શિકાગો (Chicago) : યુનાઇટેડ સ્ટેટ્સના ઇલિનૉય રાજ્યમાં આવેલું મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 41° 51´ ઉ. અ. અને 87° 39´ પ. રે.. આ શહેર યુ.એસ.નાં મોટાં શહેરોમાં દ્વિતીય ક્રમનું સ્થાન ધરાવે છે. તે સમુદ્રસપાટીથી 177 મીટર અને સરોવરની જળસપાટીથી 4.5 મીટરની ઊંચાઈ પર આવેલું છે. આ શહેરમાંથી શિકાગો નદી વહે છે, તેને નહેરો સાથે સાંકળી લેવામાં આવેલી છે. મિશિગન સરોવર તેમજ મિસિસિપી નદી દ્વારા નહેરોને જળપુરવઠો મળી રહે છે. આ શહેર મિશિગન સરોવરની નૈર્ઋત્યમાં 40 કિમી.ને અંતરે આવેલું છે. શહેરનો વિસ્તાર 591 ચોકિમી. જેટલો છે. સમગ્ર શહેરનું ભૂપૃષ્ઠ સમતળ છે.

શિકાગો શહેર

આબોહવા : શિકાગોમાં ઉનાળુ વાતાવરણ ગરમ અને ભેજયુક્ત હૂંફાળું રહે છે. ઉનાળાનું સરેરાશ તાપમાન 32° સે. તથા શિયાળાનું સરેરાશ તાપમાન 5° સે. જેટલું રહે છે. અહીંનો સરેરાશ વાર્ષિક વરસાદ 810 મિમી. તેમજ હિમવર્ષા 1,000 મિમી. પડે છે.

અર્થતંત્ર : યુ.એસ.નાં બૃહદ શહેરોમાં વિસ્તારની દૃષ્ટિએ લૉસ એન્જલસ પછી શિકાગોનો ક્રમ આવે છે. શહેરનું અર્થતંત્ર ઉદ્યોગો, વેપાર તથા મૂડીરોકાણ પર નભે છે. રેલમાર્ગ, સડકમાર્ગ અને જળમાર્ગનું તે મુખ્ય કેન્દ્ર હોવાથી કાચો માલ લાવવામાં અને ઉત્પાદિત માલ લઈ જવામાં સરળતા પડે છે. અનાજ, કોલસો, લોખંડ અને પશુપેદાશોના વેપારનું તે મુખ્ય મથક બની રહેલું છે. આ ઉપરાંત ખાદ્યપ્રક્રમણ, વીજળી અને વીજાણુ સાધનો બનાવવાના, લોખંડ-પોલાદનાં યંત્રો અને સાધનસામગ્રી; ચિકિત્સા માટેનાં સાધનો, ઔષધિઓ, રસાયણો, પેટ્રોકેમિકલ્સ, પરિવહનનાં સાધનો, છાપકામનાં યંત્રો અને તેમની સામગ્રી બનાવવાના એકમો અહીં આવેલા છે. વિશ્વનાં સૌથી મોટાં કતલખાનાં પણ અહીં છે.

આ શહેરના પરાવિસ્તારોમાં આશરે 35 લાખ લોકો રોજી-રોટી મેળવે છે. ઉદ્યોગ-વેપારનાં ક્ષેત્રો સિવાય ડૉક્ટરો, વકીલો, શિક્ષકો અહીં પોતપોતાના વ્યવસાયમાં કામ કરે છે. ઘણા લોકો હોટેલના વ્યવસાયમાંથી આવક મેળવે છે.

બૃહદ શિકાગોમાં આશરે 14,000 નાનામોટા ઔદ્યોગિક એકમો આવેલા છે. અહીં અનેક સંશોધનકેન્દ્રો આવેલાં છે, તે પૈકી અણુસંશોધન-કેન્દ્રો વિશેષ છે. ઇટાલીના ભૌતિકશાસ્ત્રી એનરિકો ફર્મી(Enrico Fermi)એ 1942માં શિકાગો યુનિવર્સિટીમાં સર્વપ્રથમ વાર અણુશક્તિનો ખ્યાલ રજૂ કરેલો.

