શાહ કમિશન : 26 જૂન 1975ના રોજ તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ દેશભરમાં જાહેર કરેલ કટોકટી દરમિયાન સરકાર દ્વારા કરવામાં આવેલા અત્યાચારોની તપાસ કરવા કમિશન ઑવ્ ઇન્ક્વાયરી ઍક્ટ, 1956ની જોગવાઈઓ અનુસાર નીમવામાં આવેલ તપાસ પંચ. આ એક-સદસ્યીય તપાસ પંચના અધ્યક્ષસ્થાને ન્યાયમૂર્તિ જે. સી. શાહની નિમણૂક થયેલી હોવાથી તે પંચ ‘શાહ કમિશન’ના ટૂંકાક્ષરી નામથી ઓળખાય છે. 1975માં દેશમાં લાદવામાં આવેલી કટોકટીની પૃષ્ઠભૂમિ તપાસતાં જાણવા મળે છે કે તે પૂર્વે કૉંગ્રેસ પક્ષને ઘણા મોરચાઓ પર પીછેહઠ કરવી પડી હતી. દા.ત., 1973-74માં ગુજરાતના યુવકોએ ‘નવનિર્માણ’ના સૂત્ર હેઠળ રાજ્યની સરકાર વિરુદ્ધ આંદોલન કરી તેને રાજીનામું આપવાની તથા વિધાનસભાનું વિસર્જન કરવાની ફરજ પાડી હતી; લોકનાયક જયપ્રકાશ નારાયણે બિહારમાં યુવકોનું આંદોલન શરૂ કર્યું હતું. સમગ્ર દેશમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર ફેલાયો હતો; જયપ્રકાશ નારાયણની દોરવણી અને રાહબરી હેઠળ બધા જ કૉંગ્રેસવિરોધી પક્ષો એક ધજા હેઠળ કૉંગ્રેસપક્ષને ટક્કર મારવા ભેગા થયા હતા. અધૂરામાં પૂરું 12 જૂન 1975ના રોજ અલ્લાહાબાદની વડી અદાલતે એક ઐતિહાસિક ચુકાદા દ્વારા ઉત્તરપ્રદેશના રાયબરેલી મતવિસ્તારમાંથી ઇન્દિરા ગાંધીની લોકસભા માટે થયેલી ચૂંટણી ગેરકાયદેસર જાહેર કરી હતી તથા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ચાર કૉંગ્રેસવિરોધી પક્ષોએ સંયુક્ત રીતે ગુજરાતમાં કૉંગ્રેસને શિકસ્ત આપી સરકારની રાજ્યમાં સંયુક્ત રચના કરી હતી.

કટોકટી જાહેર થયા પછી દેશભરમાં નાગરિકોના મૌલિક અધિકારો નિરસ્ત કરવામાં આવ્યા હતા, વિરોધ પક્ષના નેતાઓની વ્યાપક પ્રમાણમાં ધરપકડ કરવામાં આવી હતી; જેમાં જયપ્રકાશ નારાયણ જેવા આજન્મ ગાંધીવાદી રચનાત્મક કાર્યકરોનો પણ સમાવેશ થયો હતો. ઇન્દિરા ગાંધી અને કૉંગ્રેસની ટીકા કરનારાઓની સામે દમનકારી પગલાંઓ લેવામાં આવ્યાં હતાં, શિસ્તના નામે લોકશાહીની રીતરસમોનો સદંતર છેદ ઉડાડી દેવામાં આવ્યો, દિલ્હી અને દેશનાં બીજાં શહેરોના ગરીબ વિસ્તારો અને ઝૂંપડપટ્ટીઓ પર જાહેર સ્વાસ્થ્યના નામે બુલડોઝરો ફેરવી તેમને જમીનદોસ્ત કરવામાં આવ્યાં, ઉત્તર ભારતના ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ જેવાં રાજ્યોમાં પરિવાર નિયોજનના ઓઠા હેઠળ પુરુષોની ફરજિયાત નસબંદી કરાવવાની ઝુંબેશ ચલાવવામાં આવી અને સૌથી ઘૃણાસ્પદ બીના તો એ બની કે ઇન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધી જાણે કે દેશના સર્વેસર્વા હોય એવી રીતે સરકારી અમલદારોને આદેશ આપવા લાગ્યા. ન્યાયાલયોનું અસ્તિત્વ પણ અપ્રસ્તુત બનાવી દેવામાં આવ્યું અને તેમને ‘નિષ્ક્રિય’ બનાવી દેવામાં આવ્યા. ઇન્દિરા કૉંગ્રેસ ઇચ્છે તેવા નાગરિકોનું દમન કરવાની સત્તા ખુલ્લેઆમ પોલીસદળે ઝૂંટવી લીધી હતી. લોકો ભયના વાતાવરણમાં જીવતા હતા.

1977માં કટોકટી ઉઠાવી લેવામાં આવી અને ત્યારપછી દેશમાં જે સામાન્ય ચૂંટણી થઈ તેમાં કૉંગ્રેસનો કારમો પરાજય થયો અને મોરારજી દેસાઈના નેતૃત્વ હેઠળ જનતા પાર્ટીની સરકારે કેન્દ્રમાં શાસન સંભાળ્યું. ઉપર્યુક્ત ફેરફાર પછી દેશની નવી સરકારે જે કેટલાક મહત્વના નિર્ણયો લીધા તેમાં કેટલાંક કમિશનો નીમવાનો પણ કેન્દ્ર સરકારે નિર્ણય લીધો અને તે મુજબ કટોકટી(1975-77)ના ગાળા દરમિયાન દેશમાં જે અત્યાચારો થયા તેની તપાસ કરવા માટે સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ જયંતીલાલ છોટાલાલ શાહના અધ્યક્ષપણા હેઠળ એક-સદસ્યીય કમિશનની રચના કરવામાં આવી હતી.

આ કમિશને પોતાના અહેવાલમાં જે કેટલીક મહત્વની ભલામણો કરી હતી તેમાં ન્યાયદાનની પ્રક્રિયા પારદર્શક અને ઝડપી થાય તે માટે ખાસ ન્યાયાલયો(special courts)ની રચના કરવી, પોલીસ-દળને રાજકારણથી મુક્ત રાખવું તથા જે ઉદ્દેશથી તેનું સંગઠન રચવામાં આવે છે માત્ર તે જ ઉદ્દેશોની પૂર્તિ કરવા માટે કાયદાઓની મર્યાદાઓને અંતર્ગત ગણાય તે રીતે સરકારે તેનો ઉપયોગ કરવો, દેશનાં ગુપ્ત સંગઠનો (intelligence agencies) પર સતત દેખરેખ રાખવી તથા સ્વતંત્ર અને નિષ્પક્ષ છબી ધરાવતાં ફોરમો દ્વારા જ તેમના કાર્યનું તથા તેમની કાર્યપ્રણાલીનું સમય સમય પર મૂલ્યાંકન કરવું – આ મુખ્ય ભલામણોનો સમાવેશ થાયો હતો. આ ભલામણોમાંથી જનતા સરકારના કાર્યકાળ (1977-80) દરમિયાન કેટલીક ભલામણો કાર્યાન્વિત કરવામાં આવી હતી. દા.ત., જનતા સરકારે ‘સ્પેશ્યલ કૉર્ટ્સ બિલ’ તૈયાર કર્યું હતું અને તેમાં એવી જોગવાઈ કરવામાં આવી હતી કે જે અમલદારો જાહેર પદો પર કામ કરતા હોય છે તેઓ પ્રજાના કલ્યાણના ટ્રસ્ટી હોવાથી જો તેઓ તેમની ફરજોમાં કોઈ કસૂર કરે તો તેમને આ કાયદા હેઠળ ગુનેગાર ગણી શિક્ષાને પાત્ર ઠેરવવામાં આવે. 1980માં ઇન્દિરા ગાંધીના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં કૉંગ્રેસ પક્ષ ફરી સત્તા પર આવતાં બે મુખ્ય દલીલો આગળ ધરી આ કાયદો રદબાતલ કરવામાં આવ્યો : (1) ઇન્દિરા ગાંધીને શાહ કમિશન સમક્ષ હાજર થવાની ના પાડવા બદલ તથા તેની સમક્ષ સોગંદ લેવાની અને પોતાના તરફી બયાન આપવાની ના પાડવા બદલ કિન્નાખોરીથી તેમના પર કામ ચલાવવા માટે આ કાયદો ઘડવામાં આવ્યો હતો. તથા (2) દિલ્હીની વડી અદાલતે 12 જેટલાં કારણો આપી શાહ કમિશનને સ્વયંવિસર્જિત, કાલબાહ્ય, નકામું અને તેથી અપ્રસ્તુત (infructuous) જાહેર કર્યું હતું. આમ શાહ કમિશનનું અસ્તિત્વ જ સમેટાઈ ગયું અને આજે તો કટોકટી દરમિયાન થયેલા અત્યાચારોની જે વિગતો કમિશને પુરાવા સાથે ભેગી કરી હતી અને જેમનો ઉલ્લેખ કમિશને પોતાના અહેવાલમાં કર્યો હતો તે પુરાવા પણ ઉપલબ્ધ નથી, કારણ કે ઇન્દિરા ગાંધીના નેતૃત્વ હેઠળ 1980માં કૉંગ્રેસ પક્ષ કેન્દ્રમાં વિશાળ બહુમતી સાથે સત્તા પર આવ્યા બાદ તે બધાંનો ઇરાદાપૂર્વક નાશ કરવામાં આવ્યો હતો, એટલું જ નહિ; પરંતુ ઉપર્યુક્ત કમિશનની કાર્યવાહી દરમિયાન તેની સાથે જે અધિકારીઓ સંકળાયેલા હતા તેમનો પણ એક પછી એક છેદ ઉડાડી દેવામાં આવ્યો હતો, જેમાં કમિશનના સચિવ પી. રાજગોપાલ તથા એન. કે. સિંગ અને આર. સી. શર્મા જેવા તપાસ-અધિકારીઓનો પણ સમાવેશ થયો હતો. આમ, કટોકટી સ્વયં જેટલી દુ:ખદાયક નીવડી હતી તેટલી જ દુ:ખદાયક શાહ કમિશનની કારકિર્દી પણ નીવડી હતી.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે