શાહઆલમ, સિરાજુદ્દીન મોહંમદ (. 1407; . 1475, અમદાવાદ) : અમદાવાદના ખૂબ મશહૂર મુસલમાન સંત. એમનું આખું નામ ‘સિરાજુદ્દીન અબુલ બરકાત સૈયદ મુહમ્મદ હજરત શાહઆલમસાહેબ બુખારી’ હતું. તેઓ વટવાના જાણીતા સંત કુતુબેઆલમસાહેબના અગિયારમા પુત્ર હતા. ઈ. સ. 1453માં પિતાના અવસાન બાદ તેમણે બુખારી સૈયદોની આગેવાની લીધી. તેમની માતાનું નામ બીબી અમીના સુલતાન ખાતૂન હતું.

સરખેજના નામાંકિત સંત અહમદ ખટ્ટુ પાસેથી તેમણે મઘરબી પંથનું અને પોતાના પિતા કુતુબેઆલમસાહેબ પાસેથી પણ જ્ઞાન મેળવ્યું હતું. તેમણે સિંધના જામની બંને દીકરીઓ સાથે લગ્ન કરેલું. એ સગાઈથી અહમદશાહનો દીકરો સુલતાન મુહમ્મદ તેમનો સાઢુ થતો હતો. સુલતાન મહમૂદ બેગડો તેમની પાસે ઊછર્યો હતો. શાહઆલમસાહેબ તેના માસા થતા હતા. તેમણે કેટલાક સમય બાદ સુલતાન મહમૂદ બેગડાની મા સાથે પુનર્લગ્ન કર્યું હતું. આ રીતે ગુજરાતના સુલતાનો સાથે તેમને કૌટુંબિક સંબંધો હતા.

તેમને પાંચ પુત્ર અને ચાર પુત્રી હતાં. તેઓ શાહ ભીખન સિંધના જામની દીકરી બીબી મુરકીના પુત્ર હતા. એ નાની ઉંમરમાં મરણ પામ્યા હતા.

સંત ઉપરાંત તેઓ વિદ્વાન પણ હતા. તેમણે ‘રિસાલ એ મુહમ્મ-દિયા’ અને ‘તોહફતુલ ઓલિયા’ જેવા રસાલા ફારસીમાં લખ્યા હતા.

મહમૂદ બેગડાની જૂનાગઢ ચડાઈનું પણ તેઓ નિમિત્ત બન્યા હતા; જેનો ખ્યાલ માંગરોલના સૈયદ રૂક્નુદ્દીન સાથેના પત્રવ્યવહારથી આવે છે. રા’માંડલિકના પ્રજા પરના જુલ્મની ફરિયાદ કરતો પત્ર શાહઆલમસાહેબ પર સૈયદ રૂક્નુદ્દીને લખ્યો હતો. તેના પરિણામે તેઓ સલ્તનતના દીવાનને મળ્યા અને મહમૂદ બેગડાએ જૂનાગઢ પર ચડાઈ કરી. એ રીતે કુતુબેઆલમસાહેબના કહેવાથી શાહઆલમે સુલતાન કુતુબુદ્દીનને માળવાના સુલતાનને હરાવવામાં મદદ કરી હતી.

શાહઆલમસાહેબના વંશજો ‘શાહસૈયદો’ અને એમના પિતા કુતુબેઆલમસાહેબના વંશજો ‘કુતુબિયા સૈયદો’ કહેવાય છે.

શાહઆલમસાહેબ વિશે ‘મિરાતે અહમદી’નો કર્તા નોંધે છે કે, તેઓ ઘણા ઉદાર હતા અને પોતાનાં પહેરવાનાં વસ્ત્રો પણ કેટલીક વાર ગરીબોને આપી દેતા. ગરીબોને વહેંચવા માટે ધન એમને ગમે ત્યાંથી મળી જતું.

‘મિરાતે સિકંદરી’ના લેખક સિંકદર બુખારી સૈયદે હજરત શાહઆલમસાહેબના ચમત્કારોનું વર્ણન કર્યું છે. એમના ચમત્કારો અને વાતોનું એક અલગ પુસ્તક ‘હિકાયતે શાહી’ નામથી લખાયેલ છે. તેઓ શુક્રવાર સિવાય કોઈને મળતા નહિ અને અલ્લાહની ઇબાદતમાં સમય ગાળતા. તેમનો રોજો અમદાવાદની દક્ષિણે આવેલો છે.

ઈશ્વરલાલ ઓઝા