પરિવહન અને સંદેશાવ્યવહાર : શિકાગો અને તેના પરાવિસ્તારો રેલમાર્ગો અને સડકમાર્ગોથી સંકળાયેલા છે. 80 % લોકો સરકારી વાહનોનો વધુ ઉપયોગ કરે છે. આ કારણે તે યુ.એસ.નું સૌથી મોટું પરિવહન-કેન્દ્ર ગણાય છે. પરિવહનનાં માલવાહક સાધનો દ્વારા અહીં દર વર્ષે અંદાજે 250 લાખ મેટ્રિક ટન માલસામાનનો વેપાર થાય છે.

શિકાગોમાં 30 જેટલાં રેડિયો-સ્ટેશનો તથા અનેક કેબલમથકો આવેલાં છે. મહત્વનાં વર્તમાનપત્રોમાં ‘ટ્રિબ્યૂન’ અને ‘સન-ટાઇમ્સ’ મુખ્ય છે; સૌથી વધુ વેચાણ ધરાવતું વર્તમાનપત્ર ‘ધ ડેઇલી ડિફેન્ડર’ છે. આશરે એકસો કરતાં પણ વધુ ભાષાઓનાં વર્તમાનપત્રો અહીં વંચાય છે.

શહેરી આયોજન : વહીવટી સરળતાની ષ્ટિએ શિકાગો શહેરને મુખ્ય ચાર વિભાગોમાં વહેંચેલું છે :

1. મધ્ય શિકાગો : આ વિભાગ તેની ગગનચુંબી ઇમારતો, તેના વિશાળ ડિપાર્ટમેન્ટલ સ્ટોર, તેની આકર્ષક દુકાનો તથા તેના રમણીય બાગ-બગીચાઓ માટે જાણીતું છે. અહીં આશરે 6 લાખ લોકો રોજી-રોટી મેળવવા આવે છે. આશરે 32 હજાર લોકો અહીંના ભવ્ય આવાસોમાં રહે છે. રેલમાર્ગ દ્વારા આ મધ્ય વિભાગને પરાંઓ સાથે સાંકળી લેવામાં આવ્યો છે.

શિકાગો નદીની ઉત્તરે આવેલો આ વિભાગ ‘મૅગ્નિફિશન્ટ માઈલ’ (Magnificent Mile) તરીકે ઓળખાય છે. અહીં અત્યાધુનિક દુકાનો, હોટેલો, રેસ્ટોરાં અને વિવિધ કાર્યાલયો આવેલાં છે. ધી ઓલ્ડ વૉટર-ટાવર અહીંનું ખૂબ જ જાણીતું સ્થાપત્ય ગણાય છે.

2. ઉત્તર વિભાગ : આ વિભાગમાં મોટેભાગે વસાહતો આવેલી છે. શિકાગોના મધ્ય વિભાગથી આશરે 15 કિમી.ને અંતરે આવેલા આ વિભાગમાં આશરે 1 લાખ લોકો વસે છે. અહીં મોટેભાગે ભેટ-સોગાદો માટેની દુકાનો, રાત્રિક્લબો અને હોટેલોનું પ્રમાણ વિશેષ છે. શિકાગોનું O’Hare આંતરરાષ્ટ્રીય હવાઈ મથક અહીં આવેલું છે. તે દુનિયાભરમાં સૌથી વધુ વ્યસ્ત હવાઈ મથક ગણાય છે. જૉન ઍફ. કૅનેડી દ્રુતગતિ માર્ગ આ વિભાગમાંથી પસાર થાય છે.

