શિવગંગા (પસુમ્પન્ મુથુરામલિંગમ્) : તમિલનાડુ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : તે 9°52´ ઉ. અ. અને 78° 29´ પૂ. રે.ની આજુબાજુનો 4,086 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે તિરુચિરાપલ્લી અને પુડુકોટ્ટાઈ, પૂર્વે પુડુકોટ્ટાઈ અને રામનાથપુરમ્, દક્ષિણે રામનાથપુરમ્ અને કામરાજર તથા પશ્ચિમે મદુરાઈ અને તિરુચિરાપલ્લી જિલ્લાની સીમાઓ આવેલી છે. જિલ્લામથક જિલ્લાના મધ્ય-દક્ષિણ ભાગમાં આવેલું છે.
ભૂપૃષ્ઠ-જળપરિવાહ-વનસ્પતિ : આ જિલ્લામાં ક્યાંય ટેકરીઓ જોવા મળતી નથી. જિલ્લાનું મોટાભાગનું ભૂપૃષ્ઠ જળકૃત ખડકોથી બનેલું છે. ઉપલું ભૂમિસ્તર રતાશ પડતી લેટરાઇટજન્ય (પડખાઉ) જમીનોથી બનેલું છે, અહીંની સ્થાનિક ભાષામાં તેને ચેટ્ટિનાડ કહે છે. આ જમીનો કસવિહીન હોવાથી ખેતી માટે ખાસ ઉપયોગમાં લેવાતી નથી. કારીસાલ તરીકે ઓળખાતી કાળી જમીનો કેટલીક જગાઓમાં જોવા મળે છે. આ જિલ્લાની ચેટ્ટિનાડ ભૂમિમાં થઈને વીરાસૂતી અને પામ્બાર નદીઓ વાયવ્યથી અગ્નિ તરફ વહે છે, આ ઉપરાંત વૈગાઈ અને થેનાર નદીઓ પણ છે. અહીં બાવળ અને તાડનાં વૃક્ષોનું પ્રમાણ વધુ છે.
ખેતી-પશુપાલન : આ જિલ્લામાં નદીઓ, નહેરો, તળાવો અને કૂવાઓ દ્વારા થતી સિંચાઈથી ડાંગરનો પાક લેવાય છે. જ્યાં કાળી જમીનો છે ત્યાં કપાસની ખેતી થાય છે. અન્ય પાકોમાં બાજરી, રાગી, જુવાર અને કઠોળનો સમાવેશ થાય છે. અહીં ખેતીની સાથે સાથે પશુપાલનનો વ્યવસાય પણ વિકસ્યો છે. ગાય, ભેંસ, ઘેટાં-બકરાંનો ઉછેર મુખ્ય છે. પશુસંવર્ધન-કેન્દ્રો કાર્યરત છે. પશુ-દવાખાનાં અને ચિકિત્સાકેન્દ્રોની સગવડ પણ છે. જર્સી અને મુર્રાહ ઓલાદની ગાયોનો વૈજ્ઞાનિક ઢબે ઉછેર કરવામાં આવે છે.
ઉદ્યોગ–વેપાર : ઔદ્યોગિક વિકાસની દૃષ્ટિએ આ જિલ્લો પછાત છે, તેથી અહીં ઉદ્યોગો સ્થપાય તે માટે રાજ્ય સરકારે કેટલીક આકર્ષક યોજનાઓ મૂકેલી છે. આઇપાનકુડી ખાતે વણાટકામ કરતી મિલ છે. તાંબા, પિત્તળ અને ઍલ્યુમિનિયમ ધાતુમાંથી ગૃહવપરાશની ચીજો બનાવવાનો ઉદ્યોગ વિકસ્યો છે. નાળિયેરીનો ઉપયોગ કોપરેલ ઉપરાંત વિવિધ આડપેદાશો મેળવવા પણ થઈ રહ્યો છે.
આ જિલ્લાનું મહત્વનું વેપારીમથક કરાઈકુડી છે. તે ધાન્ય પાકો અને કઠોળના વેપાર માટે જાણીતું છે. અન્ય વેપારી મથકોમાં મનામદુરાઈ, સિંગરામપુનારી, શિવગંગા, તિરુપથુર, ઇતિયાનકુડી અને તિરુપુવ નામનો સમાવેશ થાય છે. અહીંથી હાથવણાટનું કાપડ, ચામડાની ચીજવસ્તુઓ, ડાંગર, મગફળી, નાળિયેરી અને વાસણોની નિકાસ તથા ચણા, ઘઉં, બાજરી અને ફળોની આયાત થાય છે.
પરિવહન : આ જિલ્લાને દક્ષિણ રેલવિભાગના મીટરગેજ રેલમાર્ગનો લાભ મળે છે. કુરાઈકુડી, વિરુદુનગર અને મનામદુરાઈ તેના પરનાં અગત્યનાં રેલજંક્શનો છે. ચેન્નાઈ ઍગ્મોરથી રામેશ્વરને સાંકળતો રેલમાર્ગ આ જિલ્લામાંથી પસાર થાય છે. કરાઈકુડી અને મનામદુરાઈ તેના પરનાં રેલજંક્શનો છે. મનામદુરાઈથી મદુરાઈ અને વિરુદુનગરને જોડતા રેલમાર્ગો પણ છે. આ ઉપરાંત આ જિલ્લામાં પાકા સડકમાર્ગોની સ્થિતિ પણ સારી છે.
વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 11,50,753 જેટલી છે. અહીં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી અને શીખ ધર્મના લોકો વસે છે. જિલ્લામાં તમિળ અને અંગ્રેજી ભાષાઓનો વિશેષ ઉપયોગ થાય છે. પ્રાથમિકથી માંડીને ઉચ્ચ શિક્ષણ માટેની વ્યવસ્થા ઉપલબ્ધ છે. જિલ્લામાં વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાનની કૉલેજો આવેલી છે. જિલ્લાનાં મહત્વનાં શહેરો દેવાકોટ્ટાઈ અને સિંગમપુનારી ખાતે હૉસ્પિટલો તથા ગ્રામીણ વિસ્તારોમાં પ્રાથમિક સારવાર-કેન્દ્રો આવેલાં છે. જિલ્લામાં 492 ગામો છે.
રામેશ્વરમ્ અને શ્રીવિલ્લીપુટ્ટુર અહીંનાં મહત્વનાં પ્રવાસનધામો છે. ધનુષકોડી, કુરુસાડી ટાપુ અને મંદાપન હવા ખાવાનાં મથકો છે. પરવાળાંની જીવસૃષ્ટિ જોવાલાયક છે.
ઇતિહાસ : 1985માં રામનાથપુરમ્ જિલ્લામાંથી આ જિલ્લાને રચવામાં આવેલો છે. વહીવટી અનુકૂળતા મુજબ તેને 6 તાલુકાઓમાં વિભાજિત કરેલો છે.
નીતિન કોઠારી