શિંદે, એકનાથ (જ. 9 ફેબ્રુઆરી 1964, ડારે, મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્રના 20મા મુખ્યમંત્રી, મહારાષ્ટ્ર સરકારના પૂર્વ શહેરીવિકાસ મંત્રી, મહારાષ્ટ્ર વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા અને ધારાસભ્ય. સતારા જિલ્લાના જ્વાલી તાલુકાના ડારેમાં જન્મેલા એકનાથ શિંદેનો પરિવાર થોડાં વર્ષો બાદ થાણેમાં સ્થાયી થયો હતો. થાણેમાં જ એકનાથ શિંદેએ શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું. આર્થિક સંકડામણ ભોગવતા પરિવારને મદદ કરવા માટે તેમણે ઑટૉરિક્ષા ચલાવવાનું શરૂ કર્યું હતું. 1980ના સમયગાળામાં મહારાષ્ટ્રમાં શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેના નેતૃત્વમાં મરાઠાવાદના આંદોલને જોર પકડ્યું હતું. બાળાસાહેબ ઠાકરેની મરાઠાવાદની વિચારધારાથી પ્રભાવિત થઈને એકનાથ શિંદે શિવસેનાના કાર્યકર બન્યા હતા. થાણે જિલ્લાના એ વખતના શિવસેના પ્રમુખ આનંદ દીઘેના સહાયક બનેલા એકનાથ શિંદેએ યુવાનોમાં લોકપ્રિયતા મેળવવા માંડી હતી. આનંદ દીધે એકનાથ શિંદેના રાજકીય ગુરુ બન્યા અને તેઓ સંગઠનમાં પણ મહત્વની ભૂમિકા ભજવવા માંડ્યા. 1997માં થાણે નગરપાલિકામાં ચૂંટણી લડ્યા અને જીતી ગયા. 2001માં આનંદ દીધેનું આકસ્મિક મૃત્યુ થતાં થાણે જિલ્લામાં શિવસેનાની જવાબદારી એકનાથ શિંદેને મળી. એ જ વર્ષે એકનાથને થાણે નગરપાલિકામાં શિવસેનાના નેતા બનાવાયા. એ સમયે બાળાસાહેબ ઠાકરેના પુત્ર ઉદ્ધવ ઠાકરે શિવસેનામાં સક્રિય થયા હતા. ટૂંક સમયમાં એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરેના વિશ્વાસુ બની ગયા.
એકનાથ શિંદે ઉભરતા નેતા તરીકે શિવસેનામાં જાણીતા બનવા લાગ્યા હતા. 2004માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં એકનાથ શિવસેનાની ટિકિટ પર ધારાસભ્ય બન્યા. એ સાથે જ રાજ્યસ્તરના રાજકારણમાં તેમનો પ્રવેશ થયો. 2009માં ફરીથી ધારાસભ્ય બન્યા. 2013માં બાળાસાહેબ ઠાકરેના નિધન પછી ઉદ્ધવ ઠાકરે શિવસેનાના પ્રમુખ બન્યા. 2014ની ચૂંટણીમાં ત્રીજી વખત ધારાસબ્ય બનેલા એકનાથ શિંદેને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ વિધાનસભાના વિરોધપક્ષના નેતા બનાવ્યા. ભાજપ-શિવસેનાના ગઠબંધનમાં મહારાષ્ટ્રમાં સરકાર રચાઈ અને દેવેન્દ્ર ફડનવિસ મુખ્યમંત્રી બન્યા તેમની સરકારમાં એકનાથ કેબિનેટ મંત્રી બન્યા હતા. 2019 સુધી તેઓ જાહેર સેવા, સ્વાસ્થ્ય, સમાજકલ્યાણ વિભાગના મંત્રી રહ્યા હતા. 2019માં ચોથી વખત ધારાસભ્ય બનેલા એકનાથ શિંદેને શિવસેનાએ ધારાસભા ગૃહમાં શિવસેનાના નેતા નિયુક્ત કર્યા હતા. 2019માં શિવસેના-કૉંગ્રેસ-એનસીપીના ગઠબંધન મહા વિકાસ અઘાડીની સરકાર રચાઈ અને ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા. ઉદ્ધવ-સરકારમાં તેમને શહેરીવિકાસ, જાહેરસેવાના મંત્રી બનાવાયા હતા.
મહા વિકાસ અઘાડી ગઠબંધન મુદ્દે ઉદ્ધવ ઠાકરે સાથે એકનાથ શિંદેને મતભેદો શરૂ થયા હતા. 21મી જૂન, 2022થી મહારાષ્ટ્રમાં રાજકીય કટોકટી સર્જાઈ હતી. શિવસેનાના બે તૃતિયાંશ ધારાસભ્યોના સમર્થન સાથે એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે સામે વિરોધ કર્યો. આઠ-દસ દિવસની રાજકીય કટોકટી બાદ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપ્યું. એકનાથ શિંદેએ શિવસેનાના ધારાસભ્યો ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના સમર્થનથી 30મી જૂન, 2022ના રોજ મહારાષ્ટ્રના 20મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. મોટા ભાગના ધારાસભ્યોના સમર્થનથી તેમણે શિવસેનાના પ્રમુખ હોવાનો દાવો પણ કર્યો હતો. તેમના પુત્ર શ્રીકાંત શિંદે ઑર્થૉપેડિક ડૉક્ટર ઉપરાંત 2014થી કલ્યાણ બેઠક પરથી ચૂંટાયેલા સાંસદ છે. 2000ના વર્ષમાં તેમના એક પુત્ર અને એક પુત્રીનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું.
હર્ષ મેસવાણિયા