શિવાનંદ સ્વામી (જ. 8 સપ્ટેમ્બર 1887, પટ્ટામડાઈ; અ. 14 જુલાઈ 1963, હૃષીકેશ) : આધ્યાત્મિક સાધક અને ‘દિવ્ય જીવન સંઘ’ના સ્થાપક. શિવાનંદ સ્વામીનું મૂળ નામ કુપ્પુસ્વામી અય્યર. તેમનો જન્મ તમિલનાડુના તેરૂનેલવેલી નજીક પટ્ટામડાઈ ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. માતાનું નામ પાર્વતી અમ્મલ અને પિતાનું નામ વેંગુ અય્યર. પિતા ભગવાન શંકરના ભક્ત. પિતાની પવિત્રતા તથા ભલાઈ કુપ્પુમાં પણ ઊતરી. બચપણથી જ તેમનામાં નિ:સ્વાર્થ ભાવના હતી. ખાવાની વસ્તુ કોઈને આપ્યા પછી જ પોતે ખાતા. શાળાનો અભ્યાસ પૂરો કર્યા પછી એસ.પી.જી. કૉલેજમાં જોડાયા. પ્રિન્સિપાલ એચ. પૅકનહામ વૉલ્સ કડક શિસ્તના આગ્રહી હતા. વિનય, વિવેક, મહેનત અને આજ્ઞાંકિતતાને લીધે કુપ્પુ પ્રિન્સિપાલના માનીતા વિદ્યાર્થી થઈ ગયા. અભ્યાસમાં નબળા વિદ્યાર્થીઓને મદદ કરવા તે હંમેશાં તત્પર રહેતા. 1905માં ઇન્ટરની પરીક્ષા પાસ કર્યા પછી તાંજોર મેડિકલ કૉલેજમાં જોડાયા. ભણતા હતા ત્યારે જ તેમની હોશિયારી અને ધગશ જોઈને તેમને ઑપરેશન થિયેટરમાં કામ કરવાની પરવાનગી આપી હતી.
ત્રીજા વર્ષે સર્જરીનું જે જ્ઞાન મેળવવાનું હોય તે તેમણે પ્રથમ વર્ષમાં જ મેળવી લીધું. કૉલેજના અડધા અભ્યાસ વખતે જ પિતાનું અવસાન થયું. તે પછી માતાની તબિયત બગડી. અભ્યાસ છોડવો પડે તેમ હતું. માતાએ તેમને નોકરી કરવા સમજાવ્યા, પરંતુ કુપ્પુને તો ડૉક્ટર બનીને દર્દીઓની સેવા કરવી હતી. આર્થિક સંકડામણ દૂર કરવા 1909માં તેમણે ‘એમ્બ્રોસિયા’ નામનું તબીબી વિદ્યાનું મૅગેઝીન શરૂ કર્યું, જે ચાર વર્ષ ચાલ્યું. 1913માં તેઓ મલાયા ગયા. અહીં તેમણે ડૉ. હેરોલ્ડ પારસન્સની હૉસ્પિટલમાં મદદનીશ ડૉક્ટર તરીકેનું કામ કર્યું. તેઓ ત્યાં ચોવીસ કલાક રહીને કામ કરતા. ડૉ. પારસન્સ તો અઠવાડિયાના અમુક દિવસોએ જ મુલાકાતે આવતા. દર્દીઓને તપાસતી વખતે તેઓ હંમેશાં પ્રાર્થના કરતા. દર શુક્રવારે તેમણે હૉસ્પિટલમાં પ્રાર્થનાસભા યોજવાનું શરૂ કર્યું હતું. ગરીબ દર્દીઓની કાળજી વધુ લેતા. આવા દર્દીઓને દવાની સાથે ક્યારેક તેમની અન્ય જરૂરિયાતો માટે પૈસા પણ આપતા. પ્રૅક્ટિસમાં વ્યસ્ત હોવા છતાં ધાર્મિક ગ્રંથોનું તેઓ વાંચન અને ચિંતન કરતા. 