શિરાવિવર ગંઠન (venous sinus thrombosis)
January, 2006
શિરાવિવર ગંઠન (venous sinus thrombosis) : મગજની આસપાસ આવેલી શિરાનાં પહોળાં પોલાણોમાં લોહીનું ગંઠાવું તે. મગજમાંનું લોહી શિરાઓ વાટે બહાર વહીને પહોળા શિરાવિવર નામનાં પોલાણોમાં એકઠું થાય છે અને પછી તે ગ્રીવાગત (jugular) શિરા દ્વારા હૃદય તરફ જાય છે. તેમને મસ્તિષ્કી (cerebral) શિરાવિવરો પણ કહે છે. તેમાં લોહી ગંઠાઈ જવાનાં વિવિધ કારણો અને પરિબળો હોય છે. લોહીનું ગંઠન વધે તેવી સંભાવના કરતાં પરિબળોરૂપે લોહીના કોષોની વધતી જતી સંખ્યા (બહુરુધિર-કોષરુધિરતા, polycythaemia), શરીરમાં પાણી ઘટી જવું (નિર્જલન, dehydration), લોહીનું દબાણ ઘટી જવું (અલ્પરુધિરદાબ, hypotension), સગર્ભાવસ્થા તથા મુખમાર્ગી ગર્ભનિરોધક ઔષધોનો ઉપયોગ વગેરે હોય છે. કેટલાક સ્થાનિક રોગો અને વિકારોમાં પણ આ વિકાર થઈ આવે છે, જેમકે નાકની આસપાસનાં હાડકાંમાંનાં પોલાણોમાં ચેપ લાગવો (પરાનાસા વિવરશોથ, paranasal sinusitis), ચહેરાની ચામડી પર ચેપ કે ગૂમડું, મધ્યકર્ણમાં ચેપ કે પરુ થવું, કર્ણમૂળ(mastoid)માં ચેપ લાગવો, મગજનાં આવરણોમાં ચેપ લાગવો (તાનિકાશોથ, meningitis) કે દૃઢતાનિકાની નીચે પરુ થવું (subdural empyema), ખોપરીનું હાડકું તૂટવું તથા માથા કે આંખમાંથી અંદર સુધી વીંધતી ઈજા થવી વગેરે.
જે શિરાવિવર અસરગ્રસ્ત થયું હોય તે પ્રમાણે લક્ષણો અને ચિહ્નો થાય છે. જો સંગુહિક શિરાવિવર (cavernous sinus) અસરગ્રસ્ત હોય તો એક બાજુની આંખ બહાર તરફ ખસીને મોટી દેખાય છે, તેનું ઉપરનું પોપચું ઢળે છે, માથું દુખે છે, આંખની અંદર અને બહારના સ્નાયુઓનો લકવો થાય છે, દૃષ્ટિચકતી પર સોજો આવે છે. (દૃષ્ટિચકતીશોફ, papilloedema) અને ત્રિશાખી ચેતાની પ્રથમ શાખામાં સંવેદનાઓ ઘટે છે. ક્યારેક તે બંને બાજુ પર થાય છે અને દર્દી માંદો અને અશક્ત બને છે. જો શરરૂપ શિરાવિવર (sagittal sinus) અસરગ્રસ્ત હોય તો માથાનો દુખાવો, દૃષ્ટિચકતીશોફ, આંચકી (convulsion) આવવી, હલનચલન અને સંવેદનાલક્ષી વ્યાપક વિકાર થવો વગેરે તકલીફો થાય છે. અનુપ્રસ્થ (transverse) શિરાવિવરના રુધિરગંઠનમાં અર્ધા ભાગનો લકવો, આંચકી આવવી, દૃષ્ટિચકતીશોફ તથા 9, 10 અને 11 ક્રમાંકની કર્પરી ચેતાઓ(cranial nerves)નો વિકાર વગેરે તકલીફો થાય છે. સીટીસ્કેન, એમ.આર.આઇ., વાહિનીચિત્રણ (angiography) વગેરે ચિત્રણપ્રણાલીઓ વડે નિદાન કરી શકાય છે. મેરુમસ્તિષ્ક જળ(CSF)માં દબાણ, રુધિરકોષો તથા પ્રોટીન વધે છે. સારવારમાં યોગ્ય ઍન્ટિબાયોટિકને નસ વાટે આપવી તથા ડેક્ઝામિથોઝોન વડે મગજ પરનું દબાણ ઘટાડવું એ મુખ્ય બાબત ગણાય છે. રુધિરગંઠન ઘટાડતી દવાઓનો ઉપયોગ કેટલો લાભકારક છે તે નક્કી થયેલું નથી.
શિલીન નં. શુક્લ