શાહ, ચુનીલાલ વર્ધમાન

January, 2006

શાહ, ચુનીલાલ વર્ધમાન (. 2 મે 1887, વઢવાણ, સૌરાષ્ટ્ર; . 12 મે 1966, અમદાવાદ) : ગુજરાતી નવલકથાકાર, પત્રકાર વાર્તાકાર અને વિવેચક. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વઢવાણમાં. 1903માં મૅટ્રિક થયા બાદ કર્મભૂમિ તરીકે અમદાવાદ પસંદ કર્યું. તેમણે ‘રાજસ્થાન’ અને ‘જૈનોદય’ પત્રોનું સંપાદનકાર્ય કરેલું. એના સંપાદકીય અનુભવોના આધારે 1919માં ‘ગુજરાત સમાચાર’ તરફથી પ્રગટ થતા ‘પ્રજાબંધુ’ સાપ્તાહિકમાં તેઓ જોડાયા અને સહતંત્રીનો હોદ્દો પ્રાપ્ત કર્યો. તેમાં તેમણે પ્રાસંગિક નોંધો, પુસ્તકોનાં અવલોકનો આપવાની પ્રણાલી શરૂ કરી. તેમાંથી લાંબા સમયે નિવૃત્ત થયા બાદ ‘અખંડ આનંદ’ માસિકના સંપાદક તરીકે તેમણે કામગીરી કરી. 1941માં ગુજરાતી સાહિત્ય પરિષદના પત્રકાર વિભાગના તેઓ પ્રમુખ રહેલા.

ચુનીલાલ વર્ધમાન શાહ

તેમણે ‘સાહિત્યપ્રિય’ તખલ્લુસથી લેખક તરીકેની કારકિર્દી શરૂ કરી, અને નવલકથા તથા વાર્તાસંગ્રહના ક્ષેત્રે ઠીક ઠીક પ્રદાન કર્યું. તેમને ખાસ કરીને ઇતિહાસમાં વધુ રુચિ હોવાને કારણે પ્રારંભમાં બંગાળી, મરાઠીના હિંદી અનુવાદનો આધાર લઈને તેમણે ગુજરાતીમાં નવલકથાઓ રચવા માંડી. ગુજરાતી, હિંદી, મરાઠી, બંગાળી, ઉર્દૂ અને અંગ્રેજી ભાષા પર તેઓ સારુ પ્રભુત્વ ધરાવતા. ‘ધારાનગરીનો મુંજ’ (1911) ઐતિહાસિક નવકલથાથી તેમને સારી પ્રસિદ્ધિ મળી. ત્યારબાદ તેમણે ‘કર્મયોગી રાજેશ્વર’ (1935); ‘રાજહત્યા’ (1937); ‘અવંતીનાથ’ (1939); ‘સોમનાથનું શિવલિંગ’ (1913); ‘વસઈનો ઘેરો’ (1916); ‘પાટણની પડતીનો પ્રારંભ’ (1916); ‘મૂળરાજ સોલંકી’ (1920); ‘રૂપમતી’ (1941); ‘એકલવીર’ અને ‘નીલકંઠનું બાણ’ (1947) ખાસ ઉલ્લેખનીય ઐતિહાસિક નવલકથાઓ આપી.

ત્યારબાદ સામાજિક નવલકથાઓમાં ‘જિગર અને અમી’ (1944) અતિ લોકપ્રિય બનેલી. ‘વિષચક્ર’ (1946); ‘સંધિકાળ’ (1956); ‘કંટક-છાયો પંથ’ (1961) જેવી રોમૅન્ટિક અને મહત્વાકાંક્ષી નવલકથાઓ તેમણે આપી. ‘એક માળાનાં ત્રણ પંખી’માં તેમણે બે પેઢીઓ વચ્ચેનો વિચારસંઘર્ષ પ્રસ્તુત કર્યો છે.

જ્યારે ટૂંકી વાર્તાક્ષેત્રે તેમણે ‘રૂપાનો ઘંટ’ (1942); ‘વર્ષા અને બીજી વાતો’ (1954); ‘કાળની પાંખે’ (1958) નામક સંગ્રહો આપ્યા છે. તેમણે ‘ચાંપરાજ હાંડો’ (1906), ‘દેવનર્તકી’ (1958) અને ‘સાક્ષર મહાશય’ (1964) જેવાં નાટકો પણ આપ્યાં છે. ‘રત્ન જીવનજ્યોત’ (1943) તેમનો ચરિત્રસંગ્રહ છે. બાળસાહિત્યક્ષેત્રે તેમનાં ‘ધરતીને ખોળે’ (1944) અને ‘હૈયાનું ધામ’ (1963) પુસ્તકો જાણીતાં છે. ગુજરાત સાહિત્ય સભાના અન્વયે તેમણે 1930-31ના ગ્રંથસ્થ વાઙ્મયની સમીક્ષા પણ આપી છે. ‘હૈયાની થાપણ’ (1956) તેમજ ‘ભોળો ખેડૂત’ જેવા કેટલાક અનુવાદો પણ તેમની પાસેથી મળ્યા છે.

તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1937ના વર્ષનો રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો.

મધુસૂદન પારેખ