1920માં સિંગાપુર નજીક જોહરબાહરુમાં જોહર મેડિકલ ઑફિસ લિમિટેડની હૉસ્પિટલમાં જોડાયા. અહીં પ્રૅક્ટિસ કરતાં કરતાં તેમણે આરોગ્ય વિશેના લેખો અને પુસ્તકો લખ્યાં. આ પછી તેમને મેમ્બર ઑવ્ ધ રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પબ્લિક હેલ્થ, લંડન; મેમ્બર ઑવ્ ધ રૉયલ એશિયાટિક સોસાયટી, લંડન અને ઍસોસિયેટ ઑફ ધ રૉયલ સેનિટરી ઇન્સ્ટિટ્યૂટ, લંડનની ડિગ્રીઓ મળી. દસ વર્ષની પ્રૅક્ટિસ બાદ આ બધું તેમને બંધનકારક લાગ્યું અને ભૌતિક જીવનમાંથી મુક્ત થવાનો સંકલ્પ કર્યો. ‘ૐ નમ: શિવાય’નો જાપ શરૂ કર્યો. કૉલેજના અભ્યાસકાળ દરમિયાન તેમણે અનેક આધ્યાત્મિક પુસ્તકોનું વાચન કર્યું હતું. એક વખત બાઇબલના શિક્ષણવર્ગમાં જોડાયા હતા અને બાઇબલનો ઉપદેશ જીવનમાં પચાવવાનો પ્રયત્ન કર્યો હતો. રામાયણ, મહાભારત, થાયુમનવર, રામલિંગસ્વામી અને અઢાર સિદ્ધપુરુષોએ તમિળમાં લખેલા ગ્રંથો વાંચ્યા હતા. થિયૉસોફીનો અભ્યાસ પણ કર્યો હતો. સ્વામી રામતીર્થના સાહિત્યનું ચિંતન કર્યું હતું. આ આધ્યાત્મિક વાચન અને ચિંતને કુપ્પુસ્વામીને વૈરાગ્ય તરફ વાળવામાં મહત્વની ભૂમિકા ભજવી. આખરે તેમણે 1923માં ડૉક્ટરની નોકરી છોડી દીધી અને સ્વદેશ પાછા ફર્યા. ભારત પાછા ફરતાં વહાણમાં મુસાફરી કરતા હતા ત્યારે એક મુસાફરે તેમનું કપાળ જોઈને કહ્યું હતું, ‘તમારા કપાળ ઉપર ભિક્ષુરેખા છે’. વહાણ ચેન્નાઈ આવી પહોંચ્યું. ત્યાંથી તેઓ તેમના મિત્રને ઘેર ગયા પણ મિત્ર હતા નહિ, મિત્ર-પત્ની હતાં. મિત્રને ઘેર પોતાનો સામાન મૂકી કાશી જવા ચાલી નીકળ્યા. સર્વસ્વનો ત્યાગ કરી પરિવ્રાજક બની વિહરવા લાગ્યા. દિવસોના દિવસ સુધી ભૂખ્યા રહેતા, પરંતુ કોઈની પણ પાસે ખાવાનું માંગતા નહિ. વિહાર કરતાં છેવટે તેઓ ઋષિકેશ આવી પહોંચ્યા. હૃષીકેશમાં મુનિકી રેતમાં આવેલા બ્રહ્માનંદ આશ્રમમાં રહેતા. ત્યાં સ્વામી વિશ્વાનંદના પરિચયમાં આવ્યા. 1-6-1924ના રોજ વિશ્વાનંદે તેમને દીક્ષા આપી અને કુપ્પુસ્વામી અય્યરમાંથી તેઓ હવે સ્વામી શિવાનંદ સરસ્વતી થયા. ગંગાના કિનારે તેઓ એકાંતમાં તપસ્યા કરતા. અહીં પણ તેમની દાક્તરી વિદ્યા કામ લાગી. અવાર-નવાર માંદા પડતા સાધુઓની તેઓ સેવા કરતા. આવા સાધુ-સંતો માટે કાલિકાનંદ સરસ્વતીજીની મદદથી તેમણે 1925માં ‘સત્ય સેવાશ્રમ દવાખાનું’ શરૂ કર્યું. દવાખાનામાં સાધુઓ, યાત્રિકો, સાધકો અને આસપાસનાં ગામડાંના લોકોને તબીબી મદદ મળી રહેતી. આ પછી તેઓ લક્ષ્મણઝૂલા વિસ્તારમાં આવેલી ‘સ્વર્ગાશ્રમ’ નામની સંસ્થામાં રહેવા ગયા.
મનમાં ઉદ્ભવેલા સારા વિચારોને કાગળ પર ટપકાવી લેવાની તેમની ટેવ હતી. આ માટે તેઓ રસ્તામાંથી મળેલાં કાગળિયાંનો પણ ઉપયોગ કરતા ! તેમણે લેખન દ્વારા લોકોને જ્ઞાનરૂપી અમૃતનું પાન કરાવ્યું. લેખનનો તેમનો હેતુ પ્રસિદ્ધિનો ક્યારેય ન હતો; પરંતુ તેઓ તે દ્વારા લોકોને જ્ઞાનાભિમુખ બનાવવા ઇચ્છતા હતા. ચિંતન અને લેખન સાથે હરિકીર્તન પણ કરતા. લોકોને ઈશ્વર તરફ ખેંચવા માટે તેમણે કીર્તનની વિવિધ તરકીબો અજમાવી હતી. શણગારેલી મોટરટ્રકમાં, હોડીમાં, રેલવે-સ્ટેશન પર કે ટ્રેનમાં પણ હરિકીર્તન કરાવતા. નૈમિષારણ્ય અને અનુપશાયરમાં હાથી પર બેસીને કીર્તન કર્યું હતું. એક વખતે કુંભમેળામાં સિગારેટની જાહેરાતવાળાઓ આવારા ગીતો ગાતા હતા. શિવાનંદે તેમને સમજાવીને તેમની પાસે હરિકીર્તન કરાવ્યું હતું.
24-8-1933ના રોજ સ્વર્ગાશ્રમ સાધુ સંઘની સ્થાપના કરી. 17-1-1934ના રોજ સ્વર્ગાશ્રમ છોડી ચાર શિષ્યો સાથે ગંગાના જમણા કિનારે રહેવા ગયા. અહીંથી તેમનું જીવન સેવા-પ્રવૃત્તિથી ધમધમી ઊઠ્યું, તેમના કાર્યને વેગ મળ્યો. તેહરી ગઢવાલના મહારાજા તરફથી તેમને આશ્રમ માટે જમીન મળી. ત્યાં ગાયના ગમાણ જેવા જૂના મકાનને પોતાનું નિવાસસ્થાન બનાવ્યું અને ‘આનંદકુટિર’ એવું એનું નામ આપ્યું. અહીં તેઓ રાત-દિવસ સાધના કરતા હતા. ક્યારેક મહિનાઓ સુધી વાચન, લેખન અને સેવાપ્રવૃત્તિ અટકાવી સાધનામાં જ ડૂબેલા રહેતા. 13-1-1936ના રોજ ‘દિવ્ય જીવન ટ્રસ્ટ’નું અંબાલાની કોર્ટમાં રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું. ટ્રસ્ટની સ્થાપના થતાં લોકસેવાનાં અનેક કાર્યો થવા લાગ્યાં. બે વર્ષ પછી ‘ડિવાઇન લાઇફ’ નામે અંગ્રેજી માસિક શરૂ કરવામાં આવ્યું. દિવ્ય જીવન ટ્રસ્ટમાં અનેક લોકોને જોડાવાની ઇચ્છા હતી, પરંતુ કાયદા પ્રમાણે તેમાં 11 વ્યક્તિઓ જ લઈ શકાય તેમ હતું, તેથી રસ ધરાવતાં અન્ય લોકો માટે 1939માં ‘દિવ્ય જીવન સંઘ’ની સ્થાપના કરવામાં આવી. જીવનમાં કદી પણ કોઈના ગુરુ થવું નહિ કે કોઈ આશ્રમ બાંધવો નહિ એવો દૃઢ સંકલ્પ હોવા છતાં ઈશ્વરેચ્છાને આધીન થઈને તેમને તે કરવું પડ્યું હતું. પોતાના કડવા