શાહ, આર. સી. (જ. 23 નવેમ્બર 1923, સંખેડા, જિ. વડોદરા) : ભારતના બૅંકિંગ ક્ષેત્રના અગ્રણી, બૅંક ઑવ્ બરોડાના પૂર્વ ચૅરમૅન તથા મેનેજિંગ ડિરેક્ટર અને ભારતની ‘એક્ઝિમ બૅંક’ના સ્થાપક-ચૅરમૅન. આખું નામ રણછોડલાલ ચુનીલાલ શાહ. અર્થશાસ્ત્ર વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીની બી.એ. (ઑનર્સ)ની પદવી પ્રાપ્ત કર્યા પછી ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ બૅંકર્સ, લંડનના ફેલો (FCIB) તથા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ બૅંકર્સના ફેલો (FIIB) થયા. 1944માં બૅંક ઑવ્ બરોડાની નોકરીમાં દાખલ થયા. 1948માં વિદેશમાં બૅંકિંગની તાલીમ માટે પસંદગી પામ્યા. ઉપર્યુક્ત તાલીમ પ્રાપ્ત કર્યા પછી ભારતમાં બૅંક ઑવ્ બરોડામાં વિવિધ પ્રકારનાં ઉચ્ચ વહીવટી પદો પર કામ કર્યું અને એક કુશળ વહીવટકર્તા તરીકે નામના મેળવી. 1955માં યુગાન્ડા તથા પૂર્વ આફ્રિકામાંની બૅંક ઑવ્ બરોડાની શાખાઓના મૅનેજરપદે તથા 1964માં યુનાઇટેડ કિંગ્ડમ તથા ગયાના (વેસ્ટ-ઇન્ડિઝ) ખાતેની શાખાઓના મૅનેજરપદે વરણી થઈ. યુરોપ તથા અમેરિકામાં બૅંકિંગ-ક્ષેત્ર સાથેના ભારતના સંબંધો વિકસાવવામાં તેમણે મહત્વનો ફાળો આપ્યો. 1971માં બૅંક ઑવ્ બરોડાના ડેપ્યુટી જનરલ મૅનેજરના પદ પર બઢતી મળતાં સ્વદેશ પાછા ફર્યા. 1975માં તે જ બૅંકના ચૅરમૅન તથા મૅનેજિંગ ડિરેક્ટર નિમાયા તથા 1981ના અંત સુધી તે પદ પર કાર્યરત રહ્યા. 1982-85 દરમિયાન ભારતની ‘એક્ઝિમ બૅંક’ના સ્થાપક-ચૅરમૅનપદે કામ કર્યું.
તેમણે તેમની બૅંકિંગ ક્ષેત્રની કારકિર્દી (1944-85) દરમિયાન જે અન્ય પદો શોભાવ્યાં છે તેમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ બૅંકર્સના વાઇસ ચૅરમૅન, ઇન્ડિયન બૅંકર્સ ઍસોસિયેશનના વાઇસ પ્રેસિડેન્ટ, જનરલ ઇન્સ્યોરન્સ કૉર્પોરેશન ઑવ્ ઇન્ડિયાના તથા ઍગ્રિકલ્ચરલ ફાઇનાન્સ કૉર્પોરેશન ઑવ્ ઇન્ડિયાના નિયામક, યુનિટ ટ્રસ્ટ ઑવ્ ઇન્ડિયાના ટ્રસ્ટી, ભારત સરકાર દ્વારા નિમાયેલ કૅપિટલ માર્કેટ ઍડવાઇઝરી કમિટીના ચૅરમૅન, રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયા દ્વારા નિમાયેલ હાઉસિંગ ફાઇનાન્સ કમિટીના ચૅરમૅન, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅનેજમેન્ટ, અમદાવાદ (IIMA) તથા નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ બૅંક મૅનેજમેન્ટની સંચાલન-સમિતિના સભ્યપદનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પણ ઘણી ખાનગી કંપનીઓ તથા જાહેર-ક્ષેત્રના એકમોના નિયામક મંડળ સાથે તેઓ સંલગ્ન હતા.
તેઓ ઇન્ડિયા ઇન્ટરનૅશનલ સેન્ટર, દિલ્હી; વેલિંગ્ટન ક્લબ, મુંબઈ; રૉયલ બૉમ્બે યાચ ક્લબ, મુંબઈ; ગરવારે ક્લબ, મુંબઈ તથા યુવરાજ ફતેસિંહ ગાયકવાડ જીમખાના વડોદરા જેવી સંસ્થાઓનું સભ્યપદ ધરાવે છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે