શિવામ્બુ (સ્વમૂત્ર) ચિકિત્સા

January, 2006

શિવામ્બુ (સ્વમૂત્ર) ચિકિત્સા : વર્તમાન વિશ્વમાં પ્રચલિત 333 ઉપરાંત ચિકિત્સાપદ્ધતિઓમાંની એક. શિવામ્બુ અથવા સ્વમૂત્ર કે urine therapy પણ એક ચિકિત્સાપદ્ધતિ છે.

‘શિવામ્બુ’ શબ્દમાં ‘શિવ’ એટલે કલ્યાણકારી અને ‘અમ્બુ’ એટલે જળ. માનવીના પોતાના શરીરનું કલ્યાણકારી મૂત્રરૂપી જળ એટલે ‘શિવામ્બુ’. ‘સ્વમૂત્ર’, ‘માનવમૂત્ર’, ‘વૉટર ઑવ્ લાઇફ’, ‘જીવનજળ’ વગેરે તેનાં પર્યાયવાચી નામો છે. પોતાના શરીરના જ મૂત્રનો પીવા તથા માલિસ કરવામાં ઉપયોગ કરી, જે વૈદક પદ્ધતિ અનેક જાતના રોગો મટાડે છે, તેને મૂત્રોપચારચિકિત્સા, શિવામ્બુચિકિત્સા કે urine therapy કહે છે.

સ્વમૂત્ર-ચિકિત્સાપદ્ધતિ એ કોઈ આધુનિક યુગની નવી શોધાયેલી ઉપચારપદ્ધતિ નથી. પ્રાચીન સમયથી અનેક પ્રજાઓ અને અનેક ધર્મમાં રોગનિવારણ માટે અવારનવાર વપરાતી પ્રાગટ્ય અનુભવોથી સમૃદ્ધ થયેલ ચિકિત્સાપદ્ધતિ છે. તેનો પ્રચાર-પ્રસાર છેલ્લાં 25 વર્ષોમાં ગુજરાત, ભારત અને યુરોપીય દેશોમાં સર્વાધિક થયો છે. આજની પ્રાચીન અને વિવિધ ધર્મગ્રંથોમાં ઉલ્લેખિત તથા પ્રાચીન પ્રજાઓના અનુભવોનો વિશાળ પાયો ધરાવતી શિવામ્બુ-ચિકિત્સાને હવે એક સ્વતંત્ર ચિકિત્સાપદ્ધતિનું સ્વરૂપ અપાયું છે. આજકાલ અંગ્રેજી ભાષામાં તેને ‘Auto Urine Therapy’ (ઑટો યુરિન થૅરપી) કહે છે.

મૂત્રચિકિત્સાનો ઇતિહાસ : પોતાના શરીરના મૂત્રનો એક ઔષધ રૂપે ઉપયોગ કરવાની આ પદ્ધતિ પ્રાચીન કાળથી વિશ્વના સર્વ દેશોમાં પ્રચલિત હતી.

ભારતની ગ્રામીણ અને આદિવાસી પ્રજાઓમાં પ્રાચીન કાળથી વ્યક્તિના અને ગાયના મૂત્રનો ઔષધ રૂપે ઉપયોગ પ્રચલિત હોવાના અનેક ગ્રંથસંદર્ભો પ્રાપ્ત થાય છે. પુરાણકાલમાં સંસ્કૃત ભાષામાં લખાયેલ ‘શિવામ્બુકલ્પ’ નામના ગ્રંથમાં ભગવાન શિવજી તથા પાર્વતીજી વચ્ચેના સંવાદ રૂપે મૂત્રને ‘અમૃત’ કહી, તેના પાનથી થતા અનેક ફાયદા બતાવેલા છે. એ જ રીતે ઈ. પૂ. 5000 પહેલાં ભારતમાં સંસ્કૃતમાં રચાયેલ ‘ડામરતંત્ર’ નામના ગ્રંથમાં પણ ‘શિવામ્બુ’ (મૂત્ર)-પાનવિધિ અને તેના લાભો બતાવેલા છે. જૈન ધર્મના સાહિત્યમાં આચાર્ય ભદ્રબાહુએ લખેલ ‘વ્યવહાર-સૂત્ર’ ગ્રંથના 42મા પ્રકરણમાં ‘પ્રતિમા’ના આદરણ દરમિયાન વિશિષ્ટ નિયમો અને સાધનાનું પાલન કરવાનું સૂચવ્યું છે. તેમાં એકાંતમાં સાધુજીવન ગાળતા સાધકે ઉપવાસ કરી, દરરોજ પોતાના સ્વમૂત્રનું ટીપેટીપું પીવાનું વિધાન છે. ભારતના હઠયોગના સાધકો તથા કેટલાય યોગીઓ-યોગસાધકો યોગસાધના શરૂ કરતાં પૂર્વે જરૂરી દેહશુદ્ધિ માટે મૂત્રપાનવિધિનો ઉપયોગ કરતા હોવાની નોંધ છે. ભારતીય ડોશી વૈદકમાં નાનાં બાળકોના મબારખી કે વધરાવળ જેવાં દર્દોમાં તેમને તેમનું જ મૂત્ર પાવાનું આજે પણ કેટલાંક સ્થળે પ્રચલિત છે. એક સમયે ભારતમાં કંઈ પણ હથિયાર વાગવાથી થતા રક્તસ્રાવને તત્કાલ અટકાવવા કે પડેલા જખમ-ઘાને રૂઝવવા માટે હાથવગા તત્કાલ ઉપાય તરીકે સ્વમૂત્રનો પાટો બાંધવો કે તેની ધાર જખમ પર કરવાની પ્રથા પ્રચલિત હતી. ભારતના અનેક નાગા બાવાઓ, કાપાલિક સાધુઓ તથા જૈન સાધુઓ પોતાના મૂત્રપાનપ્રયોગથી સુંદર સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરતા હોવાના ગ્રંથસંદર્ભો ઉપલબ્ધ છે.

