શાહ, સુભાષ રસિકલાલ

January, 2006

શાહ, સુભાષ રસિકલાલ (14 એપ્રિલ 1941, બોરસદ, ખેડા જિલ્લો) : ગુજરાતના ખ્યાતનામ નાટ્યકાર, નવલકથાકાર અને કવિ. સન 1964માં વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાંથી આંકડાશાસ્ત્ર (સ્ટેટિસ્ટિક્સ) વિષય સાથે એમ.એસસી.. સન 1964થી 1983 દરમિયાન અમદાવાદની સિટી કૉમર્સ કૉલેજમાં એ જ વિષયના વ્યાખ્યાતા. સન 1984-85માં ગુજરાત યુનિવર્સિટીના ‘સેન્ટર ફૉર ડેવલપમેન્ટ કમ્યૂનિકેશન’ના કોઑર્ડિનેટર. સન 1978થી સન 1998 એમ લાગલાગટ બે દાયકા સુધી હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર, અમદાવાદના માનાર્હ નિયામક. ગુજરાત યુનિવર્સિટીના અનુસ્નાતક કૉમર્સ વિભાગ અને સ્કૂલ ઑવ્ આર્કિટેક્ચરમાં મુલાકાતી પ્રાધ્યાપક. જાણીતી આર્ટ ગૅલરી ક્વા-દ-આર્ટ અને આર્ટ હોરાઇઝન ગુજરાત તથા ગુજરાત એજ્યુકેશન ઍન્ડ કમ્યૂનિકેશન ટ્રસ્ટના મૅનેજિંગ ટ્રસ્ટી તથા ‘વી થિયેટર’ના સ્થાપક સભ્ય.

‘સુમનલાલ ટી. દવે’, ‘રંગાદાદા’ અને ‘પ્રપંચ’ તેમનાં અનેક વાર સફળતાપૂર્વક ભજવાઈ ચૂકેલાં નોંધપાત્ર દ્વિઅંકી નાટકો છે. ‘સુમનલાલ ટી. દવે’માં વિખ્યાત જર્મન નાટ્યકાર બર્ટોલ્ટ બ્રેખ્તની ઍલિયનેશન(તાદાત્મ્યખંડન)-પ્રયુક્તિનો વિનિયોગ કરી, અસત્યના યુગમાં સત્યની શું હાલત થાય છે તેની વાત વ્યંગ અને વેદનાથી સભર હાસ્યમિશ્રિત કરુણ શૈલીમાં હૃદયસ્પર્શી રીતે કહેવાઈ છે, તો હિન્દી ભાષામાં પણ પ્રગટ થયેલા ‘રંગાદાદા’ નાટકમાં જેને સમાજ ગુંડો કહે છે પણ વાસ્તવમાં જે નિર્ભય છે, એવી નિર્ભ્રાન્ત અને નિર્ભીક વ્યક્તિથી સમાજને કેવો ડર લાગતો હોય છે તેનું આલેખન ગીતસંગીતથી સભર ઍલિયનેશન-પ્રયુક્તિથી કરવામાં આવ્યું છે. વાસ્તવિક પાત્રો, એ પાત્રોએ ભજવવા ધારેલા નાટકનાં પાત્રો અને એ નાટક માટે ચાલતાં રિહર્સલ – એમ ત્રણ સ્તરમાં વિકસતા-ફેલાતા નાટક ‘પ્રપંચ’માં, ‘નાટકમાં નાટક’ની અતિપ્રચલિત પ્રયુક્તિના સબળ વિનિયોગ દ્વારા સ્ત્રીપુરુષ-સંબંધોની મીમાંસા નાટ્યાત્મક ઢબે કરવામાં આવી છે. ‘બહારનાં પોલાણ’ અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કૃત ‘સંચય બીજો’ તેમના જાણીતા એકાંકીસંગ્રહો છે; જેમાં ઍબ્સર્ડથી માંડી, ઘટનાકેન્દ્રી, પારંપરિક, આધુનિક વગેરે સંજ્ઞાઓ ધારી શકે એવાં એકાંકી સંગ્રહાયેલાં છે. મૌલિક નાટ્યકૃતિઓ ઉપરાંત તેમણે વિખ્યાત વિદેશી નાટ્યકૃતિઓનાં અનુવાદો અને રૂપાંતરો પણ આપ્યાં છે જેમાં  સૅમ્યુઅલ બૅકેટ -કૃત ‘વેઇટિંગ ફૉર ગોદો’ પર આધારિત ‘એક ઉંદર અને જદુનાથ’ (લાભશંકર ઠાકર સાથે), ગ્રીક નાટ્યકાર સોફોક્લિસનાં નોંધપાત્ર નાટકો ‘ઇલેક્ટ્રા’, ‘ઇડિપસ’, ‘ફિલોક્ટેટસ’, ‘એન્ટિગૉની’નો મુક્ત અનુવાદ, માઇકલ-દ-ગોલ્દીરોદના નાટક ‘પેન્ટાગ્લિઝ’નો અનુવાદ ‘અંગીરસ’, આલ્બર્ટ કામુના નાટક ‘ધ જસ્ટ’નો અનુવાદ ‘ન્યાયપ્રિય’, દૉસ્તૉયેવસ્કીની નવલકથાનું નાટ્યરૂપાંતર ‘ક્રાઇમ ઍન્ડ પનિશમેંટ’ તથા બર્ટોલ્ટ બ્રેખ્તની નાટ્યકૃતિ ‘કૉકેશિયન ચૉક સર્કલ’ પર આધારિત અનુસર્જન ‘પરખ’નો સમાવેશ થાય છે.

સુભાષ રસિકલાલ શાહ

નાટક ઉપરાંત સુભાષ શાહે કેટલીક વિશિષ્ટ કહી શકાય એવી લઘુનવલો પણ લખી છે; જેમાં ‘વહેંત છેટી મહાનતા’, ‘અકથ્ય’, ‘નિર્ભ્રાન્ત’, ‘બગીચો’, પત્રલેખન દ્વારા વિકસતા કથાનકને લીધે નોંધપાત્ર ઠરતી લઘુનવલ ‘એક પ્રધાનની આત્મહત્યા’, ‘પ્રપાત’ અને ‘પણછ’ મુખ્ય છે. ‘સુભાષ શાહનાં કાવ્યોની ચોપડી’ કાવ્યસંગ્રહ ઉપરાંત ‘ત્વ’ દીર્ઘકાવ્ય પણ તેમણે પ્રગટ કર્યું છે. જાણીતા ચિત્રકાર પિરાજી સાગરા-વિષયક તેમણે અંગ્રેજી ભાષામાં તૈયાર કરેલો મોનોગ્રાફ લલિતકલા અકાદમી, નવી દિલ્હી દ્વારા પ્રકાશિત થયો છે. આ ઉપરાંત અગ્રગણ્ય ગુજરાતી-અંગ્રેજી વર્તમાનપત્રો અને સામયિકોમાં કલા, સાહિત્ય, ફિલ્મ અને રંગમંચ-વિષયક લેખો અને શ્રેણીઓ પણ તેમણે પ્રગટ કરી છે; જેમાં વિશ્વની શ્રેષ્ઠ ફિલ્મોનું રસદર્શન કરાવતી શ્રેણી ‘શ્રેષ્ઠ ફિલ્મો, વિશ્વની’ નોંધપાત્ર છે.

રંગમંચ સિવાય ફિલ્મો અને ટેલિવિઝન માટે પણ તેમણે લેખન અને દિગ્દર્શનકાર્ય કર્યું છે. ‘સંકેત’ અને ‘મરુભૂમિ’ ટેલિફિલ્મો ઉપરાંત ‘હરસુખને દુ:ખ ભારે’, ‘પ્રપંચ’, ‘યુવાવસંત’, ‘મંથન’, ‘ધ ગ્રેટ ગુજરાત શો’ વગેરે તેમની જાણીતી ટીવી-સિરિયલો છે. દૂરદર્શન, માહિતી-વિભાગ તેમજ અન્ય સરકારી, અર્ધસરકારી સંસ્થાઓ માટે તેમણે ઢગલાબંધ દસ્તાવેજી ફિલ્મો બનાવી છે; જેમાં રવિશંકર રાવળ, પિરાજી સાગરા, સોમાલાલ શાહ અને જેરામ પટેલ જેવા ખ્યાતનામ ચિત્રકારો અને ‘આર્કિટેક્ચર ઑવ્ ગુજરાત’ વિશેની ફિલ્મો પ્રમુખ છે. ઍવૉર્ડ-વિજેતા ફિલ્મ ‘હું, હુંશી, હુંશીલાલ’માં અભિનય કરવા ઉપરાંત તેમણે 18 જેટલાં દીર્ઘ નાટકો અને 17 જેટલાં એકાંકીઓનું દિગ્દર્શન કર્યું છે. તેમના દ્વારા દિગ્દર્શિત ‘પ્રપંચ’ નાટકે રાજ્યસ્તરે આયોજિત નાટ્યસ્પર્ધામાં અનેક પારિતોષિકો મેળવ્યાં હતાં. ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમીના ઉપક્રમે તેમણે લેખક-દિગ્દર્શકના શિબિરો યોજ્યા છે અને વિખ્યાત ચિત્રકારોના એકલ-ચિત્રપ્રદર્શનો પણ આયોજ્યાં છે.

પુણે ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ ખાતે ફિલ્મ એપ્રિસિયેશનનો કોર્સ કરવા ઉપરાંત યુજીસી દ્વારા આયોજિત ફિલ્મ-સ્ટડી વર્કશૉપમાં પ્રશિક્ષણ મેળવી ફિલ્મના માધ્યમ વિશે પૂરી સજ્જતા પ્રાપ્ત કરનાર સુભાષ શાહે ગુજરાત યુનિવર્સિટીના ઉપક્રમે વખતોવખત નિર્માણલક્ષી ફિલ્મ-અભ્યાસ શિબિરોનું આયોજન કર્યું છે; તો ન્યૂ ફિલ્મ સોસાયટીની એક્ઝિક્યુટિવ કમિટીના તેઓ સભ્ય પણ રહી ચૂક્યા છે. દક્ષિણ આફ્રિકા, બોસ્તવાના અને સ્વાઝિલૅન્ડનો કલાપ્રવાસ પણ તેમણે ખેડ્યો છે.

મહેશ ચંપકલાલ