અનુભવોમાંથી તેમને શીખવા મળ્યું હતું કે સાધુને સળંગ સાધના કરવા માટે ત્રણ વસ્તુઓની જરૂર પડે છે ભોજન, માંદગી વખતે દવા તથા સ્વાધ્યાય માટે લાઇબ્રેરી. આથી તેમણે પોતાના આશ્રમમાં આ ત્રણેય બાબતોનો સમાવેશ કરવા અન્નક્ષેત્ર, દવાખાનું અને લાઇબ્રેરી શરૂ કરી હતી. અપથ્ય ખોરાકને લીધે સાધુઓ અવારનવાર બીમાર પડતા. તેથી તેમણે પોતાના આશ્રમમાં સારો પથ્ય ખોરાક મળી રહે તેવો પ્રબંધ કર્યો. ‘રોટલી આપું ભગવાન !’ ‘દાળ આપું ભગવાન !’ કહીને આશ્રમમાં જાતે સાધકોને વાંકા વળીને પીરસતા. આશ્રમમાં અખંડ ભજન અને અખંડ ભોજન ચાલતાં. સ્વામીજીએ આશ્રમની દરેક પ્રવૃત્તિને આધ્યાત્મિક સ્વરૂપ આપ્યું હતું. કોઈ પણ કામ કરતી વખતે જીભે ભગવાનનું નામ હોવું જોઈએ. આમ કરવાથી એ કામ પ્રભુને સમર્પિત બનીને પ્રભુનું બની જશે એવું તેઓ માનતા. આશ્રમનાં નાનાં-મોટાં કામ અન્ય સાધકોની જેમ જાતે કરતા; જેમ કે, ગંગામાંથી ડોલમાં પાણી લાવવું, જાજમ બિછાવવી, ઘંટ વગાડવો, ભોજન પીરસવું વગેરે. આશ્રમમાં સારા કે બદમાશ સૌને આવકારતા. આશ્રમમાં આવવાથી બદમાશ પણ સંસ્કારી થશે તેવી તેમની માન્યતા હતી.
શિષ્યોના આધ્યાત્મિક વિકાસ પર તેઓ વધુ ધ્યાન આપતા. શિષ્યોને ધીરજથી અને પ્રેમથી સમજાવતા. નિયમિતતાના ચુસ્ત આગ્રહી હતા. ગુરુમાં સામર્થ્ય હોય તો શિષ્ય નિયમભંગ કરે નહિ અને શિષ્ય નિયમભંગ કરે તેની સજા ગુરુને થવી જોઈએ એમ તેઓ માનતા. આથી જો કોઈ શિષ્ય નિયમભંગ કરે તો ઘણી વાર પોતે શિષ્યને બદલે કાન પકડી ઊઠ-બેસની સજા ભોગવતા. સમૂહધ્યાન અને સમૂહપ્રાર્થના પર ભાર મૂકતા. રામ-નવમી, દુર્ગાપૂજા વગેરે ઉત્સવો વખતે સાધના-સપ્તાહનું આયોજન કરતા. તેમના આશ્રમમાં નાતાલનું પર્વ પણ ધામધૂમથી ઊજવાતું. આધ્યાત્મિક પ્રગતિ માટે સાધકોને રોજનીશી લખવાનું જણાવતા. સેવા, પ્રેમ, ધ્યાન અને સાક્ષાત્કાર એ ચાર સ્વામીજીના ચાર વેદ ગણાતા. તેમની પાસે આવનારને તેઓ સવિનોદ ઉપદેશ આપતા. ‘હસતાં જાઓ, શીખતાં જાઓ’ – એ તેમનું એક પ્રિય સૂત્ર હતું. ડૉક્ટરને અહમનું ઑપરેશન કરવાનું, વેપારીને ભજનનો વેપાર કરવાનું અને પોલીસને મનની જાસૂસી કરવાનું તેઓ જણાવતા.