ઈ. સ. 400થી 1200ના સમય દરમિયાન લખાયેલ આયુર્વેદના કેટલાક મહત્વના વૈદકીય ગ્રંથોમાં ‘આઠ પ્રકારનાં પ્રાણીઓનાં મૂત્રોના વૈદકીય ગુણધર્મ દર્શાવવાની સાથે જ’ ‘માનવમૂત્ર’ના ગુણધર્મોનો ઉલ્લેખ પણ જોવા મળે છે; જેમ કે :

(1) ‘સુશ્રુતસંહિતા’ ગ્રંથના સૂત્રસ્થાનના 45મા અધ્યાયના શ્લોક 228માં કહેલું છે – मूत्रं मानुषं विषापहम् –  અર્થાત્ મનુષ્યનું મૂત્ર વિષનાશક છે.

(2) ‘હારીતસંહિતા’ના પ્રથમ સ્થાનમાં ‘મૂત્રવર્ગ’ની અંતર્ગત ‘નરમૂત્ર’ વિશે શ્લોક છે –

मानुषं क्षारकटुकं मधुरं लघु चोच्यते ।

चक्षुरोगहरं बल्यं दीपनं कफनाशनम् ।।

અર્થાત્ મનુષ્યનું (પોતાનું) મૂત્ર ક્ષારયુક્ત, તીખું, મધુર અને પચવામાં હલકું છે. વળી તે નેત્રરોગહર, બળપ્રદ, જઠરાગ્નિને પ્રદીપ્ત કરનારું તથા કફદોષ(રોગ)નો નાશ કરનારું છે.

(3) ‘ભાવપ્રકાશ’ પૂર્વખંડના નિઘંટુ વિભાગમાં પ્રકરણ 18માં ‘મૂત્રવર્ગ’માં શ્લોક 7થી કહેલું છે

नरमूत्रं गरं हन्ति सेवितं तद्रसायनम् ।

रक्तपामाहरं तीक्ष्णं सक्षारलवणं स्मृतम् ।।

અર્થાત્, નર(માનવ)મૂત્ર ગર (કૃત્રિમ) વિષનો નાશ કરે છે. તેના નિત્યસેવનથી તે રસાયન જેવો ગુણ કરે છે. માનવમૂત્ર (કફજ) રક્તવિકાર (ત્વચા રોગ – જેમ કે) ખસ વગેરેનો પોતાના તીક્ષ્ણ, ક્ષારયુક્ત તથા લવણરસથી નાશ કરે છે.

(4) ‘યોગરત્નાકર’ ગ્રંથ 1માં આઠ પ્રાણીઓનાં મૂત્રોના ગુણોનો નિર્દેશ કરતાં, શ્લોક નં. 11માં કહેલું છે –

पित्तरक्त क्रिमिहरं रेचनं कफवातजित् ।

तिक्तं मोहहरं मूत्रं मानुषं तु विषापहम् ।।

આ બધા ગ્રંથોમાં પ્રાણીઓનાં મૂત્રોના ગુણધર્મના વિવેચન સાથે જ નરમૂત્ર વિશેના ઉલ્લેખ જોવા મળે છે.

ભારતની ઉત્તરે આવેલ તિબેટ દેશના બૌદ્ધ મઠના લામા સાધુઓ સ્વમૂત્ર કે ‘સ્વ-રસાયન’નું પાન કરીને જ 150 કે તેથી પણ વધુ વર્ષો સુધીનું દીર્ઘાયુષ્ય મેળવતા હોવાના સંદર્ભો છે. રણમાં મુસાફરી કરનારા યાત્રીઓ પોતાનાં ખોરાક-પાણી ખૂટી પડે, ત્યારે પોતાનો જ પેશાબ દિવસો સુધી પીને, રણની આકરી મુસાફરી સલામત રીતે પૂરી કરતા જણાયા છે.

દરિયામાં વહાણવટાનો ધંધો કરનારા ખલાસી લોકો ભરસમુદ્રમાં તોફાની હવામાં જો તેમનું વહાણ અવળે રસ્તે ચડી જાય અને તેમને પીવાના પાણીનો તથા ખોરાકનો જથ્થો ખૂટી પડે, ત્યારે પોતાના મૂત્રને પીને, પોતાના પ્રાણ ટકાવી રાખતા હોવાનાં પ્રમાણો મળે છે.

