શિક્ષણ

વ્યક્તિમાં રહેલી શક્તિઓને ઉપસાવતી અને કેળવતી પ્રક્રિયા. આ શૈક્ષણિક પ્રક્રિયાના ત્રણ  પ્રકારો પાડવામાં આવ્યા છે : (1) સહજ શિક્ષણ કે અનૌપચારિક શિક્ષણ (informal education), (2) શાલેય શિક્ષણ કે ઔપચારિક શિક્ષણ (formal education) અને (3) બિનશાલેય શિક્ષણ કે  બિનઔપચારિક શિક્ષણ (nonformal education). વ્યક્તિના શિક્ષણની જે પ્રક્રિયા તેના જન્મથી મૃત્યુપર્યંત અભાનપણે ચાલ્યા કરતી હોય છે તેને સહજ શિક્ષણ કહેવામાં આવે છે. વ્યક્તિ જે કંઈ જુએ છે, સાંભળે છે, વાંચે છે તેની કોઈક અસર વ્યક્તિ પર પડતી હોય છે. એ જ રીતે વ્યક્તિ બીજી વ્યક્તિઓના સંપર્કમાં આવે એની અસર પણ તેના વ્યક્તિત્વ પર પડતી હોય છે. બાળક સાંભળીને ભાષા શીખી લેતું હોય છે એ હકીકત સહજ શિક્ષણનું એક ઉદાહરણ છે. શાળા-કૉલેજમાં નિયત અભ્યાસક્રમો અને સમયપત્રક પ્રમાણે તેમજ ચોક્કસ પદ્ધતિથી જે શિક્ષણ આપવામાં આવે છે તેને શાલેય શિક્ષણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે શિક્ષણના નામે જે ચર્ચા કરવામાં આવતી હોય છે તે શાલેય શિક્ષણની હોય છે. અહીં પણ મુખ્યત્વે શાલેય શિક્ષણની જ ચર્ચા કરવામાં આવી છે. ચોક્કસ પ્રકારની કામગીરી માટે વ્યક્તિને જે તાલીમ આપવામાં આવે છે તેને બિનશાલેય શિક્ષણ કહેવામાં આવે છે. તેમાં પણ અભ્યાસક્રમ, સમયપત્રક વગેરે હોઈ શકે. શાલેય શિક્ષણનો ઉદ્દેશ વ્યક્તિની સર્વસામાન્ય (general) શક્તિ વિકસાવવાનો હોય છે, જ્યારે બિનશાલેય શિક્ષણનો ઉદ્દેશ વ્યક્તિની ચોક્કસ (specific) શક્તિ વિકસાવવાનો હોય છે; દા.ત., બકો તેમના કર્મચારીઓને તાલીમ આપે છે તે બિનશાલેય શિક્ષણ છે.

શિક્ષણને માનવીના માનવ તરીકેના અસ્તિત્વની સાથે સાંકળવામાં આવ્યું છે. શિક્ષણ વિના માનવી સંભવી જ ન શકે એવી એની દૈહિક રચના રચાયેલી છે. જન્મથી જ માનવીને પ્રાપ્ત થતી શારીરિક સંપત્તિ, એનાં અંગ-ઉપાંગો, એનું મગજ, એની જ્ઞાનેન્દ્રિયો વગેરે એને જીવનભર ટકી રહેવા, વિકસવા, સફળ નીવડવા અને તેમ કરીને એના જીવનની સાર્થકતાનો અનુભવ કરી, તેમાંથી મહત્તમ આનંદ અને સંતોષ મેળવવા જાણે કે એને નિરંતર શીખતા રહેવાની સામગ્રી પૂરી પાડે છે. એ માટે એને અભિપ્રેરણા આપે છે અને એમ કરીને દુનિયાના અન્ય પ્રાણી જાતથી એને એક આગવી ઓળખ આપે છે. આથી જ માનવીને ‘એક શીખતા પ્રાણી’ તરીકે ઓળખવામાં આવ્યો છે.

જેમ માનવીની દૈહિક સંપત્તિ એને સદા શીખતું રહેતું વ્યક્તિત્વ બક્ષે છે, એમ એની અનેકવિધ માનસિક શક્તિઓ, જેવી કે બુદ્ધિ, તર્ક, કલ્પના, સ્મૃતિ, અર્થગ્રહણ, તુલના, નિષ્કર્ષ, કુતૂહલ વગેરે એને પ્રચંડ ક્ષમતાભંડાર બક્ષે છે; જે એને શીખવા અને સતત શીખતા રહેવા એક અંતર્ગત બળ પૂરું પાડે છે. કુદરતે એને વાચા આપીને તો જાણે શીખવા-શીખવવાની અનેકાનેક સંભાવનાઓનાં દ્વાર ખુલ્લાં મૂકી દીધાં ! પરિણામે, આદિ કાળથી લઈને આજ લગી માનવીએ અતિરોમાંચક, અતિસાહસભરી અને અકલ્પ્ય પરિણામો ધરાવતી જ્ઞાનયાત્રા ખેડ્યાં કરી છે. આજે એ 21મી સદીના આરંભે શરૂ થયેલા જ્ઞાનયુગનો તે એક કાબેલ યાત્રી, નિર્માતા અને વ્યવસ્થાપનકાર બની શક્યો છે એ તેના વિકાસનું ઇતિહાસનું એક અભૂતપૂર્વ પ્રકરણ બનવા પામ્યું છે.

માનવી એક સામાજિક પ્રાણી છે. એ સમાજમાં રહી સમાજ દ્વારા પોતાના માટે, પોતાના પરિવાર માટે અને સમાજનાં જે અનેકવિધ ઘટકો સાથે તે સંકળાયેલો હોય છે એમના માટે, સક્રિય રહી, આદાન-પ્રદાન કરતો રહે એ એના સામાજિક અસ્તિત્વનો તકાજો છે. આ તકાજો એને, એ ઇચ્છે કે ન ઇચ્છે, તોપણ શીખતા રહેવા, શીખતા રહી નવાં નવાં અનુકૂલનો સાધતા રહેવા અને એમ કરીને એના સામાજિક અસ્તિત્વનાં અનુકૂલનો સિદ્ધ કરતા રહેવા અંત:પ્રેરણા આપતો રહે છે અને ટાળી ન  શકાય એવું દબાણ કરતો રહે છે. આમ શીખવું અને શીખતા રહેવું એ એના વ્યક્તિગત તેમજ સામાજિક જીવનની અટપટી ગૂંથણીનું એક અભિન્ન તત્વ બની જાય છે.

માનવી માટે શીખવાની પ્રક્રિયા એ એક સહજ, નૈસર્ગિક અને સરળ પ્રક્રિયા છે. કુદરતે એને અનુકરણની અમોઘ શક્તિ આપીને નાની, કાચી વયથી જ શીખવાનું પાયાનું આધાર-માળખું રચી આપ્યું છે. એના સહારે એ હાવભાવ શીખે છે, એની વાચા વિકસાવે છે, ભૌતિક અસ્તિત્વ માટેની પાયાની ટેવો ગ્રહણ કરે છે, સમાજમાં સ્વીકાર પામવા માટેનાં  આચરણો વિકસાવે છે અને પછી તો જીવન અને વ્યવસાયનાં અગણિત ક્ષેત્રો માટેનાં વર્તનો, વ્યવહારો, કલાઓ અને કસબ શીખે છે. અનુકરણની તાકાતથી એ જે ખૂબીથી એની પ્રથમ ભાષા, એનાં ઉચ્ચારણો, એની સંરચનાઓ, એની સંકુલતાઓ, એની નજાકતો અને એનું વ્યવહારુ વ્યાકરણ શીખી લે છે એ શૈક્ષણિક માનસશાસ્ત્રની હજી સુધી અકળ રહેવા પામેલી ઘટના છે.

શીખવવાની પ્રક્રિયાનું સ્વરૂપ : શીખવવાની પ્રક્રિયા એ કોઈ એક-માર્ગી કામગીરી નથી. અગાઉ એમ મનાતું કે શિક્ષક એ જ્ઞાનનો અખૂટ અને એકમાત્ર ભંડાર છે અને શીખનાર એ જ્ઞાનની પ્રતીક્ષા કરતું ખાલી પાત્ર છે. શિક્ષકનું કાર્ય પેલા ખાલી પાત્રને ભરવાનું છે. પાત્રનું કામ શિક્ષક તરફથી જે કાંઈ અપાય તે સમાવી લેવાનું છે. આમ એક તરફ સક્રિય દાતા છે; તો બીજી તરફ નિષ્ક્રિય યાચક છે. વાસ્તવમાં આ માન્યતા સાચી નથી, એ વાસ્તવિક પણ નથી.

શૈક્ષણિક મનોવિજ્ઞાનના પ્રયોગો અને સંશોધનો દ્વારા એ સિદ્ધ થયું છે કે વિદ્યાર્થી ગમે તે વયનો ભલે રહ્યો, એનું મન કદી પણ કોરી પાટી જેવું હોતું નથી. એનું ચેતન મન અને વિશેષ તો અચેતન મન, અખૂટ લાગણીઓ, વિચારો, કલ્પનાઓ, તર્કો, તરંગો વગેરેથી ઊભરાતું હોય છે. એ એક નિરંતર ચાલતું શક્તિનું કારખાનું (power house) હોય છે. સાદામાં સાદાથી માંડી સંકુલ અને અતિ અટપટા ખ્યાલોનું પરિશીલન (processing) કરવાની ક્ષમતા માનવના મનમાં રહેલી છે. આથી, કાબેલ શિક્ષક વડે અભિપ્રેરણા પામતું વિદ્યાર્થીનું ચિત્તતંત્ર અનુકરણથી માંડીને સર્જનમૂલક મૌલિકતાની કક્ષા સુધીના ઉપક્રમો કરવાને સક્ષમ પુરવાર થતું હોય છે. આથી જ દૃષ્ટિમંત અને નમ્ર શિક્ષક હંમેશાં પોતાના અદનામાં અદના વિદ્યાર્થીની અધ્યયન કરવાની ક્ષમતા માટે આદર અને વિશ્વાસ ધરાવતો જોવા મળશે. શિક્ષણના બધા તબક્કે આવા જ શિક્ષકોની તાતી જરૂર છે એ હવે સ્વીકારાયું છે.

જ્ઞાનવિસ્ફોટના વર્તમાન યુગમાં કોઈ પણ શિક્ષક પોતે સર્વથા જ્ઞાનસ્વામી છે એવો દાવો કરી શકે એવી સ્થિતિ રહી નથી. સાચો શિક્ષક, કવિવર ટાગોરની વ્યાખ્યા અનુસાર, નિરંતર વિદ્યાની સાધના કરતો વિદ્યાર્થી જ છે. પોતાના વિદ્યાર્થીની જેમ શિક્ષકે પણ શીખતા રહેવું પડે એવી પરિસ્થિતિ પ્રવર્તે છે. આજની દુનિયામાં દર પાંચ વર્ષે જ્ઞાનવિશ્વ બમણું થઈ જાય છે. પ્રયોગો, સંશોધનો, નવવિચાર વગેરેના પરિણામે જ્ઞાનને વૃદ્ધત્વ વહેલું આવવા લાગતું હોય છે. માટે જ એક વખત કોઈ પદવી પ્રાપ્ત કરી, જિંદગીભર એના સહારે શિક્ષણકાર્ય કરી શકાશે એવો દાવો હવે ટકી શકે એમ નથી. માટે શિક્ષણ એટલે શિક્ષક વિદ્યાર્થીને જે શીખવે તે પદાર્થ એવી શિક્ષણની પુરાતન વ્યાખ્યા હવે સાચી રહી નથી, બંધબેસતી પણ રહી નથી.

શિક્ષણને નડતા અવરોધો : શીખવાની પ્રક્રિયા એ મૂળગત રીતે વ્યક્તિની અંગત (personal) એવી ઐચ્છિક (volitional) પ્રવૃત્તિ છે. એ પ્રવૃત્તિ કરનાર શીખવાને લગતા અનેક નિર્ણયો લેતો હોય છે. એવા નિર્ણયો લેવાની એની સજ્જતા જેટલી ઓછી એટલા પ્રમાણમાં શીખવવામાં એને નડતા અવરોધોની સંખ્યા મોટી સમજવી. વળી શીખવા માટેની એની સ્વતંત્ર ઇચ્છાશક્તિ જેટલી ઉત્કટ એટલી એની શીખવાની પ્રક્રિયા ઝડપી સમજવી. આપણે ઘોડાને પાણી પાસે લઈ જઈ શકીએ, પણ એને એ પાણી પીવાની ફરજ પાડી શકીએ નહિ. એ ઉક્તિ શીખનાર માણસને પણ લાગુ પડે છે. ફક્ત લાદણ, હુકમ, ધાક, ધમકી, શારીરિક શિક્ષાનો ભય કે ગુણની લાલચ શીખનારને અભિપ્રેરિત કરી શકતાં નથી.

બીજું વિઘ્ન હોય છે શીખનારની વિકલાંગતા. શરીરની ખોડખાંપણ; બોલવા, સાંભળવા, દેખવા, હલનચલન કરવા વગેરેની નાની-મોટી ક્ષતિ શીખનારના માર્ગમાં અડચણો ઊભી કરતી હોય છે. માટે આવી વિકલાંગ વ્યક્તિ વિશેષ સહાય, સાધનો, તાલીમ વગેરે મળે તો જ એની ક્ષતિને અતિક્રમી શિક્ષણ પ્રાપ્ત કરી શકતી હોય છે. એમાંય માનસિક ક્ષતિ જેવી કે મંદબુદ્ધિ હોવી, નબળી સ્મરણશક્તિ હોવી, ગ્રહણશક્તિ કુંઠિત હોવી વગેરે પણ શીખનારને શીખવવામાં અવરોધો સર્જતી હોય છે. આથી જ આવી વ્યક્તિઓ માટે ખાસ શિક્ષણ(special education)નો પ્રબંધ કરવો પડતો હોય છે.

ત્રીજું વિઘ્ન છે વિદ્યાવિમુખ એવું સામાજિક પર્યાવરણ. નિરક્ષરતા, અજ્ઞાનતા, અંધશ્રદ્ધા, ગરીબાઈ, કુરિવાજો, સ્ત્રીઓ, પછાત વર્ગો, ભિન્ન ભાષાભાષી વર્ગો વગેરે તરફના પૂર્વગ્રહો, ખુદ શિક્ષણ પ્રત્યે અણગમો કે અંધશ્રદ્ધા વગેરે અનેક કારણોવશાત્ કેટલાક સમાજોમાં વિદ્યાવિરોધી અભિગમ જોવા મળતો હોય છે. આવા પર્યાવરણનું બાળક શીખવા માટેની તૈયારી જ (readiness) નહિ, પણ એ માટેની માનસિક સજ્જતામાં પણ ઘણી ઊણપો ધરાવતું હોય છે. આવાં અસંખ્ય બાળકો કાં તો શિક્ષણસંસ્થામાં જોડાતાં નથી, અને જો જોડાય તો વહેલાં ખરી પડે (drop out) છે.

ચોથું વિઘ્ન છે શાળાનું આધાર-માળખું (infrastructure). શાળાનું મકાન, રમતનું મેદાન, ભૌતિક સગવડો, શાળાનું સમયપત્રક, શાળાની કામગીરીનાં ધારાધોરણો, અભ્યાસક્રમ, શિક્ષણ અને પરીક્ષણની પદ્ધતિઓ, પાઠ્યપુસ્તકો અને અન્ય અધ્યયનસામગ્રી, શિક્ષક, આચાર્ય અને અધિકારી વર્ગના અભિગમો વગેરે અસંખ્ય સ્થૂળ-સૂક્ષ્મ બાબતોનો એમાં સમાવેશ થાય છે. ભારતની શાળાઓમાં આ બાબતોની અનેકવિધ અપૂર્ણતાઓ વિદ્યાર્થીના દિલમાં શાળા, શિક્ષક, શિક્ષણ અને તેમ કરીને સમગ્ર વ્યવસ્થા પ્રત્યે અણગમો, અરુચિ, અવિશ્વાસ અને શંકા જ નહિ; પણ શત્રુતા(hostility)ની ઉગ્ર લાગણી જન્માવે છે એ સંશોધનો પરથી જોવા મળેલ છે.

છેલ્લો અવરોધ છે તંત્ર, નીતિ, રાજકીય ઇચ્છાશક્તિ, વ્યવસ્થાપન અને દેખરેખના પ્રબંધોનો. જે સમાજમાં કાયદાનું શાસન નબળું હોય, જ્યાં નીતિ-નિર્ધારણના પાયામાં સંગીન વિચારધારા ન હોય; જેના વ્યવસ્થાપનને પ્રમાદ, લાગવગ, લાંચરુશવત અને અનૈતિક રીતિનીતિનો મહાવ્યાધિ લાગુ પડેલો હોય અને જ્યાં ગુણવત્તા, ઉત્તમતા અને નિરપેક્ષતાનો તત્કાલ અંગત કે પક્ષીય ટૂંકા લાભની વેદી પર ભોગ લેવાતો હોય, ત્યાં શિક્ષણ જેવી ઘડતરલક્ષી સૂક્ષ્મ પ્રવૃત્તિનું ગળું ઘૂંટાઈ જાય એમાં નવાઈ નથી.

શિક્ષણનો અર્થ : શિક્ષણની વિભાવના વ્યાપક છે. એમાં એક તરફ એનો સંકુચિત અર્થ આવી જાય છે, તો બીજી તરફ એના લાંબા ગાળાના વિસ્તારપૂર્ણ અર્થનો સમાવેશ થાય છે. સામાન્ય માનવી એનો સંકુચિત સંદર્ભ જોતો હોય છે અને એ પરથી એની પસંદગી, એનાં મૂલ્યાંકનો વગેરે કરતો હોય છે. સંકુચિત અર્થમાં શિક્ષણ એટલે નીચેની બાબતો ગણવામાં આવે છે :

(1) શિક્ષણ એટલે ભણતર; જેમાં વાચન, લેખન અને ગણનનો સમાવેશ થાય છે. એ ત્રણ વાનાં કરનાર શિક્ષિત ગણાય છે.