3. પશ્ચિમ વિભાગ : આ વિભાગમાં આશરે 6 લાખ લોકો વસે છે, તે પૈકીની 50 % વસ્તી અહીંની નિવાસી છે. અહીં અનેક ઔદ્યોગિક એકમો, ગોદામો આવેલાં છે. મોટેભાગે અહીં નિગ્રો, મેક્સિકન તેમજ મૂળ અમેરિકનો વસે છે. ડી. આઇઝનહોવર દ્રુતગતિ માર્ગ આ વિભાગમાંથી પસાર થાય છે. દુનિયાની સૌથી મોટી પોસ્ટ-ઑફિસ અહીં આવેલી છે. તેમાં 15 હજાર કર્મચારીઓ કામ કરે છે.

4. દક્ષિણ વિભાગ : શિકાગોનો આ વિભાગ વસ્તી તેમજ વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટો છે. અહીં આશરે 14 લાખ લોકો વસે છે. અહીં વિશાળ ઔદ્યોગિક એકમો આવેલા છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બંદર પણ અહીં જ છે.

શિકાગોનું એક વાણિજ્યિક ભવન

લોકો : શિકાગો શહેરની વસ્તી 28 લાખ (2000) જેટલી છે. શિકાગો ઘણું મોટું ઔદ્યોગિક શહેર હોવાથી લોકોને સરળતાથી નોકરી મળી જાય છે. 1860ના ગાળામાં યુરોપના ગરીબ ખેડૂતો તેમજ મજૂરો સ્થળાંતર કરી આવીને અહીં વસ્યા છે. આ ઉપરાંત અહીં જર્મની, ઇટાલી, પોલૅન્ડ અને આયર્લૅન્ડમાંથી આવીને પણ લોકો વસેલા છે, જોકે તેમનું પ્રમાણ ઘણું ઓછું છે. આજે તો તેઓ અમેરિકન બની ચૂક્યા છે. આજે અહીંની વસ્તીના 85 % લોકો યુ.એસ.માં જ જન્મેલા છે. આશરે 46 % લોકો શ્વેત અને 40 % લોકો શ્યામ વર્ણના છે. શ્યામવર્ણી જાતિજૂથ સૌથી મોટું છે; જોકે યુ.એસ.નાં અન્ય શહેરો કરતાં શિકાગોમાં શ્યામવર્ણી લોકોને ગરીબાઈનો સામનો વધુ કરવો પડે છે; તેમ છતાં કેટલાક લોકો વેપાર અને ઔદ્યોગિક એકમોમાં વધુ પ્રભુત્વ ધરાવે છે.

સામાજિક પ્રશ્નો : શ્યામ અને ઘઉં વર્ણના લોકો ગરીબાઈનો સૌથી વધુ અનુભવ કરે છે. 66 % શ્યામવર્ણી લોકો ગરીબીરેખાથી પણ નીચેનું જીવન જીવે છે; તેમાં પણ પુખ્ત વયના લોકો પ્રમાણમાં વધુ બેકાર છે. શિકાગોમાં વસતી શ્યામ વર્ણની ગૃહિણીઓને તેમનાં બાળકોના પિતા ક્યારેય ઘરમાં જોવા મળતા નથી, શ્યામ વર્ણની 65 % સ્ત્રીઓ મોટેભાગે ‘કુંવારી માતા’ બની જાય છે. ગુનાખોરીમાં પણ શ્યામ વર્ણના લોકોની ટકાવારી ઊંચી જોવા મળે છે; વળી તેમનો મૃત્યુદર પર ઊંચો રહે છે.