મૂત્રચિકિત્સા વિશેના યુરોપીય સંદર્ભો આ મુજબ છે : ખ્રિસ્તી ધર્મના ‘જૂના કરાર’ નામના બાઇબલ ગ્રંથના પાંચમા અધ્યાયમાં એક આજ્ઞા આ શબ્દોમાં છે – ‘Drink waters out of thine own cistern’. અર્થાત્ ‘તારા પોતાના જ શરીરમાંના જળ(પેશાબ)નું (તારા દર્દો નિવારવા માટે) પાન કર.’

‘નવા કરાર’(બાઇબલ ગ્રંથ  મૅથ્યુ. 7-117)માં પણ એક ઉલ્લેખ છે  ‘When thou fastest anoint thine head and wash thy face (by your own urine).’ ‘જ્યારે તું ઉપવાસ કરે ત્યારે તારા પોતાના જ મૂત્રથી માથા અને ચહેરાનું માલિસ કર’. યુરોપીય દેશોમાં મૂત્રપ્રયોગ વિશેના આ સંદર્ભો સૌથી વધુ પ્રાચીન છે. ગ્રીક પ્રજા પ્રાચીન કાળથી શરીરના તાજા ઘા પર પેશાબની ધાર કરતી હતી. ઑસ્ટ્રેલિયામાં લોકો જખમ-ઘા ઉપર કે દાઝેલા ભાગ પર શિવામ્બુ (પોતાનું મૂત્ર) લગાડતા હતા. 300 વર્ષ પૂર્વે ફ્રાન્સના દંતવૈદ્યો (ડેન્ટિસ્ટો) તેમના દર્દીઓને દાંતની કેટલીક તકલીફો માટે સ્વમૂત્રથી તેમના દાંત ધોવાની તથા બહારનાં જડબાં પર તેનું માલિસ કરવાની સલાહ આપતા હતા. 19મી સદીના પ્રારંભમાં ઇંગ્લૅન્ડમાં ‘One thousand notable things’ (એક હજાર જાણવા યોગ્ય વૈદકીય નુસખા) નામે એક પુસ્તક પ્રસિદ્ધ થયેલું. તેમાં સ્વમૂત્રનો અનેક દર્દોમાં  ઉપયોગ કરવા બાબતની નોંધ છે. ઈ. સ. 1695માં ‘સોલોમનનો અંગ્રેજ વૈદ્ય’ (Soloman’s English Physician) નામે એક પુસ્તક યુરોપમાં પ્રસિદ્ધ થયેલું. તેમાં પણ મૂત્રપાન દ્વારા મટતા અનેક રોગોની સુંદર નોંધ જોવા મળે છે. અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યમાં એક વખતે અસ્થિભંગ (ફ્રૅક્ચર) વખતે તૂટેલાં હાડકાં ફરી બેસાડીને, ત્યાં સ્વમૂત્રનાં પોતાં મુકાતાં. શ્રીલંકામાં સિંહાલી લોકો ઝેરી જીવજંતુના ઝેરને દૂર કરવા માટે દર્દીને તેનો પેશાબ પિવડાવતા અને તેનાં પોતાં ડંખ પર મૂકતા. યુરોપ-એશિયાના પર્વતારોહકો કે સાહસિકો પોતાના અભિયાન દરમિયાન શક્તિ મેળવવા ને સ્વસ્થ રહેવા શિવામ્બુપાન કરતા. કેદીઓ, ચોર, ડાકુઓ કે ગુનેગારો તેમને થયેલી મારપીટની પીડા મટાડવા દર્દવાળા ભાગે શિવામ્બુનાં પોતાં મૂકતા તથા તેનું પાન કરતા.

આવા બધા છૂટાછવાયા ઉલ્લેખો પરથી વિશ્વના બધા દેશોમાં, બધા ધર્મોમાં સ્વમૂત્રનો એક ઔષધ તરીકે અલ્પ પ્રમાણમાં ઉપયોગ થતો હોવાનું જણાય છે.

મૂત્રોપચારને છેલ્લાં 40-60 વર્ષ દરમિયાન ‘એક ચિકિત્સા-વિજ્ઞાન’નું સ્વરૂપ આપનારા અને તેને લોકપ્રિય બનાવનાર મહાનુભાવોમાં સર્વપ્રથમ નામ ઇંગ્લૅન્ડના જ્હૉન ડબ્લ્યૂ. આર્મસ્ટ્રૉંગનું છે. તેમણે ‘બાઇબલ’ના મૂત્રપાનના વાક્ય પરથી પ્રેરણા મેળવી, સૌપ્રથમ પોતાની જાત પર તેનો પ્રયોગ કરી, પોતાના અનેક રોગોમાંથી મુક્તિ મેળવી. તે પછી તેમણે અસંખ્ય લોકોને મૂત્રોપચાર માટે પ્રેર્યા અને તેમને મૂત્રોપચારનું પદ્ધતિસરનું માર્ગદર્શન આપ્યું. તેમણે લગભગ 40 હજાર લોકોની મૂત્રોપચાર વડે સફળ ચિકિત્સા કર્યા પછી, ઈ. સ. 1944માં પોતાના મૂત્રોપચારના અનુભવો ‘Water of Life’ યાને ‘જીવનજળ’ નામના પુસ્તકમાં પ્રગટ કર્યા. આ પુસ્તક યુરોપ અને અન્ય અનેક દેશોમાં મૂત્રચિકિત્સાનો પ્રસાર-પ્રચાર કરવામાં સર્વપ્રથમ નિમિત્ત બન્યું.

