શાહઆલમનો રોજો (1531) : મહમૂદ બેગડાના સમયનું જાણીતું સ્થાપત્ય. અમદાવાદના મુસલમાન સંતોમાં શાહઆલમસાહેબ પ્રસિદ્ધ છે. તેમનું નામ આજદિન સુધી જાણીતું છે. 17 મે વર્ષે તેઓ સરખેજના પ્રસિદ્ધ સંત એહમદ ખટ્ટુગંજબક્ષસાહેબના પરિચયમાં આવ્યા અને મગરબી પંથનું જ્ઞાન લીધું. ગુજરાતની સલ્તનતના રાજકુટુંબ સાથે એમનો નજીકનો સંબંધ હતો. ‘મિરાંતે સિકંદરી’માં તેમના ઘણા ચમત્કારોનું વર્ણન છે.

શાહઆલમનો રોજો

મોટેભાગે રાજાઓ પોતાના રોજા જીવતા બાંધવાનું પસંદ કરતા, જ્યારે સંત લોકોના રોજા પાછળથી એમના શિષ્યો બાંધતા. શાહઆલમસાહેબનો રોજો પણ એમના અવસાન બાદ ઈ. સ. 1531માં તાજખાન નરપાલીએ બંધાવ્યો હતો.

અમદાવાદના જમાલપુર દરવાજા બહાર આવેલું ખામધ્રોલ ગામ (દાણી લીમડા) શાહઆલમસાહેબને મળ્યું હતું. ત્યાં તેમણે રસૂલાબાદ ગામ વસાવ્યું હતું. અમદાવાદથી વટવા જતાં તે માર્ગમાં આવે છે. રસૂલાબાદમાં બાંધકામોમાં શાહઆલમનો રોજો અમદાવાદના રોજાઓમાં સુંદર ગણાય છે.

આ રોજો 20 મીટરના ચોરસ પર બંધાયેલો છે. તેની બહારની બાજુના ચતુરસ્રમાં 28 અને અંદરની બાજુના ચતુરસ્રમાં 20 સ્તંભ છે. બીજા ચતુરસ્ર વિસ્તારની વચ્ચે અંતરાલ પડાળી છે. એની અંદરનો ચોરસ 12 સ્તંભવાળો છે; જેના પર ઘૂમટ આવેલો છે. એની ચારે બાજુ દરવાજાઓ ઉપરાંત પશ્ચિમના મુખ્ય દરવાજાની બંને બાજુ બીજા બે દરવાજાઓ છે. આમ કુલ 6 જાળીવાળા દરવાજાઓ છે. તેની નકશી ઉત્તમ છે. એવી જ રીતે રોજાની આસપાસની ભૌમિતિક આકૃતિઓની જાળીઓ પણ ખૂબ સુંદર છે. શાહઆલમના રોજાની આ જાળીઓ એટલી જાણીતી હતી કે શહેરના અતલસના કાપડ પર તે છપાતી. આવું કાપડ ઊંચી કિંમતે વેચાતું. રોજાની કબરની આસપાસ આરસનો સરસ કોતરેલો કઠેડો છે. એની ઉપર છીપના જડાઉ કામવાળી લાકડાની સુંદર છત્રીઓ છે, જે અકબરના સમયની છે. ઘૂંમટમાં પણ છીપનું જડાઉ કામ થયેલું છે. રોજાનાં જાણીતાં પિત્તળની જાળીવાળાં કમાડ પણ પાછળથી બનાવેલાં છે. રોજાની પડાળીના પૂર્વ છેડે બીજી સાત કબરો છે, જે શાહઆલમસાહેબના પુત્ર-પૌત્રોની છે અને એક નાની કબર એમના પોવટની છે.

આ રોજો તાજખાન નરપાલીએ બંધાવ્યો હોવાની વિગત દર્શાવતો લેખ દરવાજા ઉપર આરસની તખ્તીમાં કંડારેલો છે. તેમાં લખ્યું છે કે, ‘જેને સ્વર્ગનો બાગ જોવાની ઇચ્છા હોય, તે દુનિયાના ચંદ્ર જેવા શાહઆલમસાહેબના તેજસ્વી રોજાનું દર્શન કરે. આ સ્થળ દારઉલ અમન (મક્કા) જેવું સ્વચ્છ અને સુરભિવાળું છે.

અન્નપૂર્ણા શાહ