શિરીષ (સરસડો) વનસ્પતિ : આયુર્વેદમાં નિર્દિષ્ટ ઔષધીય વનસ્પતિ. તેનાં વિવિધ ભાષાઓમાં નામો આ પ્રમાણે છે : સં. शिरीष, शुकतरु, मृदुपुष्प; हिं. शिरस, शिरीषा, सिरस; મ. શિરસી, શિરસ; બં. शिरीष; ક. शिरीषमारा, बागेमारा; તે. शिरीषमु, ગિરિષમુ; તા. બાગેમારં; મલા. નેન્નેની; ફા. દરખ્તેજ કરિયા, दरखोज कारिया; અ. सुलतानुल् असजार; અં. Parrot tree; Sirirs; લે. Albizzia lebbek; Albizzia audoreticima.

આયુર્વેદમાં તમામ પ્રકારના ઝેરની નાશકર્તા વનસ્પતિ તરીકે શરસડો કે સરસડો(શિરીષ)નું એક ખાસ મહત્વ છે. તેનું ઝાડ 50થી 60 ફૂટ ઊંચું, કાંટા વગરનું અને શિશિર ઋતુમાં તેનાં પાન ખરી પડે તેવું મોટું છાયાદાર વૃક્ષ છે. ઝાડની છાલ ઘેરી ભૂખરી, અનિયમિત ફાટેલી હોય છે. તેની પર પાન બે ભાગમાં ફાટેલાં જેવાં, 3થી 8 પાનની જોડમાં અને 1થી 2 ઇંચ લાંબાં, અર્ધાથી એક ઇંચ પહોળાં, આમળાં કે આંબલીનાં પાન જેવાં, પણ તેથી બહુ મોટાં, આછા લીલા રંગનાં, અણીદાર હોય છે. તેની પર પ્રાય: લીલાશ પડતાં લીલા કે શ્ર્વેતાભ, બહુ કોમળ અને સુગંધિત, 11 ઇંચ લાંબાં ફૂલો થાય છે. ઝાડ પર 6થી 12 ઇંચ લાંબી, 1થી 2 ઇંચ પહોળી, પાતળી તથા ચપટી શિંગ (ફળી) થાય છે; જેમાં 6થી 10 જેટલાં ગરમાળાનાં બી જેવાં બી, પરંતુ તેનાથી નાના કદનાં અને વધુ કઠણ હોય છે. ઝાડનાં મૂળ ખૂબ મજબૂત, લાંબાં, જાડાં, અનેક શાખાવાળાં, રક્તાભ કાળા રંગનાં થાય છે. સરસડો કાળો, પીળો (સફેદ), લાલ અને ભૂરા એવા વિવિધ રંગોનાં ફૂલોવાળો થાય છે. ગુજરાતમાં પીળાં ફૂલનો સરસડો સવિશેષ જોવા મળે છે.

ગુણધર્મ : પીળાં પુષ્પનો સરસડો મધુર, કડવો, તૂરો અને તીખો; ગુણમાં શીતળ, હળવો, વર્ણકર તથા વિસર્પ (રતવા), સોજો, ઉધરસ, વ્રણ, ત્વચાના રોગ (ખસ, ખૂજલી, કોઢ ઇત્યાદિ), રક્તદોષ, શ્વાસ અને સર્વ પ્રકારનાં ઝેર(poision)નો ખાસ નાશકર્તા છે. ઝાડની છાલ કડવી, શીતળ, વિષનાશક, સર્પવિષ તથા ઉંદરવિષનાશક તથા કૃમિ, હરસ, ખાંસીનાશક છે. તેનાં મૂળ સૂર્યાવર્ત (મસ્તક રોગ) નાશક તથા તેનાં પુષ્પ દમ અને સર્પવિષનાશક છે. સરસડાની છાલનાં કોગળા કરવાથી દાંત અને પેઢાં મજબૂત બને છે. તેનો અર્ક અને સ્વરસ ત્વચારોગો(ખૂજલી અને કોઢાદિ)નો નાશ કરે છે, પેટના કૃમિ મારે છે. તેનાં તાજાં ફૂલ સૂંઘવાથી પિત્તજ મસ્તકશૂળ મટે છે. તે વિષ, વાત અને રક્તદોષનાં દર્દો મટાડે છે. તે હરસ-મસા, વિસર્પ તથા વધુ પરસેવો થવાની સમસ્યા દૂર કરે છે.

સરસડાનાં બી આંખના સુરમામાં વપરાય તો નેત્રજાળાંને કાપે છે. તે વીર્ય-ધાતુને ઘટ્ટ કરી વધારે છે. બીને પાણીમાં ઉકાળી તેનો નાસ લેવાથી આધાશીશીનું દર્દ તથા સળેખમ મટે છે. બીનાં તેલના માલિસથી સફેદ ડાઘમાં લાભ થાય છે.

રાસાયણિક સંઘટન : સરસડાની છાલમાં ટેનિન ઍસિડ 7 %થી 11 % તથા સેપોનિન હોય છે. તેની છાલમાંથી લાલ-ભૂરા રંગનો એક ગુંદ નીકળે છે.

ઔષધિ પ્રયોગો : તેનો ઔષધ તરીકે ઉપયોગ કરતાં ચૂર્ણ 3થી 6 ગ્રામ; સ્વરસ 10થી 25 મિલિ.; ક્વાથ 50થી 100 મિલિ. માત્રામાં લેવાય છે. (1) ઉંદરના ઝેરમાં : સરસડાનાં પાન, છાલ, ફળ (શિંગ) વગેરેનું ચૂર્ણ કરી 3થી 5 ગ્રામ દવા 1 ચમચી મધ કે ઘી સાથે રોજ 2-3 માસ સુધી અપાય છે. (2) સર્પવિષ : સરસડાના પંચાંગનો ઉકાળો કરી, તેમાં ત્રિકટુ, સિંધવ અને મધ કે ઘી મેળવી વારંવાર પીવાથી સર્પવિષનો નાશ થાય છે. સર્પવિષ ચડેલા દર્દીને ઊંઘવા ન દેવાય એ જરૂરી છે. વિષનાશક દવા ટૂંકા ટૂંકા ગાળે વારંવાર પિવડાવાય છે તથા વચ્ચે વચ્ચે બને તેટલું ચોખ્ખું ઘી પણ પિવડાવાય છે. વળી સરસડાનાં સફેદ ફૂલને તેના જ રસની 7 ભાવના દઈ, તેનું ચૂર્ણ કરી, દર્દીની આંખમાં અંજનરૂપે આંજવાની, ચૂર્ણ નસ્ય તરીકે નાકમાં ફૂંકવાની અને દવારૂપે ઘી સાથે (3થી 5 ગ્રામ ચૂર્ણ) વારંવાર ચટાડવાની વૈદ્યની સલાહ રહે છે. (3) આધાશીશી : સરસડાનાં મૂળ અને ફૂલનો રસ દર્દીના નાકમાં ટીપાં રૂપે નંખાય છે. (4) કોઢ : સરસડાની છાલનું ચૂર્ણ, ખેરછાલનું ચૂર્ણ અને મજીઠનું ચૂર્ણ મિશ્ર કરી, પાણી સાથે વાટી, કોઢ પર નિત્ય લેપ કરાય છે. (5) કફજન્ય રતવા : સરસડાનાં ફૂલ પાણીમાં વાટી રતવાના વ્રણ (ચાંદા) ઉપર ચોપડાય છે. વળી તેનાં ફૂલનું ચૂર્ણ 3-4 ગ્રામ જેટલું રોજ ઘી તથા મધ (વત્તા-ઓછા પ્રમાણમાં લઈ) સાથે અપાય છે. (6) શ્વાસ : શિરીષનાં પુષ્પોના 1015 મિલિ. સ્વરસમાં લીંડીપીપરનું ચૂર્ણ 7 ગ્રામ તથા મધ 1 ચમચી ઉમેરી રોજ સવાર-સાંજ દમના દર્દીને અપાય છે. (7) બદગાંઠ પકાવવા : સરસડાનાં પાન વાટી, તેની ચટણી કરી, તેને ગરમ કરી લોપરીની જેમ કાચી બદ ગાંઠ પર રોજ મૂકવાથી, તે પાકીને ફૂટી જાય છે. (8) બાળકોને દાંત ફૂટવાની પીડા : સરસડાનાં બીજનો દોરામાં હાર બનાવી બાળકના કંઠમાં પહેરાવવાથી બાળકોને પીડારહિત દાંત ફૂટે છે. (9) પેશાબમાં વીર્ય ધાતુ જવી કે મુખેથી (ઊંઘમાં) લાળ પડવી : રોજ સરસડાનાં પાનના 25 મિલિ. રસમાં સાકર 10 ગ્રામ ઉમેરી સવાર-સાંજ અપાય છે. (10) રતાંધતા (રાતે ન દેખાવું) : સરસડાનાં પાનના રસમાં સાકર તથા 1 ચમચી ઘી નાંખી રોજ સવાર-સાંજ અપાય છે. વળી સરસડાનાં પાનના રસનાં આંખમાં ટીપાં પડાય છે. (11) દાંતનાં પેઢાં મજબૂત કરવા : ઝાડની છાલનો ઉકાળો કરી, તેના કોગળા મુખમાં ભરી થૂંકી કાઢવાની સલાહ અપાય છે. (12) કૃમિ : સરસડાનાં પાન અને અઘેડાનાં પાનનાં એક એક ચમચી રસમાં મધ મેળવી, બાળકોને સવાર-સાંજ અપાય છે. (13) ત્વચા રોગો પર : દશાંગ લેપ : સરસડો, જેઠીમધ, તગર, રતાંજળી, એલચી, જટામાંસી, હળદર, દારૂ હળદર, કઠ (ઉપલેટ) અને સુગંધી વાળો સમભાગે લઈ, તેનું ચૂર્ણ બનાવાય છે. આ ઔષધને દૂધ, પાણી કે ઘી સાથે વાટીને તેનો લેપ કરવાથી ગરમીનાં તમામ દર્દોમાં જેમ કે રતવા, વિષદોષ, વિસ્ફોટક, સોજો તથા દુષ્ટ વ્રણ, ચહેરાના ખીલ અને દાહવાળા સોજા કે રતાશવાળાં ત્વચા-દર્દોમાં ઉત્તમ લાભ થાય છે.

વૈદ્ય બળદેવપ્રસાદ પનારા