શાહ, ફૂલચંદ ઝવેરભાઈ (જ. 10 સપ્ટેમ્બર 1879, નડિયાદ, ગુજરાત; અ. 14 માર્ચ 1954, નડિયાદ) : ગુજરાતી નાટ્યકાર, કવિ અને ચિત્રકાર. સંસ્કારી ખડાયતા બ્રાહ્મણ પરિવારમાં જન્મ. પિતા ઝવેરભાઈ અને માતા કૃષ્ણાબાના સંગીત અને નાટ્યકલાના ચાહક પુત્ર. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સરદાર વલ્લભભાઈ પટેલ અને ઇન્દુલાલ યાજ્ઞિક જેવા સહાધ્યાયીઓ સાથે નડિયાદમાં લીધું; ચિત્રકલાનો વધુ અભ્યાસ મુંબઈની જે. જે સ્કૂલ ઑવ્ આર્ટમાં કર્યો.
અમદાવાદ અને નડિયાદની વિવિધ સરકારી સંસ્થાઓમાં ચિત્ર-શિક્ષક તરીકે સતત 25 વર્ષ સુધી સેવા આપી. નાટ્યકલા તથા અભિનય તરફના વિશિષ્ટ લગાવને કારણે ઐતિહાસિક, રજવાડી, સામાજિક અને કલ્પનાપ્રધાન નાટકોથી અલગ ચીલો ચાતરીને પૌરાણિક અને ધાર્મિક કથાવસ્તુ સાથે મૌલિક નાટકોની રચના કરી.
તેમણે 16 જેટલાં ગુજરાતી નાટકો, 20 આખ્યાનો, 1 નવલકથા, 5 કાવ્યસંગ્રહો, 5 સંગીતવિષયક અને 4 કલા અને ચિત્રકલાવિષયક ગ્રંથો આપ્યાં છે. નાટકો તેમણે વ્યવસાયી રંગભૂમિ માટે રચ્યાં. તેમાં સૌપ્રથમ નાટક ‘મહાસતી અનસૂયા’ આર્ય સુબોધ નાટક મંડળી માટે રચેલું; 1908માં તે મુંબઈમાં ભજવાયું અને અતિ લોકપ્રિય બન્યું. તેમનાં કેટલાંક નાટકો કાળીદાસ, વ્યાસ અને ભવભૂતિનાં સંસ્કૃત નાટકો પર આધારિત છે. તેમનાં અન્ય ઉલ્લેખનીય નાટકોમાં ‘સુકન્યા સાવિત્રી’ (1910); ‘મહાશ્ર્વેતા કાદંબરી’ (1912); ‘માલતી-માધવ’ (1913); ‘મુદ્રાપ્રતાપ’ (1914); ‘શુકદેવજી’ (1915) અને છેલ્લું નાટક ‘વિશ્વધર્મ’ (1945) મુખ્ય છે. ‘વિશ્વધર્મ’ ગાંધીજીના ‘સત્યના પ્રયોગો’ પર આધારિત છે.
રંગભૂમિનાં અનિષ્ટોથી ત્રાસીને તેમણે આખ્યાનરચનાઓ કરી. કવિ-ચિત્રકાર તરીકે લોકપ્રિય બન્યા. તેમનાં આખ્યાનોમાં ‘અજામિલ’ (1925); ‘વામનજી’ (1925), ‘વિશ્વમોહિની’ (1925), ‘શ્રીકૃષ્ણલીલા’ (1926); ‘હરિશ્ર્ચન્દ્ર’ (1926); ‘ગોપીચંદ’ (1927); ‘એકાકાર’, ‘ચંદ્રહાસ’ (1928); ‘માતંગમોક્ષ’ (1929), ‘સતી સાવિત્રી’ (1929) અને ‘બાલરામાયણ’ (1931) અને ‘પ્રેમભક્ત પ્રહ્લાદ’ (1955) લોકપ્રિય છે. ચિત્રકાર તરીકેનો તેમનો ગ્રંથ ‘શ્રી કૃષ્ણચંદ્રોદયચિત્રકથા’ ખૂબ જાણીતો છે. રાગપરિચય કરાવતું તેમનું પુસ્તક ‘રાગરૂપાવલિ’ (1962) અને ગદ્યપદ્યમિશ્ર કૃતિ ‘ભગવાન શ્રીકૃષ્ણ’ (1980) છે. તેમનાં નાટકો, આખ્યાનો અને કાવ્યો તેમની સરળ, સ્પષ્ટ અને પ્રભાવી શૈલીને કારણે અનોખી ભાત પાડે છે.
કાશીનિવાસી સ્વામી શ્રી આત્મસ્વરૂપાનંદજીનો સત્સંગ અને સંગીત તરફનો એમનો લગાવ એમના અંતિમ જીવનના આનંદના મૂળમાં છે. તેમણે નડિયાદમાં એક ભજનમંડળી પણ ઊભી કરેલી. એક સુસંસ્કારી નાટ્યકાર અને સત્સંગી માણસનો સમન્વય એમનામાં હતો.
દિનકર ભોજક