શાહ, કુંદન (. 1947) : ચલચિત્ર-દિગ્દર્શક, પટકથાલેખક. હળવી શૈલીનાં હાસ્ય-ચિત્રો બનાવવા માટે જાણીતા કુંદન શાહે 1983માં તેમનું પહેલું ચિત્ર ‘જાને ભી દો યારોં’ આપેલું. તે નવી જ શૈલીનું હાસ્યચિત્ર બની રહ્યું હતું ને આ ચિત્રે તેમને પ્રતિભાશાળી દિગ્દર્શકોમાં સ્થાન અપાવી દીધું હતું. આ ચિત્ર હવે તો ભારતીય હાસ્યચિત્રોમાં પ્રશિષ્ટ ચિત્ર તરીકે સ્થાન મેળવી ચૂક્યું છે. તેમણે પુણે ખાતેની ફિલ્મ્સ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડિયામાંથી ચલચિત્રનિર્માણનો ડિપ્લોમા મેળવ્યો એ દરમિયાન મૂક હાસ્યચિત્રોમાં વધુ રસ લીધો હતો. દરમિયાનમાં ટેલિવિઝન પર પ્રાયોજિત કાર્યક્રમો શરૂ થતાં કુંદન શાહે પહેલી હાસ્ય ધારાવાહિક ‘યે જો હૈ જિંદગી’નું દિગ્દર્શન કર્યું હતું. દરમિયાનમાં અર્થપૂર્ણ ચિત્રોના સર્જનમાં રસ ધરાવતા સર્જકો સઇદ મિરઝા, અઝીઝ મિરઝા અને સુધીર મિશ્રા સાથે મળીને તેમણે એક ચિત્રનિર્માણસંસ્થા ‘ઇસ્કા’ની સ્થાપના કરી હતી. તેના નેજા હેઠળ

કુંદન શાહ

1987માં ટેલિવિઝન માટે ધારાવાહિક ‘નુક્કડ’નું નિર્માણ કર્યું હતું. શેરીના નાકે ભેગા મળતા યુવાનોની આશાઓ અને આકાંક્ષાઓ, તેમની નાની સફળતાઓ ને મોટી નિષ્ફળતાઓ, રોજિંદી જિંદગીમાં ઊભી થતી સમસ્યાઓ સાથેનો તેમનો સંઘર્ષ વગેરે પાસાંઓને આવરી લઈને હળવી પણ ચોટદાર શૈલીમાં બનાવાયેલી એ ધારાવાહિક ખૂબ સફળ થઈ હતી. તેના કેટલાક હપ્તાઓનું દિગ્દર્શન કુંદન શાહે કર્યું હતું. એ પછી ધારાવાહિક ‘પોલીસસ્ટેશન’ થોડાક વિવાદમાં પણ સપડાઈ હતી, પણ ધારાવાહિક ‘સર્કસ’ સમય જતાં હિંદી ચિત્રોના અતિ લોકપ્રિય અભિનેતા બનેલા શાહરૂખખાન માટે ચલચિત્રોમાં જવા માટેની એક સફળ સીડી પુરવાર થઈ હતી. 1993માં શાહરૂખખાનને લઈને તેમણે બનાવેલ ચિત્ર ‘કભી હાં કભી ના’ પણ સફળ રહ્યું હતું. 2000માં કુંવારી માતાની સમસ્યાને લઈને તેમણે બનાવેલું ચિત્ર ‘ક્યા કહના’ પણ સરેરાશ હિંદી ચિત્રો કરતાં જુદી શૈલીનું હોવા છતાં તેને વ્યાવસાયિક સફળતા પણ મળી અને સમીક્ષકોએ પણ તે વખાણ્યું હતું. 2005માં ‘તીન બહનેં’ ચિત્ર નવી દિલ્હી ખાતે એશિયન ચિત્ર-મહોત્સવમાં રજૂ થયું હતું. આ ચિત્રમાં તેમણે 1988માં કાનપુરમાં દહેજને કારણે સામૂહિક આપઘાત કરનાર ત્રણ બહેનોની આપઘાત પહેલાંની મન:સ્થિતિનું નિરૂપણ કર્યું હતું. ‘કભી હાં કભી ના’ને શ્રેષ્ઠ ચિત્રનો તથા શાહરૂખખાનને શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેરનો ક્રિટિક ઍવૉર્ડ મળ્યો હતો.

નોંધપાત્ર ચિત્રો : ‘જાને ભી દો યારોં’ (1983), ‘નુક્કડ’ (ટીવી ધારાવાહિક) (1986), ‘કભી હાં કભી ના’ (1993), ‘ક્યા કહના’, ‘હમ તો મોહબ્બત કરેગા’ (2000), ‘દિલ હૈ તુમ્હારા’ (2002), ‘એક સે બઢકર એક’ (2004), ‘તીન બહનેં’ (2005).

હરસુખ થાનકી