શાહ, આશારામ દલીચંદ (. 8 ફેબ્રુઆરી 1842, રાજકોટ; . 26 માર્ચ 1921, અમદાવાદ) : મોરબી, લાઠી, માળિયા રાજ્યોના કારભારી અને મોરબી હાઈસ્કૂલના હેડમાસ્તર. જ્ઞાતિએ શ્રીમાળી વાણિયા. તેમના પિતા દલીચંદ રાજકોટમાં કાપડની દુકાન ચલાવતા, અને સારી કમાણી થતી. આ કુટુંબ સ્વામીનારાયણ ધર્મ પાળતું. કેટલાંક વર્ષો બાદ તેઓ અમદાવાદ આવીને વસ્યા.

આશારામ દલીચંદ શાહ

આશારામે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રાજકોટમાં લીધું. તેમણે 1859માં એન્ટ્રન્સ પરીક્ષા પાસ કરી. એ જ વર્ષે લીંબડી જઈને શાળાના શિક્ષક થયા; અને લીંબડીના કુંવર જશવંતસિંહને ભણાવવા શિક્ષક નિમાયા. જુલાઈ 1863માં લીંબડીથી આશારામની બદલી જામનગરની શાળામાં થઈ. ત્યાંના દીવાને શાળામાંથી રાજીનામું અપાવીને તેમને જામનગર તથા આમરણ વચ્ચે ધ્રાફા અને બીજાં સાતઆઠ ગામ વિશે તકરાર ચાલતી હતી તેમાં નીમ્યા. પંચ નારાયણરાવ ખારકરે જામનગરના લાભમાં ચુકાદો આપ્યો. તેનો યશ વિનાયકરાવ ભાગવત અને આશારામને મળ્યો. તે પછી તેઓ રાજકોટ ગયા અને એજન્સીની કોરટોમાં વકીલાત કરવાની સનદ મેળવી.

જામનગરની રાજકીય ખટપટને કારણે આશારામને ત્યાંથી રજા મળી. તે પછી મોરબીના ઠાકોર રવાજીએ આશારામને પાટવી કુમાર વાઘજીના શિક્ષકનું કામ સોંપ્યું. તે સાથે તેમને ખાનગી કારભારીનું કામ પણ સોંપ્યું અને ‘ન્યાયસભા’ નામે મસલતી સમિતિમાં પણ નીમ્યા. મોરબીના ઠાકોર રવાજીના અવસાન બાદ નિમાયેલા વહીવટદાર શંભુપ્રસાદે આશારામને એમની જ માગણીથી મોરબીની શાળાના હેડમાસ્તર નીમ્યા.

રાજકોટ એજન્સીના મેજર વૂડહાઉસની ભલામણથી માળિયાના ઠાકોરસાહેબે આશારામને મોરબી રાજ્ય પાસેથી માગી લઈને પોતાના કારભારી નીમ્યા. આશારામ મુત્સદ્દીની સાથે લડાયક પ્રકૃતિના હતા. ઘોડેસવારી કરવાના અને શસ્ત્રાસ્ત્ર ખેલવાના પણ શોખીન હતા. તેમણે આ કારભાર ત્રણેક વર્ષ કર્યો અને મિયાણાંની તમામ હિલચાલ ઉપર નજર રાખીને હથિયારો પડાવી લેવાની તક જવા દીધી નહિ. અફઘાન વિગ્રહ દરમિયાન ઘોડેસવારોની હૈદરાબાદને રસ્તે સમરાંગણમાં જતી એક પલટણ માળિયે રાત રોકાઈ; ત્યારે કમાંડિંગ ઑફિસરના તંબૂ આગળ ચોકી કરતા સૈનિકને ગોળી મારી કોઈએ મારી નાખ્યો. જતાં પહેલાં કમાંડિંગ ઑફિસર રાતના ખૂન થયું તેની કેફિયત એજન્સીમાં મોકલતો ગયો. તેથી આશારામે આખા ગામમાંથી બધાં જ હથિયારો – અનેક ગાડાં ભરાય એટલાં પડાવી લઈ રાજકોટ એજન્સીને સોંપી દીધાં.

