શાહ જો રિસાલો (મુજમલ)

January, 2006

શાહ જો રિસાલો (મુજમલ) : સિંધના સૂફી રહસ્યવાદી શાહ અબ્દુલ લતીફ(1689-1752)ની કાવ્યકૃતિઓનું સાંગોપાંગ સંપાદન. આ ગ્રંથનું સંપાદન કલ્યાણ આડવાણી(જ. 1911)એ કર્યું હતું અને તેની પુન:સંશોધિત આવૃત્તિ 1966માં પ્રગટ થઈ હતી. તેમાં પ્રચલિત લોકવ્યવહારની વિચોલી બોલીને સાહિત્યિક ભાષામાં રૂપાંતરિત કરી હોવાથી તે ‘મુજમલ’ રિસાલો ગણાય છે. આ ગ્રંથને 1968ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો છે.

આ ગ્રંથમાં કવિની સંપૂર્ણ કૃતિઓ ઉપરાંત તેમાં ચિત્રિત કર્યા પ્રમાણે તત્કાલીન મહાન સૂફી કવિ શાહ અબ્દુલ લતીફના જીવન, તેમના વ્યક્તિત્વ અને ચારિત્ર્યને લગતી 30 પાનાંની પ્રસ્તાવનામાં પરિચય કરાવ્યો છે. ત્રીસ ‘સૂર’માં વર્ગીકરણ કરેલો તેનો મૂળ પાઠ 467 પાનાંનો છે, અને ભારતીય સંગીત પરંપરા પર આધારિત દરેક ‘સૂર’નું સંક્ષિપ્ત નિરૂપણ તેમાં કરવામાં આવ્યું છે. તેમાં દરેક ‘દાસ્તાન’(સર્ગ)નો સારાંશ, પસંદગીના શબ્દોના અર્થ અને સાથોસાથ કાવ્યોનો ભાવાનુવાદ આપવામાં આવ્યો છે. આ ગ્રંથમાં સિંધી-કચ્છી લોકકથાઓનો આધ્યાત્મિક સ્વરૂપે સમાવેશ થાય છે. જે રિસાલામાં કેટલાક સૂરોનો આધાર રચે છે. તેથી આ ગ્રંથ અત્યંત લોકપ્રિય બન્યો છે.

આ ગ્રંથમાં ભારતીય છંદ:શાસ્ત્ર અને રાગ-રાગિણીઓને આધારે કાવ્યમય સ્વરૂપની પ્રસ્તુતિ કરી, સિંધી ભાષાને ગૌરવપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. વળી મુસ્લિમ શાસન અને ફારસીનો પ્રભાવ હોવા છતાં ભારતીય મૂલ્યોને પુનર્જીવિત કરવામાં આવ્યાં હોવાથી આ વિવેચનાત્મક સંકલન કૃતિ શાહ અબ્દુલ લતીફ અને તેમના ગ્રંથોના તેમજ સિંધીમાં અન્ય રહસ્યવાદી કાવ્યસંગ્રહોના વધુ અભ્યાસ માટે વિદ્વાનો અને સંશોધનકારો માટે અત્યંત ઉપયોગી સંદર્ભગ્રંથ બની રહે છે. તેમાં પ્રગટ થતી કવિની વેદાંતદર્શન અને અનંતના રહસ્ય વિશેની ઊંડી સૂઝ અને વિદ્વત્તાપૂર્ણ અભિવ્યક્તિને કારણે તત્કાલીન સિંધી સાહિત્યમાં તેનું મોખરાનું સ્થાન છે.

જયંત રેલવાણી