શાહ, કલાબહેન (ડૉ.) (જ. સુરેન્દ્રનગર) : મેનોપૉઝ ક્લબના સ્થાપક. તેમનાં માતાનું નામ મંગલાબહેન અને પિતાનું નામ અમરતભાઈ વકીલ. શિક્ષિત પરિવારમાં જન્મેલાં. એમના જન્મના સમયે એવું કહેવાતું કે દીકરી જન્મે એટલે ‘પથરો જન્મ્યો’. કલાબહેનના જન્મ વખતે કોઈકે આવું કહ્યું ત્યારે કલાબહેનના પિતાએ જવાબ આપ્યો કે, ‘મારો આ સાતમો પથરો સમાજને ઉપયોગી થવા આવ્યો છે.’

કલાબહેન તેમનાં માતા-પિતાનું સાતમું સંતાન હતાં. તેમના પિતાની આગાહી સાવ સાચી પડી. કલાબહેને સમાજનું ખૂબ ભલું કર્યું છે અને આજે પણ તેઓ કરી રહ્યાં છે. કલાબહેને છ વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવી હતી અને 21 વર્ષનાં થયાં ત્યારે માતા ગુમાવ્યાં હતાં.

કલાબહેન ભણવામાં પહેલેથી જ તેજસ્વી હતાં. તેઓ હંમેશાં પહેલા-બીજા નંબરે પાસ થતાં. 1961માં તેઓ ઇન્ટરમાં પ્રથમ વર્ગમાં પાસ થયાં. અમદાવાદની પ્રસિદ્ધ બી. જે. મેડિકલ કૉલેજમાંથી એમ.ડી. થયાં.

1971માં તેઓ પીડિયાટ્રિક સર્જન અશોકભાઈ સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. અશોકભાઈ અમદાવાદના જાણીતા બાળરોગ નિષ્ણાત. વિચક્ષણ અને વિશેષ વ્યક્તિત્વ ધરાવતા શ્રી અશોકભાઈએ જીવનના ઉત્તરાર્ધમાં ત્રણ પુસ્તકોનું સર્જન કર્યું છે : ‘વિચારનો દીવો’, ‘જીવન એક પ્રસંગ’ અને ‘જીવન એક અનુભવ’. વાંચવા જેવાં અને સમજવા જેવાં આ ત્રણ પુસ્તકો જીવનને ઊર્ધ્વમય બનાવે તેવાં સભર છે.

1971માં ડૉ. કલાબહેન અને અશોકભાઈ ઇંગ્લૅન્ડ અભ્યાસાર્થે ગયાં. ત્યાં અભ્યાસ પૂરો કરીને કલાબહેને ઇંગ્લૅન્ડમાં તબીબી તરીકે પ્રૅક્ટિસ કરવાનું લાઇસન્સ મેળવીને ત્યાંની હૉસ્પિટલમાં કામ પણ કર્યું. 1975માં બંને જણાં અમેરિકા ગયાં. અહીં મેડિકલ પ્રૅક્ટિસ કરી ખૂબ અનુભવ મેળવ્યો.

પોતાના દેશ ભારતનું તેમના હૈયે ગૌરવ હોવાથી તેઓ બંને 1980માં ભારત પરત ફર્યાં. ભારતના લોકોની સેવા કરવાનું તેમનું ધ્યેય હોઈ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં કલાબહેને 1981માં નારણપુરા નર્સિંગ હોમની સ્થાપના કરી. પ્રેમાળ, પરગજુ અને મિલનસાર સ્વભાવના કારણે અને સંપૂર્ણ વ્યાવસાયિક સજ્જતાના કારણે તેમનું ક્લિનિક આખા અમદાવાદમાં જાણીતું બન્યું. 2008માં કલાબહેન શાહે ધીકતી પ્રૅક્ટિસ છોડીને નિવૃત્તિ લઈ લીધી.

બહેનોને મેનોપૉઝમાં આવતી તકલીફો અને પીડાના કારણે તેમણે ખૂબ સહન કરવું પડે છે તેને દૂર કરવા માટે જીવનસાથી ડૉ. અશોકભાઈએ સૂચન કર્યું. તેમણે જણાવ્યું કે ‘તું ડૉક્ટર છે, શરીર વિશે ખૂબ જાણે છે, તારી પાસે સાધન-સુવિધા છે’ તેથી મેનોપૉઝમાં બહેનોની થતી તકલીફો દૂર કરવા આ દિશામાં તારે વિચારવું જોઈએ. ડૉ. કલાબહેનના હૃદયમાં મહિલાઓ માટે, બાળકો માટે અને સમાજ માટે ખૂબ જ કરુણા હતી. તેથી તેમણે જીવનસાથી શ્રી અશોકભાઈની વાતને ગંભીરતાથી લઈને પોતાની મેડિકલ પ્રૅક્ટિસ બંધ કરીને સમાજમાં મેનોપૉઝ અંગેની જાગૃતિ લાવવાના માર્ગને પસંદ કર્યો.

મેનોપૉઝ અવસ્થામાં સ્ત્રીનાં તન અને મન બંને પર મોટી અસર થતી હોય છે. આ પરિસ્થિતિમાં હોર્મૉન્સમાં થતા ફેરફારને કારણે સ્ત્રીઓ બેચેની અનુભવે, ખૂબ ગુસ્સો આવે, તેમને કશું ગમે નહિ, અકારણ રડવું આવે, ગભરામણ થાય તેમજ કેટલીક સ્ત્રીઓ તો ડિપ્રેશનમાં પણ આવી જાય. એવું પણ બને કે સ્ત્રીઓ આત્મહત્યા પણ કરી લે. મેનોપૉઝ એટલે મહિલાઓ માટે પીડાનો પ્રદેશ અને મેનોપૉઝ એટલે પીડાનું એવરેસ્ટ.

1999માં ડૉ. કલાબહેને મેનોપૉઝ ક્લબ શરૂ કરી. મેનોપૉઝ વિશે લોકજાગૃતિ લાવવાના પ્રયોજનથી સ્થપાયેલી ભારતની આ પહેલી મેનોપૉઝ ક્લબ હતી. દીર્ઘદ્રષ્ટા ડૉ. કલાબહેન શાહ પાયોનિયર બન્યાં. મેનોપૉઝની જાગૃતિ લાવવાના કાર્યને ડૉ. કલાબહેને પોતાનું જીવનકાર્ય જ બનાવી દીધું. તેમણે ગુજરાતમાં આ કાર્ય વિશે ટીમ ઊભી કરી. તેમાં ડૉક્ટરો પણ જોડાયા. ક્લબની પ્રવૃત્તિનો વિસ્તાર થયો. વ્યાખ્યાનો, પરિસંવાદો, શિબિરો અને મહિલાઓના શરીર તપાસના કૅમ્પો વારંવાર થવા લાગ્યા. હજારો લોકોએ તેનો લાભ લીધો.

ડૉ. કલાબહેનના આ દિશામાં થયેલા નિઃસ્વાર્થ પ્રયાસોથી બહેનોમાં જાગૃતિ આવી અને સુદૃઢ સમાજનું નિર્માણ શક્ય બન્યું.

કનુભાઈ શાહ