શાહ, જે. સી. (જ. 19 જાન્યુઆરી, 1906 ?) : ભારતના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ અને એક બાહોશ ધારાશાસ્ત્રી. એમણે અમદાવાદની શાળાઓમાં પોતાનું પ્રારંભિક શિક્ષણ મેળવી 1922માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી અને 1928માં કાયદાના સ્નાતક થયા. જાન્યુઆરી 1933માં ઍડવોકેટની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ અમદાવાદમાં વકીલાત શરૂ કરી, પણ થોડા જ સમયમાં મુંબઈ જઈ ત્યાંની હાઈકોર્ટમાં વકીલાતનો આરંભ કર્યો. મહાત્મા ગાંધીની હત્યાના મુકદ્દમામાં એ દિલ્હીની સેશન્સ અદાલતમાં સહાયક સરકારી વકીલ તરીકે હાજર થયા હતા. 1949માં એ મુંબઈ વડી અદાલતના ન્યાયાધીશ નિમાયા. વહેવારુ બુદ્ધિ, ઉદ્યમશીલતા, ધીરજ, નિષ્પક્ષતા અને વિનય જેવા ગુણોના કારણે એમણે વકીલો અને પ્રજાનો વિશ્ર્વાસ સંપાદન કરેલો. ઑક્ટોબર 1959માં એ સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ તરીકે તથા ડિસેમ્બર 1970માં ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિમાયા અને આશરે એક માસમાં આ પદ પરથી નિવૃત્ત થયા. કટોકટીના અતિરેકોની તપાસ માટે મે 1977માં નિમાયેલ એક સદસ્યીય કમિશનના વડા તરીકે એમની નિમણૂક થઈ હતી. નિવૃત્તિ બાદ અવસાન સુધી તેમણે ગુજરાત લૉ સોસાયટીના પ્રમુખપદે કાર્ય કર્યું હતું.
ચિન્મય જાની