ભારતમાં ખાસ કરી ગુજરાતમાં મૂત્રોપચાર-પદ્ધતિને પ્રસારિત કરવામાં ‘ભારત સેવક સમાજ’ના કાર્યકર્તા સ્વ. રાવજીભાઈ મણિભાઈ પટેલ નિમિત્ત બન્યા છે. તેમણે આર્મસ્ટ્રૉંગનું ‘વૉટર ઑવ્ લાઇફ’ – પુસ્તક વાંચીને પોતાના હૃદયરોગની મૂત્રસારવાર માટે તેમાંથી પ્રેરણા મેળવી. તેમણે પોતાની જાત પર મૂત્રોપચાર કરી રોગમુક્તિ મેળવી. તે પછી તેમણે અમદાવાદમાં રહીને બીજાં દર્દીઓને તેમનાં દર્દોમાં મૂત્રોપચારનું માર્ગદર્શન આપવું શરૂ કરી, સેંકડો દર્દીઓની સફળ સારવાર કરી. તેમની સારવારથી કૅન્સર, ગૅંગ્રીન, ડાયાબિટીસ તેમજ અસાધ્ય કક્ષામાં ગણાતાં તમામ દર્દો મટ્યાં. તેથી તેમણે ‘માનવમૂત્ર’ નામે ગુજરાતી ભાષામાં સર્વપ્રથમ માર્ગદર્શક પુસ્તક સને 1959માં પ્રગટ કર્યું. આ પુસ્તકની આજ સુધીમાં 15 ઉપરાંત આવૃત્તિઓ ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજીમાં પ્રગટ થઈ છે. આ પુસ્તકની પ્રસ્તાવના ભારતના ભૂ. પૂ. વડાપ્રધાન સ્વ. મોરારજી દેસાઈએ લખેલી. એ પુસ્તકે સ્વયં મોરારજીભાઈને પણ મૂત્રપાન માટે પ્રેર્યા. તેમણે 30 વર્ષ સુધી નિયમિત સ્વમૂત્રપાન કરી, 99 વર્ષની વય સુધી સ્વસ્થ જીવન જીવી શકવાનું ઉદાહરણ પેશ કર્યું છે.

ભારતમાં રાવજીભાઈ પટેલના ‘માનવમૂત્ર’ પુસ્તકના બીજી ભાષાઓમાં પણ અનેક અનુવાદો પ્રગટ થયા. તે સાથે ‘વૉટર ઑવ્ લાઇફ’નું પણ વેચાણ થયું. તેથી ગુજરાત અને બીજાં રાજ્યોમાં મૂત્રચિકિત્સાનો એક તબીબી પદ્ધતિ તરીકે પ્રસાર-પ્રચાર અને સ્વીકાર થયો. તેની સફળતાને કારણે ‘કુદરતી ઉપચારકો’ (નિસર્ગોપચારકો)એ મૂત્રોપચારને પોતાની પદ્ધતિની અંતર્ગત ગણી, તેને પ્રોત્સાહન આપ્યું. તે પછી ભારત અને ગુજરાતમાં આ પદ્ધતિ ઉપર નાનાંમોટાં અનેક પુસ્તકો અને પત્રિકાઓ પ્રગટ થઈ. અનેક ભારતીય વર્તમાનપત્રો અને પત્રિકાઓએ મૂત્રચિકિત્સા-વિષયક લેખો પ્રકાશિત કરી, આ કાર્યને વેગ આપ્યો.

ગુજરાતમાં મૂત્રોપચારને એક સર્વજન-સ્વીકૃત ચિકિત્સાપદ્ધતિ તરીકેનો દરજ્જો અપાવવા અને આ પદ્ધતિનો પ્રચાર-પ્રસાર કરવામાં જેમણે ખાસ મહત્વનો ફાળો આપ્યો છે, તેમનાં નામો આ મુજબ છે : (1) સ્વ. રાવજીભાઈ મ. પટેલ; (2) સ્વ. મોરારજીભાઈ દેસાઈ; (3) સૂરતના સ્વ. બાપાલાલ ગ. વૈદ્ય; (4) ભાવનગર(હાલ નવસારી)ના વૈદ્ય પ્રાગજીભાઈ રાઠોડ; (5) સ્વ. રવિશંકર મહારાજ; (6) ઉરુલી-કાંચનના નિસર્ગોપચારક બાલકોજી ભાવે; (7) મુંબઈના કિશનલાલ સી. તેજપાલ; (8) અમદાવાદના સ્વ. વૈદ્ય શોભન તથા (9) વૈદ્ય બળદેવપ્રસાદ પનારા; (10) વડોદરાના શિવામ્બુ ચિકિત્સા સંશોધન મંડળના મંત્રી જગદીશ શાહ તથા બીજા અનેક.

એ જ રીતે પરદેશોમાં વર્તમાન સમયે મૂત્રચિકિત્સાને વધુ પ્રચલિત અને પ્રસારિત કરવામાં ડૉ. આર્થર લિંકન પોલ્સ(ડી.ઓ.)નો ખૂબ મહત્વનો ફાળો છે. તેમણે અંગ્રેજી ભાષામાં ‘શિવામ્બુકલ્પ’ નામે પુસ્તક લખેલ છે. મૂત્રચિકિત્સાનો વિદેશોમાં પ્રચાર કરવા માટે તેમણે દોઢ લાખ માઈલ ઉપરાંતની મુસાફરી કરી છે અને અનેક શહેરોની કૉલેજો, યુનિવર્સિટીઓ તથા હીલિંગ સેન્ટરોમાં શિવામ્બુ પર ખાસ સેમિનારો યોજી લોકોને તેના વિશે સુંદર સમજ આપી છે.