સ્થાપત્ય : 1800ની સાલથી અમેરિકાના સ્થપતિઓએ આ શહેરમાં રસ લેવાનું શરૂ કરેલું છે. વાસ્તવમાં તો યુ.એસ.ના અદ્યતન આવાસો અને ઇમારતોના સ્થાપત્યનો પ્રારંભ શિકાગોથી જ થયો છે. પરિણામે વિશ્વના અનેક સ્થપતિઓ અહીં આવવા આકર્ષાયા છે. ફ્રૅન્ક લૉઇડ રાઇટે (Frank Lloyd Wright) અહીંની એક કૉલેજના સ્થાપત્યનું કામ કરેલું. તે પછીથી અમેરિકામાં અદ્યતન અને ભવ્ય મકાનોનું નિર્માણકાર્ય શરૂ થયું. તેમાં જાણીતા સ્થાપત્યમાં સિયર્સ ટાવરનો ક્રમ આવે. આ ઇમારત 110 માળ ધરાવે છે. તેના 103મા મજલેથી આખું શિકાગો શહેર અને મિશિગન સરોવરનો કાંઠો જોઈ શકાય છે. સરોવર-કાંઠો રમણીય હોવાથી ઘણા સહેલાણીઓની અહીં અવરજવર રહે છે. અહીં કલા, ઇતિહાસ અને વિજ્ઞાનને લગતાં વિવિધ મ્યુઝિયમો આવેલાં છે. અમેરિકી કવિ કાર્લ સૅન્ડબર્ગે તેને ‘સિટી ઑવ્ બિગ શોલ્ડર્સ’ નામથી નવાજેલું છે.

શૈક્ષણિક સંસ્થાઓ : શિકાગોમાં પ્રાથમિક-માધ્યમિક શાળાઓનું પ્રમાણ વધુ છે. શ્યામવર્ણી લોકો કરતાં શ્વેતવર્ણી લોકો શિક્ષણમાં વધુ રસ લે છે. ઉચ્ચશિક્ષણ માટે જાણીતી યુનિવર્સિટીઓમાં ઇલિનૉય, નૉર્થ ઇસ્ટર્ન ઇલિનૉય, શિકાગો સ્ટેટ યુનિવર્સિટીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત શિકાગો સિટી કૉલેજ, ડી પાઉલ યુનિવર્સિટી, નૉર્થ પાર્ક કૉલેજ, કોલંબિયા કૉલેજ, મુન્ડેલિયન કૉલેજ, સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, નૉર્થ વેસ્ટર્ન યુનિવર્સિટી વગેરે પણ જાણીતી છે. ઉપર્યુક્ત કૉલેજોમાં વિવિધ વિદ્યાશાખાઓના અનેક વિષયોનો વિદ્યાર્થીઓ લાભ લે છે. શિકાગોમાં પુસ્તકાલયની 70 શાખાઓ આવેલી છે. તેમાં ચાર લાખ કરતાં પણ વધુ પુસ્તકો છે. જૉન ક્રેરર, ન્યૂ બેરી પુસ્તકાલયો પણ જાણીતાં છે.

પ્રવાસન : શિકાગો શહેરમાં વિશાળ બગીચા આવેલા છે. તેમાં લિંકન પાર્ક, ગ્રાન્ટ પાર્ક, બર્નહામ પાર્ક, જેક્સન પાર્ક, વૉશિંગ્ટન પાર્ક, પ્રાણીસંગ્રહાલયો, રમતનાં મેદાનો, બૉટનિકલ ગાર્ડન, મત્સ્યગૃહો પણ છે.

ઇતિહાસ : ઈ. સ. 1673માં ફ્રેન્ચ શોધકો ફાધર જેક્વિસ માર્કવેટ, લૂઈ જોલિયેટ અને કેટલાક ઇન્ડિયનો શિકાગો નદીને કિનારે ચાલતાં ચાલતાં નદી લેક મિશિગનમાં રોકાઈ જઈ ત્યાં મુકામ કર્યો. 18મી સદીમાં આ પ્રદેશ માલની હેરફેર માટે વપરાતો હતો. અમેરિકન સ્વાતંત્ર્યયુદ્ધ પછી ત્યાંની ઇન્ડિયન જાતિના લોકો અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે લડાઈઓ થતી. ઈ. સ. 1795માં, હારેલા ઇન્ડિયનોએ 10 ચોકિમી.નો પ્રદેશ યુનાઇટેડ સ્ટેટ્સને આપ્યો. ત્યાં 1803માં કિલ્લો બાંધવામાં આવ્યો. ઑગસ્ટ, 1812માં તે કિલ્લાનો નાશ થયો, જે 1816માં ફરી બાંધવામાં આવ્યો અને લોકો ત્યાં રહેવા લાગ્યા.

