શિંગોડાં (ફળ) : આયુર્વેદ અનુસાર ઉપયોગી ફળ. તેનાં વિવિધ ભાષાઓમાં નામ આ પ્રમાણે છે : સં. शृंगाहक, जलफल; હિં सिघाड़ा; મ. શિંગાડા; ક. शिंगाडे; ફા. सुरंजान; અં. Water chest nut; બં. ચ્દત્ર્હ્યઝ્; તે. ચ્દજ્રઇંદ્ધઈંક્કન્ઇંદ્ર; લે. Trapa Bispinosa, Trapa natans Linn.; અં. Caltrops.

શિંગોડાં

શિંગોડાં તળાવમાં થતાં ફળ છે. પાણીમાં તેના લાંબા વેલા થાય છે. તેને કારેલીનાં જેવાં પાન થાય છે. ફળનો આકાર ત્રિકોણ જેવો, બીજાં તમામ ફળોથી અનોખો હોય છે. જે તળાવમાં ભાદરવા માસ સુધી પાણી ભરાઈ રહેતું હોય તેમાં તેની રોપણી કરાય છે. રોપણી હોળી પછી કરાય છે. ભાદરવા સુધી શિંગોડાનાં ફળને પાણીમાં જ પાકવા દેવામાં આવે છે. આસો માસ આવતાં ભોઈ, કહાર કે બાથમ જ્ઞાતિનાં લોકો એ ફળો પાણી બહાર કાઢી, તેમને હીરાકસીવાળા પાણીમાં રાખી, ફળ ઉપરની સખત છાલને કાળા કોલસા જેવી રંગી નાંખે છે. તે પછી તે ફળને ગરમ પાણીમાં બાફી લઈ, ખાવાલાયક કરાય છે. ત્રિકોણ આકારનાં ફળને બે બાજુ સૂડીથી થોડું થોડું કાપીને, તેને દેખાવે સારા કરી બજારમાં વેચાય છે. આવાં ફળ પ્રાય: તાજાં જ ખવાય છે. આસોથી માગશર માસ સુધી ગુજરાતમાં તેની સિઝન ચાલે છે. તેની બે જાતો થાય છે : કાંટાવાળાં તથા બોડાં (કાંટા વગરનાં).

ગુજરાતમાં અમદાવાદ શહેરમાં શિંગોડાનું જથ્થાબંધ બજાર છે. કાંટાવાળાં શિગોડાં ગુજરાતના દાહોદ તથા પંચમહાલ જિલ્લામાંથી તથા મધ્યપ્રદેશના ઇન્દોર અને ઉજ્જૈન પંથકમાંથી અમદાવાદમાં વેચાવા આવે છે, જ્યારે બોડાં કે બેડિયાં શિંગોડાં ગુજરાતનાં ખેડા તથા સાબરકાંઠા જિલ્લાનાં તળાવોમાંથી આવે છે.

શિંગોડાં ગુજરાતમાં માત્ર 3 માસ દરમિયાન જ મળે છે. આ જળફળ ગુણમાં ખૂબ શીતળ હોય છે. તાજાં (બાફેલાં) ફળ લોકો પ્રેમથી ખાય છે. તે ફળને ઉપરનાં કઠણ કોચલામાંથી બહાર કાઢી, સૂકવીને તેનો લોટ કરાય છે. ગુજરાતમાં શિંગોડાંનો લોટ ફરાળી વાનગીઓ બનાવવા માટે વપરાય છે.

ગુણધર્મ : આયુર્વેદ મુજબ શિંગોડાંનાં ફળ સ્વાદે મધુર, તૂરાં, થોડાં વાતલ, શીતલ, પચવામાં ભારે, રુચિપ્રદ, કફકર્તા, અતિવૃષ્ય (વીર્ય-વર્ધક), ગ્રાહી (ઝાડો બાંધનાર), તર્પણકર્તા અને બાદીકર્તા તથા (કફજ) પ્રમેહવર્ધક છે. શિંગોડાં પિત્તદોષ, દાહ, ગરમી (પિત્તજ), પ્રમેહ, ભ્રમ (ચક્કર), રક્તદોષ, સોજો, સંતાપ, રક્તસ્રાવ, સગર્ભાનો રક્તસ્રાવ, અતિઆર્તવ અને રતવાનો નાશ કરનાર, ગર્ભનો છોડ થયો હોય કે ગર્ભ સુકાયો હોય ત્યારે તેને ફરી પોષણ આપી વધારવાનું કાર્ય કરનાર ઔષધિ છે. તે સ્ત્રીના ધાવણમાં વધારો કરે છે તથા શ્વેતપ્રદર મટાડે છે.

ઔષધિપ્રયોગો : (1) રક્તપ્રદર, વાંઘુ કે લોહીવા : શિંગોડાના લોટમાં સમભાગે કમળકાકડી તથા જેઠીમધનું ચૂર્ણ મેળવી રોજ દૂધ, પાણી કે ઘી-સાકરમાં બે વાર લેવાય છે; (2) સગર્ભાના રક્તસ્રાવમાં : પ્રયોગ નં. 1 મુજબ અથવા શિંગોડાના લોટમાં જવનો લોટ ભેળવી, તેની ખાંડવાળી રાબ બનાવી રોજ બે-ત્રણવાર સગર્ભાને અપાય છે; (3) માતાના ધાવણને વધારવા : શિંગોડાનો લોટ, કમળકાકડી, જેઠીમધ, ડોડી (જીવંતી) તથા જીરું સમભાગે લઈ, તેનું ચૂર્ણ કરી, દૂધમાં રોજ 11 ચમચી લેવાય છે; (4) છોડ કે મૂઢગર્ભવિકાસ માટે : શિંગોડાના તથા કચરા(કચૂરક, ગુડકંદ)નાં મૂળના લોટની લાપસી કે ઘીમાં શીરો કરી, સ્ત્રીને રોજ ખવરાવવાથી ગર્ભ પોષાય છે.

વૈદ્ય બળદેવપ્રસાદ પનારા