શિન્તો ધર્મ : જાપાની પ્રજાનો પ્રાચીન ધર્મ. ‘શિન્તો’ મૂળ ચીની ભાષાનો શબ્દ છે. જેનો અર્થ ‘દેવોનો માર્ગ’ એવો છે. શિન્તો ધર્મનું જાપાની નામ કમી-નો-મીચી છે. ‘કમી’ એટલે દેવો અને ‘મીચી’ એટલે માર્ગ. ઈ. પૂ. છઠ્ઠા સૈકાથી ‘શિન્તો’ – એ નામ જાપાનના ધર્મને લગાડવામાં આવ્યું. જાપાનમાં ઈ. સ. 600થી તાઓ તેમજ બૌદ્ધ ધર્મનો પ્રવેશ થયો. કૉન્ફ્યુશ્યસના ધર્મની અસર પણ શિન્તો ધર્મ પર જોવા મળે છે. તેમ છતાં ‘શિન્તો’ તો જાપાની પ્રજાના લોહીમાંથી જ ઉદ્ભવ્યો છે અને તે વિશિષ્ટ અર્થમાં જાપાનનો રાષ્ટ્રધર્મ છે. ‘કમી’ શબ્દનો અર્થ સામાન્ય રીતે ‘દેવ’, ‘ઈશ્વર’, ‘આત્મા’ એવો કરવામાં આવે છે, પણ તેનો નિશ્ચિત અર્થ વર્ણવવો મુશ્કેલ છે. તે ઘણો વ્યાપક છે. ઈશ્વર ઉપરની સાચી શ્રદ્ધા તથા તેને પ્રસન્ન કરવાનાં સત્કર્મો, ઉપરાંત વીરપૂજા (રામની પૂજા), ભૂત-પ્રેતની પૂજા, સર્વવ્યાપક ચૈતન્યશક્તિની પૂજા; એટલું જ નહિ, પણ પશુ-પક્ષી, વૃક્ષ, પહાડ, સિંહ, વાઘ, વરુ વગેરેની પૂજાનો પણ તેમાં સમાવેશ થાય છે. સંક્ષેપમાં કહીએ તો જે કંઈ અદ્ભુત કે દૈવતવાળી વસ્તુ હોય તે બધાંનો ‘કમી’માં સમાવેશ થાય છે.

શિન્તો ધર્મના બે વર્ગ થયા છે : (i) સાંપ્રદાયિક શિન્તો, જેના 13 પેટાવિભાગ છે. (ii) રાજ્ય શિન્તો ધર્મ કે જાપાની લોકોનો રાષ્ટ્રધર્મ, રાષ્ટ્રીય શિન્તો એ કોઈ વિશિષ્ટ સંપ્રદાય નથી, પણ એક જાતની રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રગૌરવ છે એમ કેટલાક લોકોનું માનવું છે. પરંતુ  કેટો(Kato)ના મતે સાંપ્રદાયિક શિન્તોની જેમ આ રાષ્ટ્રીય શિન્તો પણ વિશિષ્ટ અર્થમાં સંપ્રદાય છે. જોકે તે રાષ્ટ્ર પ્રત્યેની વફાદારી અને અન્ય રાષ્ટ્રીય પ્રતીકોથી રંગાયેલો છે.

શિન્તો ભગવાન

અનેકદેવવાદ : દરેક ધર્મ પ્રથમ પ્રકૃતિ અથવા કુદરતની કક્ષાએ હોઈ પ્રકૃતિનાં તત્ત્વોની સાદી પૂજા એ તેનું બાહ્ય સ્વરૂપ હોય છે. આ પ્રકૃતિપૂજામાંથી ક્રમે ક્રમે નૈતિક અને બૌદ્ધિક તત્ત્વો વિકસતાં ધર્મ સાંસ્કૃતિક કક્ષાએ પહોંચે છે. શિન્તોનો વિકાસ પણ આવી બે કક્ષાએ થયેલો જણાય છે. પ્રથમ કક્ષાનો પ્રાકૃતિક શિન્તો આ પ્રમાણે છ રૂપે આવિર્ભાવ પામેલો જણાય છે : (i) કુદરત પૂજા, (ii) પ્રતીક-પૂજા (fetishism), (iii) પ્રેતપૂજા (spiritism), (iv) પિતૃપૂજા, (v) પ્રાણીપૂજા (totemism), (vi) પ્રાથમિક કક્ષાની એકદેવ પૂજા, સાદો એકેશ્વરવાદ.

