શિવપુરી : મધ્યપ્રદેશના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 25° 20´ ઉ. અ. અને 77° 40´ પૂ. રે.ની આજુબાજુનો 10,278 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મોરેના, ગ્વાલિયર અને દાતિયા જિલ્લા; પૂર્વમાં ઝાંસી જિલ્લો (ઉ. પ્ર.); દક્ષિણે ગુના જિલ્લો તથા પશ્ચિમે કોટા જિલ્લો (રાજ.) આવેલા છે. જિલ્લામથક શિવપુરી જિલ્લાની મધ્યમાં પશ્ચિમ તરફ આવેલું છે.

ભૂપૃષ્ઠ : આ જિલ્લાને તેની ભૂસ્તરીય રચનાઓને આધારે ત્રણ મુખ્ય કુદરતી વિભાગોમાં વહેંચેલો છે :

(i) બુંદેલખંડ ટ્રેપ : જિલ્લાનો પૂર્વ તરફનો લગભગ અડધો ભાગ આર્કિયન-ધારવાડ રચનાના ખડકોથી બનેલો છે. તે આશરે 3,986 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. અહીં છીછરી જમીનોવાળી ખીણો અને ભાગ્યે જ ખેડી શકાય એવી ઊંચાણવાળી ભૂમિ આવેલી છે.

(ii) ઊર્ધ્વ વિંધ્ય ખડકપ્રદેશ : જિલ્લાનો પશ્ચિમ તરફનો લગભગ અડધો ભાગ આ ખડકરચનાને આવરી લે છે. તે વિંધ્ય ખડકરચનાની કૈમૂર, રેવા અને ભાંડર શ્રેણીઓના ક્ષિતિજ સમાંતર વલણવાળા અથવા તદ્દન આછા નમનવાળા રેતીખડકોથી બનેલો છે. વિંધ્યકાળ(પ્રાગ્જીવયુગનો આશરે 80 કરોડ વર્ષ વર્તમાન પૂર્વેનો ઉત્તરાર્ધ કાળ)થી ઘસારાના ફેરફારો સિવાય આ વિભાગ યથાવત્ રહેલો છે.

શિવપુરી જિલ્લો

(iii) ડેક્કન ટ્રેપ ખડકવિભાગ : આ વિભાગ જિલ્લાના કેટલાક દક્ષિણ વિસ્તારને આવરી લે છે. તેનો કુલ વિસ્તાર 1,103 ચોકિમી. જેટલો છે. તે મુખ્યત્વે દખ્ખણના લાવાના ખડકોથી બનેલો છે. તેનું ઉપલું પડ લેટરાઇટજન્ય અને બૉક્સાઇટજન્ય છે, જે લગભગ 968.66 ચોકિમી. જેટલા વિસ્તારમાં પથરાયેલું છે. અહીં અસમતળ મેદાનો તથા ઉચ્ચપ્રદેશો – સમકક્ષ સપાટ શિરોભાગવાળી ટેકરીઓ આવેલાં છે.

જંગલો : આ જિલ્લામાં આછાં જંગલો છે તથા જમીનો 10થી 75 સેમી. જેટલી જાડાઈના છીછરા પડવાળી છે. જંગલવિભાગ વિંધ્ય હારમાળાની ટેકરીઓના ઢોળાવો પર આવેલો છે. જ્યાં પઠાર પ્રદેશો છે ત્યાં તેમનો ઉપરનો ઢોળાવ આછો છે અને બાજુઓનો ઢોળાવ ઉગ્ર છે. અહીં ખેર, ખરધાઈ, ધવ, સલાઈ, ટેન્ડુ, પલાશ, મહુવા, કાર્ચ, કારેય, સાજ, સાજા, કોહા, જાંબુડો, ધામણ, કૈમ, સેમલ, તિનચ અને અમલતાસ જેવાં વૃક્ષો ધરાવતા જંગલવિભાગો તથા ઘાસભૂમિનો પ્રદેશ આવેલાં છે. વૃક્ષોની સામાન્ય ઊંચાઈ 4.5થી 6 મીટર જેટલી તથા તેમનો ઘેરાવો 40થી 50 સેમી. જેટલો જ છે. જિલ્લાની કુલ ભૂમિના 55 % જેટલી ભૂમિમાં જંગલો જોવા મળે છે. જંગલોમાંથી મળતી અને એકત્ર કરવામાં આવતી પેદાશો રેલ કે સડકમાર્ગે બહાર મોકલાય છે.

જળપરિવાહ : પાર્વતી, સિન્ધ, કુનો અને બેતવા આ જિલ્લામાં વહેતી મુખ્ય નદીઓ છે. પાર્વતી સિન્ધની સહાયક નદી છે. તે બારમાસી હોવા છતાં જળમાર્ગ માટે ઉપયોગી નથી. કુનો ચંબલની સહાયક નદી છે. તે શિવપુરી જિલ્લામાં થઈ મોરેના જિલ્લામાં વહે છે અને ચંબલને મળે છે. બેતવા (વેત્રવતી) નદી રાયસેન, વિદિશા, ગુના, શિવપુરી અને ઝાંસી જિલ્લાઓમાંથી પસાર થાય છે. માતા ટિલા બંધ આ નદી પર આવેલો છે.

ખેતી : આ જિલ્લો ખેતીપ્રધાન છે. અહીંના મોટાભાગના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. 80 %થી વધુ લોકો (ખેડૂતો અને ખેતમજૂરો) ખેતી પર નભે છે. ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, ઘઉં, જવ, ચણા, તુવેર, શેરડી, મસાલા, તલ અને અળસી અહીંના મુખ્ય કૃષિપાકો છે. કૂવા અને નહેરો સિંચાઈનો મુખ્ય સ્રોત છે. ગાયો, મરઘાં-બતકાં અહીંનાં મુખ્ય પાલતુ પશુઓ છે. ઘેટાંઉછેરકેન્દ્ર અહીં વિકસેલું છે. પશુઓની સ્વાસ્થ્ય-સંભાળ માટે જરૂરી પશુદવાખાનાં તેમજ પશુચિકિત્સા-કેન્દ્રો ઊભાં કરવામાં આવેલાં છે.

ઉદ્યોગવેપાર : જિલ્લામાં મોટા પાયા પરના ઉદ્યોગો વિકસ્યા નથી. શિવપુરી અને કરેરા તાલુકાઓમાં બીડી બનાવવાનો ગૃહઉદ્યોગ વિકસ્યો છે. આ જિલ્લામાં ઘીનું ઉત્પાદન પણ લેવાય છે. મહુડાં, મગફળી, અળસીની નિકાસ તથા ખાંડ, કપડાં અને શાકભાજીની આયાત કરવામાં આવે છે.

પરિવહન : આ જિલ્લામાં સડકમાર્ગો સારી રીતે વિકસેલા છે. જિલ્લામથક શિવપુરી ગ્વાલિયરથી 116 કિમી. દક્ષિણે આગ્રા-મુંબઈ રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 3 પર આવેલું છે. આ માર્ગ દ્વારા તે ઉત્તર તરફ ગ્વાલિયર, આગ્રા, દિલ્હી સાથે જ્યારે દક્ષિણ તરફ ગુના, ભોપાલ, ઉજ્જૈન, ઇન્દોર અને મુંબઈ સાથે જોડાયેલું છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 25 દ્વારા તે ઝાંસી સાથે પણ સંકળાયેલું છે. તે કાનપુર, લખનઉ તરફ આગળ જાય છે. આ રીતે આગ્રામુંબઈ અને કોટા સાથે પણ આ જિલ્લો જોડાયેલો છે. આ જિલ્લામાં રેલમાર્ગ અને હવાઈ માર્ગની સુવિધા નથી; પરંતુ સંદેશાવ્યવહાર (ટેલિફોન) મારફતે તે દેશના જુદા જુદા ભાગો સાથે જોડાયેલો છે.

પ્રવાસન : શિવપુરી, કરેરા, કોલરસ, પિછોર, પોહરી અને નારવાડ (નળવાડ) અહીંનાં મુખ્ય જોવાલાયક સ્થળો છે.

કરેરા : જિલ્લાનું તાલુકામથક. જૂની કિલ્લેબંધીવાળું નાનું નગર. આ નગર શિવપુરીથી ઝાંસી જતા માર્ગ પર 45 કિમી.ને અંતરે આવેલું છે. અહીં કેટલાંક મુસ્લિમ સ્મારકો છે. અહીં આવેલાં ત્રણ મંદિરો જોવાલાયક છે.

કોલરસ : તાલુકામથક. નાનું નગર. આગ્રા-મુંબઈ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર શિવપુરીથી દક્ષિણે 22.4 કિમી. અંતરે તે આવેલું છે. અગાઉના વખતમાં તે ખૂબ જાહોજલાલી ધરાવતું હતું.

પિછોર : તાલુકામથક. નાનું નગર. તે શિવપુરીથી 77 કિમી.ને અંતરે અગ્નિદિશામાં આવેલું છે. અગાઉ તે બુંદેલાઓના કબજામાં હતું, તે પછીથી તે મરાઠાઓના કબજામાં ગયેલું. 1838માં અંગ્રેજોએ તેનો કબજો લીધેલો; પરંતુ 1841માં ઝાંસીના રાજાને તેનો કબજો સોંપી દીધેલો. 1860માં કેટલાક પ્રદેશોના બદલામાં તે સિંધિયાઓના હાથમાં આવેલું. અહીં બુંદેલાઓના સમયનાં કેટલાંક મંદિરો હજી આજે પણ જોવા મળે છે. નગરની આસપાસનો ઐતિહાસિક કિલ્લો આજે ખંડિયેર સ્થિતિમાં છે.

પોહરી : તાલુકામથક. તે શિવપુરીથી વાયવ્યમાં 32 કિમી. અંતરે આવેલું છે. ગ્વાલિયરના દેશી રાજ્ય વખતે તે એક જાગીર હતી. ગામની આજુબાજુ મોટો કોટ છે. કિલ્લાની દીવાલને 1858માં નુકસાન પહોંચેલું.

નળવાડ (નરબાર) : શિવપુરીથી તે 43 કિમી.ને અંતરે આવેલું છે. મુઘલકાળ દરમિયાન આ વિસ્તાર એક નાયકને હસ્તક હતો. અહીંની એક ટેકરી પર 120 મીટર ઊંચાઈએ ભવ્ય કિલ્લો આવેલો છે, તે મધ્યકાળ વખતે ખૂબ જાણીતો હતો. જૂના વખતમાં તે એક જિલ્લા તરીકે સૂબા હસ્તક અને કલેક્ટરના વહીવટ હેઠળ રહેલું. ઇતિહાસમાં ઉપલબ્ધ માહિતી મુજબ, નળવાડ કછવાહા, પરિહારો, તોમરો અને મુસ્લિમોની ગાદીનું સ્થળ રહેલું. 19મી સદીમાં આ વિસ્તાર સિંધિયાઓને હસ્તક આવેલો અને 1805થી તે તેમના કબજા હેઠળ રહેલો.

વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 14,40,666 જેટલી છે. તે પૈકી આશરે 55 % પુરુષો અને 45 % સ્ત્રીઓ છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 85 % અને 15 % જેટલું છે. હિન્દુ અને મુસ્લિમોનું પ્રમાણ વિશેષ છે; જ્યારે જૈન, ખ્રિસ્તી, શીખ અને બૌદ્ધોનું પ્રમાણ ઓછું છે. અહીં મુખ્યત્વે હિન્દી ભાષા બોલાય છે. સાક્ષરતાનું પ્રમાણ આશરે 30 % જેટલું છે. જિલ્લામાં પ્રાથમિક-માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું પ્રમાણ મધ્યમસરનું છે. જિલ્લામાં છ કૉલેજો આવેલી છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 7 તાલુકા અને 8 સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 7 શહેરો અને 1,459 (133 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.