જ્ઞાનદાનને શ્રેષ્ઠ દાન માનતા હોવાથી આશ્રમમાં પ્રકાશનની પ્રવૃત્તિ વેગથી ચાલતી હતી. આની શરૂઆત તેમણે ‘બ્રહ્મવિદ્યા’ નામની પત્રિકાથી કરી હતી. સાધનાની શરૂઆતના ગાળામાં દાનમાં મળેલા પાંચ રૂપિયામાંથી તેમણે આ પત્રિકા છપાવી હતી. સાધકોને આ પત્રિકા એટલી બધી ગમી ગઈ કે પત્રિકાને છપાવવાની જવાબદારી સાધકોએ પોતે જ લઈ લીધી. આવી ચાર પત્રિકાઓ પ્રગટ થઈ હતી. પોતાને થયેલ આત્મસાક્ષાત્કારના જ્ઞાનનો લાભ અન્યને મળી રહે તે માટે જ તેમણે લેખનકાર્ય કર્યું હતું. આ તેમનો જ્ઞાનયજ્ઞ હતો. પ્રકાશનની પ્રવૃત્તિ માટે નાણાંની તંગી પડે તો આશ્રમનો માલ-સામાન વેચીને પણ એ પ્રવૃત્તિ ચલાવવાનું તેમનું ધ્યેય હતું. સ્વામીજીએ ત્રણસો જેટલાં પુસ્તકો લખ્યાં છે. ક્યારેક તો એકસાથે તેમનાં બે-ત્રણ પુસ્તકો છપાતાં હતાં !
મનમાં અભિમાન ન પ્રવેશે તે માટે વિવિધ રીત-રસમો અજમાવતા. કોઈ પ્રસંગે તેમને ફૂલહાર કર્યા હોય કે કોઈ તેમની પૂજા કરે તો પ્રસંગ પૂરો થયા પછી પોતાની કુટિરમાં જઈને પોતાની જાતને ઝાડુ કે ચંપલથી મારતા. મનમાં માન મેળવાની ઇચ્છા જાગે કે કોઈ સારી વસ્તુ તેમને કોઈ આપે એવી ઇચ્છા થાય તોપણ બૂટ-ચંપલનો પ્રસાદ તેમના શરીરને પીરસતા. જીવનમાં આવી પડેલ કોઈ પણ દુ:ખ, અપમાન કે સ્વજનના અવસાન વખતે જો સાધક સ્વસ્થ રહે તો જ તેણે આધ્યાત્મિક પ્રગતિ કરી છે એવી તેમની માન્યતા હતી. આધ્યાત્મિક પ્રગતિ માટે સ્વામીજીએ વીસ નિયમો દર્શાવ્યા છે જે ‘વીસ મોતીની માળા’ તરીકે ઓળખાય છે; જેમાં વૈરાગ્ય, વિવેક, ત્યાગ, સંતોષ, બ્રહ્મચર્ય, આત્મવિચાર, શાંતિ, બ્રહ્મજ્ઞાન, જિતેન્દ્રપણું, સંતત્વ, તપ, મૌન, જપ, સત્સંગ, પ્રાણાયામ, ભક્તિ, સંકીર્તન, ગુરુ, સત્ય, જ્ઞાન વગેરે બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છે. સ્વામી શિવાનંદે કોઈ નવો ધર્મ કે સંપ્રદાય પ્રવર્તાવ્યો નથી, પરંતુ દરેક વ્યક્તિ જે ધર્મ પાળતી હોય તે ધર્મનું પાલન સારી રીતે કરે તે જ તેમનો આગ્રહ હતો
થૉમસ પરમાર