(2) શિક્ષણ એટલે સાક્ષરી વિષયોનું જ્ઞાન; જેમાં ઉપર જણાવેલાં ત્રણ કૌશલ્યો – વાચન, લેખન અને ગણન ઉપરાંત ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન વગેરે વિષયોના શિક્ષણનો સમાવેશ થાય છે.

(3) શિક્ષણ એટલે કૌશલ્યોની તાલીમ; જેમાં હાથપગ અને જ્ઞાનેન્દ્રિયોના સંયોજન દ્વારા કશુંક ઉત્પાદક કામ કરવાના હુન્નરનો સમાવેશ થાય છે. એમાં ખેતી, સુથારીકામ, લુહારીકામ, દરજીકામ વગેરેથી માંડી આધુનિક ટૅક્નૉલૉજીના ઉપયોગ વડે થતાં વિવિધ કામોની આવડતોની તાલીમનો સમાવેશ થાય છે.

(4) શિક્ષણ એટલે માનસિક ઘડતર; જેમાં ગોખવું, કંઠસ્થ કરવું, યાદ કરેલું સ્મરવું, દલીલ કરવી, તર્ક કરવો વગેરે જેવી માનસિક આવડતો કેળવવાનો સમાવેશ થાય છે.

(5) શિક્ષણ એટલે શિક્ષણની સંસ્થામાં જે કાંઈ અપાતું હોય તે બધું. આમ, શિક્ષણની સંસ્થા અને તેના શિક્ષકો દ્વારા શીખનારને નિયત સમયાવધિમાં જે કાંઈ જ્ઞાન, માહિતી, તાલીમ, ટેવપાલન વગેરે અપાતાં હોય, તેનો સમાવેશ થાય છે. એટલે સંસ્થાકીય કામગીરીના અંતે પરીક્ષા લઈ શીખનારને અપાતું પ્રમાણપત્ર એ પોતે જ શિક્ષણનો પર્યાય ગણાય છે. આજે ગુજરાતમાં અને ભારતમાં સંસ્થાઓમાં અપાતું ઔપચારિક (formal) શિક્ષણ ઉપરના ક્રમાંક (5)માં વર્ણવેલ અર્થ અનુસારનું શિક્ષણ છે. અગાઉથી નક્કી કરેલો પાઠ્યક્રમ, એના પર લખાયેલાં પાઠ્યપુસ્તકો, તે પરથી તૈયાર કરેલ પરીક્ષાનું માળખું અને એ પરીક્ષાના પરિણામે અપાતું પ્રમાણપત્ર  એ ચાર માપદંડો અનુસાર થતો કર્મકાંડ એ આજનું  શિક્ષણ છે. એનું જ વ્યવહારમાં અને સમાજમાં ચલણ છે, એનું માન છે અને એ જ શીખનારની કારકિર્દીનું ભાગ્યવિધાતા બળ બની ગયેલ છે.

દુનિયાના તમામ વિકસિત દેશો તેમની લોકશાહી સમાજવ્યવસ્થાના સંદર્ભમાં શિક્ષણને વ્યાપક અર્થમાં જુએ છે, એનું આયોજન કરે છે. એ આયોજનો ઉપર અમલ કરે છે. એ પુરુષાર્થના પાયામાં શિક્ષણનું દર્શન નીચે મુજબનું જોવા મળે છે :

(1) શિક્ષણ એટલે અનુકૂલન : શિક્ષણ માનવીને પોતાની જાત સાથે, સમાજની અન્ય વ્યક્તિઓ સાથે અને સમગ્ર પર્યાવરણ સાથે અનુકૂલન સાધતાં શીખવે છે. એમ થતાં એ સ્વસ્થ રીતે, સંતોષપૂર્વક જીવી શકે છે. આ રીતનું અનુકૂલન સ્થાપી શકે એ માટે માનવીને શિક્ષણ જરૂરી જ્ઞાન, સમજ, વલણો, અભિગમો અને વર્તનો શીખવતું હોય છે. અનુકૂલનના શિક્ષણ દ્વારા માનવી એવા ગુણો, શક્તિઓ અને આવડતો પણ વિકસાવી શકે છે જેની સહાયથી એ પ્રતિકૂળતાઓને પોતાને અનુકૂળ બનાવી શકતો હોય છે; અલબત્ત, આવું શિક્ષણ અભિક્રમપ્રધાન હોવું જોઈએ.

(2) શિક્ષણ એટલે પરિવર્તન : શિક્ષણનો આ અર્થ શિક્ષણમાં રહેલી ક્રાંતિ આણનારી સંભાવનાનો સંકેત કરે છે. શિક્ષણથી માનવીની વિચારશક્તિ, એની કલ્પનાશક્તિ અને એની નિર્ણયો લેવાની શક્તિ ઘડાવા પામતી હોય છે. એમના સહારે એ ચીલાચાલુ સ્થગિત અને  જડ પરિસ્થિતિઓમાં ફેરફાર લાવવાનું વિચારે છે અને એવા વિચારને અમલમાં મૂકે છે.

(3) શિક્ષણ એટલે વિકાસ : હાડચામનો માનવી એક વિચારશીલ, ભાવનાશીલ અને સર્જનશીલ વ્યક્તિ કેવી રીતે બની શકતો હોય છે ? એ માટે કુદરતે એને આપેલું દેહનું, મગજનું અને જ્ઞાનેન્દ્રિયોનું આધાર-માળખું અને એની વિચારવાની, કલ્પના કરવાની, આગાહી કરવાની અને ભાતભાતનાં આયોજનોની ધારણા કરવાની શક્તિનું આધાર-માળખું એણે ખપમાં લેવું પડે. એ બંનેનો ઉપયોગ કરી માનવી એના વ્યક્તિત્વનો સર્વતોમુખી વિકાસ કરી શકે છે. એ માટે જરૂરી છે યોગ્ય શિક્ષણ. આ સંદર્ભમાં શિક્ષણને વિકાસનું સાધન ગણવામાં આવે છે.

(4) શિક્ષણ એટલે નવનિર્માણ : શિક્ષણ ફક્ત ઉપરછલ્લાં પરિવર્તનો નથી કરતું, બલકે માનવીના વ્યક્તિત્વનું પુનર્ઘડતર કરે છે. સાચા શિક્ષણથી તો વ્યક્તિ એના વ્યક્તિત્વની નવી વ્યાખ્યા (redifinition) બાંધે છે. પછી એ નવનિર્મિત વ્યક્તિ એના સમસ્ત પરિવેશનું નવનિર્માણ કરે છે. અલબત્ત, પ્રાણવાન, ભવિષ્યલક્ષી શિક્ષણ જ આવું નવનિર્માણ કરી શકે છે.

(5) શિક્ષણ એટલે આત્મસાક્ષાત્કાર : વ્યક્તિના વ્યક્તિત્વમાં એના તન-મન અને હૃદયમાં ભંડારાયેલી પડેલ અનેકાનેક સંભાવનાઓને વાસ્તવિક રીતે પરિણત કરનારું બળ તે શિક્ષણ. માનવીની છૂપી શક્તિઓને બહાર લાવવાનું શક્ય કરે તે બળ છે શિક્ષણ. આ અર્થમાં શિક્ષણ એ વ્યક્તિની આંતરિક શક્તિઓને બહાર લાવવા [E = Out અને Duco = I lead] માટેનું પ્રેરક બળ પૂરું પાડનાર શક્તિનો સ્રોત છે.

(6) શિક્ષણ એટલે સંસ્કરણ :  સાચું શિક્ષણ માનવસંસ્કૃતિને અનુરૂપ સંસ્કારો આપીને માનવીને એના સાંસ્કૃતિક વારસાને પાત્ર બનાવે છે; એટલું જ નહિ, પણ તેની કલ્પનાશક્તિ, એની સર્જનશક્તિ અને એની સુરુચિની શક્તિ  એ ત્રણેયનું સંયોજન કરી નવાં સાંસ્કૃતિક રૂપો વિકસાવવાની આવડતો પણ એનામાં વિકસાવે છે.

(7) શિક્ષણ એટલે દિવ્યતાની સાધના : સાચું સત્વશીલ શિક્ષણ માનવીના વ્યક્તિત્વનાં ભૌતિક કે માનસિક પરિમાણોને સ્પર્શીને ઇતિશ્રી માનીને બેસી રહેતું નથી. એનું લક્ષ્ય છે માનવીનો આત્મા. શિક્ષણ એને સંકોરે છે. એમ કરીને એનામાં દિવ્ય ચેતના જગવી એને પરમ તત્વના સાંનિધ્યની અનુભૂતિ કરાવે છે. આ દૃષ્ટિએ શિક્ષણ વ્યક્તિનું પુરુષમાંથી પુરુષોત્તમમાં રૂપાંતર નિપજાવનારી શક્તિ સાબિત થઈ શકતું હોય છે.

(8) શિક્ષણ એટલે પર્યાવરણ સાથેનું આદાનપ્રદાન : આ અર્થમાં શિક્ષણ એ એક સક્રિય પ્રભાવકારી બળ (critical agent) ગણાય છે. વ્યક્તિ અનેક પર્યાવરણો જેવાં કે ભૌતિક પર્યાવરણ, સામાજિક પર્યાવરણ, સાંસ્કૃતિક પર્યાવરણ, તકનીકી પર્યાવરણ વગેરે સાથે સક્રિય રીતે સંકળાયેલો હોય છે. એક તરફ એ પર્યાવરણથી પ્રભાવિત થાય છે, તો બીજી તરફ એ પર્યાવરણને પ્રભાવિત કરે છે. ગાંધીજીએ ભારતના રાજકીય પર્યાવરણને કેવું ધરમૂળથી બદલી નાંખ્યું હતું ! જીવનમાં કોઈ પણ ક્ષેત્રે નેતૃત્વ લેનાર વ્યક્તિ એ રીતે પર્યાવરણને બદલી નાંખવાની શક્તિ ધરાવતી હોય છે. સાહસની ભાવનાથી પરિપ્લાવિત શિક્ષણ વ્યક્તિમાં એવી શક્તિ ખીલવી શકતું હોય છે.

(9) શિક્ષણ એટલે મૂલ્યવર્ધન (value addition) : આધુનિક જ્ઞાનયુગ(knowledge age)માં શિક્ષણનો આ અર્થ ઘણો પ્રચલિત બનવા પામ્યો છે. આ યુગ ગુણવત્તાનો છે. એમાં બજારનાં પરિબળો નિર્ણાયક ભાગ ભજવે છે. બજારમાં ટકવા માટે માલની ગુણવત્તા ઉચ્ચતમ જોઈએ એ અનિવાર્ય છે, તો જ એ સ્પર્ધામાં ટકી શકે. આવી ગુણવત્તા અને સ્પર્ધાક્ષમતા જ એ માલનું મૂલ્ય નિર્ધારિત કરે છે. શિક્ષણ માનવીમાં મૂલ્ય ઉમેરતું પરિબળ છે. માનવીના વિચારો, ગુણો, ટેવો, કલ્પનાઓ, સર્જનશીલતા, આવડતો, જ્ઞાન વગેરે બધાં માનવીની પાત્રતામાં, ક્ષમતામાં ઉમેરો કરતાં હોય છે અને શિક્ષણ દ્વારા જ એ શક્તિઓ વિકસી શકતી હોય છે.

આમ શિક્ષણ વિવિધ અર્થો ધરાવતું એક ખૂબ શક્તિશાળી અને શક્તિ પ્રદાન કરતું (empowering) બળ છે એ એના વિવિધ અર્થોની ચર્ચા  પરથી ફલિત થાય છે. એ સ્વાભાવિક છે કે આવા વિવિધ અર્થો ધરાવતું બળ  શિક્ષણ – સમાજમાં આદર પામે છે. સમાજ તેને અનિવાર્ય લેખે અને સમાજના વિવિધ વર્ગો એને જાતે પ્રાપ્ત કરવા અને એમની નવી પેઢીઓ માટે સુલભ કરી આપવા પ્રયત્નો કરે છે, એ માટે મૂડીનું રોકાણ કરે, એમાં જ્ઞાન-વિજ્ઞાનનાં સાધનોનું ઉપયોજન કરે અને એના સુચારુ વ્યવસ્થાપન માટેની જોગવાઈ કરે.

શિક્ષણના ઉદ્દેશો : શિક્ષણનું અનેકવિધ મહત્વ જોતાં દુનિયામાં સર્વત્ર માનવસમાજો એનો પ્રબંધ કરવા કોશિશ કરતા હોય છે. દરેક સમાજ એના ભૂતકાળના વારસાને ખ્યાલમાં રાખે છે. એની વર્તમાન આવશ્યકતાઓ અને સમસ્યાઓને ધ્યાનમાં રાખે છે અને ભવિષ્યમાં એ કેવોક વિકાસ સાધવાની અપેક્ષા રાખે છે તેનો પણ વિચાર કરે છે. આ બધું ચિંતન સહિયારું હોય છે. સમાજના અનેક સંવેદનશીલ લોકો એમાં હિસ્સેદાર હોય છે. એ ચિંતનના પરિપાક રૂપે જે તે સમાજના જે તે વખતના શિક્ષણના હેતુઓ નક્કી થતા હોય છે.

શિક્ષણ દ્વારા બે પ્રકારના ઉદ્દેશો સિદ્ધ કરવાનો ઉપક્રમ થતો હોય છે : એક, શિક્ષણ દ્વારા વ્યક્તિનો વિકાસ કરવાનો; બીજો, શિક્ષણ દ્વારા સમાજના વિકાસનો. એ બંનેના સમન્વય દ્વારા સંતુલિત વિકાસ કરવાની નેમ રાખવામાં આવતી હોય છે. ખાસ કરીને ખુલ્લી, મુક્ત લોકશાહી વ્યવસ્થા ધરાવતા દેશો આ પ્રકારની સમતોલ શિક્ષણવ્યવસ્થા વિકસાવતા હોય છે. એમાં જોવા મળતા શિક્ષણના વ્યક્તિલક્ષી ઉદ્દેશોમાં નીચેના મુદ્દા હોય છે :

(1) શિક્ષણે વ્યક્તિમાં પૂરતી આજીવિકા રળવાની ક્ષમતાઓ વિકસાવવી જોઈએ, જેથી તે પોતાનું અને પોતાના પરિવારનું ભરણપોષણ કરી શકે.

(2) શિક્ષણે વ્યક્તિને, પોતાના દેશ અને કાળના સંદર્ભે જ્ઞાન પામવાની આવડતો અને કૌશલ્યો વિકસાવવામાં સહાય કરવી જોઈએ, જેથી એ એક સક્ષમ શીખનાર (learner) બને, તે શીખી રહેલા સમાજ(learning society)નો અસરકારક જ્ઞાનકાર્યકર (knowledge-worker) બને અને જીવનભર તે એક શીખતો રહેતો સજાગ વ્યક્તિ બને.

(3) શિક્ષણ એવું હોય કે જે વ્યક્તિને સર્વક્ષેત્રે મહત્તમ ઉત્પાદક માનવી બનાવે, જે ઉપલબ્ધ એવી તક્નીકીઓનો ઉપયોગ કરી, એની ઉત્પાદકતા(productivity)ને ઉત્તરોત્તર વધુ ને વધુ પરિણામદાયી બનાવતો રહે.

(4) શિક્ષણે એના લાભાર્થીને એક ખૂબ સંવેદનશીલ (sensitive) વ્યક્તિ બનાવવી જોઈએ. એની સંવેદનશીલતા એવી વ્યાપક અને ઉત્કટ હોય જે દુનિયામાં સૌને આવરી લેતી હોય, સૌને લાભાન્વિત કરતી હોય.

(5) શિક્ષણે એના લાભાર્થી વ્યક્તિને એક જવાબદાર અને સક્રિય નાગરિક બનાવવો જોઈએ, જે સ્થાનિકથી માંડી વિશ્વકક્ષા સુધીના નાગરિક ધર્મને બજાવવા સક્ષમ હોય, તૈયાર હોય.

(6) શિક્ષણ વ્યક્તિના સમગ્ર ચારિત્ર્યને સુવાંગ ઘાટ આપનારું બળ હોય. તેનાથી વ્યક્તિના ચારિત્ર્યનાં બૌદ્ધિક, નૈતિક, આધ્યાત્મિક, સુરુચિલક્ષી અને વાણિજ્ય-વ્યવહારુ જીવનનાં વર્તનોને સ્પર્શતાં પરિમાણો સબળ રીતે ઘડાયાં હોવાં જોઈએ.

(7) શિક્ષણ દ્વારા વ્યક્તિનો સર્વાંગી વિકાસ થવો જોઈએ. એનું શરીર, જ્ઞાનેન્દ્રિયો, બુદ્ધિ, લાગણીઓ, વલણો, આત્મા, અભિગમો, આગ્રહો, શ્રદ્ધાઓ અને કૌશલ્યો (skills)  એ બધાં શિક્ષણ દ્વારા પર્યાપ્ત રીતે વિકાસ પામે તેની દરકાર રાખવી જોઈએ.

(8) શિક્ષણનો એક શિરમોર સમો ઉદ્દેશ છે કે એની સહાયથી વ્યક્તિ તેનો આત્મસાક્ષાત્કાર (self-realisation) કરી શકે. શિક્ષણ દ્વારા એ મન, હૃદય અને આત્માનો એવી કક્ષાનો વિકાસ સાધે કે જેથી એને જીવનસાર્થક્ય(self-fulfilment)ની અનુભૂતિ થાય, એનું જીવ્યું ધન્ય ધન્ય થઈ જાય.

ભારતની પ્રાચીન શિક્ષણવ્યવસ્થામાં જીવનનાં ચાર ધ્યેયો  ધર્મ, અર્થ, કામ અને મોક્ષને નજર સમક્ષ રાખવામાં આવતાં, તેથી જ ગુરુકુળ-આધારિત શિક્ષણવ્યવસ્થામાં પણ ગુરુ અને શિષ્યના સતત આદાન-પ્રદાન (interaction) દ્વારા પ્રત્યેક શિષ્યના વ્યક્તિત્વનો વિકાસ પણ આ ચારેય ધ્યેયોથી સુસંબદ્ધ રીતે થાય તેવા પ્રબંધો જોવા મળતા હતા. ત્યારથી માંડીને આજે પણ, છેલ્લે ભારતની શાળાઓ માટેના રાષ્ટ્રીય અભ્યાસક્રમ(2002)માં જણાવ્યા પ્રમાણે વ્યક્તિના વ્યક્તિત્વના સમતોલ, સુસંવાદી, અને સર્વવ્યાપી વિકાસના ધ્યેયને અગત્યનું સ્થાન આપવામાં આવ્યું છે. વિશ્વના એક આગળ પડતા લોકશાહી દેશ અમેરિકામાં આ દિશામાં લેવાયેલ પગલાં પણ નોંધવા જેવાં છે.

છેક 1918માં અમેરિકામાં નિમાયેલા માધ્યમિક શિક્ષણ અંગેના પંચે પણ શિક્ષણ દ્વારા વ્યક્તિનાં નીચેનાં પાસાં વિકસાવવાનાં ધ્યેયો સૂચવ્યાં હતાં :

(1) શારીરિક આરોગ્ય; (2) પાયાનાં બૌદ્ધિક, ગણન અને સામાજિક કૌશલ્યો; (3) કુટુંબના પ્રેમાળ, સહકારી સભ્ય તરીકેની ક્ષમતા; (4) વ્યવસાયનાં સક્ષમ કૌશલ્યો; (5) નાગરિકતાની આવડતો અને (6) નૈતિક ચારિત્ર્ય.

ત્યારબાદ 1933માં અમેરિકાની રાષ્ટ્રીય શિક્ષણ પરિષદે શિક્ષણના નીચેના ઉદ્દેશોની યાદી સૂચવી હતી :

(1) શારીરિક શક્તિ અને આરોગ્ય; (2) યોગ્ય કૌશલ્યો, મૂલ્યો અને આદર્શો દ્વારા રાષ્ટ્રની સંસ્કૃતિમાં પ્રદાન કરવાની ક્ષમતાઓ; (3) ચેતનવંતા વ્યક્તિત્વના કેટલાક પાયાના ગુણો જેવા કે પહેલવૃત્તિ, વિવેકબુદ્ધિ, વિચારોની લવચીકતા, સહકારની ભાવના વગેરે; (4) કોઈક ચોક્કસ ધંધા, વ્યવસાય કે કામકાજનાં કૌશલ્યો;

(5) આર્થિક ઉત્પાદન કરવાની ક્ષમતા; (6) માનસિક સ્વાસ્થ્ય; (7) સ્વતંત્ર, પ્રભાવક વ્યક્તિત્વ અને પ્રામાણિકતા તથા ન્યાયપ્રિયતા.

ફરી 1968માં અમેરિકાના રાષ્ટ્રીય શિક્ષણ પંચે અમેરિકાના વિદ્યાર્થીઓને આપવાના શિક્ષણ માટે ચાર વ્યાપક ઉદ્દેશો સૂચવ્યા હતા :

(1) આત્મસાક્ષાત્કાર, (2) મધુર માનવીય સંબંધો, (3) ઉત્પાદક કાર્યમાં કૌશલ્યો, (4) સુસંવાદી સંપન્ન એવું વ્યક્તિત્વ.

પછી વર્ષ 1964માં નિમાયેલ રાષ્ટ્રીય શિક્ષણ (કોઠારી) પંચે શિક્ષણનાં ધ્યેયો નીચે મુજબનાં સૂચવ્યાં હતાં :

(1) વૈજ્ઞાનિક અભિગમ કેળવવો, (2) આધુનિક દૃષ્ટિબિંદુ વિકસાવવું, (3) લોકશાહી સમાજવાદને અનુરૂપ નાગરિકતાના ગુણો વિકસાવવા, (4) પ્રગતિશીલ, આશાવાદી અને સભર વ્યક્તિત્વનું નિર્માણ કરવું.

રાષ્ટ્રીય શિક્ષણનીતિ(1968)માં પણ કોઠારી પંચે સૂચવેલાં ધ્યેયોને સમાવી લેવામાં આવ્યાં હતાં. પછી રાષ્ટ્રીય શિક્ષણનીતિ (1986) અને પ્રોગ્રામ ઑવ્ ઍક્શન(1986)માં નીચેનાં ધ્યેયોને સૂચવવામાં આવ્યાં હતાં :

(1) જીવન પ્રત્યે વૈજ્ઞાનિક ષ્ટિબિંદુ કેળવવું, (2) સાંસ્કૃતિક વૈવિધ્ય ધરાવતા સમાજ માટેના નાગરિકના ગુણો ખીલવવા, (3) આધુનિક તકનીકીનાં કૌશલ્યો વિકસાવવાં, (4) સ્વયં શીખતા રહેવાનાં કૌશલ્યો વિકસાવવાં. વિશ્વકક્ષાએ યુનોએ 21મી સદી માટેના શિક્ષણની વિચારણા કરવા નીમેલા ડેલૉર્સ (Delors) પંચે (વર્ષ : 1996) પોતાના અહેવાલ ‘અધ્યયન : ભીતરનો ખજાનો’(Learning : The Treasure Within)માં 21મી સદીના પડકારરૂપ યુગની જરૂરિયાતોને લક્ષમાં રાખી પાયાનાં ચાર ધ્યેયોની ભલામણ કરેલી છે :

(1) જીવન જીવવા માટે ઘડે તેવું શિક્ષણ (learning to be).

(2) ઉત્પાદક કાર્ય ક્ષમતાપૂર્વક, સંતોષપ્રદ રીતે, મહત્તમ કરકસરથી અને ઓછામાં ઓછા દુર્વ્યયથી કરવા માટેની આવડતો વિકસાવે તેવું શિક્ષણ (learning to do).

(3) જીવનભર, શક્ય તેટલા વિવિધ પ્રકારે, શક્ય તેવાં અનેકવિધ ઉપકરણોનો ઉપયોગ કરીને, શીખવા માટેનાં તમામ જરૂરી કૌશલ્યો વિકસાવે તેવું શિક્ષણ (learning to learn).

(4) સમાજમાં હરકોઈ સંજોગોમાં અન્યોની સાથે શાંતિ, સુમેળ, સહયોગ, સમજદારી, સંવાદ અને સક્રિયતાપૂર્વક આનંદથી જીવી શકાય અને તેવા જીવનમાંથી મહત્તમ આત્મપૂર્તિ અનુભવી શકાય એ માટે જીવવાનાં કૌશલ્યો, અભિગમો, ગુણો, ટેવો, આવડતો, લાગણીઓ અને ભાવનાઓ વિકસાવે તેવું શિક્ષણ (learning to live). આવી છે શિક્ષણ પાસેથી માનવ-વ્યક્તિના વ્યક્તિત્વના વિકાસની અપેક્ષાઓ. એમને દેશ દેશની શિક્ષણવ્યવસ્થાઓ પોતપોતાની રીતે વાચા આપવા કોશિશ કરે છે અને એમનું અભ્યાસક્રમમાં નિર્ધારણ થાય છે. વર્ગખંડોના શિક્ષણકાર્યમાં એમને પરિણત કરવાના પ્રયત્નો કરવામાં આવે છે અને ઔપચારિક શિક્ષણ પૂરું કરી, કાર્યજીવનમાં જોડાઈને, એના સહારે વ્યક્તિ એનું રોજિંદું જીવન જીવવા પ્રયત્ન કરે છે. એવું જીવન જીવતાં જીવતાં તેમાંથી કેટલો સંતોષ પ્રાપ્ત કરે છે, તેના પરથી તેણે મેળવેલા શિક્ષણના વ્યક્તિત્વવિકાસનાં ધ્યેયોની પરિપૂર્તિનો ક્યાસ કાઢી શકાય છે.

હવે જોવાનાં રહે છે શિક્ષણનાં સમાજલક્ષી ધ્યેયો. સામાન્ય રીતે એમાં નીચેનાંનો સમાવેશ કરાય છે :

(1) શિક્ષણ દ્વારા જે તે સમાજની સાંસ્કૃતિક પરંપરાઓ અને વારસો જાળવી, તેમનું જતન કરવાનું અને કાળાંતરે તેમનું વૈવિધ્યીકરણ કરવાનું ધ્યેય રાખવામાં આવે છે.

(2) શિક્ષણ દ્વારા જે તે સમાજમાં, જીવનના વિવિધ ક્ષેત્રે, આવશ્યક અને હિતકર એવાં પરિવર્તનો લાવવાનું ધ્યેય પણ રાખવામાં આવે છે.

(3) શિક્ષણ દ્વારા સમાજના વિવિધ વર્ગોનો અને સંપત્તિનો આર્થિક વિકાસ થાય એવું ધ્યેય પણ રાખવામાં આવતું હોય છે.

(4) શિક્ષણ દ્વારા જે તે દેશના લોકોનાં સ્વદેશાભિમાનની ભાવના કેળવવાનું ધ્યેય પણ રાખવામાં આવતું હોય છે.

(5) શિક્ષણ દ્વારા સમાજમાં સંઘભાવના, સહકારભાવના, સાંસ્કૃતિક વિવિધતાઓ માટે સન્માન, સહિષ્ણુતા અને સન્માનની ભાવના, સમાજમાં ઉપસ્થિત થતી સમસ્યાઓ, વિવાદો અને તકરારોના નિરાકરણ માટે શાંતિ, ઉદારતા, ક્ષમાવૃત્તિ અને અપનાવવા-સમાવવાની વૃત્તિ(inclusiveness)ની ભાવના અને સર્વથા કાયદાના શાસન (rule of law) માટેની પ્રતિબદ્ધતાની ભાવના વિકસાવવાનું ધ્યેય રાખવામાં આવે છે.

(6) વિશ્વગ્રામ (global village) બની ચૂકેલા આજના વિશ્વમાં, સ્થપાઈને વિકસી રહેલી વૈશ્વિકીકરણ(globalisation)ની મનોભાવના (mindset) અને કાર્યપ્રણાલીઓને અનુરૂપ માનસિક વલણો, અભિગમો અને કૌશલ્યો ધરાવતા નાગરિકોવાળો વિશ્વસમાજ રચવાનું નવું જ ધ્યેય એકવીસમી સદીના શિક્ષણ માટેનો તકાજો ગણાય છે, પડકાર મનાય છે અને તક પણ માનવામાં આવે છે.

શિક્ષણનાં વ્યક્તિલક્ષી અને સમાજલક્ષી ઉદ્દેશો વાસ્તવમાં એક જ સિક્કાની બે બાજુઓ છે. બંને એકબીજાનાં પૂરક છે. સાચું શિક્ષણ અને ઉપકારક શિક્ષણ એ જ હોય, જે બંને પ્રકારના ઉદ્દેશોને લક્ષમાં રાખીને અપાતું હોય. માટે શિક્ષણની વ્યવસ્થા ગોઠવનારે બંને પ્રકારના ઉદ્દેશોને બર લાવવા માટે સમતોલ અભ્યાસક્રમ રચવો પડે, એને અમલમાં મૂકવાની અનુરૂપ કાર્યપદ્ધતિઓ વિકસાવવી પડે, એ ધ્યેયોને અનુરૂપ અધ્યયન અને અધ્યાપનની સામગ્રીઓ વિકસાવવી પડે, સમયાંતરે તમામ કામગીરીઓના મૂલ્યાંકનની જોગવાઈ કરવી પડે અને એ બધી બાબતોની દેખરેખ (monitoring) અને વ્યવસ્થાપન(management)ની વ્યવસ્થા કરવી પડે. આથી જ ધ્યેય આધારિત શિક્ષણ એના આયોજન અને અમલની ષ્ટિએ વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રે હાથ ધરાતાં સાહસો(corporate enterprises)ને મળતું આવતું, એટલું જ પડકાર અને જોખમભર્યું સાહસ ગણાવા માંડ્યું છે; એથી નવાઈ પામવા જેવું નથી.

શિક્ષણની સંસ્થાઓ : શિક્ષણ એ વ્યક્તિનું ઘડતર કરતી, તેનામાં આંતરિક અને બાહ્ય પરિવર્તનો લાવતી એક વ્યક્તિગત પ્રક્રિયા છે. દરેક વ્યક્તિ કોઈ ને કોઈ રીતે શિક્ષણ પામતી રહેતી હોય છે. સામાન્ય રીતે શિક્ષણ એ માનવ માનવ વચ્ચેની આપ-લેની પ્રક્રિયા ગણાઈ છે. જેમાં એક વ્યક્તિ બીજી પર પ્રભાવ પાડતી હોય છે. આમ, વ્યક્તિનું શિક્ષણ એ તાત્વિક રીતે એક અંગપ્રક્રિયા છે. અલબત્ત, આ રીતે થતા વ્યક્તિગત વિકાસ અને પરિવર્તનની ચરમસીમા એ છે કે જેમાં છેવટે તો વ્યક્તિ પોતે આંતરસૂઝથી પોતાનો વિકાસ સાધતી રહે છે. શાળાઓમાં ક્યાંક ક્યાંક ગોઠવાતું સ્વાધ્યાયલક્ષી શિક્ષણ આવા વિકાસ તરફ દોરી જઈ શકે એવો પ્રયોગ કરી શકાય.

 વ્યક્તિનું ઔપચારિક શિક્ષણ તો શિક્ષણની સંસ્થાઓ જેવી કે બાલમંદિર, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, કૉલેજો અને યુનિવર્સિટી વગેરે દ્વારા કરાતું હોય છે. આવી સંસ્થાઓ કાયદા દ્વારા સ્થપાતી હોય છે. તેમને નિશ્ચિત આધાર-માળખું (infrastructure) હોય છે. તેમનો સઘળો કારોબાર કાયદાકાનૂન, ધારાધોરણો અને નિયમો અન્વયે થતો હોય છે. તેમાં આપવાના શિક્ષણ માટે અભ્યાસક્રમ, પાઠ્યક્રમ, અધ્યયનસામગ્રીઓ, અધ્યાપન અને પરીક્ષણની પ્રવિધિઓ, પ્રવેશ અને શિસ્તના નિયમો, વર્ગબઢતી અને પ્રમાણપત્ર આપવાનાં ધારાધોરણો વગેરે બધું નિશ્ચિત હોય છે. આમ, ઔપચારિક શિક્ષણની સઘળી વ્યવસ્થા ચુસ્ત (rigid) હોય છે. એ એના માટે લાભ તેમજ ગેરલાભ બંને કરતી હોય છે.

વ્યક્તિના શિક્ષણ માટેની બીજી વ્યવસ્થા છે તે અવૈધિક (non-formal) સંસ્થાઓની. દેશ કે રાજ્યના કાયદા દ્વારા પ્રત્યેક રીતે શિક્ષણ આપવા માટે સ્થપાયેલી વૈધિક (formal) સંસ્થાઓ જેવી કે શાળા, મહાશાળા, વિશ્વવિદ્યાલય વગેરેથી આ સંસ્થાઓ જુદી તરી આવે છે. સમાજની જરૂરિયાતોમાંથી આ સંસ્થાઓ ઊભી થાય છે અને સમાજના લોકો એમનું સંચાલન કરે છે. કેટલાક એમના કાર્યક્રમોમાં કશુંક શીખવવાની અને તેની પરીક્ષાઓ લેવાની તથા તે માટે પ્રમાણપત્ર આપવાની કામગીરી પણ કરતી હોય; જેમ કે, રાષ્ટ્રભાષા હિંદી પ્રચાર સમિતિ, આવી એક સંસ્થા છે. એવી સંસ્કૃત, અંગ્રેજી, અરબી, જર્મન વગેરે ભાષાઓ શીખવતી સંસ્થાઓ પણ છે. કેટલીક સંસ્થાઓ ફક્ત પરીક્ષાઓ પણ લેતી હોય છે અને તે પરથી પ્રમાણપત્ર આપતી હોય છે. પ્રોડ્ક્ટિવિટી કાઉન્સિલ, મૅનેજમેન્ટ ઍસોસિયેશન, એન્જિનિયર્સ ઍસોસિયેશન, કૉસ્ટ-એકાઉન્ટન્ટ્સ કાઉન્સિલ વગેરે અનેક વ્યાવસાયિક મંડળો પોતા થકી પરીક્ષા લઈને પ્રમાણપત્ર એનાયત કરતાં હોય છે. વૈશ્વિકીકરણ થતાં આ રીતની અવૈધિક સંસ્થાઓની માંગ વધવા પામી છે. એ સંસ્થાઓ મૅનેજમેન્ટ, ઇન્ફર્મેશન ટૅક્નૉલૉજી, પ્રવાસન, અભિવ્યક્તિ વગેરે અનેક ક્ષેત્રોમાં શિક્ષણ આપવાનું, પરીક્ષાઓ લેવાનું અને પ્રમાણપત્ર આપવાનું કામ કરવા લાગી છે. એમનો ઉદ્દેશ ફક્ત શિક્ષણ આપવાનો ન પણ હોય, તે ઉપરાંત બીજાં વ્યવસાયી કાર્યો અને સેવા પણ તે આપતી હોય છે. વળી તે સારો એવો આર્થિક લાભ પણ મેળવતી હોય છે. અરે, ફક્ત આર્થિક નફો રળવાની વ્યાપારી નેમ (commercial aim) રાખનારી સંસ્થાઓ પણ ખૂબ વધવા પામી છે. એમનામાં અનૈતિક વ્યવહાર કરનારી, છેતરપિંડી કરનારી સંસ્થાઓ પણ હોય છે એ કબૂલવું રહ્યું.

