શિવાલિકરચના : મધ્ય માયોસીન કાળથી નિમ્ન પ્લાયસ્ટોસીન કાળ દરમિયાન તૈયાર થયેલી, હિમાલયની તળેટીમાં ટેકરીઓ રૂપે જોવા મળતી ખડકરચના. ભારતીય ઉપખંડમાં નિમ્ન માયોસીન કાળગાળો પૂરો થવાનો સમય થઈ ગયો હતો ત્યારે હિમાલય ગિરિનિર્માણ-ક્રિયાના ઉત્થાનનો બીજો તબક્કો શરૂ થઈ ચૂક્યો હતો. આ ઉત્થાનમાં ટેથીઝ મહાસાગરનું તળ એટલું બધું ઊંચકાયું હતું કે જેથી સમુદ્ર ત્યાંથી અદૃશ્ય થઈ ચૂક્યો હતો. તેને લીધે આજે જ્યાં સિંધ અને મ્યાનમાર છે ત્યાં કિનારાના ભાગોમાં ક્યાંય પણ થાળાં કે ગર્ત રહેવા પામ્યાં ન હતાં. હિમાલય જેમ જેમ ઊંચકાતો જતો હતો તેમ તેમ તેના ઢોળાવો પરથી નીકળતાં અસંખ્ય નદીનાળાંના પ્રવહન-પથ(જે અગાઉના ઉત્થાન વખતે પ્રસ્થાપિત થઈ ચૂક્યા હતા)નો કાયાકલ્પ થતો જતો હતો, જળપ્રવાહનો વહનવેગ વધતો જતો હતો, ખીણો કોતરાતી જઈને ઊંડી બનતી જતી હતી. તેમનો શિલાચૂર્ણ જથ્થો પર્વતોના તળેટી-ભાગોમાં જમા થયા કરતો હતો. ઉત્થાનના તબક્કાઓને અંતે અહીંની તળેટીમાં પર્વતોને સમાંતર વિશાળ, લાંબું ગર્ત બન્યું હતું, જેમાં શિલાચૂર્ણની જમાવટ થતી હતી. આ ગર્ત ભૂસંનતિ જેવું હતું, જેમાં જમા થતા બોજથી, તે વધુ ને વધુ દબતું જતું હતું. નદીજન્ય આ કાંપ ઉત્થાનના તબક્કામાં સામેલ થવાથી, તે પર્વતીય સ્વરૂપમાં ઊંચકાતું ગયું. હિમાલયના સળંગ તળેટી વિભાગમાં (સિંધ, બલૂચિસ્તાન, હરદ્વારથી છેક આસામ અને મ્યાનમારમાં) જે તળેટી-ટેકરીઓ ઊંચકાઈને તૈયાર થઈ, તેમને શિવાલિક ટેકરીઓના નામથી ઓળખવામાં આવે છે, અને તેમાં મળતી ખડકરચનાને શિવાલિક-રચના કહે છે.

ખડકલક્ષણો : શિવાલિક-રચનાનું બંધારણ રેતીખડકો, ગોળાશ્મખડકો, કાંપ અને મૃદથી બનેલું છે. આ ખડકો શરૂઆતમાં સહેજ ખારા પાણીના અને પછીથી સ્વચ્છ જળના માહોલમાં તૈયાર થયેલા છે, તેથી તેમની ઉત્પત્તિ નદીજન્ય (fluviatile) ગણાય છે. કાંપની જમાવટ થતી હતી તે અરસામાં અહીં સસ્તન પ્રાણીઓનાં ટોળાં વિચરતાં હતાં. સમય અને સંજોગ અનુસાર તેમના અવશેષો તેમાં જળવાયેલા છે. આ અવશેષો મુજબ આ રચનાના વિવિધ ઉપવિભાગો પાડી શકાયા છે, વિભાગીય વયનિર્ધારણ માટે તે ખૂબ મહત્વના લેખાય છે.

આબોહવા : આ ખડકરચનાના માહિતીપૂર્ણ અભ્યાસ પરથી તારવી શકાયું છે કે કમલિયાલ, ચિન્જી અને નગરી કક્ષાઓ હૂંફાળી, ગરમ આબોહવા હેઠળ જમાવટ પામેલી છે, જ્યારે ધોક પઠાણ કક્ષા વખતે સૂકી આબોહવા પ્રવર્તેલી. આથી ઊલટું, ઊર્ધ્વ શિવાલિક-રચના ઠંડી આબોહવા(પ્લાયસ્ટોસીન હિમયુગ ત્યારે શરૂ થઈ ચૂક્યો હતો.)ના સંજોગો હેઠળ તૈયાર થયેલી છે.