આજે પરિસ્થિતિ એવી છે કે જાતજાતની મોંઘી ચિકિત્સાપદ્ધતિઓ અને ડૉક્ટરોથી થાકેલા અને અસાધ્ય બની ગયેલા લાખો લોકો, છેલ્લા તરણોપાય તરીકે હવે મૂત્રચિકિત્સાને અપનાવતા થયા છે. તેનાથી અનેક અસાધ્ય દર્દીઓ જલદી સ્વસ્થ પણ થાય છે. ખાસ કરી ગરીબ અને મધ્યમવર્ગનાં લોકો તેને જલદી અપનાવે છે. કુદરતી ઉપચારકોએ તેનો પ્રચાર કરીને, હવે મૂત્રોપચારને એક ચિકિત્સાવિજ્ઞાનનો દરજ્જો અપાવ્યો છે. ગુજરાતમાં ઘણા મૂત્રચિકિત્સકો છે.

મૂત્રચિકિત્સા વિશે મૂલ્યવાન અભિપ્રાયો :

(1) અંગ્રેજ દેહ-વિજ્ઞાની એલિસ બાઇકર જણાવે છે : ‘આપણું શરીર કોઈ પણ ઔષધિ દ્રવ્ય કરતાં વધુ ચમત્કારિક દ્રવ્ય બનાવે છે, જે સૌથી વધારે સંપૂર્ણ છે. તેમાં શરીરનાં ઝેરી જંતુઓ(તત્વો)નો નાશ કરનારું તત્વ રહેલું છે. આ દ્રવ્ય તે આપણો પોતાનો જ પેશાબ છે.’

(2) ઇંગ્લૅન્ડના એક પ્રખ્યાત ડૉક્ટર ટી. વિલ્સન ડીયમાન (P.H.C., M.D.) જણાવે છે : ફ્રૅક્ચર થયેલાં કે જન્મથી ખામીવાળાં અંગોને કારણે થયેલ દર્દ સિવાયના બધા જ રોગોમાં દર્દીનો પોતાનો પેશાબ ઉપયોગી (ઔષધ) નીવડે છે. 3,000થી પણ વધુ દવામાંથી દર્દીને અનુકૂળ આવતી દવાની પસંદગી કરવામાં થતી ભૂલમાંથી મૂત્ર, તબીબને બચાવે છે.

(3) મૂત્રચિકિત્સાના પ્રખર પ્રવર્તક-પુરસ્કર્તા આર્મસ્ટ્રૉંગનો મત : ‘‘મેં મારા પોતાના જ મૂત્ર તથા નળના પાણી ઉપર જ નભીને 45 દિવસના ઉપવાસ કર્યા. તે સાથે સ્વમૂત્રનું મારા શરીરે માલિસ કર્યું. તે પછી મેં ઉપવાસ છોડ્યા ને ખોરાક લેવો શરૂ કર્યો. તે સાથે સ્વમૂત્રપાન ચાલુ રાખ્યું. આ પ્રયોગને અંતે મને નવજીવન મળ્યું. (તેમને 1914ની સાલમાં ડાયાબિટીસ સાથે ફેફસાંના ટી.બી.નું દર્દ હતું.) મારું વજન 140 રતલ થયું. હું ચેતનાથી ભરેલો હતો. મારી ખરેખર ઉંમર હતી, તેનાથી હું 11 વર્ષ નાનો દેખાતો હતો. મારી ત્વચા નાની છોકરીની ત્વચા જેવી સુંવાળી અને તેજસ્વી થઈ હતી. મારી ઉંમર તે વખતે 36 વર્ષની હતી. (મૂત્રચિકિત્સાથી) મારો ટી.બી. (ક્ષય) તથા ડાયાબિટીસ મૂળથી મટી ગયા હતા.’’ 60 વર્ષની ઉંમરે તેમણે આ લખાણ લખેલું. ત્યારે પણ તેઓ સ્વસ્થ હતા.

(4) ભૂ. પૂ. વડાપ્રધાન સ્વ. મોરારજી દેસાઈનો અભિપ્રાય : ‘‘મને 40-45 વર્ષથી બંધકોષ હતો. તે મૂત્રપાનથી સાવ મટી ગયો. આંખે મોતિયાની શરૂઆત થતાં મેં મૂત્ર આંખમાં આંજવા માંડ્યું. તે પછી મોતિયો આવ્યો નથી. રોજ કાનમાં ટીપાં નાખવા માંડ્યાં. તે પછી મારા કાન (સ્વસ્થ) સાબૂત છે. હું રોજ સવારે 200 મિલિ. જેટલું મૂત્ર પીઉં છું. તેને કારણે (70 વર્ષની વયે) મારું સ્વાસ્થ્ય સારું રહે છે. (સ્વમૂત્ર-પાનની ટેવને કારણે) છેલ્લાં 30 વર્ષથી મને કોઈ બીમારી નથી આવી. ચામડીના રોગોમાંય સ્વમૂત્ર અસરકારક છે. શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો કૅન્સર અને ટી.બી. જેવા મોટા રોગોમાંયે ફાયદો જ થાય છે. છેલ્લાં 10 વર્ષમાં મેં ઘણા દર્દીઓને મૂત્ર-પ્રયોગ બતાવ્યો છે અને તે બધા સારા થયા છે. મૂત્ર-પ્રયોગ થાય તો દર્દી સ્વસ્થ થાય. મૂળ વાત છે, આ પ્રયોગમાં (પૂરી) શ્રદ્ધા હોવાની, શ્રદ્ધા વગર કંઈ ન થાય.’’