શિન્તો ધર્મની શરૂઆત તદ્દન પ્રાથમિક કક્ષાએ વિવિધ પ્રાકૃતિક તત્ત્વોની પૂજામાંથી થઈ છે. પ્રકૃતિ-પૂજામાંથી સહેજ ઊંચી કક્ષાએ અનેક દેવ-દેવીઓની પૂજા (polytheism) થવા લાગી. શિન્તો ધર્મની દેવ-દેવીઓની, અન્ય ધર્મોમાં છે તેમ, અનેક પૌરાણિક કથાઓ છે. આ ઉચ્ચ પ્રકૃતિ-પૂજાની કક્ષાના શિન્તો ધર્મનું મોટું પુરાણ ‘કોજિકી’ નામનું છે. ઈ. સ.ના આઠમા સૈકાના આરંભમાં જૂની દેવકથાઓ વગેરે ધર્મસંબંધી બાબતો જાણનાર એક પૌરાણિકને મુખેથી ઉતારી લીધેલી છે. એમાં સૃદૃષ્ટિની ઉત્પત્તિ, પુરાણી દેવકથાઓ, જાપાનનો જૂનો ઇતિહાસ વગેરે બાબતો વર્ણવી છે. ‘નિહોન્-ગી’ નામનું એક બીજું પુરાણ પણ આ સમયનું છે, જેમાં કર્મકાંડ વિશેની માહિતી છે. આ પુરાણોમાં વર્ણવેલાં દેવ-દેવીઓમાં સૂર્યદેવી (અચતેરસુ) મુખ્ય છે અને જાપાનના મિકાડો (રાજા) આ સૂર્યદેવીના વંશજો છે એમ મનાય છે. આ દેવીનું મોટું મંદિર (જિંજા) જાપાનમાં છે. તેમાં દેવીના પ્રતીકરૂપ એક મોટું આઠ ખૂણાવાળું દર્પણ છે. ઉપરાંત તલવાર તથા મોતીની માળા પણ પૂજાય છે. આ ઉપરાંત ચન્દ્રદેવ, પર્જન્યદેવ, પૃથ્વીદેવી, અન્નદેવી વગેરે દેવદેવીઓ પણ પૂજાય છે. જાપાનનો રાજા મૂળ દેવવંશી છે એ માન્યતાને કારણે રાષ્ટ્રભક્તિ ધર્મનું અંગ બની ગઈ છે અને રાજાનું સ્થાન ગૌરવભેર ટકી રહ્યું છે.