આશારામે કારભારી લેખે ક્ષાત્રગુણો તથા વિદૃષ્ટિ માટે આવશ્યક ચતુરાઈ બતાવી યશ મેળવ્યો. છતાં ઘણા લોકો તેમને બાહોશ શિક્ષક અને સફળ ગુરુવર્ય માનતા હતા. એજન્સી સરકારે તેમને બઢતી આપી, હાલાર ઝાલાવાડના ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર નીમ્યા. આ કામ અંગે તેમને ચોમાસું રાજકોટમાં ગાળવું પડતું હોવાથી કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ, બીજા ઉચ્ચ અધિકારીઓ, રાજ્યોના દીવાનો અને કેટલાક રાજાઓ સાથેનો પરિચય વધ્યો.

દર વર્ષે એક વાર એજન્સીને બંગલે રાજ્યોના કારભારીઓની સભા મળતી. માળિયાના કારભારી લેખે અને પછી લાઠીના મૅનેજર લેખે આશારામ આ સભામાં ઘણાં વર્ષ બેઠા હતા. તેમાં તેમનાં સૂચનો સ્વીકારાતાં અને તેમને અનુકૂળ થવા મથતા. તેથી કોઈ પણ નવી જગા ખાલી પડે તેમાં બાહોશ, અનુભવી અને પ્રામાણિક માણસ તરીકે તેમનું નામ સૂચવાતું.

જુલાઈ 1886માં આશારામ લાઠીના મૅનેજર (કારભારી) નિમાયા. તેમણે પોતાનું પ્રિય કેળવણી ખાતું છોડવું પડ્યું. 1892 સુધી તે લાઠીમાં રહ્યા. તે પછી આશારામ ચૂડામાં અને ચૂડા પછી બાંટવે અને ગીદડ (હાલનું સરદારગઢ) કારભારી તરીકે નિમાયા હતા.

એમણે નિવૃત્તિ બાદ ગુજરાતી ભાષાની સેવા કરી. એમણે એક ‘કહેવતસંગ્રહ’ તૈયાર કર્યો જે ખૂબ જાણીતો થયો. આ વિદ્યાકીય પ્રવૃત્તિ માટે તેમણે ઘણો સમય ગાળ્યો હતો. તેની પ્રથમ આવૃત્તિ 1911માં અને સુધારાવધારા સાથેની બીજી આવૃત્તિ તેમના અવસાન પછી 1923માં પ્રગટ થઈ. તેમણે આણંદજી કલ્યાણજીની પેઢીમાં તથા શ્રી સ્વામીનારાયણ મંદિરના ટ્રસ્ટી તરીકે વર્ષો સુધી કામ કર્યું હતું. તેઓ એક સારા ઘોડેસવાર હતા. ઊંટ ઉપર બેસીને પણ લાંબો પથ ઝડપથી કાપી શકતા હતા. તેઓ તલવાર, બંદૂક, પિસ્તોલ, કટાર વાપરી જાણતા હતા. મોરબીથી અમદાવાદ સુધી 225 કિમી.ની મુસાફરી બાવીસ-ત્રેવીસ કલાકમાં ઊંટ પર બેસીને તેમણે વારંવાર કરી હતી. તેમની સ્મરણશક્તિ અસાધારણ હતી. તેમને ભજન-કીર્તનો ગાવાનો શોખ હતો.

તેઓ મોરબીમાં હતા ત્યાં સુધી આસપાસનાં ગામડાંના સારા કુળના મુસ્લિમ વિદ્યાર્થીઓને પોતાને ઘેર રાખીને તેમને ભણાવતા અને તેમનું બધું ખર્ચ પોતે ઉપાડતા હતા. એ રીતે તેઓ હિંદુ-મુસ્લિમ એકતાના પ્રખર હિમાયતી હતા.

જયકુમાર ર. શુક્લ