ગૂંથી લઈને નવો ચીલો ચાતર્યો છે. તેમના કસીદાઓ વિષય, ભાષા અને શૈલીની દૃષ્ટિએ નોંધપાત્ર ગણાય છે. તેથી અરબી કવિઓ બોહતરી અને અબૂ તમામ કરતાં તેમને ઉચ્ચ કોટિના દર્શાવવામાં આવ્યા છે.

અમીદ લૂયકી અને ઝિયાઉદ્દીન બક્ષી તેમના શિષ્યો હતા. મેહમરાનાં છૂટાંછવાયાં કાવ્યો બદાયૂનીના ઐતિહાસિક પુસ્તક ‘મુન્તખિબ-અલ-તવારીખ’ તથા તકી અવહદીના તઝકિરા, અરફાત-અલ-આશિકીન અને અન્ય તઝકિરાઓમાં જોવા મળે છે.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી