શિકારા (શિકારો) (Houseboat)

January, 2006

શિકારા (શિકારો) (Houseboat) : સહેલગાહ માટે વપરાતી નાના કદની હોડી (boat). શ્રીનગર(કાશ્મીર)માં પર્યટકોના સહેલગાહ માટે શિકારાનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે. ‘શિકારા એટલે પાણી પર તરતી નાની હોટેલ’ એમ પણ કહી શકાય. કાશ્મીરમાં ડાલ સરોવર અને નાગિન સરોવરના નિશ્ચિત ભાગમાં શિકારાઓ વપરાય છે. શિકારાને ‘કાશ્મીરી ગોંડોલા’ પણ કહેવાય છે.

કેરળની બોટિંગ-હાઉસ

શિકારાઓનો ઇતિહાસ રસપ્રદ છે. ભારતમાં બ્રિટિશ શાસનકાળ દરમિયાન રહેતા અંગ્રેજોને કાશ્મીરનું ઘેલું (fancy) હતું. ખાસ કરીને ઉનાળામાં; પરંતુ કહેવાય છે કે કાશ્મીરના મહારાજાને ઉનાળામાં શ્રીનગરમાં એકીસાથે બહુ મોટી સંખ્યામાં અંગ્રેજ લોકો ભેગા થાય તે ગમતું ન હતું. કોઈ ષડ્યંત્ર રચી પોતાને ગાદી ઉપરથી ઉઠાડી મુકાય તેવો તેમને ભય હતો. આ માટે કાશ્મીર રાજ્યની પ્રજા સિવાય કોઈ વ્યક્તિ કે સંસ્થા કાશ્મીરમાં મિલકત ખરીદી શકે નહિ એવો હુકમ બહાર પાડ્યો. હોશિયાર ગોરી પ્રજાએ આના જવાબમાં સરોવરને કાંઠે પાણીમાં લાંગરી શકાય તેવાં ‘તરતાં ઘરો’ (શિકારા) બાંધ્યાં અને ડાલ સરોવરમાં નૌકાવિહાર શરૂ કર્યો. ત્યારથી કાશ્મીરમાં શિકારા-નૌકાવિહાર પ્રચલિત થયો.

શિકારા સામાન્ય રીતે 6થી 10 મી. લાંબી અને 2થી 3 મી. પહોળી હોય છે. પરંપરાગત શિકારા હાથના પેડલથી ચલાવાય છે. તેમાં સુંદર પરદાઓ, ગાદલાંઓ, તળાઈઓ, કાશ્મીરી કોતરણીનું ફર્નિચર વગેરે હોય છે, વળી એમાં ખાણી-પીણીની પણ વ્યવસ્થા થઈ શકે છે. અમુક શિકારાઓ પંચતારક હોટેલ જેવી ભવ્ય હોય છે. બ્રિટિશરોએ શરૂ કરેલ શિકારા કરતાં આજના શિકારા પ્રમાણમાં મોટા હોય છે. સહેલાણીઓને આકર્ષવા શિકારાના માલિકો પોતાના શિકારાને ‘વ્હાઇટ-હાઉસ’, ‘વૉશિંગ્ટન’, ‘નૂરજહાં’ એવાં એવાં નામો આપે છે. શિકારાના માલિકો શિકારાની પાસે જુદી હોડીમાં રહેતા હોય છે અને તેમના કુટુંબના માણસો મહેમાનોની સરભરામાં ઉપયોગી થાય છે. શિકારા-વ્યવસાયમાં કાશ્મીરની ‘હંજીસ’ નામે ઓળખાતી પ્રજા રોકાયેલી છે. તેઓ મુખ્યત્વે ડાલ, વુલર, અંશર સરોવર અને જેલમ નદીના (અનંતનાગ અને શ્રીનગર જિલ્લાના) વિસ્તારમાં રહે છે.

હવે કાશ્મીર ઉપરાંત કેરળનાં કેટલાંક સ્થળોએ પણ ‘બોટિંગ-હાઉસ’ સહેલગાહો માટે આકર્ષણનું કેન્દ્ર બનતાં જાય છે.

ગાયત્રીપ્રસાદ હી. ભટ્ટ