19મી સદીની શરૂના બે-ત્રણ દાયકામાં તેની વસ્તી વધવા લાગી. રેલવે અને જલમાર્ગનો વહેવાર વધ્યો. 1856માં આ સ્થળ રેલવેનું મુખ્ય કેન્દ્ર બન્યું. 1869 સુધીમાં શિકાગો દેશના વિવિધ માર્ગોનું પણ મુખ્ય કેન્દ્ર બન્યું. રેલવે થયા પછી ત્યાં ઉદ્યોગોનો વિકાસ થયો. તે સાથે વસ્તી પણ વધવા લાગી. 8થી 10 ઑક્ટોબર, 1871 દરમિયાન આગ લાગવાથી શિકાગોનો 10 ચોકિમી. વિસ્તાર નાશ પામ્યો, 250 માણસો મરણ પામ્યા અને 90,000 લોકો ઘરવિહોણા થયા; તેમ છતાં, તેની વસ્તી 1850માં 30,000ની હતી તે 1880માં વધીને 5 લાખની થઈ હતી. 19મી સદીના છેલ્લા બે દાયકામાં યુરોપના બધા દેશોના લોકો ત્યાં આવ્યા હતા. તેથી મકાનો, પીવાનું ચોખ્ખું પાણી વગેરેની તંગી પડતી હતી. ઉદ્યોગો, વાહનવહેવાર તથા વેપારનો ત્યાં નોંધપાત્ર વિકાસ થયો હતો. તેનું ઍરપૉર્ટ દુનિયાના બીજા કોઈ પણ ઍરપૉર્ટ કરતાં વધુ લોકોની હેરફેર કરે છે.

શિકાગો નદી પરનો ડ્રૉ-બ્રિજ (સેતુ)

પ્રથમ વિશ્વયુદ્ધ (1914-1918) દરમિયાન દક્ષિણનાં રાજ્યોમાંથી મોટી સંખ્યામાં હબસીઓ રોજી મેળવવા શિકાગો આવ્યા. તેથી તેમની વસ્તી વધી. તેઓના ગોરા લોકો સામેના વિરોધથી 1919માં કાળા-ગોરાનાં હુલ્લડો ત્યાં થયાં.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યુદ્ધના માલના ઉત્પાદન માટે શિકાગો મહત્વનું કેન્દ્ર બન્યું. ત્યાં હજારો લોકોને રોજી મળવા લાગી. વિશ્વયુદ્ધ પછીનાં વરસોમાં પણ શિકાગોમાં રોજી શોધનારા લોકો મોટી સંખ્યામાં આવતા હતા. ત્યાં વિવિધ પ્રકારના લોકો વસતા હોવાથી હિંસક બનાવો બને છે.

1919નાં કાળા-ગોરાનાં તોફાનોમાં 38 માણસો માર્યા ગયા હતા. ઓગણીસો વીસી અને ત્રીસીનાં વર્ષોમાં દારૂબંધીના સમયગાળામાં શિકાગો અન્ડરવર્લ્ડ હિંસા માટે કુખ્યાત બન્યું હતું. 1968માં ટેનેસીમાં માર્ટિન લ્યૂથર કિંગની હત્યા પછી ત્યાં હિંસક તોફાનો થયાં હતાં. ગુનાઓની બાબતમાં આવી હરકતો શિકાગોમાં ચાલતી રહે છે.

નીતિન કોઠારી

જયકુમાર ર. શુક્લ