જીવાવશેષો

શિવાલિક-રચનામાંથી ઉપલબ્ધ થતા વિપુલ જીવાવશેષો ખાતરી કરાવી આપે છે કે એ વખતે આબોહવા, જળપુરવઠો, ખાદ્યસામગ્રી અને સંજોગોનું અનુકૂલન એવું હતું કે તત્કાલીન પ્રાણીઓનાં હાડપિંજર દટાઈને જળવાઈ રહેલાં જોવા મળે છે. આ રચના જૈવિક દૃષ્ટિએ એટલી મહત્વની છે કે તેમાં કરોડરજ્જુવાળાં પ્રાણીઓના જીવાવશેષોનો અદ્ભુત અને સમૃદ્ધ ખજાનો જળવાયેલો છે. આ પ્રાણીઓ આપણને આજે જોવા મળતાં ભૂમિસ્થિત પ્રાણીઓનાં પૂર્વજોનાં જ છે, એટલે તે બધાં આનુવંશિકતાનો પુરાવો પૂરો પાડે છે.

નિમ્ન શિવાલિક (પ્રાણીઅવશેષો) :

અંગુષ્ઠધારી (Primates) : શિવપિથેક્સ, બ્રહ્માપિથેક્સ, ડ્રાયોપિથેક્સ જેવી વાનર જાતિઓ.
માંસભક્ષી (Carnivora) : વિષ્ણુફેલિસ, ઍમ્ફિસિયૉન, ડિસોપ્સેલિસ.
સૂંઢવાળાં (Proboscidae) : ડાઇનોથેરિયમ, ટ્રાઇલોફોડોન, સ્ટેગ્લોફોડોન.
ડુક્કર-વર્ગ (Suide) : લિસ્ટ્રિયોડોન, સૅનિથેરિયમ.
અશ્વ-વર્ગ (Equidae) : હિપ્પારિયૉન.
ગેંડા-વર્ગ (Rhinoceratidae) : ગેંડાથેરિયમ, અકીરાથેરિયમ.
જિરાફ-વર્ગ (Girraffidae) : જિરાફોકીરિક્સ, જિરાફા.
મધ્ય શિવાલિક (પ્રાણી-અવશેષો) :
અંગુષ્ઠધારી : મૅકાક્સ, શિવપિથેક્સ.
માંસભક્ષી : લ્યુટ્રા, ઍમ્ફિસિયૉન, ફેલિસ.
સૂંઢવાળાં : ટ્રાઇલોફોડોન, ટેટ્રાલોફોડોન, સ્ટેગ્લોફોડોન.
ડુક્કર-વર્ગ : સ્યુસ, લિસ્ટ્રિયોડોન, હાયોસુસ.
અશ્વ-વર્ગ : હિપ્પારિયૉન.
જિરાફ-વર્ગ : વિષ્ણુથેરિયમ, બ્રહ્માથેરિયમ, જિરાફા, હાયડાસ્પિથેરિયમ.
[નગરી કક્ષામાં કોઈ સૂંઢવાળાં પ્રાણીઓ મળતાં નથી.]
ઊર્ધ્વ શિવાલિક :
અંગુષ્ઠધારી : પપિયો, સિમિયા, સેમ્નોપિથેક્સ.
માંસભક્ષી : લ્યુટ્રા, પાન્થેરા, ક્રોકુટા, ફેલિસ.
સૂંઢવાળાં : પેન્ટાલોફોડોન, સ્ટેગોડોન, સ્ટેગ્લોફોડોન.
ડુક્કર-વર્ગ : હાયપોહિયસ, સ્યુસ, ટેટ્રાકેનોડોમ.
અશ્વ-વર્ગ : ઇક્વસ શિવાલેન્સિસ (એક ખરીવાળો અશ્વ).

આ ઉપરાંત કેટલાંક પક્ષીઓ, સરીસૃપો(મગર, ગરોળી, કાચબા અને સર્પો)ના અવશેષો તેમજ માછલીઓ પણ શિવાલિક-રચનામાંથી મળે છે. વિશેષ મહત્વની બાબત એ છે કે શિવાલિક-સમૂહમાં અંદાજે અગિયાર જેટલી અંગુષ્ઠધારીઓની જાતિઓ મળેલી છે. આ બધાં પ્રાણીઓના જીવાવશેષોની ઉપલબ્ધિ પરથી શિવાલિક-રચનાનું વય મધ્ય માયોસીનથી નિમ્ન પ્લાયસ્ટોસીનનું નિર્ધારિત થયેલું છે.

ગિરીશભાઈ પંડ્યા