શિવપુરીનું એક ભવ્ય મંદિર

ઇતિહાસ : આ જિલ્લાનું નામ શિવપુરી નગર પરથી અને તે ભગવાન શિવ પરથી પડેલું છે. અગાઉ તે ‘સ્પિરી’ નામથી ઓળખાતું હોવાનું કહેવાય છે. 1564માં મુઘલ શહેનશાહ અકબર અહીં રોકાયેલો ત્યારથી તે વધુ જાણીતું બન્યું છે. મુઘલ સામ્રાજ્ય વખતે તે ‘નળવાડ સરકાર’ના એક ભાગરૂપ હતું. નળવાડ આજના જિલ્લામથક શિવપુરીથી 43 કિમી. જેટલા અંતરે આવેલું છે. અહીં એક પ્રાચીન કિલ્લો આવેલો છે. ગ્વાલિયરના દેશી રાજ્યના સમયમાં શિવપુરી જિલ્લામથક હોવા છતાં જિલ્લાનું નામ નળવાડ હતું. 1804 સુધી શિવપુરી કછવાહા રજપૂતોના કબજામાં રહેલું. ત્યારપછીથી તે સિંધિયાઓના કબજામાં ગયેલું. 1817માં અંગ્રેજોએ તે કબજે કરેલું, પરંતુ બીજે જ વર્ષે સિંધિયાઓને તે પાછું સોંપેલું. ત્યારપછી તે ગ્વાલિયરના દેશી રાજ્ય હેઠળ રહેલું. 1859માં તાત્યા ટોપેને અહીંની કલેક્ટર કચેરી નજીક ફાંસી દેવાયેલી.

મહારાજા માધવરાવ સિંધિયાએ શિવપુરીમાં એક મોટો મહેલ બંધાવેલો અને શહેરને પણ વિકસાવેલું. શિવપુરી ગ્વાલિયરના દેશી રાજ્યનું ઉનાળુ પાટનગર બની રહેતું, ઉનાળામાં સરકારી કચેરીઓ અહીં ખેસવાતી. મધ્યપ્રદેશનો વિસ્તાર તે વખતે ‘મધ્ય ભારત’ નામથી ઓળખાતો; તે સમય દરમિયાન શિવપુરીને જિલ્લાનો દરજ્જો અપાયેલો, જે આજેય છે.

શિવપુરી (નગર) : મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાનું વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : તે 25° 26´ ઉ. અ. અને 77° 39´ પૂ. રે. પર આવેલું છે. તેનો વિસ્તાર આશરે 80 ચોકિમી. જેટલો છે.

ઉપલબ્ધ ઐતિહાસિક માહિતી મુજબ મુઘલ શહેનશાહ અકબર હાથીના શિકાર અર્થે અહીં રોકાયેલો. 1804માં સિંધિયાઓએ આ સ્થળનો કબજો મેળવેલો. 1835થી બ્રિટિશ હકૂમતે અહીં સેના રાખેલી, પરંતુ 1857માં આ સેનાએ બળવો કરેલો. તાત્યા ટોપેને પણ આ નગરની નજીકમાં જ ફાંસીએ ચઢાવેલો. તત્કાલીન રાજવી માધવરાવ સિંધિયાનું આ ઉનાળુ પાટનગર બની રહેતું.

શિવપુરી નજીક આગ્રા-મુંબઈ રાષ્ટ્રીય ધોરી માર્ગ અને શિવપુરી-ઝાંસી માર્ગ પર 157.6 ચોકિમી. વિસ્તાર ધરાવતો રાષ્ટ્રીય ઉદ્યાન આવેલો છે. તેમાં વાઘ, રીંછ અને ટપકાંવાળાં મૃગ જોવા મળે છે. અહીંના વનવિભાગમાં જ્યૉર્જ કૅસલ અને અપ્પાજીની કુટિર નામના બે ભવ્ય વિલા આવેલા છે. શહેરની નજીકમાં સિંધિયા રાજવીઓની આરસમાંથી બનાવેલી બે સુંદર છત્રીઓ છે. તે પૈકીની એક જૂના મહારાજ માધવરાવ સિંધિયાની અને બીજી સંધ્યા રાજેની છે. તેની આજુબાજુ જળાશયો પણ છે. શિવપુરીથી પાંચ કિમી. દૂર બાણગંગા નામનું એક સ્થળ આવેલું છે. આ માટે એક લોકવાયકા પ્રવર્તે છે કે અર્જુને અહીંની ભૂમિમાં બાણ મારીને ભૂગર્ભજળ ઝરણા-રૂપે પ્રગટાવેલું. અહીં આવતા યાત્રાળુઓ તેમાં સ્નાન કરે છે. અહીંના રાજવી માધવરાવ સિંધિયાએ ‘માધવ વિલાસ’ નામનો એક મહેલ બંધાવેલો. આ મહેલ ભારત સરકારે પોતાને હસ્તક લીધેલો છે. આ ઉપરાંત અહીં બીજાં પણ જોવાલાયક સ્થળો છે.

ગિરીશભાઈ પંડ્યા