વૈધિક તેમજ અવૈધિક બંને પ્રકારની સંસ્થાઓ હવે વિશ્વક્ષેત્રે કામ કરતી થઈ છે એ વૈશ્વિકીકરણ પામી રહેલા આધુનિક વિશ્વની તાસીર છે. એક દેશની સંસ્થા બીજા દેશમાં પોતાની શાખા ખોલે છે અથવા પોતાની કામગીરી ભાડાપટ્ટાથી કરવા(Frenchise)ની વ્યવસ્થા પણ કરતી હોય છે. કેટલીક સંસ્થાઓ સહયોગના કરાર (M.O.U.) કરી દેશ દેશની સંસ્થાઓ વચ્ચે શિક્ષણ, શિક્ષકો, વિદ્યાર્થીઓ, સાધનો, અભ્યાસક્રમો વગેરેના વિનિમયની પણ જોગવાઈ કરતી હોય છે. આ રીતે પોતાના જ દેશમાં રહ્યા પછી વિદ્યાર્થીઓ અન્ય દેશની શિક્ષણ- વ્યવસ્થાનો લાભ લઈ શકે છે, તેનું પ્રમાણપત્ર પ્રાપ્ત કરી શકે છે અને એમ કરીને પોતાની કારકિર્દીનું ઉન્નયન કરી શકે છે. આમ, શિક્ષણનું આંતરરાષ્ટ્રીયકરણ (internationalisation) થવા માંડવાથી વિશ્વકક્ષાએ શિક્ષણક્ષેત્રે સહયોગનાં નવાં દ્વાર ખૂલવા માંડ્યાં છે.

છેલ્લાં કેટલાંક વર્ષોથી વૈધિક સંસ્થાઓએ ખુલ્લાપણું અપનાવતાં ખુલ્લું શિક્ષણ (open learning) અર્થાત્ દૂરવર્તી શિક્ષણ (distance education) એક વાસ્તવિક હકીકત બની છે. આ સંસ્થાઓ માહિતી અને પ્રત્યાયનની તક્નીકી(Information and Communication Technology)નાં માધ્યમો જેવાં કે વેબસાઇટ, ઇન્ટરનેટ, મલ્ટીમીડિયા માધ્યમો વગેરેનો ઉપયોગ કરીને આખી દુનિયાને એક પ્રકારના વિશ્વવિદ્યાલય(Virtual University)માં ફેરવી શકેલ છે એ એક હેરત પમાડનારી શૈક્ષણિક સિદ્ધિ છે. ભારતની જ ખુલ્લી યુનિવર્સિટી-ઇગ્નૂ(IGNOU) આજે ભારતમાં અને ભારત બહારના કેટલાક દેશોમાં આ રીતનું (ખુલ્લું) શિક્ષણ આપી રહી છે. એના ચોપડે દસ લાખ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. ગુજરાતની ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી પણ ખુલ્લા શિક્ષણની એક અસરકારક સંસ્થા પુરવાર થઈ છે.

વૈધિક અને અવૈધિક સંસ્થાઓ ઉપરાંત સમાજમાં રાતદિવસ, અત્ર-તત્ર-સર્વત્ર શિક્ષણનાં આંદોલનો અવિરતપણે પ્રસરાવતી અનૌપચારિક સંસ્થાઓ તો પાર વિનાની છે. એેમાં ઘર, કુટુંબ, પાડોશ, સમાજ, સમાજની અસંખ્ય (N.G.O.) સંસ્થાઓ, રાજ્યસરકાર અને તેના  ઘટકો, વિશ્વકક્ષાએ કામ કરતી યુનેસ્કો જેવી સંસ્થાઓ મીડિયાના વિવિધ સમૂહસંચારનાં માધ્યમો વગેરેનો સમાવેશ થાય છે. આ બધાં પોતપોતાની રીતે વાતાવરણનું નિર્માણ કરતાં હોય છે, પ્રવૃત્તિઓ યોજતાં હોય છે, શિક્ષણપ્રદ અનુભવોનું વિતરણ કરતાં હોય છે અને અનેક પ્રકારના વિચારો, અનુભવો, ખ્યાલો, ભાવનાઓ વગેરેને વાયુમંડળમાં પ્રસરાવતાં હોય છે. અલબત્ત, એમાં એવાં પણ તત્વો હોય છે; જે અનિષ્ટ વ્યવહારો, વિચારો અને અભિપ્રાયો પ્રસરાવતાં હોય છે. નફરત, હિંસા, ધિક્કાર, ગુનાખોરી, શોષણ, અન્યાય વગેરે જેવાં નકારાત્મક વલણો પણ આવી જ સંસ્થાઓ ફેલાવતી જોવા મળે છે. એના પરિણામે કોમી તોફાનો, વર્ગ વર્ગ વચ્ચે વૈમનસ્ય; અરક્ષિતો જેવાં કે સ્ત્રીઓ, બાળકો, નબળા વર્ગો અને લઘુમતીઓનું શોષણ, હિંસક વર્તનો વગેરે સમાજમાં જોવા મળતાં હોય છે. આ માટે કેટલાંક વર્તમાનપત્રો, કેટલીક ટી.વી. ચેનલો, કેટલાંક ચલચિત્રો અને કેટલાંક જૂથોના ઉશ્કેરાટ ફેલાવનારા કાર્યક્રમો જવાબદાર હોય છે, જે કેટલાંય સર્વેક્ષણો અને તપાસસમિતિઓના  હેવાલો પરથી જાણવા મળતું હોય છે. સત્શિક્ષણ જેટલી જ અપશિક્ષણની શક્યતાઓ આવા વિશાળ અનૌપચારિક સામાજિક ક્ષેત્રમાં ભરી પડેલ છે એ હકીકત જ સમાજને જાગ્રત બનાવવા માટે પૂરતી ગણાવી જોઈએ. આખરે એક સુશિક્ષિત સમાજ અને એના સુરક્ષિત નાગરિકો જ

પોતાની આંતરસૂઝથી અને પ્રબુદ્ધ નિર્ણયશક્તિથી કયું શિક્ષણ પથ્ય છે કે અપથ્ય તેનો નિર્ણય લઈ શકતા હોય છે એ યાદ રાખવું જરૂરી છે.

સરવાળે, એક સામાજિક સત્ય સ્વીકારવું રહ્યું કે જે સમાજ પોતાના સભ્યો માટે વૈધિક, અવૈધિક અને અનૌપચારિક શિક્ષણપ્રબંધોના અસંખ્ય પ્રકારો, વિકલ્પો અને પસંદગીઓ ઊભી કરતો હોય છે એ સમાજના સભ્યોનું નિરંતર શિક્ષણ ખૂબ સક્રિય, ખૂબ વૈવિધ્યપૂર્ણ અને ખૂબ સમૃદ્ધ હોવાનો સંભવ છે. અલબત્ત, જેમ જેમ સમાજ અટપટો બનતો જાય, તેમ તેમ તેમાં સારાં તત્વોની સાથે નરસાં તત્વો પ્રસરવાની પૂરી શક્યતા રહેલી હોય છે અને આખરે, સારાં-નરસાં વચ્ચેનો તફાવત સમજવાની અને તદનુસાર પોતાના ઇષ્ટ હિતમાં પસંદગી કરવાની શક્તિ પણ વ્યક્તિ પોતાના શિક્ષણ દ્વારા જ પ્રાપ્ત કરી શકતી હોય છે. 21મી સદીના આરંભથી જ આકાર લઈ રહેલી જ્ઞાનપ્રેરિત સમાજરચના(knowledge driven society)માં વ્યક્તિમાત્રના અસ્તિત્વ, વિકાસ અને આબાદીનો આધાર તેની શિક્ષણ પ્રાપ્ત કરવાની અને તેના પરથી લાભાન્વિત થવાની શક્તિ પર રહેશે એ સત્ય સ્વીકારવું રહ્યું.

ભારતમાં શિક્ષણ : ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય : ભારતની શિક્ષણ અને સંસ્કૃતિની પરંપરા વિશ્વના ઇતિહાસમાં જાણીતી છે. પ્રાચીન ભારતના શિક્ષણનો વિકાસ વિશ્વના અન્ય દેશો કરતાં ઘણી રીતે ભિન્ન હતો. પ્રાચીન ભારતના સુવિકસિત શિક્ષણના પતનનો આરંભ વિદેશી આક્રમણો પછી થયો. આ પછી ભારતના શિક્ષણનું સ્વરૂપ બદલાતું ગયું.

વૈદિક શિક્ષણવ્યવસ્થા : વૈદિક શિક્ષણવ્યવસ્થામાં શિક્ષણના ઉદ્દેશોની ચર્ચા કરતાં આલ્તેકર નોંધે છે કે ઈશ્વરભક્તિ તથા ધાર્મિકતા, ચારિત્ર્યનિર્માણ અને વ્યક્તિત્વનો વિકાસ, સામાજિક કર્તવ્યોનું પાલન, સામાજિક કૌશલ્યોનો વિકાસ અને પ્રગતિ, રાષ્ટ્રીય સંસ્કૃતિનું રક્ષણ અને પ્રસાર – આ પ્રાચીન ભારતમાં  શિક્ષણના ઉદ્દેશો હતા. પરિષદ, ચરણ, મઠ, ગુરુકુળ અને આશ્રમની સ્થાપના શિક્ષણના હેતુથી કરવામાં આવતી હતી. વિદ્યાર્થીઓ ગુરુની સામે બેસી વૃક્ષો નીચે અધ્યયન કરતા હતા. શિક્ષણ માટે ગુરુકુળ-પ્રથા હતી. ઉપનયન-સંસ્કાર પછી શિક્ષણનો આરંભ થતો. છાત્રો મેખલા ધારણ કરતા. વિવિધ જાતિ અનુસાર આ મેખલા જુદા જુદા પદાર્થોમાંથી બનાવવામાં આવતી હતી. છાત્રો ગુરુને આદર આપતા. સંધ્યા, વંદન, હોમ-હવન ફરજિયાત રીતે કરવાં પડતાં હતાં. શિક્ષણ નિ:શુલ્ક હતું. શિક્ષણ પૂર્ણ થયે છાત્રો ગુરુને (ગુરુ)દક્ષિણા આપતા હતા. વેદોના શિક્ષણ ઉપરાંત પૌરાણિક કથાઓ – પુરાણ, ઉપનિષદો, નીતિશાસ્ત્ર, બ્રહ્મવિદ્યા, ભૂતવિદ્યા, શસ્ત્રવિદ્યા, સર્પવિદ્યા, વ્યાકરણ, જ્યોતિષ જેવા વિષયો વિદ્યાર્થીઓ શીખતા હતા. શિક્ષણ મૌખિક રીતે આપવામાં આવતું હતું. શિક્ષણને અંતે ગુરુ દીક્ષાન્ત પ્રવચન આપતા. સ્ત્રીઓને શિક્ષણ મેળવવાનો પૂર્ણ અધિકાર હતો. શિક્ષણમાં ધર્મ કેન્દ્રસ્થાને હતો. શિક્ષણનું માધ્યમ સંસ્કૃત હતું. અન્ય વિષયોમાં પુરોહિતશિક્ષણ, સૈનિકશિક્ષણ, કૃષિ-વાણિજ્યશિક્ષણ, ઔષધિશાસ્ત્રનું શિક્ષણ આપવામાં આવતું. શિક્ષણ દ્વારા વ્યક્તિનો બહુમુખી વિકાસ થતો હતો. ઈ. પૂ. 250થી ઈ. સ. 800 સુધી આ શિક્ષણ ઉત્તમતાની ચરમ સીમાએ હતું.

બૌદ્ધ શિક્ષણવ્યવસ્થા : ઈ. પૂ. છઠ્ઠી શતાબ્દીમાં ભારતમાં મહાન શિક્ષક તથા ધર્મોપદેશક મહાત્મા બુદ્ધનો ઉદ્ભવ થયો હતો. તેમણે બૌદ્ધ ધર્મના પ્રચાર-પ્રસારની સાથે નવા પ્રકારની શિક્ષણવ્યવસ્થા ઊભી કરી હતી. બૌદ્ધ ધર્મનો વિકાસ સંઘોના સ્વરૂપે થયો હતો. એટલે જ શિક્ષણનું કાર્ય પણ આવા બૌદ્ધ સંઘોમાં થતું હતું. બૌદ્ધ શિક્ષણમાં માત્ર સંઘોમાં શ્રમણોને ધાર્મિક અને વ્યવહારુ શિક્ષણ અપાતું હતું. જાતક કથાઓ દ્વારા જાણવા મળે છે કે બૌદ્ધ મઠો પ્રાથમિક શિક્ષણ માટેનાં કેન્દ્રો હતાં. શિક્ષણ માત્ર ધાર્મિક પ્રકારનું હતું, પરંતુ પાછળથી સાંસારિક શિક્ષણ આપવામાં આવતું હતું. વૈદિક યુગના શિક્ષણ ઉપરના માત્ર બ્રાહ્મણોના અધિકારને નાબૂદ કરવામાં આવ્યો હતો. હ્યુ-એન-ત્સાંગ અને ઇત્સિંગ નામના સાતમી શતાબ્દીમાં ભારતમાં આવેલા ચીની યાત્રીઓની નોંધ અનુસાર પ્રાથમિક શિક્ષણ 6 વર્ષની વયે શરૂ થતું. વિદ્યાર્થીએ ‘સિદ્ધિરસ્તુ’ નામની બાળપોથી ભણવી પડતી હતી.

ઉચ્ચ શિક્ષણનો પ્રારંભ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થયા પછી થતો હતો. ઉચ્ચ શિક્ષણમાં વ્યાકરણ, ધર્મ, જ્યોતિષ, દર્શન અને ઔષધિવિજ્ઞાન વગેરેનો અભ્યાસ કરવો પડતો હતો. ઉચ્ચ શિક્ષણમાં સૈદ્ધાંતિક અને પ્રાયોગિક – એમ બે સ્વરૂપે અભ્યાસ કરવો પડતો હતો. ઉચ્ચ શિક્ષણનાં કેન્દ્રોમાં નાલંદા, વલ્લભી, વિક્રમશીલા, જગદલ, ઓદન્તપુરી, મિથિલા તથા નાદિયા જાણીતાં હતાં. બૌદ્ધ મઠોમાં બધી જ જાતિના લોકો અભ્યાસ કરી શકતા હતા. માત્ર ચાંડાલોને પ્રવેશ નહોતો.

શિક્ષણમાં પ્રવેશ-સમયે ‘પબજ્જા’-સંસ્કારની વિધિ થતી હતી. વિદ્યાર્થી મુંડન કરાવી, પીળાં વસ્ત્રો ધારણ કરી, મઠમાં ભિક્ષુઓના ચરણમાં માથું ટેકવતો. 12 વર્ષ સુધી અભ્યાસ કર્યા પછી 20  વર્ષની ઉંમરે ‘ઉપસંપદા’ સંસ્કાર પ્રાપ્ત કરી ભિક્ષુના સ્વરૂપે સંઘમાં રહી શકાતું. છાત્રોએ ભિક્ષાટન કરવું પડતું. સાદું ભોજન લેવાનું રહેતું. છાત્રો ગુરુની સેવા કરતા. ગુરુ શિષ્યને માનસિક અને આધ્યાત્મિક પથદર્શન કરાવતા. ઉચ્ચ શિક્ષણના કેન્દ્ર સમા બૌદ્ધ મઠોમાં બૌદ્ધ ધર્મ, હિંદુ ધર્મ, જૈન ધર્મ, દર્શનશાસ્ત્ર, અધ્યાત્મવિદ્યા, તર્કશાસ્ત્ર, સંસ્કૃત, પાલિ, ખગોળશાસ્ત્ર, જ્યોતિષ, ઔષધિવિજ્ઞાન, ન્યાયશાસ્ત્ર, રાજ્યવ્યવસ્થા અને પ્રશાસન જેવા વિષયો શીખવાતા. શિક્ષણ મુખ્યત્વે મૌખિક સ્વરૂપનું હતું. જે તે પ્રદેશની પ્રાદેશિક ભાષા શિક્ષણનું માધ્યમ હતી. સામાજિક શિક્ષણપદ્ધતિ ઉપયોગમાં લેવાતી હતી. સ્ત્રીઓને પુરુષોની તુલનાએ નિમ્ન ગણવામાં આવતી. સંઘમાં સ્ત્રીઓને સ્થાન ન હતું; પરંતુ પાછળથી સ્ત્રીઓને સંઘમાં સ્થાન મળ્યું હતું. જોકે આ ગાળામાં સ્ત્રીશિક્ષણ અપેક્ષા અનુસાર નહોતું.

મુસ્લિમ શાસન દરમિયાન શિક્ષણ : ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને મુસ્લિમોએ ઈસુની આઠમી શતાબ્દીમાં ભારત ઉપર આક્રમણોનો આરંભ કર્યો, બારમી સદીમાં મોહમ્મદ ગોરીએ ભારતમાં મુસ્લિમ શાસનનો પ્રારંભ કર્યો. લગભગ 550 વર્ષના મુસ્લિમ શાસન દરમિયાન ભારતનાં સંસ્કૃતિ, શિક્ષણ અને સમાજના સ્વરૂપમાં મોટાં પરિવર્તનો આવ્યાં. મુસ્લિમ શાસકોમાં કેટલાક ઉદાર તો કેટલાક સંકુચિત માનસ ધરાવતા હતા. સંકુચિત માનસ ધરાવતા શાસકોનો ઉદ્દેશ હિંદુ શિક્ષણવ્યવસ્થા અને સંસ્કૃતિને નષ્ટ કરવાનો હતો.

મુસ્લિમ શિક્ષણ ‘મકતબ’ અને ‘મદરેસા’માં અપાતું. આ બંને સામાન્ય રીતે કોઈ મસ્જિદ સાથે જોડાયેલાં રહેતાં. શિક્ષણનું ખર્ચ મુસ્લિમ શાસક કે ધનવાન વ્યક્તિ ઉપાડતી હતી.

પ્રાથમિક શિક્ષણનો પ્રારંભ ‘મકતબ’માં ઉપનયન-સંસ્કારના જેવી જ ‘બિસ્મિલ્લાહ’ વિધિ દ્વારા થતો. બાળકની વય 4 વર્ષ, 4 માસ અને 4 દિવસની હોય ત્યારે આ વિધિ થતી. વિદ્યાર્થીઓ કુરાનની આયાતોનું અધ્યયન કરતા. જુદાં જુદાં સ્થળોના મકતબાઓમાં જુદું જુદું શિક્ષણ અપાતું. છાત્રોને લિપિનું જ્ઞાન મળે પછી ફારસી ભાષા અને ફારસી વ્યાકરણનું શિક્ષણ અપાતું. નૈતિક શિક્ષણ માટે ‘ગુલિસ્તાઁ’ અને ‘બોસ્તાઁ’ શીખવવામાં આવતાં.

વીસમી સદીના આરંભે મકતબના શિક્ષણમાં પરિવર્તન થયું. વિદ્યાર્થીઓને પ્રારંભમાં અરબી અક્ષરો શીખવાતા. શિક્ષણ મૌખિક સ્વરૂપે અપાતું. બાળકોને કલમા ગોખવા પડતા.

મકતબનું શિક્ષણ પૂર્ણ કર્યા પછી વિદ્યાર્થીઓ મદરેસામાં પ્રવેશ મેળવતા. ‘મદરેસા’નો અર્થ ‘ભાષણ આપવાનું સ્થળ’ એવો થાય છે. શિક્ષણ વ્યાખ્યાનો ઉપર આધારિત હતું. મદરેસાનો અધ્યયનકાળ 12 વર્ષનો હતો. ઉચ્ચ શિક્ષણમાં સાંસારિક અને ધાર્મિક શિક્ષણ અપાતું. મુસ્લિમ શાસનકાળમાં ભારતીય ભાષાઓની ઉપેક્ષા થઈ. આ ગાળામાં સ્ત્રીશિક્ષણ અપેક્ષા અનુસાર નહોતું. મોટાભાગે હિંદુઓ આ શિક્ષણથી અલિપ્ત રહ્યા હતા.

આધુનિક શિક્ષણનો આરંભ : ભારતમાં દરિયાઈ વ્યાપારી માર્ગે વ્યાપાર વિકસાવવાના હેતુથી ઈ. સ. 1498માં વાસ્કો-દ-ગામા કાલિકટ બંદરે પહોંચ્યો. તે પછી ફ્રેન્ચો, ડચ (વલંદા) વગેરે યુરોપીય પ્રજાઓ ભારતમાં વેપારાર્થે આવી. આમાં અંગ્રેજો વધારે સફળ થયા. વિદેશી વ્યાપારી કંપનીઓ સાથે ખ્રિસ્તી મિશનરીઓ ભારતમાં ખ્રિસ્તી ધર્મના પ્રચારાર્થે આવ્યા. આ મિશનરીઓએ ભારતમાં આધુનિક શિક્ષણનો પ્રારંભ કર્યો. શરૂઆતમાં તેમણે પ્રાદેશિક ભાષાઓમાં શિક્ષણ આપવું શરૂ કર્યું.

અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ઉદ્દેશ ભારતમાં વેપાર અને ખ્રિસ્તી ધર્મપ્રચાર કરવાનો હતો. ઈ. સ. 1765 પછી કંપની રાજકીય રીતે સશક્ત બની. હિંદુઓ અને મુસ્લિમોને સંતોષવા કંપનીએ ઈ. સ. 1780માં કોલકાતામાં મદરેસા અને ઈ. સ. 1791માં બનારસમાં સંસ્કૃત કૉલેજની સ્થાપના કરી. ઈ. સ. 1823માં એલ્ફિન્સ્ટને તેના આજ્ઞાપત્રમાં ભારતમાં શિક્ષણપ્રસાર માટે ઉપયોગી ભલામણો કરી. એલ્ફિન્સ્ટન સામાન્ય લોકોના શિક્ષણના હિમાયતી હતા.

આ પછી ભારતીય શિક્ષણ પ્રાચ્ય અને પાશ્ર્ચાત્ય એવા વિવાદમાં સપડાયું. આ સમયગાળામાં ઈ. સ. 1834માં લૉર્ડ મેકૉલે ગવર્નર જનરલની કાઉન્સિલના કાનૂની સભ્ય તરીકે ભારત આવ્યા. લૉર્ડ મેકૉલે અંગ્રેજી ભાષાના પ્રકાંડ વિદ્વાન હતા. તે સમયના બંગાળના ગવર્નર જનરલ બૅન્ટિકે તેમને શિક્ષણ-સંબંધિત ધારો નક્કી કરવા બંગાળની લોકશિક્ષણ સમિતિના અધ્યક્ષ બનાવ્યા. 2 ફેબ્રુઆરી, 1835માં મેકૉલેએ તેમનું વિવરણપત્ર (minute) રજૂ કર્યું. મેકૉલેએ  ભારતના પ્રાચીન સાહિત્યની અવગણના કરી અંગ્રેજી માધ્યમ દ્વારા વિજ્ઞાન અને ટેક્નૉલૉજીનું શિક્ષણ આપવામાં આવે એવી ભલામણ કરી. ગવર્નર જનરલ બૅન્ટિકે મેકૉલેના વિવરણપત્રનો સ્વીકાર કર્યો અને પોતાના આજ્ઞાપત્રમાં કંપની સરકારની  શિક્ષણનીતિ જાહેર કરી. તેમાં ભારતીયોને અંગ્રેજી માધ્યમ દ્વારા યુરોપીય સાહિત્ય અને વિજ્ઞાન શીખવવા સૂચવાયું હતું.

ભારતીય શિક્ષણના ઇતિહાસમાં મેકૉલેની કડક આલોચના કરવામાં આવી છે. તેણે પ્રાચીન ભારતીય શિક્ષણ અને સાહિત્યની પ્રગતિ ઉપર અંકુશ મૂક્યો અને એવા વર્ગનું નિર્માણ કરવા વિચાર્યું, જે જન્મે ભારતીય પરંતુ વિચારો અને આચારોમાં અંગ્રેજ હોય; તેમ છતાં અંગ્રેજી શિક્ષણને કારણે જ ભારતીયોમાં રાજકીય જાગૃતિ આવી તેને માટે ભારત મેકૉલેનું ઋણી રહેશે.

ઈ. સ. 1844માં લૉર્ડ હાર્ડિન્જે (Hardinge) ઘોષણા કરી કે અંગ્રેજી શિક્ષણ મેળવનારને સરકારી નોકરીઓ આપવામાં આવશે. આના પરિણામે અંગ્રેજી શિક્ષણ આપતી સંસ્થાઓ ઝડપથી શરૂ થઈ. ઈ. સ. 1843માં સર એરિસ્કિન શિક્ષણ બૉર્ડના અધ્યક્ષ બન્યા. તેઓ અંગ્રેજી ભાષાના શિક્ષણના હિમાયતી હોવાથી દેશી ભાષાઓનું શિક્ષણ જોખમાયું. કેટલાક અંગ્રેજો પ્રાદેશિક ભાષામાં શિક્ષણના હિમાયતી હતા. ઈ. સ. 1838માં ભાષાના માધ્યમનો પ્રશ્ન ઉગ્ર બન્યો. ઈ. સ. 1848માં સરકારે નિર્ણય કર્યો કે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પ્રાદેશિક ભાષામાં, જ્યારે ઉચ્ચ શિક્ષણ અંગ્રેજી ભાષામાં આપવામાં આવે.

19 જુલાઈ 1854માં કંપની સરકારના સંચાલકોએ શિક્ષણનીતિની ઘોષણા કરી. કંપનીના આ ઘોષણાપત્રને વૂડના ખરીતા (Wood’s Despatch) તરીકે ઓળખવામાં આવ્યો છે. આ ઘોષણાપત્રમાં ભારતીય શિક્ષણની સુધારણા માટે એક વિશિષ્ટ યોજના શરૂ થઈ. ભારતમાં વિશ્વવિદ્યાલયોની સ્થાપનાનું શ્રેય વૂડના ઘોષણાપત્રને આપી શકાય. ઈ. સ. 1857માં સરકારે વિશ્વવિદ્યાલય અધિનિયમ (University Act) પસાર કરી કોલકાતા, ચેન્નાઈ અને મુંબઈમાં યુનિવર્સિટીઓનો આરંભ કર્યો. આ સમયગાળામાં વ્યાવસાયિક શિક્ષણ કે જેમાં તબીબી, કાનૂની, ઇજનેરી, કૃષિ, પશુચિકિત્સા અને વનવિજ્ઞાનનો સમાવેશ થતો હતો એવા શિક્ષણનો પણ આરંભ થયો. ઈ. સ. 1854 પહેલાં નિસ્યંદન સિદ્ધાંત(Downward Filtration Theory)નો સ્વીકાર થયો હોવાથી ભદ્રવર્ગના શિક્ષણની જ ચિંતા કરવામાં આવતી હતી. આ પછી એડમ્સના અહેવાલને આધારે પછાત જ્ઞાતિઓના શિક્ષણ અંગે પણ વિચારણા થઈ. ઈ. સ. 1882માં હંટર કમિશનના નામનું એક શિક્ષણ પંચ નીમવામાં આવ્યું. આ શિક્ષણ પંચે શિક્ષણના પ્રસાર માટે ભલામણો કરી. આ પંચે પ્રાથમિક શિક્ષણને સંગીન બનાવવા મહત્વની ભલામણો કરી.

19મી  સદીના ઉત્તરાર્ધમાં ભારતીયોમાં રાષ્ટ્રીય ચેતનાનો પ્રાદુર્ભાવ થયો. પરિણામે ઈ. સ. 1885માં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની સ્થાપના થઈ. ગોપાલકૃષ્ણ ગોખલેએ ભારતીય શિક્ષણના વિસ્તરણનો આગ્રહ રાખ્યો.

19મી શતાબ્દીના અંતિમ દશકામાં ભારતીય સમાજસુધારકોએ અંગ્રેજી શિક્ષણ દ્વારા થતા ભારતીય સંસ્કૃતિ, સભ્યતા, ભાષા અને સાહિત્યની અવગણનાનો વિરોધ કર્યો. રાષ્ટ્રીય શિક્ષણ આપવાના હેતુથી લાહોરમાં ઍંગ્લો-વૈદિક કૉલેજનો, હરદ્વારમાં સ્વામી શ્રદ્ધાનંદ દ્વારા ગુરુકુળનો અને બનારસમાં સેન્ટ્રલ હિન્દુ કૉલેજનો આરંભ થયો.

ઈ. સ. 1902માં ભારતીય વિશ્વવિદ્યાલય પંચની રચના થઈ, જેણે યુનિવર્સિટી શિક્ષણની ઉન્નતિ માટે સૂચનો કર્યાં. તેણે યુનિવર્સિટીમાં શિક્ષણકાર્ય થાય એવો આગ્રહ રાખ્યો. ઈ. સ. 1916માં સર આશુતોષ મુકરજીના પ્રયાસોથી કલકત્તા યુનિવર્સિટીમાં અનુસ્નાતક-શિક્ષણનો આરંભ થયો. ઈ. સ. 1917માં ડૉ. માઇકલ સેડલરના અધ્યક્ષપદે કલકત્તા યુનિવર્સિટી પંચ (સેડલર પંચ) નિયુક્ત કરવામાં આવ્યું. આ પંચે ઉચ્ચ શિક્ષણ ઉપરાંત માધ્યમિક શિક્ષણમાં સુધારણા માટે મહત્વની ભલામણો કરી.

પ્રથમ વિશ્વયુદ્ધ પછી મૉન્ટેગ્યૂ ચેમ્સફૉર્ડ અહેવાલ અનુસાર ભારતમાં દ્વિસ્તરીય શાસનનો આરંભ થયો. ભારતીય શિક્ષણના ઇતિહાસમાં પ્રથમ વાર પ્રાંતોમાં લોકોએ ચૂંટેલા ભારતીય મંત્રીઓને વહીવટી અધિકારો મળ્યા.

ઈ. સ. 1937માં કૉંગ્રેસી મંત્રીમંડળોએ શાસનનો ભાર ઉપાડ્યો. આ સમયગાળા દરમિયાન ગાંધીજીએ રાષ્ટ્રીય શિક્ષણ પરત્વે નાગરિકોનું ધ્યાન ખેંચવા ‘હરિજન’માં શિક્ષણ સંબંધી લેખો લખવા શરૂ કર્યા. આ લેખો બુનિયાદી શિક્ષણ(basic education)નો પાયો હતા. આ લેખોએ વિચારકોમાં ચર્ચાનાં વમળો ઊભાં કર્યાં. તા. 22, 23 ઑક્ટોબર, 1937ના રોજ વર્ધામાં ગાંધીજીએ અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષણ સંમેલન યોજ્યું. આ સંમેલનમાં બુનિયાદી શિક્ષણના આધાર સમા ચાર ઠરાવો પસાર થયા. બુનિયાદી શિક્ષણને નક્કર સ્વરૂપ આપવા ડૉ. ઝાકિર હુસેનના અધ્યક્ષપદે એક સમિતિ નીમવામાં આવી. વર્ધા સંમેલનમાં ઘડાયેલી શિક્ષણની યોજના વર્ધા શિક્ષણ યોજના તરીકે ઓળખાઈ જેનો ઈ. સ. 1938ના હરિપુરા કૉંગ્રેસ અધિવેશનમાં બુનિયાદી શિક્ષણ યોજના તરીકે સ્વીકાર થયો અને જે પ્રાંતોમાં કૉંગ્રેસની સરકારો હતી ત્યાં તેનો અમલ કરવાનો ઠરાવ થયો. બીજા વિશ્વયુદ્ધ પછી સર જ્હૉન સાર્જન્ટે યુદ્ધોત્તર શિક્ષણ-વિકાસ અંગેની પોતાની નોંધ ઈ. સ. 1944માં કેન્દ્રીય શિક્ષણ સલાહકાર સમિતિ સમક્ષ રજૂ કરી. આ યોજના સાર્જન્ટ યોજના તરીકે ઓળખાઈ; જેમાં પૂર્વ-પ્રાથમિક, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ સુધારણા અંગે વિવિધ ભલામણો કરવામાં આવી હતી.

સ્વાતંત્ર્ય પછી શિક્ષણવિકાસ : ઈ. સ. 1947માં સ્વાતંત્ર્યની પ્રાપ્તિ પછી શિક્ષણને ભારતીય સ્વરૂપ આપવા અને ઉચ્ચ શિક્ષણમાં જરૂરી સુધારણા કરવા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ના અધ્યક્ષપણા હેઠળ યુનિવર્સિટી શિક્ષણ પંચ(1948-49)ની રચના કરવામાં આવી. આ પંચે ઉચ્ચ શિક્ષણની સુધારણા માટે જરૂરી ભલામણો કરી; જેમાં ઉચ્ચ શિક્ષણમાં પ્રાયોગિક ધોરણે ભારતીય ભાષાઓનો ઉપયોગ, પરીક્ષા-સુધારણા વગેરે મહત્વની ભલામણો ગણી શકાય.

માધ્યમિક શિક્ષણની સુધારણાના હેતુથી 23 સપ્ટેમ્બર, 1952માં મદ્રાસ યુનિવર્સિટીના ઉપકુલપતિ ડૉ. લક્ષ્મણ સ્વામી મુદલિયારના અધ્યક્ષપણા હેઠળ માધ્યમિક શિક્ષણ પંચની નિયુક્તિ કરવામાં આવી. આ પંચે માધ્યમિક શિક્ષણના હેતુઓ સુસ્પષ્ટ કર્યા, માધ્યમિક શિક્ષણને જીવનોપયોગી બનાવવાનું સૂચવ્યું. પંચે વિવિધલક્ષી વિદ્યાલયો (Multipurpose schools) સ્થાપવાની ભલામણ કરી. આ ભલામણો અન્વયે દેશની કેટલીક માધ્યમિક શાળાઓ વિવિધલક્ષી શાળાઓમાં પરિવર્તિત થઈ; પરંતુ આ યોજનાને અપેક્ષા મુજબની સફળતા ન મળતાં કોઠારી શિક્ષણ પંચે તે બંધ કરવા ભલામણો કરી.

આ પછી 14 જુલાઈ, 1964ના રોજ ભારત સરકારે ડૉ. ડી. એસ. કોઠારીના અધ્યક્ષપદે રાષ્ટ્રીય શિક્ષણ પંચ(1964-66)ની નિયુક્તિ કરી. આ પંચ કોઠારી શિક્ષણ પંચના નામે પણ ઓળખાય છે. આ પંચે તમામ પ્રકારના શિક્ષણનો તલસ્પર્શી અભ્યાસ કરી વિવિધ પ્રકારના શિક્ષણની સુધારણા માટે વિગતે ભલામણો કરી. આ પંચની ભલામણો અનુસાર સમગ્ર દેશમાં શિક્ષણના સમાન માળખાનો એટલે કે 10 + 2 + 3ની નવી તરેહનો સ્વીકાર થયો. ઉચ્ચતર માધ્યમિક શિક્ષણનો તબક્કો અમલી બન્યો. જોકે ધો. 10 પછી +2 સ્તરે વ્યાવસાયિક શિક્ષણના વિચારને ધાર્યા મુજબની સફળતા મળી નથી. ઉચ્ચ શિક્ષણ ઉપરનું ભારણ પ્રતિવર્ષ વધતું ચાલ્યું છે.

આ બધા પ્રયાસો છતાં શિક્ષણમાં અપેક્ષા મુજબ પ્રગતિ થઈ શકી નહિ. પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકીકરણનું ધ્યેય હાંસલ થઈ શક્યું નહિ. માધ્યમિક શિક્ષણના વ્યાવસાયીકરણના પ્રયાસો નિષ્ફળ ગયા. ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા નીચે ઊતરતી ગઈ. આ બધી બાબતોને ધ્યાનમાં લઈ ઈ. સ. 1986માં શિક્ષણની રાષ્ટ્રીય નીતિ(NEP – 86)ની  ઘોષણા થઈ. રાષ્ટ્રીય શિક્ષણનીતિ દ્વારા રાષ્ટ્રીય અભ્યાસક્રમનું માળખું – અભ્યાસક્રમમાં હાર્દરૂપ બાબતો (core elements), શિક્ષણના પ્રત્યેક તબક્કે લઘુતમ અધ્યયન-નીપજ (M.L.L.), અધ્યેતાકેન્દ્રી અભ્યાસક્રમો, સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન, નવોદય વિદ્યાલયો અંગે ભલામણો કરવામાં આવી. રાષ્ટ્રીય શિક્ષણનીતિ – 1986ની ભલામણોની સમીક્ષા કરવા 7 મે, 1990ના રોજ આચાર્ય રામમૂર્તિના અધ્યક્ષપદે એક સમિતિ નીમવામાં આવી. આ સમિતિએ NEP – 86ના સફળ અમલીકરણ માટે શિક્ષકોની ક્ષમતા વિકસાવવા ઉપર ભાર મૂક્યો. આ સમિતિની મહત્વની ભલામણોના આધારે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનો (DIET), કૉલેજ ઑવ્ ટીચર એજ્યુકેશન (CTE), ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એડવાન્સ સ્ટડીઝ ઇન એજ્યુકેશન-(IASE)ની સ્થાપના થઈ.

ભારતમાં પૂર્વપ્રાથમિક શિક્ષણ : બાળવિકાસના તબક્કાઓમાં 21 વર્ષથી 6 વર્ષનો વયગાળો અતિ મહત્વનો ગણવામાં આવે છે. આ ગાળામાં જ બાળકમાં ઘણાં મનોવલણો વિકસે છે. જ્ઞાનેન્દ્રિયોના વિકાસનો આ સમયગાળો છે. આ વયે બાળકને વિધિવત્ શિક્ષણ આપવામાં આવતું નથી. વિધિવત્ શિક્ષણ પાંચ કે છ વર્ષની વયે શરૂ થાય છે; પરંતુ 21 થી 5 કે 6 વર્ષનો વયગાળો વિકાસનો ઉત્તમ તબક્કો છે. મનોવૈજ્ઞાનિકોએ પણ આ વયગાળાને મહત્વનો ગણ્યો છે. આ સમયગાળામાં બાળક પ્રાથમિક શિક્ષણ પૂર્વે કેટલીક બાબતો શીખે છે. એટલે આ ગાળાને પૂર્વપ્રાથમિક શિક્ષણ(Pre-primary education)નો ગાળો ગણવામાં આવે છે.

પૂર્વપ્રાથમિક શિક્ષણ આપતી સંસ્થા કિન્ડરગાર્ટન, નર્સરી, મૉન્ટેસોરી, બાલમંદિર, બાલવાડી કે આંગણવાડી તરીકે ઓળખાય છે. કિન્ડરગાર્ટન શિક્ષણપદ્ધતિના પ્રણેતા જર્મનીના કેળવણીકાર વિલ્હેમ ફ્રૉબેલ હતા; જ્યારે મૉન્ટેસોરી પદ્ધતિના પ્રણેતા મૅડમ મારિયા મૉન્ટેસોરી હતાં. ગુજરાતમાં ગિજુભાઈએ બાલમંદિરના શિક્ષણનો નવા જ સ્વરૂપે પ્રારંભ કર્યો હતો. અલબત્ત, તેઓ ઉપર મૉન્ટેસોરી અને ફ્રૉબેલ બંનેની ગાઢ અસર હતી.

પૂર્વપ્રાથમિક શિક્ષણમાં અંકજ્ઞાન કે અક્ષરજ્ઞાન આપવાનું હોતું નથી; પરંતુ આ વયગાળામાં જ્ઞાનેન્દ્રિયોના વિકાસને મહત્વ અપાય છે. બાળમાનસના વિકાસ માટે રમકડાં, સંગીત, નૃત્ય, માટીકામ, કાગળકામ વગેરેને સ્થાન આપવામાં આવે છે.

ભારતમાં મોટાં શહેરો અને કસબાઓમાં બાલમંદિરોની સુવિધા ઉપલબ્ધ છે. કેટલાક ગ્રામવિસ્તારો, શહેરોના ગરીબ વિસ્તારો અને ઝૂંપડપટ્ટીનાં કેટલાંક બાળકોને બાલવાડી અને આંગણવાડી દ્વારા પૂર્વપ્રાથમિક શિક્ષણનો લાભ મળે છે. જોકે મોટાભાગના ગ્રામ-વિસ્તારોમાં આ સુવિધા ઉપલબ્ધ નથી. ગુજરાતમાં વર્ષ 1984-85માં 1,103 બાલમંદિરોમાં 1,31,762 બાળકો હતાં; જે વધીને વર્ષ 1994-95માં 2,450 બાલમંદિરોમાં 1,61,888 બાળકો હતાં. પૂર્વપ્રાથમિક શિક્ષકોને તૈયાર કરવા ગુજરાતમાં પૂર્વપ્રાથમિક અધ્યાપન મંદિરોની સુવિધા પણ છે.

પૂર્વપ્રાથમિક શિક્ષણ વિશે હજુ આપણે ત્યાં ભ્રામક ખ્યાલ પ્રવર્તે છે. આ વયગાળામાં અંકજ્ઞાન અને અક્ષરજ્ઞાન આપવાનું શરૂ કરી દેવાય છે. અંગ્રેજી માધ્યમનાં બાલમંદિરોમાં કુમળી વયમાં જ વિદ્યાર્થી ઉપર ભણતરનો ભાર વધારી દેવાયો છે. આ શિક્ષણની સીધી જવાબદારી રાજ્ય કે કેન્દ્ર સરકાર ઉપાડતી નથી. શિક્ષણનું આ ક્ષેત્ર ઐચ્છિક હોવાથી ભારતમાં તેનો અપેક્ષિત વિકાસ થયો નથી. ગ્રામવિસ્તારોમાં આ પ્રકારના શિક્ષણ માટે જાગૃતિનો અભાવ છે.

ભારતમાં પ્રાથમિક શિક્ષણ : પ્રાચીન સમયમાં ભારતમાં શિક્ષણ સાર્વત્રિક હતું. ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ સુધીમાં દરેક છોકરા અને છોકરીએ શિક્ષણ પ્રાપ્ત કરી લેવાનું હતું. આ પ્રથા કાળક્રમે નષ્ટ થઈ. સ્ત્રીઓને મળતા શિક્ષણના અધિકારો નષ્ટ થયા. બાળલગ્નો વધતાં કન્યાકેળવણી ઘટતી ગઈ. પ્રાચીન સમયના અંતે પાઠશાળાઓમાં હિંદુ શિક્ષણપદ્ધતિનો વિકાસ થયો. મુસ્લિમોના આગમન પછી મુસ્લિમ શિક્ષણપ્રથા દાખલ થઈ. અર્વાચીન કેળવણીનો આરંભ 19મી સદીના આરંભે બ્રિટિશરોના આગમન પછી થયો. અંગ્રેજોના આગમન પૂર્વે ભારતમાં દેશી શાળાઓ અસ્તિત્વમાં હતી. બ્રિટિશરોની સાથે આવેલા મિશનરીઓએ પ્રાદેશિક ભાષાઓમાં શિક્ષણ આપવાનો આરંભ કર્યો. અભ્યાસક્રમ સુનિશ્ચિત કર્યો. ઈ. સ. 1859 પછી પ્રાથમિક શિક્ષણ માટે સ્થાનિક કર લેવો શરૂ થયો. ઈ. સ. 1882 પછી પ્રાથમિક શિક્ષણમાં ઝડપથી વધારો થયો. ભારતમાં ઈ. સ. 1885માં રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ. આ પછી ભારતમાં પ્રાથમિક શિક્ષણ ફરજિયાત બનાવવાની હિલચાલ શરૂ થઈ. આ અંગેના ગોપાલકૃષ્ણ ગોખલેના પ્રયાસો નોંધપાત્ર છે. તેમણે ઈ. સ. 1910માં અને ઈ. સ. 1911માં એમ બે વાર ઇમ્પીરિયલ લેજિસ્લેટિવ એસેમ્બલીમાં પ્રાથમિક શિક્ષણને લગતાં બિલ રજૂ કર્યાં, જે પસાર ન થઈ શક્યાં. ઈ. સ. 1910થી 1917ના ગાળામાં પ્રાથમિક શિક્ષણનો વિકાસ ઝડપી બન્યો. ઈ. સ. 1918માં મુંબઈ મ્યુનિસિપલ વિસ્તારમાં પ્રાથમિક શિક્ષણ ફરજિયાત બનાવવાનો કાયદો કરવામાં આવ્યો. આ સમયે કેટલાંક પ્રગતિશીલ દેશી રાજ્યોમાં પ્રાથમિક શિક્ષણ ફરજિયાત હતું. ઈ. સ. 1906માં વડોદરાના મહારાજાએ પોતાના રાજ્યમાં પ્રાથમિક શિક્ષણને ફરજિયાત બનાવ્યું હતું. આ પછી કોલ્હાપુર, કાશ્મીર તથા મૈસૂર રાજ્યમાં પણ પ્રાથમિક શિક્ષણ ફરજિયાત બનાવાયું હતું.

સ્વાતંત્ર્ય અગાઉના વર્ષ 1945-46માં ભારતમાં 1,67,700 પ્રાથમિક શાળાઓ હતી; જેમાં 1,30,27,313 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. આમ સ્વાતંત્ર્ય પૂર્વે ભારતના પ્રાથમિક  શિક્ષણનું ચિત્ર સંતોષકારક ન હતું.

સ્વાતંત્ર્ય પછી પ્રાથમિક શિક્ષણનો વિકાસ :

સ્વાતંત્ર્ય પછી પ્રાથમિક શિક્ષણના વિકાસ માટે સઘન પ્રયાસો થયા. પ્રાથમિક શિક્ષણના ઇતિહાસમાં બંધારણની 45મી કલમ અને બુનિયાદી શિક્ષણ (basic education)  એ સીમાચિહ્ન-રૂપ બાબતો ગણી શકાય. બંધારણની કલમ 45માં એવું સ્વીકારવામાં આવ્યું હતું કે ઈ. સ. 1960 સુધીમાં 6થી 14 વર્ષની વયજૂથનાં તમામ બાળકો શાળામાં પ્રવેશે એવા પ્રયાસો રાજ્યોએ હાથ ધરવા. કમભાગ્યે, ઈ. સ. 2005માં પણ આ લક્ષ્યાંક સિદ્ધ થઈ શક્યો નથી. સ્વાતંત્ર્યને અર્ધી સદી વીત્યા છતાં હજુ કરોડોની સંખ્યામાં બાળકોએ પ્રાથમિક શાળાનું પગથિયું જોયું નથી. આ દિશામાં સઘન પ્રયાસો ચાલુ છે.

બંધારણમાં શિક્ષણને રાજ્યનો વિષય ગણ્યો હોવાથી સમગ્ર શિક્ષણની જવાબદારી રાજ્યની ગણાય; પરંતુ બંધારણની કલમ 45 મુજબ પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકીકરણની જવાબદારી ભારત સરકારની અને લોકસભાની ગણાય. એટલે જ ઈ. સ. 1976માં શિક્ષણને રાજ્યસરકાર અને કેન્દ્રસરકારની સંયુક્ત યાદીમાં મૂકવામાં આવ્યું. પ્રાથમિક શિક્ષણને સંગીન બનાવવા 17 જૂન, 1957ના રોજ All India Council of Primary Education-ની રચના કરવામાં આવી. આ ઉપરાંત પ્રાથમિક શિક્ષણના વિકાસનું સ્પષ્ટ ચિત્ર મેળવવા First Education Survey of India – 1957 અને Second Educational Survey of India – 1967 હાથ ધરવામાં આવ્યા. આ સર્વેક્ષણો દ્વારા પ્રાથમિક શિક્ષણની કેટલીક સમસ્યાઓ; જેવી કે, અપવ્યય, સ્થગિતતા, કેટલાક વિસ્તારોમાં શાળાઓની ઓછી સંખ્યા, એક શિક્ષકવાળી શાળાઓની સમસ્યાઓ વગેરે વધારે સ્પષ્ટ થઈ શકી. આ પછી પણ આવાં સર્વેક્ષણો N.C.E.R.T. દ્વારા થાય છે.

કેન્દ્ર સરકારના શિક્ષણમંત્રાલય(હવે માનવ-સંસાધન વિકાસ મંત્રાલય)માં નવ વિભાગો પૈકી એક પ્રાથમિક શિક્ષણ અને બુનિયાદી શિક્ષણને લગતો છે. પ્રાથમિક શિક્ષણ માટે કેન્દ્ર સરકારમાં એક વિશિષ્ટ સલાહકાર નિયુક્ત કરવામાં આવે છે.

પ્રાથમિક શિક્ષણની સમસ્યાઓમાં અપવ્યય (wastage) અને સ્થગિતતા (stagnation), આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં પ્રાથમિક શિક્ષણનું ઓછું વિસ્તરણ, એક શિક્ષકવાળી શાળાઓ, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણનું ધ્યેય સિદ્ધ ન થવું, પ્રાથમિક શિક્ષણની નીચી ગુણવત્તા, અસંતોષકારક કન્યાકેળવણી વગેરે મુખ્ય છે.

કોઠારી શિક્ષણ પંચની ભલામણો અનુસાર પ્રાથમિક શિક્ષણની ગુણવત્તાની સુધારણા હેતુથી ઈ. સ. 1964માં ભારતનાં 12 રાજ્યોમાં રાજ્ય શિક્ષણ ભવન (State Institute of Education) શરૂ કરવામાં આવ્યાં. આ ઉપરાંત 1 કિમી.ની ત્રિજ્યામાં ધો. 1થી 4ની પ્રાથમિક શાળાઓ અને 3 કિમી.ની ત્રિજ્યામાં ધો. 1થી 7ની પૂર્ણ પ્રાથમિક શાળાઓ ઉપલબ્ધ બની શકે એવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. રાષ્ટ્રીય શિક્ષણનીતિ – 1986 અનુસાર પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા-સુધારણાના હેતુથી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનો (DIET) શરૂ થયાં. હાલ દેશમાં કુલ 485 DIET કાર્યરત છે. આ સંસ્થાઓ સેવાપૂર્વ અને સેવાકાલીન શિક્ષકના પ્રશિક્ષણની, સમાજશિક્ષણની, વિકલાંગોના શિક્ષણ માટે સંકલિત (integrated) શિક્ષણની, શિક્ષણમાં નવીન પ્રયોગો, શૈક્ષણિક તક્નીકી અને શિક્ષણમાં કમ્પ્યૂટરના ઉપયોગની, શિક્ષણમાં સમાજની સક્રિય હિસ્સેદારી વગેરેને લગતી નોંધપાત્ર કામગીરી કરે છે. રાજ્ય શિક્ષણ ભવનોને – S.C.E.R.T.(State Council of Educational Research and Training)માં પરિવર્તિત કરવામાં આવ્યાં છે. ગુજરાતમાં તે G.C.E.R.T.ના નામે ઓળખાય છે. આ તબક્કે તે પ્રાથમિક શિક્ષણક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી રહ્યાં છે. રાષ્ટ્રીય શિક્ષણનીતિ – 1986 અન્વયે પ્રાથમિક શાળાઓને ભૌતિક રીતે સંપન્ન બનાવવા ‘ઑપરેશન બ્લૅક-બૉર્ડ’ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અન્વયે પ્રાથમિક શાળાઓમાં ઓછામાં ઓછા બે ઓરડા અને ઓછામાં ઓછા બે શિક્ષકોની જરૂરિયાત પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત જરૂરી એવાં શૈક્ષણિક સાધનો પ્રાથમિક શાળામાં ઉપલબ્ધ થયાં છે.

પ્રાથમિક શિક્ષણને સાર્વત્રિક બનાવવા તથા તેની ગુણવત્તા-સુધારણા માટે DPEP (District Primary Education Programme) કાર્યક્રમો શરૂ થયા છે. આ યોજના દેશના 253 જિલ્લાઓમાં ચાલી રહી છે. અધવચ્ચે શાળા છોડી દેનાર વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક શાળા(alternative schooling)નો  કાર્યક્રમ શરૂ થયો છે. આ ઉપરાંત ખુલ્લી શાળા(open school)નો વિચાર અમલી બનાવાઈ રહ્યો છે. પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકીકરણના પ્રયાસ રૂપે મધ્યાહ્ન-ભોજન યોજના ગુજરાત, કેરળ, તમિલનાડુ અને પુદુચેરીમાં અમલી બની છે. ઈ. સ. 2002થી રાષ્ટ્રીય સ્તરે સર્વ શિક્ષા અભિયાન (SSA) કાર્યક્રમ શરૂ થયો છે.

ઈ. સ. 2003ના આંકડાઓ મુજબ દેશમાં કુલ 7.69 લાખ પ્રાથમિક શાળાઓમાં 10.35 કરોડ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો દ્વારા વધુ બાળકોને શાળામાં લાવવા પ્રયાસો થાય છે. લઘુતમ સિદ્ધિ કક્ષા (MLL) યોજના દ્વારા શિક્ષણની ગુણવત્તા-ઉન્નયનના પ્રયત્નો થઈ રહ્યા છે. પ્રો. યશપાલ સમિતિએ સૂચવેલ ભાર વિનાનું ભણતર અન્વયે બાલમિત્ર વર્ગ અને આનંદસભર શિક્ષણ(joyfull learning)નો વિચાર પ્રસરાવવામાં આવી રહ્યો છે.

ભારતમાં માધ્યમિક શિક્ષણ : ભારતમાં માધ્યમિક શિક્ષણનો પ્રારંભ કેટલાંક રાજ્યોમાં ધો. 8થી, જ્યારે કેટલાંક રાજ્યોમાં ધો. 9થી થાય છે. ધો. 10 સુધીનું શિક્ષણ માધ્યમિક અને ધો. 11 અને 12નું શિક્ષણ ઉચ્ચતર માધ્યમિક ગણાય છે. ધો. 10ને અંતે એસ.એસ.સી. અને ધો. 12ના અંતે એચ.એસ.સી.  આમ બે જાહેર પરીક્ષાઓ બૉર્ડ દ્વારા લેવાય છે. ભારતમાં પ્રાચીન અને મધ્યકાલીન સમયગાળામાં પ્રાથમિક અને ઉચ્ચ  એવા શિક્ષણના બે જ તબક્કા હતા.

ભારતની પ્રવર્તમાન માધ્યમિક શાળાઓનો ઉદ્ભવ ઓગણીસમી સદીના પ્રારંભિક દાયકાઓમાં અસ્તિત્વમાં આવેલી અંગ્રેજી શાળાઓમાંથી થયો છે. ભારતમાં માધ્યમિક શિક્ષણનો આરંભ ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા થયો. ઈ. સ. 1854ના વૂડના ખરીતામાં શિક્ષણના ત્રણ તબક્કાઓ પૈકી વચલા તબક્કા તરીકે અંગ્રેજી કે ભારતીય ભાષાઓ દ્વારા શિક્ષણ આપતી શાળાઓની હિમાયત કરવામાં આવી. ભારતમાં માધ્યમિક શિક્ષણના વિકાસમાં ક્રિશ્ચિયન ફ્રેડરિક સ્પૉટર્ઝ નામના પાદરીએ ચેન્નાઈમાં, ઍલેક્ઝાન્ડર ડફે બંગાળમાં અને લૉર્ડ એલ્ફિન્સ્ટને મુંબઈમાં નોંધપાત્ર કામગીરી કરી હતી. હંટર કમિશન(1882)ની ભલામણો પછી માધ્યમિક શાળાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો. હંટર કમિશને માધ્યમિક શિક્ષણ ખાનગી સાહસોના હાથમાં સોંપવા સૂચવ્યું. હાર્ટૉંગ કમિટી(1929)એ માધ્યમિક કક્ષાએ વિદ્યાર્થીઓને  ધંધાકીય  શિક્ષણમાં વાળવા વિવિધલક્ષી અભ્યાસક્રમો શરૂ કરવા સૂચવ્યું. ઈ. સ. 1906-07માં ભારતમાં  5,898 માધ્યમિક શાળાઓ હતી, જે વધીને ઈ. સ. 1946માં 17,031 થઈ.

રાધાક્રૃષ્ણન્ શિક્ષણ પંચે માધ્યમિક શિક્ષણને પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ વચ્ચેની નબળી કડી તરીકે ઓળખાવ્યું. મુદલિયાર શિક્ષણ પંચ (1952-53), જે માધ્યમિક શિક્ષણની સુધારણા માટે જ નીમવામાં આવ્યું હતું, તેણે માધ્યમિક શિક્ષણની સુધારણા માટે વિવિધ ભલામણો કરી. આ પંચની મહત્વની ભલામણોમાં વિવિધલક્ષી વિદ્યાલયો-(Multipurpose schools)ની સ્થાપનાનો સમાવેશ થાય છે. આ ભલામણો અન્વયે પ્રથમ પંચવર્ષીય યોજનાને અંતે દેશમાં કુલ 255 વિવિધલક્ષી વિદ્યાલયો હતાં. બીજી પંચવર્ષીય યોજનાને અંતે વિવિધલક્ષી વિદ્યાલયોની સંખ્યા 2,612 થઈ. આ પછી કોઠારી શિક્ષણ પંચે (1964-66) દ્વારા આવી શાળાઓ બંધ કરવા સૂચવાતાં આ સ્વરૂપની શાળાઓનો વિકાસ અટક્યો.

કોઠારી શિક્ષણ પંચ(1964-66)ની ભલામણો અનુસાર દેશનાં મોટા ભાગનાં રાજ્યોએ 10 + 2 + 3ના શિક્ષણના નવા માળખાની ભલામણનો સ્વીકાર કર્યો. ધો. 8થી 10નું માધ્યમિક શિક્ષણ અને તે પછીનાં બે વર્ષનું શિક્ષણ ઉચ્ચતર માધ્યમિક ગણવા સૂચવાયું. આ +2 સ્તરે વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો શરૂ કરવાની ભલામણ થઈ. ધો. 10 પછી 50 % વિદ્યાર્થીઓ વ્યવસાયલક્ષી શિક્ષણમાં જોડાય અને ક્ષમતાવાળા વિદ્યાર્થીઓ વિદ્યાકીય શિક્ષણમાં જોડાય એવું વિચારવામાં આવ્યું. કમનસીબે, +2 સ્તરે વ્યવસાયલક્ષી શિક્ષણને અપેક્ષા મુજબની સફળતા મળી નથી. ઈ. સ. 1990માં ભારતમાં કુલ 73,765 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ હતી.

ગુજરાતમાં માધ્યમિક શાળાઓના વિકાસનું સ્વાતંત્ર્ય પૂર્વેનું ચિત્ર નીચે મુજબનું જોવા મળે છે :

સ્વાતંત્ર્ય પૂર્વે ગુજરાતમાં માધ્યમિક શાળાઓ

વર્ષ સંખ્યા
1734 1
1846 2
1854 6
1882 36
1901 206
1927 272
1947 438

સ્વાતંત્ર્ય પછી ગુજરાતનું સ્વતંત્ર રાજ્ય અસ્તિત્વમાં આવ્યું તે પહેલાં માધ્યમિક શિક્ષણની સંસ્થાઓ આ મુજબ હતી :

વર્ષ સંખ્યા
1951 559
1956 668
1958 768
1960 1,099

ગુજરાત રાજ્યમાં માધ્યમિક શાળાઓ સરકારી અને ખાનગી – એમ બે પ્રકારની છે. ઈ. સ. 1958માં ગુજરાતમાં કુલ 138 સરકારી માધ્યમિક શાળાઓ હતી. મુદલિયાર શિક્ષણ પંચની ભલામણોને અનુલક્ષી ગુજરાતમાં પ્રારંભમાં 14 માધ્યમિક શાળાઓને વિવિધલક્ષી વિદ્યાલયોમાં રૂપાંતરિત કરવામાં આવી. ઈ. સ. 1960થી 1970ના દાયકામાં ગુજરાતમાં માધ્યમિક શિક્ષણનો વિકાસ ખૂબ ઝડપી થયો.

ગુજરાત રાજ્યમાં ઈ. સ. 1960થી ઈ. સ. 1998 સુધીના માધ્યમિક-ઉચ્ચતર શાળાઓના વિકાસનું ચિત્ર આ મુજબ છે :

ગુજરાત રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિકાસનું ચિત્ર (1960થી 1998)

વર્ષ માધ્યમિક શાળાઓ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ  કુલ
1960-61 1,099 1,099
1970-71 2,263 2,263
1975-76 2,672 2,672
1976-77 2,115  638 2,753
1980-81 2,186  967 3,153
1990-91 3,639 1,483 5,122
1991-92 3,723 1,661 5,384
1992-93 3,720 1,760 5,480
1998 6,195

ઉપર્યુક્ત માધ્યમિક – ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પૈકી 181 સરકારી માધ્યમિક શાળાઓ, 5,451 બિનસરકારી ગ્રાન્ટેડ અને 563 નૉન-ગ્રાન્ટેડ માધ્યમિક – ઉચ્ચતર માધ્યમિક શાળાઓ હતી.

માધ્યમિક – ઉચ્ચતર માધ્યમિક શાળાઓને પ્રકારો મુજબ વહેંચતાં કુમારો માટેની, કન્યાઓ માટેની અને મિશ્ર પ્રકારની; વર્ગો અનુસાર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક; સંચાલન અનુસાર સરકારી, બિનસરકારી ગ્રાન્ટેડ, બિનસરકારી નૉન-ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ; વિષયો મુજબ ટૅક્નિકલ, હોમ સાયન્સ, ઉત્તર બુનિયાદી, ખેતીવાડી અને સામાન્ય પ્રકારની શાળાઓમાં વહેંચી શકાય. માધ્યમને ધ્યાનમાં લેતાં મુખ્યત્વે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી માધ્યમની શાળાઓ અને અલ્પ પ્રમાણમાં મરાઠી, સિંધી, ઉર્દૂ, અને તમિળ જેવા માધ્યમવાળી માધ્યમિક  ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઉત્તર બુનિયાદી શાળાઓ અને સામાન્ય શાળાઓ  એવા બે પ્રકાર પાડી શકાય.

વળી ગુજરાત રાજ્યમાં કેન્દ્રીય વિદ્યાલયો, નવોદય વિદ્યાલયો અને સૈનિક શાળાઓ પણ છે. આ પ્રકારની શાળાઓ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બૉર્ડ (CBSE) સાથે સંલગ્ન છે.

ગુજરાતમાં માધ્યમિક શાળાઓની નોંધણી, વહીવટ, શૈક્ષણિક કામગીરીની દેખરેખ તથા ધો. 10 અને 12ની પરીક્ષાની કાર્યવહી માટે માધ્યમિક શિક્ષણ અધિનિયમ – 1972 અન્વયે 19-12-73થી પ્રાથમિક શિક્ષણ બૉર્ડ અસ્તિત્વમાં આવ્યું છે.

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ધો 1થી 12 માટેનાં તમામ વિષયનાં પાઠ્યપુસ્તકોનું ગુજરાતી, અંગ્રેજી, હિન્દી  અને અન્ય માધ્યમોમાં પ્રકાશન કરે છે. આ ઉપરાંત આ બૉર્ડ પી.ટી.સી. અને સી.પી.એડ. જેવા અભ્યાસક્રમો માટેનાં પાઠ્યપુસ્તકો પ્રકાશિત કરે છે.

ગુજરાત રાજ્યમાં શિક્ષકો માટેના સેવાપૂર્વ શિક્ષક-પ્રશિક્ષણ માટે 41 બી.એડ. કૉલેજો છે. અંગ્રેજી વિષયના શિક્ષકો માટે બે વિશિષ્ટ બી.એડ. કૉલેજો છે. હિન્દી વિષયના શિક્ષકો તૈયાર કરવા ગૂજરાત વિદ્યાપીઠમાં વિશિષ્ટ બી.એડ. કૉલેજ છે. ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળાઓ માટેના શિક્ષક તૈયાર કરવા 4 જી.બી.ટી.સી. કૉલેજો છે. આ ઉપરાંત ચિત્રશિક્ષકો અને વ્યાયામશિક્ષકો તૈયાર કરતી શિક્ષક-પ્રશિક્ષણ સંસ્થાઓ છે. છેલ્લાં ત્રણ વર્ષથી ઠીક ઠીક સંખ્યામાં સ્વનિર્ભર બી.એડ. કૉલેજો શરૂ થઈ છે. આ ઉપરાંત શિક્ષકોના સેવાકાલીન પ્રશિક્ષણ માટે રાષ્ટ્રીય શિક્ષણનીતિ – 1986 અન્વયે સી.ટી.ઈ. અને આઇ.એ.એસ.ઈ. શરૂ થયાં છે; પરંતુ અધ્યાપકોની નિમણૂકના અભાવે હજુ આ સંસ્થાઓ પૂર્ણ સક્રિય બની શકી નથી.

વિકલાંગો જેવાં કે દૃષ્ટિબાધિત, બહેરાં-મૂંગાં, મંદબુદ્ધિ વિદ્યાર્થીઓ માટે  વિશિષ્ટ પ્રકારની માધ્યમિક શાળાઓ અને વિશિષ્ટ પ્રકારની શિક્ષક-પ્રશિક્ષણ સંસ્થાઓની સુવિધા પણ ગુજરાત રાજ્યમાં ઉપલબ્ધ છે.

ભારતમાં ઉચ્ચ શિક્ષણ :  પ્રાચીન કાળથી માનવસમાજે એક યા બીજા સ્વરૂપે ઉચ્ચ શિક્ષણવ્યવસ્થા વિકસાવવા પ્રયાસો કર્યા છે. ભારતમાં ઈ. પૂ. 700થી તક્ષશીલા વિશ્વવિદ્યાલય તરીકે પ્રસિદ્ધ હતું. બૌદ્ધ કાળ દરમિયાન પુરુષપુર, નાલંદા, વિક્રમશીલા, ઓદંતપુરી, જયેન્દ્રવિહાર, કાંચી, વલભી વગેરે ખ્યાતનામ વિશ્વવિદ્યાલયો વિકસ્યાં હતાં. મુસ્લિમ શાસનકાળમાં પાઠશાળાઓ અને મદરેસાઓ ઉચ્ચ શિક્ષણનાં કેન્દ્રો હતાં.

બ્રિટિશ શાસનકાળ દરમિયાન ચાર્લ્સ વૂડના પ્રમુખપણા નીચે નિમાયેલા કમિશને યુનિવર્સિટીઓ સ્થાપવા કરેલી ભલામણોના ફળ સ્વરૂપે કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈમાં યુનિવર્સિટીઓની સ્થાપના થઈ. ઈ. સ. 1917ના કલકત્તા યુનિવર્સિટી કમિશનની ભલામણો અનુસાર યુનિવર્સિટીઓએ શિક્ષણ આપવાનો આરંભ કર્યો. સેડલર કમિશનની ભલામણો અનુસાર કેટલાંક રાજ્યોમાં ઇન્ટરમીડિયેટ કૉલેજો શરૂ કરવામાં આવી.

ઈ. સ. 1916માં મદનમોહન માલવિયાના પ્રયત્નોથી બનારસ હિંદુ યુનિવર્સિટીની સ્થાપના થઈ. આ ઉપરાંત, મૈસૂર રાજ્યમાં મૈસૂર યુનિવર્સિટી અને પુણેમાં મહર્ષિ કર્વેની પહેલથી એસ.એન.ડી.ટી. મહિલા યુનિવર્સિટી અસ્તિત્વમાં આવી. ઈ. સ. 1917માં બિહારમાં પટણા યુનિવર્સિટી અને ઈ. સ. 1918માં હૈદરાબાદ રાજ્યમાં ઓસ્માનિયા યુનિવર્સિટી શરૂ થઈ. ઈ. સ. 1921માં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી અને લખનૌ યુનિવર્સિટી, 1922માં દિલ્હી, 1923માં ત્રાવણકોર, 1934માં આંધ્ર, 1929માં અન્નામલાઈ અને 1933માં રાજસ્થાન યુનિવર્સિટી અસ્તિત્વમાં આવી.

સાર્જન્ટ કમિશનની ભલામણ અનુસાર ભારતમાં વિશ્વવિદ્યાલય અનુદાન પંચ(U.G.C.)ની સ્થાપના ઈ. સ. 1945માં થઈ હતી; પરંતુ તેનું કાર્યક્ષેત્ર માત્ર કૉલેજો અને વિશ્વવિદ્યાલયોને કેટલું અનુદાન આપવું તે નક્કી કરવાનું હતું. ઈ. સ. 1956માં લોકસભામાં કાયદો પસાર કરી યુ.જી.સી.ના કાર્યક્ષેત્રને વૈધાનિક રીતે વિસ્તૃત બનાવાયું. ઈ. સ. 1947માં સ્વાતંત્ર્ય પછી ડૉ. રાધાકૃષ્ણનના અધ્યક્ષપદે નીમવામાં આવેલા યુનિવર્સિટી શિક્ષણ પંચે યુનિવર્સિટી શિક્ષણ- સુધારણા અંગે વિવિધ ભલામણો કરી હતી; જેમાં મહત્વની ભલામણ ઇન્ટરમીડિયેટ કૉલેજોની પ્રથા બંધ કરવા અંગે અને દેશમાં 10 + 2 + 3નું માળખું સ્વીકારવા અંગેની હતી. આ ઉપરાંત ગ્રામવિસ્તારોમાં ગ્રામવિદ્યાપીઠો સ્થાપવા આ પંચે સૂચવ્યું હતું.

કોઠારી શિક્ષણ પંચ (1964-66) દ્વારા ઉચ્ચ શિક્ષણને લોકશાહી, ધર્મનિરપેક્ષ અને સમાજવાદી સમાજરચના ઘડનારું પરિબળ બનાવવા ભારપૂર્વક સૂચવાયું હતું. આ પંચે ત્રિવર્ષીય પૂર્વસ્નાતક અભ્યાસક્રમની અને પ્રથમ પદવીના તબક્કે  સામાન્ય અને વિશિષ્ટનું દ્વૈત દૂર કરવા સૂચવ્યું હતું, જેનો સ્વીકાર થયો. આ પંચે ઉચ્ચ શિક્ષણમાં ટ્યૂટોરિયલ પ્રથા અને આંતરિક મૂલ્યાંકન દાખલ કરવા ભલામણ કરી. અધ્યાપકોની અધ્યાપન-સજ્જતા વધારવા ગ્રીષ્મ-શિબિરો અને ટૂંકા ગાળાના વર્ગો યોજવાનો પ્રબંધ થયો. યુનિવર્સિટીઓને તથા કૉલેજોને ભૌતિક રીતે સંપન્ન બનાવવા યુ.જી.સી. દ્વારા મબલખ નાણાકીય સહાય અપાઈ. સિત્તેરનો દાયકો ઉચ્ચ શિક્ષણના વિકાસ માટે સીમાચિહ્ન બન્યો.

સ્વાતંત્ર્યપૂર્વે ઈ. સ. 1947માં ભારતમાં 17 યુનિવર્સિટીઓ, 297 ડિગ્રી કૉલેજો, 199 ઇન્ટરમીડિયેટ કૉલેજો, 140 વ્યાવસાયિક અને ટૅક્નિકલ કૉલેજો હતી; જેમાં 2.5 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. ઈ. સ. 1950-51માં 27 યુનિવર્સિટીઓ સાથે સંલગ્ન 542 કૉલેજોમાં 3.6 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. ઈ. સ. 1960-61માં 45 યુનિવર્સિટીઓ સાથે સંલગ્ન 1,122 કૉલેજોમાં 8.9 લાખ વિદ્યાર્થીઓ હતા. 197980માં 128 યુનિવર્સિટીઓ સાથે સંલગ્ન 6,514 કૉલેજોમાં 31.38 લાખ વિદ્યાર્થીઓ હતા. ઈ. સ. 1986-87માં 157 યુનિવર્સિટીઓ સાથે સંલગ્ન કૉલેજોની સંખ્યા 8,856 હતી.  ઈ. સ. 2001-2002માં ભારતમાં 162 પરંપરાગત યુનિવર્સિટીઓ, 70 ડિમ્ડ યુનિવર્સિટીઓ, 17 કેન્દ્રીય યુનિવર્સિટીઓ અને 40 એગ્રિકલ્ચર યુનિવર્સિટીઓ હતી. કોઠારી પંચે સૂચવ્યા મુજબ ઉચ્ચ શિક્ષણમાં આધુનિક અભ્યાસક્રમ, આધુનિક સાધનસામગ્રી અને સુસજ્જ અધ્યાપકોની ત્રિવિધ સુવિધાઓ ઊભી કરવા સતત જહેમત લેવામાં આવી. પરિણામે ઘણી નવી સંસ્થાઓ અસ્તિત્વમાં આવી. ભારતમાં સાત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી (મુંબઈ, કાનપુર, ચેન્નાઈ, દિલ્હી, ખડગપુર વગેરે), છ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅનેજમેન્ટ અમદાવાદ, બૅંગાલુરુ, કોલકાતા, લખનઉ, કાલિકટ અને ઇન્દોરમાં સ્થપાઈ છે. ભારતમાં કુલ 17 રિજિયૉનલ કૉલેજ ઑવ્ એન્જિનિયરિંગ છે; જેમાં સૂરત, આરંગલ, જમશેદપુર, કુરુક્ષેત્ર, શ્રીનગર, કાલિકટ, રૂરકેલા, જયપુર, અલ્લાહાબાદ, દુર્ગાપુર અને જલંધરનો સમાવેશ થાય છે. આ પૈકી દસને National Institute of Technology-(NIT)માં ફેરવવામાં આવી છે. ભારતની એકમાત્ર આયુર્વેદ યુનિવર્સિટી જામનગર(ગુજરાત)માં આવેલી છે.

