શિવજ્ઞાનમ્, એમ. પી.

January, 2006

શિવજ્ઞાનમ્, એમ. પી. [. 1906 ચેન્નાઈ, (મદ્રાસ)] : ખ્યાતનામ તમિળ લેખક, પત્રકાર અને જાહેર કાર્યકર. તેઓ ‘મા. પો. શિ’ તરીકે વધુ જાણીતા હતા. ચેન્નાઈના ગંદા વસવાટમાં જન્મ અને ગરીબીને લીધે અભ્યાસ વહેલો છોડવો પડ્યો. તેથી તમિળ દૈનિક ‘તમિળનાડુ’માં કંપોઝિટર તરીકે જોડાયા. સાથોસાથ સાંજના વર્ગો ભરીને તમિળ અભ્યાસમાં ઊંડો અને કાયમી રસ જાળવી રાખ્યો.

તેમને તેમની ચરિત્ર કૃતિ ‘વળ્ળલાર કંડા ઓરમૈપ્પાદુ’ માટે 1966ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

યુવાનવયે અસહકાર અને સ્વદેશી ચળવળમાં જોડાયા અને ઘણી વાર જેલવાસ ભોગવ્યો. 1946માં ‘તમિળ આરસુ કળગામ’ની તેમણે રચના કરી અને કેટલાંક વર્ષો સુધી તેના મુખપત્ર ‘તમિળ મુરાસુ’નું સંપાદન કર્યું. પછી ‘સેન્કોલ’નું સંપાદન કર્યું.

તેઓ મદ્રાસ નગરપાલિકાના અધ્યક્ષ અને છેલ્લે રાજ્ય વિધાનસભાના સભ્ય રહી ચૂક્યા હતા. તેમણે સ્વ. કૃષ્ણમૂર્તિ ‘કલ્કિ’ પછી તમિળ લેખક મંડળના પ્રમુખ તરીકે કામગીરી કરી હતી. તેમણે સંખ્યાબંધ ચરિત્રગ્રંથો આપ્યા છે તેમજ અન્ય અનેક વિચારપ્રેરક કૃતિઓ રચી છે, જેમાં તમિળ મહાકાવ્ય ‘સિલાપ્પાદિકરમ્’નો તેમનો અભ્યાસ ખૂબ જાણીતો છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘વળ્ળલાર કંડા ઓરમૈપ્પાદુ’ (1963) એ 19મી સદીના સંત કવિ રામલિંગ સ્વામીનું ચરિત્ર છે. તેમની પારદર્શી શૈલી, નિરૂપણની વિવિધતા અને પ્રભાવી રજૂઆતને કારણે એ કૃતિ સમકાલીન તમિળ સાહિત્યમાં ઉત્તમ પ્રદાનરૂપ લેખાય છે.

બળદેવભાઈ કનીજિયા