આ ઉચ્ચ પ્રકારની પ્રકૃતિ-પૂજામાંથી (અનેક દેવ-દેવીઓની પૂજામાંથી) ક્રમે ક્રમે શિન્તોની સાંસ્કૃતિક કક્ષાનો વિકાસ થયો છે, જેમાં બૌદ્ધિક અને નૈતિક સદાચારનાં ઉચ્ચ તત્ત્વોનો પ્રવેશ અને વિકાસ થયો છે. પહેલાં દેવ-દેવીઓને નામે પશુઓનો અને માણસનો પણ ભોગ અપાતો. તેમાં સારા-ખરાબનો વિવેક ઉમેરાયો. ‘જે દેવ પશુઓ અને માણસનો ભોગ સ્વીકારે તે સાચો દેવ કહેવાય જ નહિ’  એવી ભાવના વિકસી. આમ દેવને નામે થતી પશુહત્યા અને માનવહત્યા ધીમે ધીમે ઓછી થઈ અને પછી સદંતર બંધ થઈ. સૂર્યદેવીના મંદિરમાં પ્રતીક તરીકે દર્પણ, તલવાર અને મોતીની માળા પૂજાતી હતી, તે પ્રતીકોના સ્થૂળ અર્થને બદલે આધ્યાત્મિક અને નૈતિક સૂક્ષ્મ અર્થ ઘટાવવામાં આવ્યા. દર્પણ એ ડહાપણ અને જ્ઞાનનું પ્રતીક છે, તલવાર એ ધૈર્ય અને હિંમતનું પ્રતીક છે, જ્યારે મોતીની માળા એ પરોપકારનું પ્રતીક મનાવા લાગ્યું. આમ અત્યારે જ્ઞાન, ધૈર્ય અને પરોપકાર  એ ચીની અને જાપાની પ્રજાના પણ પ્રધાન સદ્ગુણો મનાય છે.

વળી આ કક્ષાએ એકેશ્વરવાદ તરફનું ધીમું વલણ જણાય છે. અનેક દેવોમાં સૂર્યદેવીનું ઘણું મહત્વ હતું, કાળક્રમે તે એકમાત્ર દેવી હોય તેમ પૂજાવા લાગી અને વિચારોમાં તત્વચિંતનની ઝલક દેખાવા લાગી. તેની સર્વવ્યાપકતાનો સ્વીકાર થયો છે – ‘વૃક્ષના એક નાના પાંદડામાં અથવા ઘાસની એક બારીક સળીમાં પણ સર્વશક્તિમાન દેવતાનો આવિર્ભાવ થાય છે’ અને ‘એમ ન માનશો કે ફક્ત ભૌતિક મંદિરમાં જ દેવતા વસે છે, આખી પૃથ્વી અને સમસ્ત આકાશ પણ તેની હાજરીની ઘોષણા કરે છે’  જેવા વિચારો કાવ્યોમાં રજૂ થયા છે. (The eleven religious and their proverbial Loreમાં Introduction to Shinto,  P. P. 224-226 by Genchi Kato).

જાપાનની દૈવી ઉત્પત્તિ : કોજિકીમાં જાપાનની દૈવી ઉત્પત્તિ વિશે કથા છે. શરૂઆતમાં આકાશ અને પૃથ્વી એકરૂપ હતાં અને સર્વત્ર અંધકાર હતો. આ અંધકાર દૂર થયો ત્યારે અનેક દેવ-દેવીઓ દેખાયાં અને પાછાં અશ્ય થઈ ગયાં. છેલ્લે બે જ દેવતા આવ્યા – ઇઝનગી અને ઇઝનમી (આમંત્રણ આપનાર પુરુષ અને આમંત્રણ આપનાર સ્ત્રી.). આ બંને આકાશના તરતા પુલ પર ઊભાં રહી વિચારવા લાગ્યાં કે આની નીચે કોઈ દેશ નથી. તેમણે રત્નજડિત ભાલો નીચે ખોસ્યો તો જણાયું કે સમુદ્ર છે, ભાલો ઉપાડ્યો તો તેના છેડેથી સમુદ્રજળનાં ટપકાં પડ્યાં, જે ઠરીને જાપાનના ટાપુઓ થયા. (આનંદશંકર ધ્રુવ – ધર્મવર્ણન પૃ. 263.) આમ જાપાનની પ્રજાને શ્રદ્ધા છે કે જાપાન દેશની ઉત્પત્તિ દૈવી છે અને તેના પર રાજ કરનારા રાજાઓ પણ દૈવી અંશોવાળા છે.