રાષ્ટ્રીય શિક્ષણનીતિના પરિપ્રેક્ષ્ય અનુસાર ઉચ્ચ શિક્ષણમાં ગતિશીલતા હોવી જોઈએ. ઉચ્ચ શિક્ષણની અસરકારકતા માટે નીચેની બાબતો ધ્યાનમાં લેવી જોઈએ :

1. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓનું સશક્તીકરણ અને વિસ્તૃતીકરણ

2. સ્વાયત્ત કૉલેજો અને યુનિવર્સિટી વિભાગોનો વિકાસ

3. અભ્યાસક્રમોનું પુનર્ગઠન

4. શિક્ષકોનું સતત પ્રશિક્ષણ

5. સંશોધનોનું સક્ષમીકરણ

6. કાર્યકુશળતામાં સુધારો

7. રાજ્ય અને રાષ્ટ્રકક્ષાએ સંકલન-માળખાનો વિકાસ

8. ગતિશીલતા

છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારતમાં ઉચ્ચ શિક્ષણ, ટૅક્નિકલ શિક્ષણ, તબીબી શિક્ષણ અને વ્યવસ્થાપન-શિક્ષણમાં ખાનગીકરણનો પ્રારંભ થયો છે. શિક્ષણ પાછળ વધતા જતા ખર્ચને ધ્યાનમાં લેતાં ઉપર્યુક્ત વિદ્યાશાખાઓ માટે રાજ્યસરકારો કોઈ નવી સંસ્થાઓ શરૂ કરવા તૈયાર નથી. તેને બદલે હવે સ્વનિર્ભર (self-finance) સંસ્થાઓ  શરૂ કરવા છૂટ આપવા માંડી છે. સરકાર દ્વારા અનુદાન ન મેળવતી આ સંસ્થાઓ વિદ્યાર્થીઓ પાસેથી ઊંચી ફી વસૂલ કરે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારતનાં બધાં રાજ્યોમાં આવી સંસ્થાઓની સંખ્યા વધતી જાય છે; પરંતુ ભારત જેવા દેશમાં જ્યાં મોટાભાગના લોકોની આર્થિક સ્થિતિ સંગીન નથી ત્યાં વર્ગભેદ ઊભા થવા પૂર્ણ સંભવ છે. જોકે સુપ્રીમ કૉર્ટના ઑક્ટોબર, 2000ના ચુકાદા અનુસાર આવી સંસ્થાઓએ કેટલીક બેઠકો ગુણવત્તાને ધોરણે ભરવાની રહેશે. અનામત બેઠકો પણ ભરવાની રહેશે. આવી બેઠકોની ફીનાં  ધોરણો અનુદાન મેળવતી કૉલેજનાં ફીનાં ધોરણો જેવાં રહેશે. આવી સંસ્થાઓને કારણે ઉદ્ભવનાર વર્ગભેદની કે આવી સંસ્થાઓના શિક્ષણની ગુણવત્તા અંગેની જે શંકા ઊભી કરવામાં આવે છે તેનો સાચો ઉત્તર આ વ્યવસ્થાને અમુક વર્ષો પસાર થાય તે પછી સંશોધનો દ્વારા જ મળી શકે.

અધ્યાપકોની સજ્જતા વધારવા અધ્યાપકોએ એકૅડેમિક સ્ટાફ કૉલેજ દ્વારા યોજાતા ‘ઑરિયેન્ટેશન’ અને ‘રિફ્રેશર’ વર્ગોમાં જોડાવું અનિવાર્ય બનાવાયું છે. દેશમાં કુલ 48 એકૅડેમિક સ્ટાફ કૉલેજો છે. ગુજરાતમાં ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટમાં એકૅડેમિક સ્ટાફ કૉલેજો છે. આ ઉપરાંત યુ.જી.સી.ની સહાયથી વિવિધ યુનિવર્સિટીઓ ટૂંકા ગાળાના પ્રશિક્ષણ-કાર્યક્રમો યોજે છે.

ખુલ્લાં વિશ્વવિદ્યાલયો : બીજા વિશ્વયુદ્ધ પછી ઉચ્ચ શિક્ષણ-ક્ષેત્રે ખુલ્લી વિદ્યાપીઠ કે ખુલ્લું વિશ્વવિદ્યાલય નામની એક નવી જ સંરચના (structure) અસ્તિત્વમાં આવી છે. ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે દૂરવર્તી શિક્ષણની નવી પ્રથાનો આરંભ થયો છે. ખુલ્લા વિશ્વવિદ્યાલયનો વિચાર પ્રથમ વાર ઇંગ્લૅન્ડમાં ઈ. સ. 1960માં ઉદ્ભવ્યો. ઈ. સ. 1969માં વિશ્વની સૌપ્રથમ ઓપન યુનિવર્સિટીનો યુનિવર્સિટી ઑવ્ ઍર એ નામે લંડનમાં આરંભ થયો. પરંપરાગત યુનિવર્સિટીઓ કરતાં ખુલ્લી વિદ્યાપીઠમાં ઘણી રીતે ખુલ્લાપણું છે. પ્રવેશ, અભ્યાસક્રમ, સ્થળ, પ્રવેશવય, શિક્ષણપદ્ધતિઓ, પરીક્ષા, યુનિવર્સિટીનો વિસ્તાર વગેરેમાં ખુલ્લાપણું છે. ઇંગ્લૅન્ડ પછી જાપાન, જર્મની, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, અમેરિકા, ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં ખુલ્લાં વિશ્વવિદ્યાલયો શરૂ થયાં છે. ચીનમાં સેન્ટ્રલ ટેલિવિઝન યુનિવર્સિટી, કૅનેડામાં આથાબાસ્કા ઓપન યુનિવર્સિટી, થાઇલૅન્ડમાં સુખોથાઈ થમારીરાજટ ઓપન યુનિવર્સિટી તથા પાકિસ્તાનમાં અલામા-ઇકબાલ ઓપન યુનિવર્સિટી શરૂ થઈ છે.

ભારતમાં ઈ. સ. 1985માં ઇંદિરા ગાંધી નૅશનલ ઓપન યુનિવર્સિટીનો પ્રારંભ થયો. દેશમાં તેનાં 16 જેટલાં પ્રાદેશિક કેન્દ્રો અને 214 જેટલાં અભ્યાસ-કેન્દ્રો છે. દૂરદર્શન દ્વારા IGNOUના શૈક્ષણિક કાર્યક્રમો Country Wide Class-room ના નામે દરરોજ સવારે રજૂ થાય છે. ઇંદિરા ગાંધી નૅશનલ ઓપન યુનિવર્સિટીમાં 16 જેટલા અભ્યાસક્રમો છે અને 10 લાખ વિદ્યાર્થીઓ તેનો લાભ લે છે. આ ઉપરાંત રાજ્યોમાં પણ ખુલ્લાં વિશ્વવિદ્યાલયો છે. ભારતમાં નીચે મુજબનાં ખુલ્લાં વિશ્વવિદ્યાલયો છે :

1. ઇંદિરા ગાંધી નૅશનલ ઓપન યુનિવર્સિટી, દિલ્હી (1985)

2. કોટા ઓપન યુનિવર્સિટી, કોટા (રાજસ્થાન) (1987)

3. નાલંદા ઓપન યુનિવર્સિટી, નાલંદા (બિહાર) (1989)

4. યશવંતરાવ ચવાણ મહારાષ્ટ્ર ઓપન યુનિવર્સિટી, નાસિક (મહારાષ્ટ્ર) (1990)

5. ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ (ગુજરાત) (1994)

6. ભોજ ઓપન યુનિવર્સિટી, ભોપાલ (મધ્યપ્રદેશ)

7. બી. આર. આંબેડકર ઓપન યુનિવર્સિટી, હૈદરાબાદ (આંધ્રપ્રદેશ)

8. કર્ણાટક સ્ટેટ ઓપન યુનિવર્સિટી, મૈસૂર (કર્ણાટક)

9. નેતાજી સુભાષ ઓપન યુનિવર્સિટી, કોલકાતા (પ. બંગાળ)

10. રાજર્ષિ ટંડન ઓપન યુનિવર્સિટી, અલ્લાહાબાદ (ઉત્તરપ્રદેશ)

21મી સદીના પ્રારંભે વિશ્વભરનું ઉચ્ચ શિક્ષણ એક પડકારભર્યા યુગમાં આવીને ઊભું છે. આ પડકારને પહોંચી વળવા પ્રદેશ, રાષ્ટ્ર અને વિશ્વકક્ષાએ સંકલન અને સહયોગ ઊભો કરવાની ઝુંબેશ ચાલી રહી છે. Teacher Exchange Programme અને Student Exchange Programme ચાલી રહ્યા છે. ઇલેક્ટ્રૉનિક માધ્યમોએ જ્ઞાનનાં દ્વાર ખોલી નાંખ્યાં છે. વિશ્વકક્ષાએ યુનેસ્કો, પ્રદેશકક્ષાએ SAARC જેવાં સંગઠનો અને રાષ્ટ્રકક્ષાએ યુ.જી.સી. અને AIU (Association of Indian Universities) શિક્ષણક્ષેત્રે કાર્યરત છે. રાષ્ટ્રીય ઐક્ય, વિશ્વશાંતિ, સમાનતા, સહકાર અને સદ્ભાવનાનો વિકાસ શિક્ષણ દ્વારા જ સંભવિત છે. યુનેસ્કોનો શિક્ષણ અંગેનો અહેવાલ Education : The Treasure Within (અધ્યયન : ભીતરનો ખજાનો) આ વિશે સારો પ્રકાશ પાડે છે. ઉચ્ચ શિક્ષણ જ્ઞાનના સર્જન, સંવર્ધન અને સંક્રમણનું માધ્યમ બને એવી સહુને આશા છે.

રાષ્ટ્રીય શિક્ષણનીતિ : 1986 (National Policy of Education 1986) :

21મી સદીના પ્રવેશ ટાણે ભારતીય શિક્ષણવ્યવસ્થાની પુન:સુધારણા માટે તે સમયના  યુવાન વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધી ચિંતિત બન્યા. આ ચિંતનમાં સાંસદો, શિક્ષણવિદો, બુદ્ધિજીવીઓ અને પ્રજાનો સામાન્ય વર્ગ જોડાયો. આ સહચિંતનના પરિપાક રૂપે ઈ. સ. 1986ની રાષ્ટ્રીય શિક્ષણનીતિનો ઉદ્ભવ થયો, જેનો સ્વીકાર લોકસભા દ્વારા થયો.

રાષ્ટ્રીય શિક્ષણનીતિ – 1986 – એ લાંબા ગાળાનું આયોજન છે. તેમાં અમલીકરણ કાર્યક્રમ (action plan) પાંચ પાંચ વર્ષના ત્રણ તબક્કામાં વિભાજિત છે. રાષ્ટ્રીય શિક્ષણનીતિ  1986ની મહત્વની ભલામણો આ મુજબ છે :

(1) સમાનતા માટેનું શિક્ષણ : જેમાં સ્ત્રીઓના સમાનતા માટેના શિક્ષણનો; પછાત જ્ઞાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, લઘુમતીઓ તથા શારીરિક ક્ષતિવાળાં બાળકોના શિક્ષણ અને પ્રૌઢશિક્ષણનો સમાવેશ થાય છે. આ સૌને શિક્ષણમાં સમાન તકો પ્રાપ્ત થાય એવી ભલામણો કરવામાં આવી છે.

(2) રાષ્ટ્રના ગુણવત્તાસભર જીવન માટે માનવબળ મહત્વનું છે. બાળસંપત્તિના જતન અને સંવર્ધનમાં NPE86માં ઉપયોગી ભલામણો કરી કાર્યક્રમો સૂચવવામાં આવ્યા છે.

(3) પ્રાથમિક શિક્ષણને સાર્વત્રિક બનાવવા અને પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા વિવિધ કાર્યક્રમો સૂચવાયા છે; જેમાં ઑપરેશન બ્લૅક-બૉર્ડ, શાળા-પ્રવેશ અને સ્થાયીકરણ, શાળા-સમાજ-સહકાર, વાલીમંડળ તથા માતૃમંડળની સ્થાપના, નિવાસી શાળાઓ, છાત્રાલયો શરૂ કરવાં, વૈકલ્પિક શાળાઓની વ્યવસ્થા, અવૈધિક શિક્ષણ વિકસાવવા અંગે ભલામણો કરી તેના સંદર્ભમાં અમલીકરણનો કાર્યક્રમ વગેરે સૂચવવામાં આવેલ છે.

(4) માધ્યમિક શિક્ષણના વિસ્તાર અંગે તથા માધ્યમિક ક્ષેત્રે પ્રત્યેક જિલ્લામાં નવોદય વિદ્યાલયો ઊભાં કરવા અંગે ઉપયોગી સૂચનો કરી અમલીકરણ-કાર્યક્રમ સૂચવ્યો છે.

(5) ઉચ્ચ શિક્ષણમાં સ્વાયત્ત (autonomous) કૉલેજો, ઉચ્ચતર શિક્ષણમાં પ્રવેશ માટે પ્રવેશ-કસોટી, અભ્યાસક્રમોની પુનર્રચના, ઉચ્ચ શિક્ષણના અધ્યાપકો માટે અભિસ્થાપન (orientation) અને ઓપવર્ગો(refresher)ની જોગવાઈ, દર પાંચ વર્ષે તાલીમ અંગે જોગવાઈઓ કરવામાં આવી છે.

(6) આ ઉપરાંત ખુલ્લી વિદ્યાપીઠોની સ્થાપના, દૂરવર્તી શિક્ષણ અંગે ઉપયોગી ભલામણો કરવામાં આવી છે.

(7) સંશોધનોની ગુણવત્તા સુધારવા, સંશોધનો માટેની સુવિધાઓની સુધારણા માટે ઉપયોગી ભલામણો કરવામાં આવી છે.

(8) શિક્ષણમાં આધુનિક ટૅક્નૉલૉજી પ્રયોજવા અને વિવિધ પ્રકારના ઉપયોગી શૈક્ષણિક ટી.વી. કાર્યક્રમો માટે મહત્વની ભલામણો કરવામાં આવી છે.

(9) શિક્ષકોના પ્રશિક્ષણ માટે DIET, CTE અને IASE સ્થાપવા સૂચવાયું છે.

રાષ્ટ્રીય શિક્ષણનીતિની સમીક્ષા 1992 :

7મી મે 1990ના રોજ આચાર્ય રામમૂર્તિના અધ્યક્ષપણા હેઠળ રાષ્ટ્રીય શિક્ષણનીતિની સમીક્ષા કરવા એક સમિતિ નિયુક્ત કરવામાં આવી. આ સમિતિએ મહદ્અંશે શિક્ષક-પ્રશિક્ષણ અંગે ભલામણો કરી છે. સમિતિની મુખ્ય ભલામણો આ મુજબ છે :

(1) પ્રશિક્ષણ સંસ્થાઓમાં પ્રશિક્ષણાર્થીની પસંદગી પરીક્ષાના ગુણને ધોરણે નહિ, પરંતુ  અભિયોગ્યતા અને અભિરુચિના આધારે કરવી.

(2) તાલીમી કાર્યક્રમો ક્ષમતાલક્ષી અને વ્યવહારુ બનાવવા.

(3) નવપ્રસ્થાનો માટે શિક્ષકને સુસજ્જ કરવા; જેમાં સમાજના નબળા વર્ગનાં બાળકો માટે સંવેદનશીલતા, સ્ત્રીઓના સામાજિક દરજ્જા વિશેની સમજ, શિક્ષણનું વ્યાવસાયીકરણ, અપંગોનું શિક્ષણ, અર્થસભર મૂલ્યાંકન અંગે જાગ્રતતા કેળવવા સૂચવાયું છે.

(4) શિક્ષક-પ્રશિક્ષણ કાર્યક્રમમાં ઇન્ટર્નશિપ કાર્યક્રમ સમાવવા સૂચન કરવામાં આવ્યું છે.

(5) માધ્યમિક શિક્ષક-પ્રશિક્ષણ માટે NCTEએ સૂચવેલ અભ્યાસક્રમ સ્વીકારવા સૂચવાયું છે.

(6) ચાર વર્ષના શિક્ષક-પ્રશિક્ષણ અભ્યાસક્રમો ચલાવવા સંસ્થાઓને પ્રોત્સાહિત કરવા સૂચવાયું છે.

(7) શિક્ષક-પ્રશિક્ષકોની પસંદગી અનુભવી શિક્ષકોમાંથી કરવા સૂચવાયું છે.

(8) નિરંતર શિક્ષક-પ્રશિક્ષણ કાર્યક્રમોનું આયોજન કરવા ભલામણો કરવામાં આવી છે.

આમ, આચાર્ય રામમૂર્તિ સમિતિએ શિક્ષક-પ્રશિક્ષણ દ્વારા સક્ષમ શિક્ષકો તૈયાર કરવા ઉપર વિશેષ ભાર મૂક્યો છે.

દાઉદભાઈ ઘાંચી

મૂળશંકર લ. જોષી