(5) ગુજરાતમાં સ્વમૂત્ર-ચિકિત્સાના પ્રથમ પ્રારંભક તથા ‘માનવમૂત્ર’ પુસ્તકના લેખક રાવજીભાઈ મ. પટેલનો અભિપ્રાય : ‘‘બગડેલા સ્વાસ્થ્યને પાછું પ્રાપ્ત કરવા માટે શરીરમાં વધઘટ થયેલાં પાંચ મહાભૂતોનાં તત્વોને સપ્રમાણ કરવાં જોઈએ. આ કાર્ય કરવાની શક્તિ કેવળ સ્વમૂત્ર(urine)માં જ છે. આવા કારણે જ માનવશરીરનું બગડેલું સ્વાસ્થ્ય પાછું સંપાદન કરવાને, જીવમાત્ર માટે તેનું પોતાનું મૂત્ર એક કુદરતી બક્ષિસ (ઔષધ) છે … જે ઈશ્વરદત્ત સકારાત્મક બક્ષિસ છે. …. સૃદૃષ્ટિની કરામતમાં જીવને તેના શરીરના સુરક્ષણ માટે કિરતારે આ (મૂત્ર) સાધન પ્રથમથી જ બક્ષેલું છે. તે કોઈ રોગનો ઉપાય નથી. પણ શરીરસ્વાસ્થ્યપ્રાપ્તિનું સાધન છે. મૂત્ર શરીરનું સ્વાસ્થ્ય મેળવવા માટે સંપૂર્ણ રસાયણ છે. મૂત્ર વૃદ્ધાવસ્થાના બધા રોગો હણીને, વૃદ્ધને યુવાન જેવી કાંતિ અને શક્તિવાળો બનાવે છે. વળી તે વિષહર છે. જો તેને અનુભવની એરણે ચઢાવેલી શાસ્ત્રીય પદ્ધતિએ વાપરવામાં આવે તો, તેના ઉપયોગથી કદી નિષ્ફળતા મળે જ નહિ. મૂત્ર-પ્રયોગ કરનારે આહાર-વિહારમાં વિવેકશીલ રહેવું જોઈએ… પરહેજી પાળવી જોઈએ. આ ચિકિત્સા ગરીબો માટે તો આશીર્વાદ સમાન છે. મૂત્ર-પ્રયોગ કરનારા કોઈનેય આ નુકસાનકારક નીવડ્યો નથી.’’

(6) ઇંગ્લૅન્ડના ડૉ. રાબાગ્લિયાટી(કૅન્સર-સર્જન)નો અભિપ્રાય : ‘‘ઑપરેશનની મારી સલાહ અવગણીને જે હિંમતબાજ સ્ત્રીઓએ મૂત્ર-ચિકિત્સા અપનાવીને સ્વસ્થ થઈ, તેમને મેં જાતે તપાસી જોયું હતું કે તેમની અસાધ્ય ઝેરી ગાંઠો તો ઠીક તેનું એક ચાંદું સરખું પણ નહોતું રહ્યું. કેટલીક સ્ત્રીઓની કૅન્સરની ગાંઠો એક પખવાડિયામાં, તો કેટલીકની 4 દિવસમાં જ નાબૂદ થઈ ગઈ હતી.’’

(7) સૂરતના વૈદ્યરાજ સ્વ. બાપાલાલ ગ. વૈદ્ય(પ્રખ્યાત વનસ્પતિશાસ્ત્રી તથા આયુર્વેદિક કૉલેજના પ્રિન્સિપાલ)નો અભિપ્રાય : ‘આજે ગુજરાતમાં શરદી અને કફનાં દર્દો ખૂબ જોવા મળે છે. શ્રીમંતો ભલે દવા-દારૂ પાછળ હજારો રૂપિયા ખર્ચે; પરંતુ ગરીબો ધારે તો – મૂત્ર જેવી – વગર પૈસાની દવાથી મારી જેમ શરદી, દમ, વા, ઇસોનોફિલિયાનાં દર્દો મટાડી શકે છે. મૂત્ર (અન્ય દવાઓ કરતાં) હજારો ગણું ઉત્તમ છે. લોકોના મનમાં મૂત્ર સામે એક જાતની સૂગ અને ચીડ ભરાઈ ગયેલી છે, તેને કાઢવાની જરૂર છે. મૂત્રપ્રયોગથી કોઈ પણ જાતનું નુકસાન નથી, એટલી ખાતરી હું એક ચિકિત્સક તરીકેની મારી જવાબદારી સમજીને આપું છું.’’

