શાહમૃગ (ostrich) : આજે હયાતી ધરાવતું સૌથી મોટા કદનું જાણીતું પક્ષી. ત્રણ મીટર જેટલી ઊંચાઈ ધરાવતા આ પક્ષીનો સમાવેશ Struthioniformes શ્રેણીનાં Struthionidae કુળમાં થાય છે. શાસ્ત્રીય નામ છે Struthio camelus. તે મુખ્યત્વે પૂર્વ અને દક્ષિણ આફ્રિકાનાં ડુંગર, રણ અને વનસ્પતિની અછત હોય તેવા પ્રદેશમાં વસે છે. તેની પાંખ અત્યંત નાની હોય છે અને તે ઊડી શકતું નથી, જ્યારે તે ઝડપથી દોડવા અનુકૂલન પામેલું છે. દોડવાની ઝડપ કલાકે 70 કિલોમીટર જેટલી હોય છે.

ઈંડાંનું સેવન કરતી માદા શાહમૃગ

શાહમૃગનું વજન 150 કિલોગ્રામ જેટલું હોય છે. તે પગદીઠ માત્ર બે પાદાંગુલિ (toes) ધરાવતું એકમેવ પક્ષી છે. નર શાહમૃગ દેખાવડો હોય છે. તેનાં પીંછાં સફેદ અને કાળા રંગનાં હોય છે, જ્યારે માદાનાં પીંછાં રંગે ભૂખરાં હોય છે. પગ પાતળા અને લાંબા, માથું નાનું જ્યારે ગ્રીવા લાંબી. આ બધાં અંગો લગભગ પીંછાં વગરનાં હોય છે. આંખ મોટા કદની; વ્યાસ 5 સેમી.નો અને પાંપણ વડે સંધાયેલી હોય છે.

શાહમૃગ ઝડપથી દોડીને સિંહ જેવા ભક્ષક પ્રાણીઓથી સુરક્ષિત રહે છે. જોકે તેને ઘેરવામાં આવે તો પોતાના તીવ્ર નહોરની મદદથી  આક્રમણકર્તાનો સામનો કરે છે. એક માન્યતા મુજબ તે બીએ ત્યારે રેતમાં માથું છુપાવે છે. આ માન્યતા સાવ વજૂદ વગરની છે.

શાહમૃગનો ખોરાક મુખ્યત્વે ઝાડપાનનો બનેલો છે. જોકે નાનાં પ્રાણી, ગરોળી, કાચબા જેવાને પણ તે ખાય છે. શુષ્ક પ્રદેશમાં વસતું આ શાહમૃગ પાણી વગર ઘણા સમય સુધી જીવી શકે છે. તે સામાન્યપણે ઝાડપાનમાં આવેલ પાણીની મદદથી પોતાનું જીવન વિતાવે છે.

નર શાહમૃગ શિશ્ન જેવું બાહ્ય અંગ ધરાવતું એકમાત્ર પક્ષી છે. નર એકથી વધારે માદા સાથે સંવનન કરે છે. નર રેતમાં દર ખોદી માળો બનાવે છે. જેમાં દરેક માદા 10 જેટલાં ઈંડાં મૂકે છે. પ્રત્યેક ઈંડાનો વ્યાસ 15 સેમી. જેટલો છે, જ્યારે વજન 1.5 કિલોગ્રામ હોય છે. શાહમૃગનાં ઈંડાં બધાં પક્ષીઓમાં સૌથી મોટાં હોય છે. ઈંડાંનાં કવચ જાડાં, છિદ્રયુક્ત અને આછા પીળા રંગનાં હોય છે. દિવસ દરમિ`યાન માદા સેવન કરે છે, જ્યારે રાત્રે નર આ જવાબદારી ઉપાડે છે. 5થી 6 અઠવાડિયાંના સેવન પછી બચ્ચાં જન્મે છે.

શાહમૃગ સૌથી લાંબું, 70 વરસ સુધી જીવનાર પક્ષી તરીકે જાણીતું છે. શાહમૃગનાં પીંછાં આકર્ષક હોવાને કારણે તે પીંછાંનાં વસ્ત્રો બનાવવા માટે તેમનો શિકાર કરવામાં આવતો. તેને લીધે અગાઉ એશિયામાં વસતાં બધાં શાહમૃગ નાશ પામ્યાં. હાલમાં દક્ષિણ આફ્રિકામાં શાહમૃગને તેની ત્વચા માટે પાળવામાં આવે છે. તેની ત્વચામાંથી અત્યંત કોમળ અને મૂલ્યવાન ચર્મ બનાવાય છે.

મ. શિ. દુબળે