શિન્તો ધર્મના શાસ્ત્રગ્રંથો :

(1) કોજિકી : જૂની બાબતોનો ઇતિહાસ. આ ગ્રંથનું સંપાદન ઈ. સ. 712માં થયું  છે અને તેમાં જાપાનનો પ્રાચીન ઇતિહાસ નિરૂપાયેલો છે.

(2) નિહોન્ગી : ‘કોજિકી’ની પૂર્તિરૂપે ઈ. સ. 720માં ‘નિહોન્-ગી’નું સંપાદન થયું. ‘નિહોન્-ગી’ એટલે જાપાનનો ઇતિહાસ; તેમાં જાપાનના ઇતિહાસની કથાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે.

(3) એન્ગીશિકી : (આ ગ્રંથમાં એન્ગી-સમય(ઈ. સ. 901-923)ના ક્રિયાકાંડ તથા નિયમો આપવામાં આવ્યા છે. ધર્મ માટેની પ્રાચીન સાહિત્ય-સામગ્રી આપવામાં આવી છે. જુદે જુદે પ્રસંગે કરવામાં આવતી પચ્ચીસ પ્રાર્થનાઓ આપવામાં આવી છે, જેને ‘નોરી તો’ કહે છે.

(4) કોગોશુઈ (. . 806) : પ્રાચીન કથાઓમાંથી ચયન છે.

(5) મૅનિઓ શિઉ : દસ હજાર પત્રોના સંગ્રહરૂપે છે. તેમાં પાંચથી આઠમા શતકની કવિતામાંના 4,496 કાવ્યોનો સંગ્રહ કરેલો છે; જેમાં જાપાનની દૈવી ઉત્પત્તિ, પ્રાચીન ઇતિહાસની કથાઓ, તેમજ કુદરતી શક્તિઓમાં રહેલો આનંદ તેમજ કુદરતનું ભયંકર સ્વરૂપ આલેખાયેલાં છે. આ સાહિત્યમાં રાજાઓએ બહાર પાડેલા આદેશો અને ગૃહખાતા દ્વારા પ્રકાશિત ક્રિયાકાંડ-પ્રાર્થનાઓની વિગતો પણ ઉમેરી શકાય.

નૈતિક સિદ્ધાંતો : શિન્તો ધર્મમાં પવિત્રતા અને વફાદારીના નિયમોના પાલનનો ખાસ આગ્રહ રાખ્યો છે.

પવિત્રતા : પવિત્રતાથી દેવો સાથે સાયુજ્ય સ્થાપી શકાય છે. પ્રથમ પ્રાકૃતિક કક્ષાએ બાહ્ય પવિત્રતાનો આગ્રહ રહેતો. ધાર્મિક ક્રિયાકાંડ વખતે નાહવું, ધોવું વગેરે બાહ્ય સ્વચ્છતા પર ધ્યાન અપાતું. ધીમે ધીમે પવિત્રતાની ભાવના વધારે વ્યાપક અને ઉત્તરોત્તર વધારે ને વધારે સૂક્ષ્મ બનતી ગઈ. ‘માણસે દેવને પ્રસન્ન કરવા માટે મન-વાણી -કર્મથી પવિત્ર રહેવું જોઈએ’ – એ ભાવના બળ પકડતી ગઈ. દેહની પવિત્રતા કરતાં પણ વાણીની અને કર્મની પવિત્રતા (સત્ય અને સદાચાર) ઉપર વિશેષ ભાર અપાતો ગયો. આ ઉપરાંત બીજા નૈતિક સદ્ગુણો જેવા કે પ્રામાણિકતા, વફાદારી, સહનશીલતા, કૃતજ્ઞતા, આજ્ઞાંકિતતા, કર્તવ્યનિષ્ઠા વગેરે ઉમેરાતા ગયા.

જાપાનનો રાજા મિકાડો પણ આખાય દેશની પવિત્રતા કે શુદ્ધિ માટે તથા પ્રજાનાં જે કોઈ પાપ હોય તેના પ્રાયશ્ચિત્ત રૂપે દર છ મહિને સંસ્કારવિધિ યોજે છે.

