શાહ, શાન્તિ (જ. 1922; અ. 1994, અમદાવાદ) : ગુજરાતના જાણીતા ચિત્રકાર અને કટારલેખક. શાલેય અભ્યાસ કર્યા બાદ થોડો સમય રવિશંકર રાવળ તેમજ રસિકલાલ પરીખ હેઠળ કલાભ્યાસ કર્યો. રસિકલાલ પરીખે તેમને કલાના વધુ અભ્યાસ માટે ચેન્નાઈ મોકલી આપ્યા. ચેન્નાઈ ખાતેની ગવર્ન્મેન્ટ કૉલેજ ઑવ્ આર્ટમાં પ્રસિદ્ધ શિલ્પી અને ચિત્રકાર દેવીપ્રસાદ રાયચૌધુરી પાસે અભ્યાસ કર્યો અને ચિત્રકલાની સ્નાતક પદવી પ્રાપ્ત કરી. રાયચૌધુરીએ શાન્તિનાં ચિત્રોનું વૈયક્તિક પ્રદર્શન કોલમ્બોમાં ગોઠવી આપ્યું. ત્યાંથી શાંતિભાઈ ઊપડ્યા હૉલેન્ડ. હૉલેન્ડમાં ચિત્રકલાનો વધુ અભ્યાસ કરી તૂટેલા ટાઇલ્સ વડે પ્લાસ્ટર ઉપર મોઝેક બનાવતાં શીખ્યા. ત્યાંથી તે પાછા ફરીને અમદાવાદમાં સ્થિર થયા. ગુજરાત રાજ્ય પરિવહન નિગમ સાથે કરાર કરીને શાન્તિભાઈએ ગુજરાતના નગરે નગરે અને ગામડે ગામડે આવેલાં રાજ્ય પરિવહન નિગમનાં બસસ્ટેન્ડનાં મકાનોની ભીંતો ઉપર વિરાટકાય મોઝેક સર્જ્યાં. ઉપરાંત અમદાવાદના બાઇબલ હાઉસની ભીંતો ઉપર ઈશુના જીવનપ્રસંગો પણ એ જ પદ્ધતિએ આલેખિત કર્યા. અમદાવાદની વી. એસ. હૉસ્પિટલ પાછળ આવેલ સપ્તર્ષિ સ્મશાનગૃહમાં પણ તેમણે જીવનની ક્ષણભંગુરતા સૂચવતું એક મોઝેક રચ્યું છે.
1965થી 1988 સુધી સતત ત્રેવીસ વરસ સુધી ‘ગુજરાત સમાચાર’ની રવિપૂર્તિમાં તેમણે કલાવિવેચન અને કલાપરિચયને લગતી કટાર ‘આકાર અને આકૃતિ’ લખેલી.
અમિતાભ મડિયા