શાહ, પ્રિયબાળાબહેન

January, 2006

શાહ, પ્રિયબાળાબહેન (. 13 જાન્યુઆરી 1920; અ. 14 જાન્યુઆરી, 2011, અમદાવાદ) : ભારતીય સંસ્કૃતિ અને કલાના તજ્જ્ઞ. 1938માં માતાના મૃત્યુ પછી પાંચ ભાંડુઓનો ઉછેર અને શિક્ષણ મોસાળ અમદાવાદમાં થયાં. ગાંધીજીની અસરથી રંગાયેલા મોસાળમાંથી જ બાળપણમાં સાદગી અને સ્વરાજની ભાવના મળેલી, જે અદ્યાપિ પર્યંત જળવાયેલી જોઈ શકાય છે. પ્રાથમિક શાળાના અભ્યાસ દરમિયાન જીવનમાં ઉપયોગી એવા ત્યાગ, સેવા, સંયમ, સત્ય અને સાદાઈના પાઠ શીખવા મળેલા; જે ગુણ એમના વિકાસને અજવાળી રહ્યો છે.

પ્રિયબાળાબહેન શાહ

આરંભમાં શાળાકક્ષાએ અને મૅટ્રિકમાં પાસ થયા ત્યારે ઇનામ મળેલાં. આમ શાળાકીય અભ્યાસમાં ઉજ્જ્વળ કારકિર્દીનાં દર્શન થાય છે. ઉચ્ચ અભ્યાસમાં મુંબઈ યુનિવર્સિટીમાંથી સંસ્કૃત (ઑનર્સ) અને ગુજરાતી વિષય સાથે 1942માં બી.એ.ની પદવી મેળવી. તે પછી 1944માં પ્રાચીન ભારતીય સંસ્કૃતિ વિષય સાથે એમ.એ. થયા. ત્યારબાદ સંસ્કૃત વિષયમાં 1951માં ‘A dissertation on the theory and practice of Fine Arts as found in Ancient India with critical edition of ‘Vishnudharmottar Purana’ શીર્ષકથી મહાનિબંધ તૈયાર કરી પીએચ.ડી.ની પદવી મેળવી. 1952થી ’55 સુધી વધુ અભ્યાસ માટે પૅરિસ ગયા. પૅરિસમાં એકોલ દ લુવ્રમાંથી 1954માં ડિપ્લોમા ઇન મ્યુઝિયમનો અભ્યાસ કર્યો. ત્યાં પૅરિસની સોરવોન યુનિવર્સિટીમાંથી 1955માં ડી.લિટ.ની પદવી મેળવી, તેઓ ભારત પરત આવ્યા.

1955થી 1963 સુધી અમદાવાદમાં રામાનંદ મહાવિદ્યાલય (વર્તમાન શ્રી હરિવલ્લભદાસ કાલિદાસ આર્ટ્સ કૉલેજ)માં પ્રાચીન ભારતીય સંસ્કૃતિ વિભાગનાં વડાં તરીકે કામગીરી સંભાળી. આ દરમિયાન અધ્યયન-સંશોધનની સાથે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ – 1960માં મહાગુજરાતને અનુલક્ષીને ‘યુગે યુગે ગુજરાત’નું પ્રદર્શન વગેરેમાં સફળ સંચાલન પૂરું પાડ્યું. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિસંવાદો અને અધિવેશનોમાં ભાગ લઈ અનેક સંશોધનપત્રો દ્વારા વિવિધ વિષયોમાં સિદ્ધહસ્તતા પ્રસ્થાપિત કરી.

1963થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી – રાજકોટ ખાતે માતુશ્રી વીરબાઈ મા મહિલા આર્ટ્સ ઍન્ડ સાયન્સ કૉલેજમાં આચાર્ય તરીકે નિમાયાં. અહીં વહીવટી જવાબદારી સાથે સમાજસેવા, સંશોધન અને ક્ષેત્રીય અન્વેષણનાં કાર્ય સતત ચાલુ રહ્યાં, જેની ફલશ્રુતિ રૂપે ‘Discriptive Catalogue of Sanskrit Manuscript (Part I II)’, ‘Vishnudharmottar’, ‘પ્રાચીન ભારતીય સ્થાપત્ય અને શિલ્પ’, ‘તિબેટ’, ‘હિંદુ મૂર્તિવિધાન’, ‘જૈન મૂર્તિવિધાન’, ‘સૌરાષ્ટ્રનાં મંદિરોની ઝાંખી’, ‘પથ્થર બોલે છે’ – ‘Temples of Gujarat’, ‘The Sun Images’, ‘Sari : Traditional Wear of Indian Women’ (2002), ‘Tilak’ વગેરે મહત્વના ગ્રંથો આપ્યા. આ ઉપરાંત પ્રાચીન હસ્તપ્રતોમાંથી સંપાદિત કરેલાં ઉચ્ચ કોટિનાં સંશોધનોમાં ‘નૃત્યરત્નકોશ’ (ભાગ 12 પ્રો. રસિકલાલ પરીખ સાથે) સંપાદિત કર્યો. બીજાં સંપાદનોમાં ‘શ્રીકૃષ્ણગીતિ’, ‘શૃંગારહારાવલિ’, ‘વસ્તુરત્નકોશ’, ‘નૃત્તસંગ્રહ’, ‘નૃત્યાધ્યાય’, ‘પરિમાણમંજરી’, ‘મુદ્રાવિચાર વિધિ પ્રકરણ’નો સમાવેશ થાય છે.

1980 સુધી કૉલેજ-કાર્યભાર સંભાળ્યા બાદ સેવાનિવૃત્ત થઈને અમદાવાદને તેમણે કાર્યક્ષેત્ર બનાવ્યું છે. અહીં પણ સમાજસેવાપ્રવૃત્તિના ભાગ રૂપે જ્યોતિસંઘ (198-189), અંધ કન્યા પ્રકાશગૃહ (198-687), અપંગ માનવ મંડળ, અમદાવાદ જિલ્લા સમાજ કલ્યાણ સંઘ (1989થી હાલ કાર્યરત) જેવી સમાજસેવી સંસ્થાઓમાં કાર્યરત રહીને ગાંધીવિચારને વધુ દૃઢ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. 85 વર્ષની વયે પણ પુરાણ-આધારિત સંશોધનની કામગીરી તથા ગ્રંથલેખન અને સંશોધનકાર્ય ચાલુ જ છે.

રામજીભાઈ સાવલિયા