વફાદારી : જાપાનની પ્રજાને શ્રદ્ધા છે કે મિકાડો એ દૈવી રાજા છે, તેથી ‘તેના પ્રત્યે વફાદારી રાખવી’ એનું નૈતિક નિયમોમાં મહત્વ છે. આમ રાષ્ટ્ર અને રાજા પ્રત્યે ઊંડો આદર અને નિષ્ઠાપૂર્વકની વફાદારી એ જાપાનની પ્રજાના લોહીમાં છે. જાપાનના રાજ્યબંધારણમાં પણ મિકાડો પ્રત્યેના આદરનો સમાવેશ કરવામાં આવ્યો છે; જેમ કે, નિયમ 1 પ્રમાણે અનાદિકાળથી તેમનો વંશ અવિચ્છિન્ન ચાલ્યો આવ્યો છે તે રાજાઓ જાપાનનું રાજ્ય કરશે. નિયમ 2 : રાજા એ પવિત્ર હસ્તી છે અને તેથી તેની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું નહિ. ઈ. સ. 1890માં કેળવણી સંબંધી હુકમો બહાર પાડ્યા. તેમાં પણ દર્શાવ્યું હતું કે જાપાનનું વંશપરંપરાનું જે એક રાજશાસન ચાલે છે તેના તરફ અનન્ય આદર અને વફાદારી રાખવાં અને તેની સત્તા અંગે કોઈ જાતની શંકા ઉઠાવવી નહિ.

ભક્તિભાવના અને તેની અભિવ્યક્તિ : ઐહિક સુખો માટેની પ્રાર્થનાઓ : શિન્તો શાસ્ત્રગ્રંથ એંગી-શિકીઓની ‘નોરી-તો’ નામની પચ્ચીસ પ્રાર્થનાઓમાં દેવો પ્રત્યેની ભક્તિભાવના નજરે ચઢે છે. આ પ્રાર્થનાઓમાં દેવો પાસે અનેક જાતની માગણી કરવામાં આવે છે – દુષ્કાળમાં વરસાદની, સારા પાકની, કુદરતી આફતોમાંથી રક્ષણ કરવાની, સંતાનોની, રાજાના આરોગ્ય અને લાંબા આયુષ્યની, રાજ્યની સુખ-સમૃદ્ધિની, પરદેશમાં ગયેલા અધિકારીઓની સહીસલામતીની, દુશ્મન સામે રાજસેનાને વિજય મળે તેની વગેરે. આ પ્રાર્થનાઓમાં મોટેભાગે ઐહિક સુખની વાત છે.

અમતેરસુ-સૂર્યદેવી અને બીજી દેવપૂજા : શિન્તો ધર્મમાં અમતેરસુ-સૂર્યદેવીની પૂજાનું મહત્વ વધારે છે. ઇસે નામના સ્થળે સૂર્યદેવીના માનમાં એક મંદિર બાંધવામાં આવ્યું છે, જ્યાં દર વર્ષે પ્રજા અને રાજા તરફથી સૂર્યદેવીની પૂજા કરવામાં આવે છે અને ઉત્સવ મનાવવામાં આવે છે. આ પૂજા કેવી રીતે કરવી તેના નિયમો શાસ્ત્રગ્રંથોમાં આપેલા છે. પરંપરાથી ચાલી આવતી પ્રથા પ્રમાણે આ મંદિરમાં જાપાનની રાજકન્યા જ સેવા બજાવી શકે. આ મંદિરના મધ્યભાગમાં એક દર્પણ રાખવામાં આવ્યું છે. જેને માટે એમ મનાય છે કે સૂર્યદેવી અમતેરસુએ પ્રથમ મિકાડોને આપ્યું હતું અને કહ્યું હતું કે ‘આ દર્પણમાં મારો જ આત્મા વસે છે એમ માનીને તેની પૂજા કરજે’. એમ મનાય છે કે આ દર્પણની પૂજા એટલે સૂર્યદેવીની પૂજા. આ મંદિરમાં દર્પણ ઉપરાંત તલવાર અને મોતીની માળા પણ છે.

જાપાનમાં દરેક ગામમાં આવેલાં મંદિરોમાં અને જાપાનનાં લગભગ બધાં સુંદર સ્થળોએ શિન્તો ધર્મની પૂજા કોઈ ને કોઈ રીતે થાય છે અને ખરેખરી પૂજા થાય છે તે વ્યક્તિઓ જ કરે છે, કોઈ સંઘ નહિ. પૂજામાં વિધિસર પ્રણામ કરવામાં આવે છે અને મૌન રાખી બે હાથ જોડવાનો પણ રિવાજ છે. દેવોને દ્રવ્યોની આહુતિ પણ આપવામાં આવે છે.

મિકાડો પૂજા : જાપાનની પ્રજાને શ્રદ્ધા છે કે મિકાડો દેવનો અવતાર છે. તેથી દર વર્ષે મિકાડોના જન્મ-દિવસે હરેક કેળવણીની સંસ્થામાં સરકારી આદેશાનુસાર પવિત્ર ઉત્સવ મનાવવામાં આવે છે અને સ્વદેશાભિમાનની ભાવનાને બળ મળે તે માટે રાજાના ચિત્રને નમસ્કાર કરવામાં આવે છે.

ઉત્સવો : ‘કિને-સાઈ’ અને ‘શિન-જો-સાઈ’ – એ બે ઉત્સવોનું વિશેષ મહત્વ છે. આ ઉત્સવો વખતે મંદિરો તથા ઘરોને શણગારવામાં આવે છે. દેવ-દેવીઓને નૈવેદ્ય રૂપે નવું ધાન્ય ધરાવવામાં આવે છે અને સારા પાક અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવે છે. જાપાનના લોકો યુદ્ધદેવોત્સવ પણ ઊજવે છે, જેમાં બુશીદો(વીરપુરુષનો માર્ગ)નો મહિમા કરવા માટે જાપાનના વીરપુરુષોનું સ્મરણ કરવામાં આવે છે અને રમતગમતનું આયોજન કરવામાં આવે છે.

તત્વચિંતનનો અભાવ : શિન્તો ધર્મમાં સ્વર્ગ-નરક, મોક્ષ, આત્મસાક્ષાત્કાર જેવી બાબતોને મહત્વ આપવામાં આવ્યું નથી. જાપાનનાં રાજા અને પ્રજાનાં સુખ-સંપત્તિ અને તે માટે જરૂરી સદાચારનો આગ્રહ સર્વત્ર દેખાય છે. દેવતાઓને કરેલી પ્રાર્થનાઓમાં પણ ઐહિક સુખની માગણી કરવામાં આવી છે. માટે ત્યાગ, વૈરાગ્ય જેવી ભાવનાઓનો સ્પષ્ટ ઉલ્લેખ મળતો નથી, તેમ છતાં શિન્તો ધર્મ પ્રજા અને રાષ્ટ્રના કલ્યાણના પાયામાં રહેલો હોઈને પવિત્રતા, સત્ય, વફાદારી જેવા અનેક નૈતિક સદ્ગુણોનો આગ્રહ રખાય છે. દેશપ્રેમ, પવિત્રતા, પ્રામાણિકતા, નિષ્ઠા જેવા સદ્ગુણોનો અનન્ય આગ્રહ રખાયો છે. વળી ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે જાપાનની સીમાઓ સાથે જ શિન્તો ધર્મ સંકળાયેલો રહ્યો છે છતાં તેને કારણે નૈતિક કે અન્ય સંકુચિતતા તેમાં પ્રવેશી નથી અને રાષ્ટ્રને બળ આપવામાં તેનું મોટું યોગદાન રહ્યું છે.

એસ્તેર સોલોમન