શાહ, મનોજ શાકરચંદ (જ. 5 ફેબ્રુઆરી 1955, મુંબઈ) : ગુજરાતી રંગભૂમિના દિગ્દર્શક, અભિનેતા અને પ્રોડ્યૂસર. મનોજ શાહનું નવ ધોરણ સુધીનું શાળાકીય શિક્ષણ મુંબઈ અને અમદાવાદમાં થયું. એમણે એમની કારકિર્દીની શરૂઆત એક નૃત્યદિગ્દર્શક તરીકે કરી હતી. પણ એ સમયે મહેન્દ્ર જોશીના એક નાટકથી પ્રભાવિત થઈને નાટ્યદિગ્દર્શક થવાનું નક્કી કર્યું. નાટ્યજગતના અન્ય દિગ્દર્શકો એવા બાદલ સરકાર, ઉત્પલ દત્ત અને વિજયા મહેતાનાં નાટકોથી પણ તેઓને પ્રેરણા મળી. મનોજ શાહે નેવું જેટલાં નાટકો દિગ્દર્શિત કરેલાં છે. મનોજ શાહે એમની એક નાટ્યસંસ્થા ‘આઇડિયા અનલિમિટેડ’ની સ્થાપના કરી છે અને તેના બૅનર હેઠળ તેઓ નાટકોની રજૂઆત કરે છે. એમણે કેટલીક ગુજરાતી ફિલ્મોમાં પણ અભિનય કરેલો છે.

મનોજ શાહનાં ઉલ્લેખનીય નાટકોમાં કવિ મરીઝના જીવન પરથી ‘મરીઝ’ (2004), શ્રીમદ્ રાજચંદ્રના જીવન પરથી ‘અપૂર્વ અવસર’ (2007), લેખક ચંદ્રકાન્ત બક્ષીના જીવન પરથી ‘હું, ચંદ્રકાન્ત બક્ષી’ (2010), મહાત્મા ગાંધીના જીવનપ્રસંગો પરથી ‘મોહનનો મસાલો’ (2015 – આ નાટક ગુજરાતી ઉપરાંત હિન્દી અને અંગ્રેજીમાં પણ રજૂઆત પામેલું છે.) આ નાટકને  લિમ્કા બુક ઑફ રેકૉર્ડમાં સ્થાન મળ્યું છે. ‘કાગડો’ (2019), ‘બૉમ્બે ફ્લાવર્સ’ (2023) – આ તેમનું 93મું નાટક છે જે મોહમદઅલી ઝીણાના જીવન પરથી સર્જાયું છે. 2015માં રજૂ કરેલ નાટક ‘ગુજરાતની અસ્મિતા’ એક સાંગીતિક રજૂઆત હતી અને એમાં 45 જેટલા કલાકારોને રજૂ કરવામાં આવેલા. આ નાટકમાં ગુજરાતી કવિતાની મધ્યયુગથી આજ સુધીની યાત્રાને રજૂ કરવામાં આવી છે.

અભિજિત વ્યાસ