(8) અમદાવાદની પ્રભુદાસ ઠક્કર કૉલેજના પ્રોફેસર દશરથભાઈ ઠક્કર જાતે સારા મૂત્રોપચારક હતા. તેઓ કહેતા : ‘‘મૂત્રપાનથી આધ્યાત્મિક શક્તિ ખીલે છે. તેનાથી ધ્યાન, આત્મચિંતન, નિરહંકારિતાની સાધનામાં મદદ થાય છે તેમજ ઉધરસ, ડાયાબિટીસ, લકવા જેવાં દર્દીઓને મૂત્ર-પ્રયોગ કરાવી સારાં પરિણામો મેળવ્યાં છે.’’

(9) નવસારીના જાણીતા વૈદ્યરાજ શ્રી પ્રાગજીભાઈ રાઠોડ કે જેઓ જાતે મૂત્રોપચારક છે, તેઓ કહે છે, ‘‘હું છેલ્લાં 30 વર્ષથી શિવામ્બુ (મૂત્ર) ચિકિત્સાપદ્ધતિ વડે દર્દીઓના ઇલાજ કરું છું. તેનાં પરિણામો સારાં જ આવ્યાં છે; પણ આ પદ્ધતિનો ઉપયોગ શિસ્તબદ્ધ અને વૈજ્ઞાનિક ઢબે થવો જોઈએ.’’

વિજ્ઞાનની દૃષ્ટિએ મૂત્ર : આયુર્વેદવિજ્ઞાન મુજબ માનવમૂત્ર સ્વાદે ખારું તથા કડવું, ગુણમાં ગરમ તથા રૂક્ષ, ઝાડો લાવનાર (રેચક), વિષદોષનાશક અને રસાયનરૂપ છે. મૂત્ર વિષ, આમદોષ, કૃમિ, રક્તદોષ, વ્રણ-જખમ, ભૂત-બાધા, ત્વચા રોગ, વાયુ, મોહ અને કફ-પિત્તનો નાશ કરે છે. સર્પના દંશનું વિષ પણ માનવમૂત્ર પીવાથી ઊલટી થઈ, નાશ પામે છે.

વિજ્ઞાનની દૃષ્ટિએ પેશાબ (urine) એ કોઈ નિર્જીવ વસ્તુ નથી. પણ તે સજીવ દ્રાવણ (living solution) છે. તેમાં રક્ત, માંસ, મેદાદિ દેહ-ધાતુઓને રચવા તથા વધારવાના તથા નિર્જીવ ગ્રંથિઓને સજીવન કરવાના ગુણો છે.

મૂત્રપ્રયોગની શરીર પર થતી અસર : મૂત્ર પીવા તથા માલિસ કરવાથી તેની શરીર પર વિશિષ્ટ પ્રક્રિયા થાય છે. દેહમાં પ્રવેશ પામેલ મૂત્ર રક્તમાં ભળીને શરીરની બધી ગ્રંથિઓમાંથી પસાર થઈ ગળાય છે. તે પ્રથમ શરીરને સ્વચ્છ કરશે અને પછી શરીરમાં જ્યાં જ્યાં અવરોધો-દોષો જામી ગયા હશે, તેને દૂર કરશે. છેવટે રોગથી શરીરનો જે ભાગ કે ઇન્દ્રિય વિકૃત થયાં હશે, તેને મૂત્ર સુધારશે. મૂત્ર શરીરનાં મહત્વનાં તમામ અંગો ફેફસાં, પિત્તાશય, મગજ, હૃદય, લીવર જેવાં અંગોને સુધારે છે; તેથી અસાધ્ય રોગો દૂર થાય છે. રોગી સ્વસ્થ બને છે અને જીવન ગુમાવેલા પુનર્જીવન પામે છે.

એક શિવામ્બુ-ચિકિત્સક કહે છે : ‘‘મૂત્ર દિવ્યામૃત છે. તે જન્મથી થયેલા રોગોનો નાશ કરે છે. શિવામ્બુ પીવાથી એક માસથી બાર વર્ષ સુધીમાં દેહ થોડો નિર્બળ બને, પરંતુ ઇન્દ્રિયો કાર્યક્ષમ બને છે. દેહ નીરોગી, બુદ્ધિમાન, બલવાન અને શરીરે સુવર્ણ જેવો કાંતિવાન બને છે. દેહ તેજસ્વી બને છે. માનસિક શક્તિઓનો વિકાસ થાય છે.’’

મૂત્રચિકિત્સાથી મટતાં દર્દો : ‘અમૃતસંજીવની ઔષધ-માનવમૂત્ર’ નામના પુસ્તકમાં મૂત્ર-પ્રયોગ દ્વારા મટતાં દર્દોની યાદી આ મુજબ આપી છે : કૅન્સર, ગૅન્ગ્રીન (સડો), મૂત્રપિંડ(કિડની)નાં દર્દો, હૃદયરોગ, દરેક જાતના તાવ, વધરાવળ, દાઝવું, ઊંડા ઘા કે જખમ, કમળો, મેદસ્વિતા, માસિક ધર્મનાં દર્દો, હૃદયરોગ, ટી.બી. (ક્ષય), શરદી, ખાંસી, દમ, ગળાની ગાંઠો, પેટનાં દર્દો જેમ કે  ઍપેન્ડિસાઇટિસ, કોલાઇટિસ, સંગ્રહણી, સંધિવા, ગાઉટ, ત્વચાનાં દર્દો, આંતરડાં કે હોજરીનું ચાંદું, મધુપ્રમેહ, કરોડ ગંઠાઈ જવી, કોઢ, રક્તપિત્ત, ખરજવું, સોરાયસિસ; આંખનાં દર્દો ઝામર, મોતિયો, આંખનાં ચશ્માંના નંબર કે ઝાંખપ; કાનનાં દર્દો, માથાનો દુખાવો, હાથીપગો, પાયોરિયા, સોજા, વેરીકૉઝ વેઇન, વૃદ્ધત્વ, પ્રોસ્ટેટ આદિ.

મૂત્રચિકિત્સાની રીત : મૂત્ર-ચિકિત્સા મુખ્યત્વે બે પ્રકારથી થાય છે : (1) આભ્યંતર પ્રયોગ; (2) બાહ્ય પ્રયોગ. આભ્યંતર પ્રયોગમાં પોતાનો પેશાબ પાંચ રીતે લેવાય છે : (1) મૂત્ર-પાન (પીવું), (2) મૂત્ર-બસ્તિ (ઍનિમા), (3) નાકમાં ટીપાં (નસ્ય), (4) મૂત્ર-નાસ (બાફ) તથા (5) ગંડૂષ  કોગળા કરવા રૂપે.

બાહ્ય પ્રયોગમાં પેશાબ 10 રીતે વપરાય છે : માલિસ, નેત્રમાં ટીપાં, કાનમાં ટીપાં, દાંત પર ઘસવું (દાંત ધોવા), મૂત્ર પીચું કે પટ્ટી મૂકવી, રોગવાળા અંગ પર પેશાબની ધાર કરવી, પેશાબની વરાળ કે બાફ દેવો, આખા શરીરે પેશાબની વરાળથી સ્નાન, અંગ પર મૂત્ર ચોપડવું કે ઘસવું તથા તેનો લોપરીમાં ઉપયોગ કરવો.

રોગનિવારણ માટે શિવામ્બુ-પાનની સરળ રીત : રાતની નિદ્રા પૂરી થતાં સવારે ઊઠતાંની સાથે બાથરૂમમાં જઈ કાચના કપ કે ગ્લાસમાં પેશાબ કરવો. તેમાં સૌપ્રથમ શરૂઆતની ધાર તથા પાછળની ધારનો ત્યાગ કરી. માત્ર વચલી ધારનો પેશાબ કપમાં ભરી લેવો. તે સ્વચ્છ જણાય તો તે સીધો સવારે પી જવો. કંઈ ડહોળો પેશાબ લાગે તો કપડાની ગરણીથી ગાળીને તે પી જવો.

શિવામ્બુપાનના નિયમો : પેશાબ પીતાં પહેલાં મુખશુદ્ધિ અવશ્ય કરી લેવી. સામાન્ય રીતે સવારે તથા સાંજે બે વાર પેશાબ પિવાય છે. વધુ વખત ન પિવાય તો રોજ એક વાર તો પીવો જરૂરી છે. દર્દ ગંભીર હોય તો બે કે વધુ વાર તે પી શકાય છે.

મૂત્ર-ચિકિત્સા શરૂ કરતાં પૂર્વે 2-3 દિવસ પહેલાથી કોઈ પણ વિલાયતી દવા લેવી નહિ. આ પ્રયોગ સાથે આયુર્વેદિક કાષ્ઠાદિ ઔષધિ લઈ શકાય છે.

મૂત્ર-ચિકિત્સા દરમિયાન દર્દી તમામ જાતના કેફી કે માદક પદાર્થો (ચા, કૉફી, તમાકુ, ગુટકા, મદ્યપાન, ધૂમ્રપાન) કે નશાકર્તા પદાર્થોનું સેવન ન કરે એ જરૂરી છે.

વધુ ગંભીર દર્દમાં દર્દી જો શરૂઆતમાં 12 ઉપવાસ કર્યા પછી મૂત્ર-ચિકિત્સા શરૂ કરે તો તે વધુ ઇષ્ટ છે. ઉપવાસ સાથે દર્દીએ 24 કલાકમાં જેટલું મૂત્ર થાય તેટલું બધું તાજું પી જવું જરૂરી છે. જરૂર પડે તો પાણી પી શકાય છે. પણ અન્ય ખોરાક ન લેવાય અથવા ખોરાક બંધ કરી વૈદ્ય કે મૂત્ર-ચિકિત્સકની સલાહ મુજબ ફળોનો રસ લેવાય તે ઇચ્છનીય છે.

મૂત્ર-ચિકિત્સામાં પીડાવાળા ભાગ ઉપર માલિસ કરવા માટે હમેશાં 12 દિનનો વાસી પેશાબ વાપરવો હિતાવહ છે. પેશાબથી માલિસ કરતાં પહેલાં તેને જરા ગરમ કરી લેવાય છે.

રોગની ગંભીર સ્થિતિમાં દર્દીએ અનુભવી વૈદ્ય અથવા સારા નિસર્ગોપચાર કે મૂત્ર-ચિકિત્સકની સલાહ લેવી લાભપ્રદ ગણાય છે.

વૈદ્ય બળદેવપ્રસાદ પનારા

મુગટલાલ જીવનલાલ થાનકી