શિકાગો સ્કૂલ (Chicago School) : પ્રજાના આર્થિક વ્યવહારોમાં રાજ્યની દરમિયાનગીરીનો વિરોધ કરતી અર્થશાસ્ત્રની એક વિચારધારા. તેના પાયામાં અમેરિકાની શિકાગો યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના કેટલાક અર્થશાસ્ત્રીઓ છે. 1930 પછીના દસકામાં શિકાગો યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર-વિભાગે અર્થશાસ્ત્રના ક્ષેત્રે આગળ પડતું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેનું બૌદ્ધિક નેતૃત્વ લગભગ 1950 સુધી ફ્રાન્ક એચ. નાઇટ તથા હેનરી સી. સિમોન્ઝે સંભાળેલું. આમાં નાઇટનું પ્રદાન અર્થશાસ્ત્રીય સિદ્ધાંતોના ક્ષેત્રે હતું; જ્યારે સિમોન્ઝનું પ્રદાન આર્થિક નીતિના ક્ષેત્રે હતું. તેમની પછીની પેઢીમાં નેતૃત્વ મિલ્ટન ફ્રિડમૅન તથા જ્યૉર્જ સ્ટિગ્લર પાસે આવ્યું. સ્ટિગ્લરના અવસાન પછી અને ફ્રિડમૅનની શિકાગો યુનિવર્સિટીમાંથી વિદાય પછી આજે હવે આ વિચારધારાનું નેતૃત્વ રૉબર્ટ લુકાસ અને ગેરી બેકર્સ પાસે છે એમ કહી શકાય. આ વિચારધારાના મહત્વના મુદ્દાઓ નીચે પ્રમાણે છે :
1. અર્થશાસ્ત્રના કોઈ પણ સિદ્ધાંતનો સ્વીકાર કે અસ્વીકાર તેના વ્યાપના આધારે કે તેની ધારણાઓની વાસ્તવિકતા/અવાસ્તવિકતાના આધારે કરી શકાય નહિ. તે સિદ્ધાંત હકીકતો કે અનુભવોના આધારે કેટલો સાચો કે ખોટો સાબિત થાય છે તેના આધાર પર જ તેનો સ્વીકાર કે અસ્વીકાર થઈ શકે.
2. આર્થિક પ્રશ્નોનો ઉકેલ બજારના માધ્યમ દ્વારા જ શોધવો જોઈએ. લોકોની આર્થિક અને રાજકીય સ્વતંત્રતાને ટકાવી રાખવા માટે તે જરૂરી છે. આ વિચારધારા પ્રમાણે બજારનું અર્થતંત્ર મુક્ત સમાજ માટેની એક આવશ્યક શરત છે, જોકે એ પર્યાપ્ત શરત નથી. (દા.ત., ચીને બજારના અર્થતંત્રનો સ્વીકાર કર્યો છે, પરંતુ તેણે રાજ્યવ્યવસ્થા માટે લોકશાહીનો સ્વીકાર કર્યો નથી.)
3. અર્થતંત્રની પ્રવર્તમાન પરિસ્થિતિને નજર સમક્ષ રાખીને ભરવામાં આવતાં પગલાં કે અમલમાં મૂકવામાં આવતી નીતિની કાર્યસાધકતામાં આ અર્થશાસ્ત્રીઓ વિશ્વાસ ધરાવતા નથી. તેઓ એ પ્રકારની વિવેકાધીન નાણાકીય અને રાજકોષીય નીતિના વિકલ્પે નિયમાધીન નાણાકીય નીતિની હિમાયત કરે છે; દા.ત., મંદીની સ્થિતિમાં નાણાંનો પુરવઠો ઊંચા દરે વધે અને ફુગાવાની સ્થિતિમાં તે નીચા દરે વધે એવાં વિવેકાધીન પગલાં ભરવાને બદલે નાણાંના પુરવઠામાં નક્કી કરવામાં આવેલા દરે વધારો થવા દેવાની નિયમાધીન નીતિની તેઓ ભલામણ કરે છે.
4. અર્થતંત્રના નિયંત્રણ માટે તેઓ રાજકોષીય (કરવેરા અને સરકારી ખર્ચની) નીતિને બદલે નિયમાધીન નાણાકીય નીતિ અપનાવવાની ભલામણ કરે છે.
5. ગરીબી માટે રાજકોષીય પગલાં તેમને માન્ય છે; દા.ત., તેઓ ‘ઋણ આવકવેરા’ની હિમાયત કરે છે, એટલે કે નિયત કરવામાં આવેલી ન્યૂનતમ આવક કરતાં જેઓની આવક ઓછી હોય તેમને સરકાર કર ચૂકવે (સબસિડી આપે) તેવી ભલામણ તેઓ કરે છે; પરંતુ આવકની અસમાનતા ઘટાડવા માટે રાજકોષીય પગલાંનો ઉપયોગ તેમને માન્ય નથી.
6. સામાન્ય રીતે જે પ્રશ્નોનો અભ્યાસ અન્ય વિદ્યાશાખાઓમાં કરવામાં આવતો હોય તેમના અભ્યાસ માટે પણ અર્થશાસ્ત્રીય વિશ્લેષણનો ઉપયોગ શિકાગો સ્કૂલના કેટલાક અર્થશાસ્ત્રીઓ કરે છે; દા.ત., ગુનાખોરી, લગ્નગત સ્ત્રી-પુરુષસંબંધો, કુટુંબમાં જન્મતાં બાળકોની સંખ્યા વગેરે પ્રશ્નોની બાબતમાં અર્થશાસ્ત્રીય વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
શિકાગો વિચારધારાની બાબતમાં બે સ્પષ્ટતાઓ કરવી જોઈએ : (1) આર્થિક નીતિની બાબતમાં આ અર્થશાસ્ત્રીઓના વિચારો બદલાયા છે; દા.ત., સિમોન્ઝે અર્થતંત્રમાં સ્પર્ધાને ટકાવી રાખવા માટે ઇજારાવિરોધી કડક પગલાંની હિમાયત કરી હતી, પરંતુ તેમના અનુગામી સ્ટિગ્લરે તેવી નીતિને અનાવશ્યક ગણી હતી. તેમના વિશ્લેષણ પ્રમાણે ઇજારો અને અલ્પહસ્તક ઇજારો ટૂંકા ગાળા પૂરતો જ ટકી રહે છે. લાંબા ગાળામાં તેમનું કોઈ મહત્વ રહેતું નથી; કેમ કે, લાંબા ગાળામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હરીફો બજારમાં પ્રવેશે છે. સિમોન્ઝે ભાવોની પરિસ્થિતિ પ્રમાણે નાણાકીય નીતિનું સંચાલન કરવાની હિમાયત કરી હતી, પરંતુ તેમના અનુગામી મિલ્ટ ફ્રિડમૅને વર્તમાન પરિસ્થિતિથી નિરપેક્ષ રીતે નાણાંના પુરવઠામાં એક ચોક્કસ દરે વધારો કર્યે જવાની હિમાયત કરી હતી.
(2) શિકાગો યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના બધા જ અર્થશાસ્ત્રીઓ શિકાગો વિચારધારાનું સમર્થન કરતા હોતા નથી. એનાથી ઊલટું, અન્ય યુનિવર્સિટીઓમાં કામ કરતા કેટલાક અર્થશાસ્ત્રીઓ શિકાગો વિચારધારાનું સમર્થન કરે છે.
રમેશ શાહ